ENG vs NZ : વર્લ્ડ કપ ફાઇનલ અગાઉ આ છે ઇંગ્લૅન્ડના ડરનાં કારણો

મોર્ગન અને વિલિયમસન Image copyright Getty Images

લંડનના ઐતિહાસિક લૉર્ડ્સ મેદાન પર આજે દુનિયા એક નવા ચૅમ્પિયનને જોશે અને તે ઇંગ્લૅન્ડ કે ન્યૂઝીલૅન્ડ કોઈ પણ હોઈ શકે છે.

ન્યૂઝીલૅન્ડ ચાર વર્ષ પછી ફરી એક વાર ફાઇનલમાં પહોંચ્યું છે અને વર્લ્ડ કપ પોતાને નામે કરવા માગે છે, તો ઇંગ્લૅન્ડ 27 વર્ષ પછી ફાઇનલમાં પહોંચ્યું છે અને વર્લ્ડ કપના 44 વર્ષોમાં ચૅમ્પિયન બનવાનો ચોથો પ્રયાસ કરશે.

ઇંગ્લૅન્ડના ડરનું કારણ પણ એ જ છે કે તેની કોશિશ ક્યાંક નાકામ સાબિત ન થાય કેમ કે અગાઉ તે 3 વખત ફાઇનલ સુધી તો પહોંચ્યું છે પરંતુ ખિતાબ જીતી નથી શક્યું.

કાલનો મુકાલબો ક્રિકૅટના કાશી-મક્કા ગણાતા લૉર્ડ્સમાં થવાનો છે અને આ જ મેદાન પર 1979માં માઇક બ્રેયરલીની કૅપ્ટ્ન્સી હેઠળ ઇંગ્લૅન્ડ પહેલીવાર ફાઇનલમાં હાર્યું હતું.

એ વખતે ઇંગ્લૅન્ડ ઑસ્ટ્રેલિયા, કેનેડા અને પાકિસ્તાનને લીગ મૅચોમાં હરાવીને અને ન્યૂઝીલૅન્ડને સેમિફાઇનલમાં હરાવીને ફાઇનલમાં પહોંચ્યું હતુ પરંતુ વેસ્ટ ઇન્ડીઝની ટીમે ઇંગ્લૅન્ડને 92 રનથી હરાવી બીજી વાર વર્લ્ડ કપ જીત્યો હતો.


બીજી અને ત્રીજી વખત ફાઇનલમાં હાર

Image copyright Getty Images
ફોટો લાઈન 1979ની ફાઇનલમાં લૉર્ડ્સમાં ઇંગ્લૅન્ડની હાર

ઇંગ્લૅન્ડને બીજી વાર વર્લ્ડ કપ જીતવાનો મોકો 1987માં મળ્યો હતો.

એ વર્લ્ડ કપ ભારત અને પાકિસ્તાને સંયુક્ત રીતે આયોજિત કર્યો હતો.

એ વખતે સેમિફાઇનલમાં ભારતને હરાવીને માઇક ગેટિંગની આગેવાની હેઠળની ટીમ ઇંગ્લૅન્ડ ફાઇનલમાં પહોંચી હતી.

જોકે, એ વખતે પણ ઇંગ્લૅન્ડને નિરાશા જ મળી કેમ કે ઑસ્ટ્રેલિયા એને ફક્ત 7 રને હરાવીને પ્રથમ વાર ચૅમ્પિયન બન્યું હતું.

Image copyright Getty Images
ફોટો લાઈન 1987ની ફાઇનલમાં બૉર્ડરની ટીમ ઑસ્ટ્રેલિયા સામે હાર

ત્રીજી વખતની નિષ્ફળતા ઇંગ્લૅન્ડને ઑસ્ટ્રેલિયામાં 1992માં જ મળી.

એ વખતે ગ્રેહામ ગુચ ઇંગ્લૅન્ડનાં કૅપ્ટન હતા અને વર્લ્ડ કપ ઑસ્ટ્રેલિયા-ન્યૂઝીલૅન્ડની ધરતી પર રમાયો હતો.

આ એ જ વર્લ્ડ કપ હતો જે વરસાદથી પ્રભાવિત રહ્યો હતો.

દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની સેમિફાઇનલમાં વરસાદ પડ્યો ત્યારે ડકવર્થ લુઇસના નિમય મુજબ આફ્રિકાને 1 બૉલમાં 22 રન કરવાનો વિવાદાસ્પદ લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો.

Image copyright Getty Images
ફોટો લાઈન 1992માં ઇમરાન ખાનની ટીમ સામે ઇંગ્લૅન્ડ હાર્યું

આમ, ઇંગ્લૅન્ડ ફાઇનલ સુધી તો પહોંચ્યું પરંતુ ઇમરાન ખાનની કૅપ્ટન્સી હેઠળની પાકિસ્તાનની ટીમે તેને 22 રન હરાવી ફાઇનલ જીતી લીધી અને ફરી એક વાર ઇંગ્લૅન્ડે તક ગુમાવી.


યજમાનીનો ફાયદો અને શાનદાર પ્રદર્શન

Image copyright Getty Images

જોકે, આ વખતે ઇંગ્લૅન્ડ જ ચૅમ્પિયન બનશે એ માટે અનેક તર્ક આપવામાં આવે છે.

સૌથી પહેલો તર્ક એ કે ઇંગ્લૅન્ડ યજમાન છે અને 2011માં ભારતે અને 2015માં ઑસ્ટ્રેલિયાએ યજમાનપદે જ વર્લ્ડ કપ જીત્યો હતો.

જોકે, એ પણ સત્ય છે કે ઇંગ્લૅન્ડ પોતાની જ યજમાનીમાં 1979માં ફાઇનલમાં પહોંચ્યા પછી પણ જીતી નહોતું શક્યું.

હવે આ વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડનું પ્રદર્શન અને તેની મજબૂત ટીમની વાત કરીએ.

સૌથી પહેલાં તો લીગ મૅચોમાં ઇંગ્લૅન્ડે ન્યૂઝીલૅન્ડને મોટા અંતરે હરાવ્યું હતું.

એ મૅચમાં ઇંગ્લૅન્ડે 305 રન કર્યા હતા અને ન્યૂઝીલૅન્ડને 186 રનમાં ઓલઆઉટ કરી 119 રને જીત મેળવી હતી.

આટલું જ નહીં લીગ મૅચોમાં ટોપ પર રહેલી ભારતની ટીમને ઇંગ્લૅન્ડે 31 રનથી હરાવી હતી અને બીજા ક્રમે રહેલી ઑસ્ટ્રેલિયાની ટીમને પણ આસાનીથી હરાવીને ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું.


ટીમ સંતુલનમાં કોણ આગળ

Image copyright Getty Images

વર્લ્ડ કપ શરૂ થયો તે અગાઉ જાણકારો ભારત અને ઇંગ્લૅન્ડને જીતના દાવેદાર માનતા હતા.

ભારતની ટીમ 40 મિનિટની ખરાબ રમતને લઈને બહાર ફેંકાઈ ગઈ છે પરંતુ ઇંગ્લૅન્ડ મજબૂત ટીમ લાઇન અપ અને ઇઆન મોર્ગનની શાનદાર કૅપ્ટ્ન્સીને આધારે ફાઇનલમાં છે.

ટીમના ઓપનિંગ બૅટ્સમૅન જેસન રૉય, જૉની બેરસ્ટ્રોએ આ વર્લ્ડ કપમાં કુલ 922 રન કર્યા છે તો મિડલ ઑર્ડરમાં જો રૂટે 549 રન, બૅન સ્ટોક્સે 381 રન અને મોર્ગને 362 રન કર્યા છે.

બૉલિંગની વાત કરીએ તો જોફરા આર્ચરે 19, માર્ક વુડે 17, ક્રિસ વોક્સે 13 અને સ્પિનર આદિલ રાશિદે 11 વિકેટો લીધી છે.

મતલબ ટોચના ચાર બૉલરોએ કુલ 60 વિકેટો ઝડપી છે.

સમગ્ર રીતે જોઈએ તો ઇંગ્લૅન્ડની ટીમ વધારે સંતુલિત લાગે છે. બૉલિંગમાં ન્યૂઝીલૅન્ડ ઇંગ્લૅન્ડની બરોબરીમાં છે. એના ટોચના ચાર બૉલરોએ પણ 60 વિકેટો ઝડપી છે.

પરંતુ બેટિંગમાં કૅપ્ટન વિલિયમસન અને ટેલર સિવાય અન્ય ખેલાડીઓએ 300થી વધુ રન નથી કર્યા.

જોકે, આ તમામ ગણિત છતાં સવાલ એ છે કે ત્રણ વખતની નાકામીને પાછળ છોડી ક્રિકૅટનું જન્મદાતા ઇંગ્લૅન્ડ વર્લ્ડ કપ જીતી શકશે? અને એ પણ એ દિગ્ગજ ખેલાડીઓ ધરાવતી ભારતની ટીમને હરાવી દેનાર ન્યૂઝીલૅન્ડ સામે જીતી શકશે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો