ENGvAUS : ઇંગ્લૅન્ડની જીત, સતત ત્રીજી વખત યજમાન ટીમ વર્લ્ડ કપની ફાઇનલમાં

સ્ટીવ સ્મિથ Image copyright Getty Images

એજબસ્ટન ખાતે રમાઈ રહેલી આઈસીસી વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની બીજી સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ ઇંગ્લૅન્ડને 224 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેને ઇંગ્લેન્ડે ફક્ત બે વિકેટ ગુમાવી 32 ઓવરમાં પાર કરી લીધો છે. આમ ઇંગ્લૅન્ડની 8 વિકેટે જીત થઈ છે.

જેસન રોય અને જોની બેરસ્ટ્રોએ મક્ક્મ શરૂઆત કરી હતી પરંતુ ત્યારબાદ બન્નેએ વિકેટ ગુમાવી હતી. એ પછી જો રૂટ અને મોર્ગન સારી ભાગીદારી કરી હતી.

મોગને 38 બૉલમાં 41 રન અને જો રૂટે 45 બૉલમાં 49 રન કર્યા હતા.

ઇંગ્લૅન્ડ તરફથી જેસન રોયે 65 બૉલમાં 85 અને બેરસ્ટ્રોએ 43 બૉલમાં 34 રન કરી શાનદાર ઓપનિંગ ભાગીદારી કરી જીતનો પાયો નાખ્યો હતો.

ઇંગ્લૅન્ડના બોલર ક્રિસ વોક્સને મૅન ઑફ ધ મૅચ એનાયત કરવામાં આવ્યા હતા. ક્રિસ વોક્સે 8 ઓવરમાં 20 રન આપી 3 વિકેટ ઝઢપી હતી.

અગાઉ સ્ટીવ સ્મિથના શાનદાર 85 રન અને એલેક્સ કેરીના 46 રનની મદદથી ઑસ્ટ્રેલિયાએ 49 ઓવરમાં 223 કરી ઓલઆઉટ થઈ ગયું હતું.

આજની મૅચમાં ટૉસ જીતી ઑસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. જોકે, પ્રથમ બેટિંગનો નિર્ણય ઑસ્ટ્રેલિયાને ફળ્યો નહોતો.

ઑસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમૅન એરોન ફિંચ અને ડેવિડ વૉર્નર શરૂઆતમાં જ આઉટ થઈ ગયા હતા.

ડેવિડ વૉર્નરે 11 બૉલમાં 9 રન કર્યા હતા તો કૅપ્ટન એરોન ફિંચ શૂન્ય રને આઉટ થયા હતા.

વન ડાઉન આવેલા અનુભવી બૅટ્સમૅન સ્ટીવ સ્મિથે બાજી સંભાળી હતી, પરંતુ તરત જ ઑસ્ટ્રેલિયાને હેન્ડ્સકોમ્બનો ઝટકો લાગ્યો હતો.

હેન્ડ્સકોમ્બ 12 બૉલમાં 4 રન કરીને આઉટ થયા હતા. આમ ઑસ્ટ્રેલિયાએ 14 રનમાં મહત્ત્વની 3 વિકેટ ગુમાવી દીધી હતી.

ટીમ માટે જરૂરી એવી મહત્ત્વની શતકીય ભાગીદારી એ પછી એલેક્સ કેરી અને સ્ટીવ સ્મિથ વચ્ચે થઈ હતી.

Image copyright Getty Images

સ્ટીવ અને એલેક્સે સ્કોરબોર્ડ આગળ વધાર્યું હતું. પરંતુ એલેક્સ કેરી 70 બૉલમાં 46 રન કરી રાશિદની ઓવરમાં કૅચઆઉટ થઈ ગયા હતા.

આ દરમિયાન સ્ટીવ સ્મિતે સતત બાજી સાચવી હતી, પરંતુ તેમને અન્ય બૅટ્સમૅનોનો સાથ મળ્યો નહોતો.

એલેક્સ કેરી આઉટ થયા પછી સ્ટોનિસ પણ શૂન્ય રને આદિલ રાશિદનો શિકાર બન્યા હતા.

હાર્ડહિટર એવા ગ્લેન મેક્સવેલે 23 બૉલમમાં 22 રન કર્યા હતા, પરંતુ તે વધારે આક્રમક બને તે અગાઉ જ જોફરા આર્ચરની બૉલિંગમાં મોર્ગનને હાથે કૅચઆઉટ થઈ ગયા હતા.

પેટ ક્યુમિન્સ પણ 10 બૉલમાં 6 રન કરીને આદિલ રાશિદનો શિકાર બન્યા હતા. ક્યુમિન્સનો કૅચ રૂટે ઝડપ્યો હતો.

ઑસ્ટ્રેલિયાનો સન્માનજનક સ્થિતિ તરફ લઈ જનાર સ્મિથની શાનદાર રમતનો 85 રને અંત આવ્યો હતો. સ્મિથે 119 બૉલમાં 6 બાઉન્ડરીની મદદથી આ ઉપયોગી રન કર્યા હતા. સ્મિથની સાથે જ તરત જ વોક્સની બૉલિંગમાં સ્ટાર્ક પણ આઉટ થઈ ગયા હતા. આમ વોક્સે સ્મિથ અને સ્ટાર્કની મહતત્વનની વિકેટ 47મી ઓવરમાં ઝડપી હતી.


ઇંગ્લૅન્ડનું પ્રભુત્વ અને સ્મિથની લડત

Image copyright Getty Images

પ્રથમ ઇનિંગમાં ઇંગ્લૅન્ડના બૉલરો અને ખેલાડીઓએ મૅચ પર પકડ સતત પકડ જાળવી રાખવાની કોશિશ કરી હતી અને સામે પક્ષે સ્મિથે અત્યંત ધીરજપૂર્વક બાજી સંભાળી હતી.

ઇંગ્લૅન્ડ તરફથી આદિલ રાશિદે 10 ઓવરમાં 54 રન આપી 3 વિકેટ ખેરવી હતી. ક્રિસ વોક્સે શાનદાર બૉલિંગ કરી 8 ઓવરમાં 20 રન આપી 3 વિકેટ ખેરવી હતી.

જોફરા આર્ચરે 10 ઓવરમાં 32 રન આપી 2 વિકેટ ખેરવી હતી. માર્ક વુડે એક વિકેટ ઝડપી હતી.

આમ, યજમાન ઇંગ્લૅન્ડ સામે ફાઇનલમાં પ્રવેશવા માટે 224 રનનો પડકાર છે.

Image copyright Getty Images

ભૂતકાળ પર નજર કરીએ તો 1975માં પહેલી વાર વર્લ્ડ કપ યોજાયો ત્યારથી હંમેશાં ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહેલા ઇંગ્લૅન્ડે પાંચમી વાર વર્લ્ડ કપનું આયોજન કર્યું છે, પરંતુ તેને ક્યારેય ટ્રૉફી જીતવામાં સફળતા મળી નથી.

2015માં ઇંગ્લૅન્ડ પ્રથમ રાઉન્ડમાંથી જ બહાર થઈ ગયું હતું, પરંતુ ત્યારબાદ ઇંગ્લૅન્ડની ટીમ વન ડેમાં અત્યંત મજબૂત બની ગઈ છે.

1999ના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે ટાઇ પડ્યા સિવાય કાંગારુ ટીમ એક વાર સેમિફાઇનલમાં પ્રવેશે તો તેનો ફાઇનલ પ્રવેશ નિશ્ચિત જ હોય છે. ટૂંકમાં ઑસ્ટ્રેલિયા ક્યારેય સેમિફાઇનલ હાર્યું નથી.

હજી ચાર મહિના અગાઉ ઑસ્ટ્રેલિયાને કોઈ દાવેદાર માનતું ન હતું, પરંતુ ઍરોન ફિંચની ટીમમાં ડેવિડ વૉર્નર અને સ્ટીવ સ્મિથનું પુનરાગમન થયા બાદ ટીમ મજબૂત બની ગઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ