વર્લ્ડ કપ ફાઇનલના એ બે બૉલ, જેના કારણે ન્યૂઝીલૅન્ડનું જીતનું સપનું રોળાયું

ઇંગ્લૅન્ડની જીત Image copyright Getty Images

લૉર્ડઝના મેદાન પર રમાયેલી વર્લ્ડ કપની ફાઇનલ મૅચમાં ઇંગ્લૅન્ડે ન્યૂઝીલૅન્ડને રોમાંચક મુકાબલામાં હરાવી દીધું છે. સુપર ઓવર સુધી ચાલેલી આ મૅચ શ્વાસ થંભાવી દેનારી હતી.

ન્યૂઝીલૅન્ડે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં આઠ વિકેટના નુકસાન પર 241 રન બનાવ્યા હતા.

242ના લક્ષ્ય સુધી પહોંચવા મેદાનમાં ઊતરેલી ઇંગ્લૅન્ડની ટીમ પણ 50 ઓવરમાં 241 રન બનાવી શકી હતી.

બંને વચ્ચે ટાઇ પડતા મૅચ સુપર ઓવર સુધી જતી રહી હતી. સુપર ઓવરમાં મૅચ લઈ જવામાં ન્યૂઝીલૅન્ડના બૉલરોની મોટી ભૂમિકા રહી હતી.

શરૂઆતમાં ઇંગ્લૅન્ડ આસાનીથી જીતી જશે એવું લાગી રહ્યું હતું, પરંતુ ન્યૂઝીલૅન્ડના બૉલરોની શાનદાર બૉલિંગ અને ફિલ્ડિંગને કારણે મૅચ રસાકસી ભરી બની ગઈ હતી.


મૅચના બે બૉલ જેના કારણે હાર મળી

વર્લ્ડ કપના ફાઇનલમાં આ બે બૉલની ચર્ચા હજી પણ સોશિયલ મીડિયા પર જોરશોરથી ચાલી રહી છે અને તે કદાચ ક્યારેય નહીં ભૂલાય. વાત એ પ્રથમ બૉલની...

ઇંગ્લૅન્ડને 12 બૉલમાં જીત માટે 24 રનોની જરૂર હતી અને તે સમયે બેન સ્ટોક્સ 62 રન બનાવીને ક્રીઝ પર હતા અને તેની સાથે પ્લેંકેટ હતા.

માત્ર બે ઓવર બાકી હતી અને ન્યૂઝીલૅન્ડ લગભગ મૅચ જીતી જશે એવી સ્થિતિ હતી.

ન્યૂઝીલૅન્ડ તરફથી 49મી ઓવર ફેંકવા માટે જેમ્સ નીશમ આવ્યા. જેમાં પ્રથમ બૉલ પર એક રન, બીજા બૉલ પર એક રન, ત્રીજા બૉલ પર પ્લેંકેટ આઉટ એટલે વિકેટ પડી.

મૅચનો સૌથી રોમાંચક મોડ 49મી ઓવરના ચોથા બૉલ પર જોવા મળ્યો.

નીશમે 49મી ઓવરનો ચોથો બૉલ ફેંક્યો અને સામે રહેલા સ્ટોકે એ બૉલને બાઉન્ડ્રી બહાર મોકલવા માટે જોરદાર શૉટ લગાવ્યો.

બાઉન્ડ્રીની એકદમ નજીક ફિલ્ડિંગ કરી રહેલા બૉલ્ટે તેમનો કૅચ કરી લીધો, પરંતુ કૅચ કર્યા બાદ તેમનો પગ બાઉન્ડ્રી લાઇન પર પડ્યો અને કૅચ સિક્સમાં પલટી ગયો.

બૉલ્ટે બૉલ ફેંકીને ગુપ્ટિલને આપી દીધો, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું, અમ્પાયરે તેને સિક્સ જાહેર કરી દીધી. ન્યૂઝીલૅન્ડે સૌથી કિંમતી વિકેટ લેવાની તક ગુમાવી દીધી.


50મી ઓવરનો એ બૉલ...

Image copyright Getty Images
ફોટો લાઈન રન લીધા બાદ તેમની ભૂલની નથી એવું દર્શાવતા સ્ટોક્સ

હવે વાત બીજા બૉલની....

ઇંગ્લૅન્ડને જીતવા માટે છેલ્લી એટલે કે 50મી ઓવરમાં 15 રનની જરૂર હતી. આ સમયે ન્યૂઝીલૅન્ડે છેલ્લી ઓવરની જવાબદારી ટ્રેન્ટ બૉલ્ટને આપી.

સામે ક્રીઝ પર ઇંગ્લૅન્ડના સેટ થયેલા બૅટ્સમૅન સ્ટોક્સ હતા. બૉલ્ટે પ્રથમ બૉલ યૉર્કર નાખ્યો જેના પર કોઈ રન ના આવ્યો.

બીજા બૉલ પર પણ સ્ટોક્સ કોઈ રન ના લઈ શક્યા. જ્યારે ત્રીજા બૉલમાં સ્ટોક્સે સિક્સ મારી.

ચોથા બૉલમાં જે થયું તે ન્યૂઝીલૅન્ડને હંમેશાં માટે યાદ રહી જશે અને ક્રિકેટ ઇતિહાસમાં પણ તેને ખાસ યાદ કરવામાં આવશે.

ચોથો બૉલ બૉલ્ટે ફૂલટોસ નાખ્યો જેને સ્ટોક્સે ડીપ મિડ વિકેટ પર ફટકાર્યો. જ્યાં ગુપ્ટિલ ફિલ્ડિંગ કરી રહ્યા હતા.

આ તરફ સ્ટોક્સે બે રન લેવાનો પ્રયત્ન કર્યો અને સામેથી ગુપ્ટિલે ડાયરેક્ટ હિટ કરીને સ્ટોક્સને રન આઉટ કરાવવા માટે થ્રો કર્યો.

બન્યું એવું કે એ થ્રો રન લેવા માટે દોડી રહેલા સ્ટોક્સના બૅટમાં લાગ્યો અને બૉલ બાઉન્ડ્રી સુધી પહોંચી ગયો.

આ સંજોગોમાં ઇંગ્લૅન્ડના ખાતામાં 6 રન ઉમેરાયા, બે રન જે બૅટ્સમૅન દોડ્યા તે અને ચાર રન બૉલ બાઉન્ડ્રીને સ્પર્શી જતા મળ્યા.

આ બૉલની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે અને કેટલાક લોકો આવા નિયમ સામે પણ સવાલો ઉઠાવી રહ્યા છે.


...અને મૅચ સુપર ઓવરમાં પહોંચી ગઈ

આ રીતે ઇંગ્લૅન્ડને છ રન મળ્યા બાદ હવે તેને જીતવા બે બૉલમાં માટે 3 રનની જરૂર હતી.

બૉલ્ટના પાંચમા બૉલમાં બે રન લેવાના ચક્કરમાં આદિલ રશીદ રન આઉટ થઈ ગયા. જેથી ઇંગ્લૅન્ડના ખાતામાં એક રન ઉમેરાયો.

હવે એક બૉલમાં બે રનની જરૂર હતી. છેલ્લા બૉલને સ્ટોક્સે લોંગ ઓન પર ફટકાર્યો અને બે રન લેવાની કોશિશ કરી જેથી ઇંગ્લૅન્ડ જીતી જાય.

જોકે, બે રન લેવા જતા માર્ક વુડ રન આઉટ થઈ ગયા અને મૅચમાં ટાઇ પડી.

જે બાદ મૅચ સુપર ઓવરમાં પહોંચી ગઈ અને તેમાં પણ ટાઇ પડી. જોકે, સુપર ઓવરનો એવો નિયમ છે કે જો તેમાં ટાઇ થાય તો જે ટીમે વધારે બાઉન્ડ્રી ફટકારી હોય તેને જીત મળે.

જેમાં ઇંગ્લૅન્ડની જીત થઈ અને વર્લ્ડ કપ 2019 તેના નામે થયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ