પાકિસ્તાને ભારતીય વિમાનો માટે ફરીથી ઍરસ્પેસ ખોલી

પાકિસ્તાની વિમાનની તસવીર Image copyright Getty Images

પાકિસ્તાનના નાગરિક ઉડ્ડયન સત્તામંડળે ભારતનાં નાગરિક વિમાનો માટે ઍરસ્પેસને તત્કાળ અસરથી ફરી ખોલવાની જાહેરાત કરી છે.

મંગળવારે સવારે સત્તામંડળે તેની વેબસાઇટ ઉપર આ વાતની જાહેરાત કરી હતી.

14મી ફેબ્રુઆરીના પુલવામા હુમલા બાદ તા. 28મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટ ખાતે હવાઈ હુમલો કર્યો હતો. આ પછી પાકિસ્તાને તેની હવાઈ સીમાને બંધ કરી દીધી હતી.


ઍર ઇંડિયાને નુકસાન

Image copyright Getty Images

પાકિસ્તાનના નાગરિક ઉડ્ડયન સત્તામંડળે ઍરમૅન(NOTAM)ને ભારતીય સમય પ્રમાણે 12.41 કલાકે નોટિસ આપીને તત્કાળ અસરથી ઍરસ્પેસ ખોલવાની વાત અંગે જાણ કરી હતી.

પાકિસ્તાનના આ નિર્ણયને કારણે અગાઉથી જ સંકટગ્રસ્ત ભારતીય વિમાન કંપની ઍર ઇંડિયાનું સંકટ વધી ગયું હતું.

રાજ્યસભામાં તા. ત્રીજી જુલાઈએ નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંઘ પુરીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે બીજી જુલાઈ સુધીમાં રૂ. 491 કરોડનું નુકસાન થયું હતું.

બીજી બાજુ, સ્પાઇસ જેટને રૂ. 30.73 કરોડ, ઇંડિગોને રૂ. 25.1 કરોડ, તથા ગો-ઍરને રૂ. 2.1 કરોડનું નુકસાન થયું હતું.

ઍરસ્પેસ બંધ થતા ઍર ઇંડિયાએ યુરોપ તથા અમેરિકાનાં શહેરોની ઉડ્ડાણો માટે લાંબો રુટ લેવો પડતો. અનેક આંતરરાષ્ટ્રીય ઉડાણોને રદ કરવાની ફરજ પડી હતી.

ઇંડિગોએ દિલ્હીથી તુર્કીની રાજધાની ઇસ્તંબૂલની ફ્લાઇટ બંધ કરી દીધી હતી, કારણ કે આ માટે વિમાને કતારની રાજધાની દોહામાં હૉલ્ટ કરવો પડતો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો