15 કરોડ યૂઝર્સનાં ચહેરા-નામ સુધી પહોંચ ધરાવતી FaceAppથી સાવધ રહેવું જોઈએ?

રણવીરસિંહ તથા દીપિકા પાદુકોણ Image copyright Twitter

વિશ્વભરમાં 'ફેસઍપ' ધમાલ મચાવી રહી છે. આ ઍપ થકી લોકો પોતાની વૃદ્ધાવસ્થાની સંભવિત તસવીર જોઈ શકે છે.

સોશિયલ મીડિયા પર ફેસઍપની તસવીરો ધડાધડ પોસ્ટ કરાઈ રહી છે. આ ઍપ કોઈ પણ વ્યક્તિની તસવીરને કૃત્રિમ રીતે વૃદ્ધ વ્યક્તિના ચહેરામાં ફેરવી દે છે.

જોકે, તમને તમારી વૃદ્ધાવસ્થાની તસવીર જેટલી રોમાંચક લાગે છે એટલું જ જોખમ પણ નોતરે છે.

ફેસઍપ એક રશિયન ઍપ છે. આ ઍપને તસવીર બદલવા માટે અપલોડ કરવામાં આવે, ત્યારે તેને સર્વર સુધી મોકલાય છે.

ફેસઍપ યૂઝરની તસવીરને પસંદ કરીને અપલૉડ કરે છે. તેમાં કૃત્રિમ ઇન્ટેલિજન્સ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) થકી ફેરફાર કરાય છે.

આ માટે તમારે ઍપ થકી જ તસવીર ખેંચવી પડે છે, પણ આવું કરવા જતા તમે ઍપને માત્ર તમારી તસવીર જ નથી આપી રહ્યાં, એ સિવાયનું પણ ઘણું આપી રહ્યાં છો.

એ વખતે તો એવું લાગે છે કે તમારી એ તસવીરનો અંગત હેતુસર ઉપયોગ કરાયો છે, પણ બાદમાં એનો જાહેર ઉપયોગ પણ થઈ શકે છે.

આ ઍપ તમારા ફોનમાંથી માહિતી મેળવી શકે છે અને બાદમાં આ જ માહિતીનો જાહેરાત માટે ઉપયોગ પણ કરી શકાય છે.

એવું પણ શક્ય છે કે આ ઍપ તમારી ટેવ અને પસંદને સમજવા પ્રયાસ કરી રહી છે, જેનો બાદમાં જાહેરાત માટે ઉપયોગ કરી શકાય.

આને માર્કેટિંગના હથિયાર તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.

કેટલાય લોકો એ વાતની ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે કે ઍપ તમારા મોબાઈલની તમામ તસવીરો સુધી પહોંચી શકે છે.

કેટલાક યૂઝર્સનો દાવો છે કે આ ઍપ ખોલતાં જ તમામ તસવીરો ઇન્ટરનેટ પર અપલૉડ થવા લાગે છે.

જોકે, આઈઓએસ અને આઈફોનમાં આ વિકલ્પ આવે છે કે કઈ તસવીરોને અપલોડ કરવી છે અને કઈ તસવીરોને નહીં.


ફેસઍપને લઈને ચિંતાનો માહોલ

Image copyright faceapp

ફેસઍપને લઈને અમેરિકન સેનેટે પણ ચિંતા દર્શાવી છે. સેનેટના લઘુમતી સમુદાયના નેતા ચક શુમરે ફેસઍપની તપાસની માગ કરી છે.

ટ્વિટર પર પોસ્ટ કરાયેલા એક પત્રમાં શુમરે લખ્યું છે, "આ બહુ જ ચિંતાજનક છે. અમેરિકન નાગરિકોના અંગત ડેટા વિદેશી શક્તિઓ હાંસલ કરી રહી છે."

જોકે, આ ફૅસઍપે આ ચિંતાને નકારી કાઢી છે. આ ઍપ સેંટ પિટર્સબર્ગ સ્થિત કંપની વાયરલેસ લૅબની છે.

આ કંપનીનું કહેવું છે કે ન તો લોકોની તસવીરો કાયમીરૂપે સ્ટોર કરાઈ રહી છે કે ન તો તેમના અંગત ડેટામાં ડોકિયું કરાઈ રહ્યું છે.

કંપનીનું કહેવું છે કે યૂઝર્સ જે તસવીરો પસંદ કરી રહ્યા છે, એનું જ ઍડિટિંગ કરાઈ રહ્યું છે.

શુમરે આ ઍપની તપાસ એફબીઆઈ અને ફેડરલ ટ્રૅડ કમિશન પાસે કરાવવાની માગ કરી છે.

શુમરે પોતાના પત્રમાં લખ્યું છે, "હું અમેરિકન નાગરિકોના અંગત ડેટા અને તેમાં ડોકિયું કરવાની આશંકાને લઈને ચિંતિત છું."

"આનું જોખમ શું હોઈ શકે એને લઈને કેટલાય લોકો અજાણ છે."

શુમરે તપાસની માગ ત્યારે કરી છે જ્યારે ડેમૉક્રેટિક નેશનલ કમિટીએ કથિત રૂપે 2020માં અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આ ઍપના ઉપયોગ અંગે ચેતવણી આપી છે.

સુરક્ષા અધિકારી બૉબ લૉર્ડે કથિત રૂપે પોતાના સ્ટાફને કહ્યું છે કે પ્રાઇવસી પર કેટલું સંકટ છે, એ અંગે સ્થિતિ બહુ સ્પષ્ટ નથી.

જોકે, એ વાત સ્પષ્ટ છે કે આનો ઉપયોગ ન કરવામાં ફાયદો જ છે.

કંપનીનું કહેવું છે કે હાલમાં તેના આઠ કરોડ યૂઝર્સ છે.

2017માં ફેસઍપે ભારે વિવાદ સર્જ્યો હતો. એ વખતે ઍપના એક ફિચરમાં યૂઝર્સના વંશીય ઓળખ ઍડિટ કરવાની સુવિધા આપી હતી.

જોકે, ટીકા બાદ કંપનીએ માફી માગી અને એ ફિચર પરત ખેંચી લીધું.

ફેસઍપ કોઈ નવી ઍપ નથી. 'ઍથનિસિટી ફિલ્ટર્સ'ને લઈને બે વર્ષ પહેલાં તે વિવાદ સર્જી ચૂકી છે.

તેમાં એક વંશનો ચહેરો બીજા વંશમાં ફેરવવાનું ટૂલ હતું.

જોકે, ફ્રેન્ચ સાઇબર સિક્યૉરિટીના એક રિસર્ચરનું કહેવું છે કે ફેસઍપ માત્ર એ તસવીરો જ લે છે, જે યૂઝર સબમિટ કરે છે.

ઍપ એનીના જણાવ્યા મુજબ ફેસઍપ દસ કરોડ વખત ડાઉનલૉડ થઈ છે અને તે 121 દેશોમાં ગુગલ પ્લે અને આઇફોન ઍપ સ્ટોર પર ટૉપ રૅન્કમાં છે.

ફૉર્બ્સનો એક અહેવાલ કહે છે કે ફેસઍપ 15 કરોડથી વધારે લોકો સુધી પહોંચ ધરાવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ