ફૅરનેસ ક્રીમ દ્વારા ગોરી થવા મહિલાઓ આવાં જોખમો ઉઠાવી રહી છે

ફેસિયલ કરાવતી મહિલાની પ્રતીકાત્મક તસવીર Image copyright AFP

"મારાં લગ્નનાં દિવસે હું ખૂબ જ ખરાબ લાગી રહી હતી. એ દિવસે હું ભયાનક લાગી રહી હતી."

આ શબ્દો સંઘમિત્રા પરેરા (બદલાયેલું નામ)નાં છે. સંઘમિત્રા શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રહે છે.

દક્ષિણ એશિયામાં રહેતી ઘણી મહિલાઓની જેમ સંઘમિત્રાએ પણ ગત વર્ષે પોતાનાં લગ્ન પહેલાં પોતાની ત્વચા સારી અને ચમકદાર લાગે તે માટે બ્યુટી ટ્રીટમેન્ટ કરાવી હતી.

તેઓ કહે છે, "લગ્નનાં બે મહિના પહેલાં હું એક સલૂનમાં ગઈ, જ્યાં તેમણે મને મારી ત્વચાને ગોરી બનાવવા માટે એક ક્રીમ આપી. એક અઠવાડિયા સુધી ક્રીમ વાપર્યા બાદ મારા ચહેરાનો તો રંગ જ ઊડી ગયો."

"હું ગોરી ત્વચા મેળવવા માગતી હતી, પણ અંતે મારી ત્વચા ખરાબ થઈ ગઈ."


કાળા ધબ્બા

લગ્ન માટે મહેમાનોની યાદી અને ખરીદીના પ્લાન બનાવવાને બદલે, 31 વર્ષીય દુલ્હન પોતાના બધા પૈસા સ્કીન ટ્રીટમેન્ટ પર ખર્ચવા લાગ્યાં.

"મને સફેદ ધબ્બા પડ્યા ત્યારબાદ તે કાળા ધબ્બામાં પરિવર્તિત થઈ ગયા."

ત્વચાને ગોરી કરવા માટે શિરોમાને સલૂનમાંથી જે ક્રીમ મળી હતી તેને શ્રીલંકામાં માન્યતા નથી.

તેની ગેરકાયદેસર રીતે આયાત કરવામાં આવે છે અને કાળાબજારમાંથી ખરીદવામાં આવે છે.

સંઘમિત્રાના ગળા પર જે કાળા ધબ્બા પડ્યા હતા તે હજુ પણ દેખાય છે. એક વર્ષ સુધી તેમણે તેની માટે ટ્રીટમેન્ટ પણ કરાવી છે.

ઘણી ફરિયાદો બાદ શ્રીલંકાના સત્તાધીશોએ ગેરકાયદેસર રીતે આયાત થતી ક્રીમના વેચાણ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

જોકે, એવું નથી કે આ માત્ર શ્રીલંકાની સમસ્યા છે. એશિયા અને આફ્રિકાના કરોડો લોકો, ખાસ કરીને મહિલાઓ ગોરી ત્વચા માટે પોતાને જોખમમાં મૂકી રહ્યાં છે.

Image copyright Getty Images

એવું અનુમાન છે કે ગોરી ત્વચા અંગની પ્રોડક્ટની ઇન્ડસ્ટ્રી વર્ષ 2017માં 480 કરોડ ડૉલરની હતી કે જે 2027 સુધીમાં 890 કરોડ ડૉલર સુધી પહોંચી જાય તેવી શક્યતા છે.

આ પ્રકારની ક્રીમની માગ મોટા ભાગે એશિયા અને આફ્રિકાના મધ્યમ વર્ગીય પરિવારોમાં વધારે છે.

શરીરમાં મેલેનિનનું સ્તર ઘટાડવા માટે બજારમાં સાબુ, ક્રીમ, દવા અને ઇન્જેક્શન મળી રહે છે.

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન પ્રમાણે આફ્રિકામાં દસમાંથી ચાર મહિલાઓ ત્વચા ગોરી કરવાની પ્રોડક્ટ વાપરે છે.

આફ્રિકાના દેશોમાં નાઇજિરિયા સૌથી ટોચના સ્થાન પર છે કે જ્યાં 77% મહિલા ત્વચા ગોરી કરવા માટે અલગઅલગ પ્રોડક્ટ વાપરે છે.

ટોંગોમાં 59% અને દક્ષિણ આફ્રિકામાં 35% મહિલાઓ આ પ્રકારની પ્રોડક્ટ વાપરે છે.

એશિયાની વાત કરીએ તો 61% ભારતીય અને 40% ચાઇનીઝ મહિલાઓ સ્કિન વ્હાઇટનિંગ પ્રોડક્ટ વાપરે છે.

ત્વચા ગોરી કરવા માટે દુનિયાભરના ગ્રાહકોની લાલચ વધી રહી છે, ત્યારે તેની સામે પડકાર પણ વધી રહ્યા છે.

ગત વર્ષે ઘાનાના સત્તાધીશોએ ગર્ભવતી મહિલાઓને ત્વચા ગોરી કરવા માટે દવા ન લેવા ચેતવણી આપી હતી.

ઘાનામાં મહિલાઓ એવી ગોળી લે છે, તેમને ભ્રમ છે કે તે લેવાથી તેમનું બાળક ગર્ભમાં જ ગોરું બનીને જન્મ લેશે.

દક્ષિણ આફ્રિકામાં આ પ્રકારની પ્રોડક્ટ વિરુદ્ધ કેટલાક કડક કાયદા અમલમાં મૂકવામાં આવ્યા છે.

તો આ વર્ષની શરૂઆતમાં જ ગેમ્બિયા, આઇવરી કોસ્ટ, રવાન્ડામાં હાઇડ્રોક્વિનન (સ્કીન વ્હાઇટનિંગ ક્રીમાં ઉમેરવામાં આવતું એક તત્ત્વ) ધરાવતી ક્રીમ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

હાઇડ્રોક્વિનનથી શરીરમાં મેલેનિનનું સ્તર ઓછું થાય છે પણ સાથે ત્વચાને ખૂબ નુકસાન પહોંચે છે. મેલેનિન એક એવું રંગદ્રવ્ય છે કે જે ત્વચાને ડાર્ક બનાવે છે.


ઉપચાર

Image copyright Getty Images

બ્રિટિશ સ્કિન ફાઉન્ડેશનનું કહેવું છે, "હાઇડ્રોક્વિનન ધરાવતા પદાર્થોને સુરક્ષિત રીતે ત્વચાના ડૉક્ટરની દેખરેખ હેઠળ વાપરી શકાય છે અને કાળા ધબ્બાનો ઇલાજ કરી શકાય છે."

તેમનું કહેવું છે કે કેટલીક પ્રોડક્ટ એવી હોય છે કે જેમનું તબીબી ક્ષેત્રે મહત્ત્વ હોય છે.

બ્રિટિશ સ્કિન ફાઉન્ડેશનના પ્રવક્તા એલેક્ઝેન્ડ્રોફ કહે છે, "કેટલીક ક્રીમ લાભકારી હોઈ શકે છે પરંતુ ડૉક્ટર કહેવા પ્રમાણે જ વાપરવી જોઈએ. નહીં તો તેનાથી ઘણું નુકસાન થઈ શકે છે."

જોકે, આ સંસ્થાનું માનવું છે કે ત્વચાને ગોરી કરવા માટેની એવી કોઈ પ્રક્રિયા નથી કે જેને સુરક્ષિત માની શકાય છે.

એલેક્ઝેન્ડ્રોફ કહે છે, "એવા કોઈ પુરાવા નથી કે જેનાથી માની શકાય કે ક્રીમ ત્વચાને ગોરી કરવામાં મદદ કરી શકે છે. તેની વિપરીત અસર પણ પડી શકે છે. તે ત્વચાને કૃત્રિમ રીતે ગોરી બનાવી શકે છે અથવા તો અશ્વેત બનાવી શકે છે. તેનાથી ત્વચાની પ્રાકૃતિક સુંદરતા છીનવાઈ જાય છે."

જોકે, તે છતાં કેટલાક ડૉક્ટર મેલાઝ્મા જેવી ત્વચાની તકલીફને દૂર કરવા માટે ત્વચા ગોરી કરવાની પ્રોડક્ટને વાપરવાની સલાહ આપે છે.

મેલાઝ્મા સામાન્યપણે પુખ્ત વયના લોકોમાં જોવા મળે છે. તેનાથી લોકોના શરીર પર, ખાસ કરીને ચહેરા પર ભૂરા અને સફેદ રંગના ધબ્બા જોવા મળે છે.

મહિલાઓમાં તે વધારે જોવા મળે છે, ખાસ કરીને જ્યારે તે ગર્ભવતી હોય છે.

ઘણી મહિલાઓ કોઈ ડૉક્ટરની સલાહ વગર ત્વચા ગોરી કરતી પ્રોડક્ટ વાપરવા લાગે છે અને પછી તેમની ત્વચા પર નકારાત્મક અસર જોવા મળે છે. જેવી કે :

  • ત્વચામાં બળતરા
  • ખંજવાળ
  • શુષ્ક ત્વચા

(સ્રોત : નેશનલ હેલ્થ સર્વિસ ઑફ યુનાઇટેડ કિંગ્ડમ)


મર્ક્યુરી

Image copyright AFP

WHOનું કહેવું છે, "ત્વચા ગોરી કરતી પ્રોડક્ટમાં મર્ક્યુરી હોય છે કે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે."

તે છતાં WHOને જાણવા મળ્યું છે કે "મર્ક્યુરી ધરાવતી પ્રોડક્ટ ચીન, ડૉમિનિકન રિપબ્લિક, લેબેનન, મેક્સિકો, ફિલિપાઇન્સ, થાઇલૅન્ડ અને અમેરિકામાં વેચાય છે."

જે પ્રોડક્ટમાં મર્ક્યુરી હોય છે તેનાથી મેલેનિન બનવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે.

યુરોપીય સંઘ અને આફ્રિકાના ઘણા દેશોએ મર્ક્યુરી ધરાવતી પ્રોડક્ટ પર પ્રતિબંધ લાદ્યો છે.

અમેરિકા, કૅનેડા અને ફિલિપાઇન્સ જેવા દેશો મર્ક્યુરીનું સ્તર ઓછું હોય તેવી પ્રોડક્ટને વેચવાની મંજૂરી મળી છે.


સ્વાસ્થ્ય

Image copyright Getty Images

એલેક્ઝેન્ડ્રોફ કહે છે, "મર્ક્યુરી ઝેર છે અને તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે."

ક્રીમ અને સાબુમાં મર્ક્યુરીના કારણે થતી બીમારીઓમાં

  • કિડનીને નુકસાન
  • ચામડીના રોગ, ધબ્બા
  • ઇન્ફેક્શનથી બચવાની પ્રતીકારક શક્તિ ઓછી થવી
  • અસ્વસ્થતા, તણાવ

જેવી બીમારીઓનો સમાવેશ થાય છે.

(સ્રોત : WHO)


લોકોની સમજ

Image copyright Getty Images

અમેરિકાના ત્વચા વિશેષજ્ઞ શુઆઈ ઝુ કહે છે, "લોકો માને છે કે ત્વચા પર વાપરવામાં આવતી ક્રીમ સુરક્ષિત જ હોય છે. તે લોકો તેનાથી જે ખતરો હોય છે તેનાથી અજાણ છે."

"હું જ્યારે જોઉં છું કે મારા દર્દીઓ સલાહ વગર ક્રીમ વાપરે છે ત્યારે હું આશ્ચર્યમાં પડી જઉં છું."

ડૉ. ઝુ માને છે કે સ્વાસ્થ્ય માટે હાનિકારક પ્રોડક્ટ પર લગામ લાગે તે માટે કડક કાયદા લાગુ થવા જોઈએ.

તેઓ કહે છે, "કૉસ્મેટિક ઇન્ડસ્ટ્રી પર એવા કાયદા લાગુ કરવામાં આવ્યા નથી કે જેવા ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી પર લગાવવામાં આવ્યા છે. મુખ્ય કંપનીઓ સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે, પરંતુ સમસ્યા ત્યારે થાય છે જ્યારે કૉસ્મેટિક પ્રોડક્ટ બહારથી આયાત કરવામાં આવે."

માર્કેટમાં જે રીતે બોગસ પ્રોડક્ટ ફેલાયેલી છે, તેમાં સાચાખોટાની પરખ કરવી મુશ્કેલી છે.

ડૉ. ઝુ કહે છે કે કેટલીક કંપનીઓ તો પૅકેટ પર એ માહિતી પણ નથી આપતી કે પ્રોડક્ટમાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થયો છે.

"તમને એ પણ ખબર નથી હોતી કે તે પ્રોડક્ટને કોણ બનાવે છે. તમે તેના વિક્રેતાને શોધી શકતા નથી."

"સામાન્યપણે ઘણી પ્રોડક્ટ સુરક્ષિત હોય છે. પરંતુ જો તમે તમારી ત્વચા ગોરી કરવા માટે ઇન્ટરનેટ પરથી સ્ટ્રૉંગ પ્રોડક્ટ શોધો છો, તો તમારે સાવધાન રહેવાની જરૂર છે."


પૂર્વગ્રહ

Image copyright Getty Images

સુંદરતા એક એવી વસ્તુ છે કે જેને મેળવવા માટે લોકો ગમે તે હદે જવા તૈયાર હોય છે, કેમ કે સમાજમાં ગોરી ત્વચાની જ બોલબાલા છે.

બૉક્સિંગ લેજન્ડ મોહમ્મદ અલીએ આ મામલે 1983માં એક ચર્ચમાં ભાષણ પણ આપ્યું હતું.

તેમણે કહ્યું હતું, "બધી પરીઓ ગોરી કેમ હોય છે? કોઈ પરી અશ્વેત કેમ હોતી નથી?"

સંસ્કૃતિ અને દેશોમાં પણ સફેદ રંગ શાંતિ, સુંદરતા અને બુદ્ધિ સાથે જોડાયેલો છે, જ્યારે કાળો રંગ મૃત્યુ, આપત્તિ, કદરૂપતા અને નકારાત્મક ભાવના સાથે જોડાયેલો છે.

મનોરંજન જગત પર પણ એવો આરોપ છે કે તે કેટલાક પ્રકારના બૉડીશૅપ અને ત્વચાના રંગને પ્રોત્સાહન આપે છે. તેનાથી વિશ્વની કરોડો મહિલાઓ પોતાને ઓછી આંકે છે.

આ પ્રકારની ભાવના લોકોમાં ન આવે તેના માટે ઘણાં અભિયાન ચલાવવામાં આવ્યાં છે.

તેમાંથી જ એક અભિયાન ભારતમાં ચાલ્યું છે 'Being Dark is beautiful'.

આવું જ અભિયાન પાકિસ્તાન ચલાવવામાં આવ્યું છે કે જેને નામ આપવામાં આવ્યું છે 'UnFair & Lovely'. આ અભિયાનનો ઉદ્દેશ એ સંદેશ પહોંચાડવાનો છે કે 'સુંદર દેખાવવા માટે તમારે શ્વેત ત્વચાની જરૂર નથી.'

અમેરિકામાં પણ કેટલાક સોમાલિયાના શરણાર્થીઓ માટે એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.


દેવી

Image copyright SURUTHI PERIYASAMY

સુરુથી પેરિયાસામી દક્ષિણ ભારતના તામિલનાડુ રાજ્ય સાથે સંબંધ ધરાવે છે.

2 વર્ષ પહેલાં 24 વર્ષીય એન્જિનિયર સુરુથીએ દેવી લક્ષ્મીનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેઓ 'Being Dark is Divine' અભિયાનનો ભાગ બન્યાં હતાં.

આ અભિયાનનો ઉદ્દેશ હતો કે દેવી અને દેવતાઓને પણ અશ્વેત વર્ણ સાથે રજૂ કરી શકાય છે.

સુરુથી કહે છે, "જે લોકો ઘરેણાં તેમજ સિલ્કની સાડીઓની જાહેરાત બનાવે છે તેઓ મોટા ભાગે એવી જ મૉડલને લે છે કે જેની ત્વચા ગોરી હોય છે. લોકોમાં પણ એવી ધારણા છે કે પૈસા અને ત્વચાના રંગ વચ્ચે કોઈ સંબંધ છે."

તામિલનાડુ એક એવું રાજ્ય છે કે જ્યાં ખૂબ વધારે સૂર્યપ્રકાશ મળે છે અને આ રાજ્યની મોટા ભાગની વસતીનો ત્વચાનો રંગ કાળો હોય છે.


ચમકતી ત્વચા

Image copyright SURUTHI PERIYASAMY

જ્યારે સુરુથીએ ગત વર્ષે બ્યુટી કૉન્ટેસ્ટમાં ભાગ લીધો ત્યારે તેમને સલાહ આપવામાં આવી હતી કે તેઓ 'ચમકતી ત્વચા' પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે.

સુરુથી કહે છે, "તેઓ ઇચ્છતા હતા કે હું કોઈ ટ્રીટમેન્ટ કરાવું કે જેથી મારી ત્વચાનો રંગ ગોરો થઈ જાય."

"મારી પાસે એટલા પૈસા ન હતા. તે છતાં હું મિસ ડિવા કૉન્ટેસ્ટમાં ટૉપ 25 પ્રતિસ્પર્ધીઓમાંથી એક હતી. આ સ્પર્ધામાં દેશભરની છોકરીઓએ ભાગ લીધો હતો."

તેઓ કહે છે કે આ સ્પર્ધા માટે તેમણે પોતાનું દસ કિલો વજન ઓછું કર્યું હતું અને બીજી વખત સ્પર્ધા જીતવાનો પ્રયાસ કરશે.

"મને ખબર છે કે મારી ત્વચાના રંગના કારણે મારી પાસે તક ખૂબ ઓછી હશે, પરંતુ મને લાગે છે કે મારી અંદર જે આત્મવિશ્વાસ છે તેનાથી હું જીતી શકીશ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો