માસિક વખતે મૅન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કેટલો સુરક્ષિત છે?

મૅન્સ્ટ્રુઅલ કપ Image copyright Getty Images

મૅન્સ્ટ્રુઅલ કપ પણ સેનિટરી નૅપ્કિન અને ટૅમ્પનની જેમ જ સુરક્ષિત હોઈ શકે છે. તેમાંથી લોહી લિક થવાનો ખતરો રહેતો નથી.

એવું સેનિટરી પ્રોડક્ટ પર અભ્યાસ કરી ચૂકેલા વૈજ્ઞાનિકો કેહે છે. મૅન્સ્ટ્રુઅલ કપમાં માસિકનું લોહી એકત્ર થાય છે અને એમાં લોહી સુકાતું નથી.

તે વજાઇનામાં ફિટ થઈ જાય છે અને તેનો ફરી ઉપયોગ કરી શકાય છે, જ્યારે ટૅમ્પનનો ફરી ઉપયોગ કરી શકાતો નથી.

મૅન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ વધી રહ્યો છે પરંતુ તેને લઈને લોકોમાં જાગરૂકતા ઓછી છે.

આ સંશોધન લેન્સેટ પબ્લિક હેલ્થ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. તેમાં 43 નિરીક્ષણ કરવામાં આવ્યા છે. અભ્યાસમાં 3300 અલગ-અલગ વર્ગની છોકરીઓ તેમજ મહિલાઓ સામેલ હતી.

અભ્યાસમાં જાણવા મળ્યું કે મૅન્સ્ટ્રુઅલ કપ મામલે વધારે સમસ્યા એવી હતી કે તેના ઉપયોગ દરમિયાન તકલીફ થાય છે અને તેને કાઢવામાં મુશ્કેલી પડે છે.

સાથે જ લિકેજ અને ત્વચા ઘસાઈ જવા જેવી સમસ્યા પણ ઊભી થાય છે.

Image copyright Thinkstock

13 સંશોધનોમાં જાણવા મળ્યું કે 70% મહિલાઓ મૅન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કરવા માગે છે.

ચાર અભ્યાસમાં આશરે 300 મહિલાઓ હતી, આ અભ્યાસમાં મૅન્સ્ટ્રુઅલ કપ અને ડિસ્પૉઝેબલ કપ અથવા ટૅમ્પનમાં થતી લિકેજ વચ્ચે સરખામણી કરવામાં આવી.

ત્રણ અભ્યાસ પ્રમાણે લિકેજનું પ્રમાણ લગભગ સમાન હતું પરંતુ એક અભ્યાસમાં મૅન્સ્ટ્રુઅલ કપમાં ઓછું લિકેજ થતું હોવાનું સામે આવ્યું હતું.


કેવી રીતે કામ કરે છે મૅન્સ્ટ્રુઅલ કપ?

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
મેન્સ્ટ્રુઅલ કપથી બદલાશે આ છોકરીઓનું જીવન?

મૅન્સ્ટ્રુઅલ કપ મુલાયમ અને લચીલા મટીરિયલ જેમ કે રબર અથવા સિલિકૉનથી બને છે.

વજાઇનામાં ગયા બાદ મૅન્સ્ટ્રુઅલ કપ એ રીતે ફેલાઈ જાય છે કે તેમાંથી લોહી બહાર આવતું નથી.

તેમાં ટૅમ્પન અથવા સેનિટરી નૅપ્કિનની સરખામણીમાં વધારે લોહી એકઠું થાય છે પરંતુ તેને નિયમિત રૂપે ખાલી કરવા તેમજ સાફ કરવાની જરૂર પડે છે.

તે બે પ્રકારના હોય છે - એક હોય છે ઘંટનો આકાર ધરાવતા વજાઇનલ કપ જે વજાઇનામાં નીચેની તરફથી ફિટ કરવામાં આવે છે અને બીજો હોય છે સર્વાઇકલ કપ જે થોડે ઉપરથી ઉપયોગમાં લેવાય છે.


કેવી રીતે કરશો ઉપયોગ?

Image copyright Thinkstock

જોકે, ઉપયોગ કરો એ પહેલાં કપ સાફ અને કોરો હોય એની ચોકસાઈ કરવી જોઈએ.

કપને ફોલ્ડ કરો અને વજાઇનામાં નાખો. અંદર જઈને કપ ખૂલી જશે અને આસપાસની જગ્યાને કવર કરતાં લિકેજ થવા દેશે નહીં.

તેને કાઢવા માટે કપને નીચેથી દબાવો અને પછી નીચેની તરફ ખેંચો. તેની અંદર એકત્રિત થયેલા લોહીને ટૉઇલેટમાં ખાલી કરો અને સારી રીતે ધોઈ નાખો.

એક વખત પિરિયડ્સ દરમિયાન વાપર્યા બાદ કપને પાણીમાં ઉકાળી લો.


યોગ્ય કપની પસંદગી કરો

Image copyright VANESSA TSENG

બજારમાં મૅન્સ્ટ્રુઅલ કપની ઘણી બ્રાન્ડ ઉપલબ્ધ છે પરંતુ તે દરેક માટે હોતી નથી. તેના ઉપયોગમાં સહજતા આવવામાં સમય લાગે છે.

વિશેષજ્ઞો કહે છે કે મહિલાઓ શું ઉપયોગમાં લે છે તે તેમની પસંદ છે પરંતુ તેના અંગે નિર્ણય લેવા માટે યોગ્ય સલાહ અને જાગરૂકતાની જરૂર છે.

અભ્યાસમાં સામેલ એક પ્રોફેસર પેનેલોપ ફિલિપ્સ હાવર્ડે કહ્યું, "સમગ્ર દુનિયામાં 1.9 અબજ જેટલી મહિલાઓ છે કે જેમની માસિક માટે યોગ્ય ઉંમર ધરાવે છે, તેઓ વર્ષમાં 65 દિવસ માસિકમાં વિતાવે છે. પરંતુ તે છતાં ખૂબ ઓછા એવા અભ્યાસ છે કે જેમાં સેનિટરી પ્રોડક્ટનું અધ્યયન કરવામાં આવ્યું હોય."


શું તે ટૅમ્પન કે સેનિટરી નૅપ્કિનથી સસ્તા છે?

Image copyright Getty Images

એક મૅન્સ્ટ્રુઅલ કપની કિંમત 15 પાઉન્ડ (આશરે 1280 રૂપિયા)થી 25 પાઉન્ડ (આશરે 2134 રૂપિયા) છે. આ કિંમત ટૅમ્પનના એક બૉક્સની સરખામણીએ ખૂબ વધારે છે.

પરંતુ ટૅમ્પન અને સેનિટરી નૅપ્કિનથી અલગ મૅન્સ્ટ્રુઅલ કપનો વારંવાર ઉપયોગ થઈ શકે છે અને તે આશરે 10 વર્ષ સુધી ચાલી શકે છે.

આ સિવાય તેને પર્યાવરણ માટે પણ યોગ્ય વિકલ્પ માનવામાં આવે છે. સંશોધકોનું માનવું છે કે મૅન્સ્ટ્રુઅલ કપના ઉપયોગથી ઇન્ફૅક્શનને કાબૂમાં લઈ શકાશે.

ખાસ કરીને ત્યાં પર જ્યાં પાણી અને શૌચાલયની સમસ્યા હોય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો