હૉંગકૉંગ વિરોધ-પ્રદર્શન : લોકશાહી તરફી લોકો સાથે મારપીટ, પોલીસે ટિયરગૅસ છોડ્યો

દેખાવો દરમિયાન બ્રિટિશ ફ્લેગ રજૂ કરતી એક વ્યક્તિ Image copyright Getty Images

હૉંગકૉંગમાં લોકતંત્ર માટે ચાલી રહેલા વિરોધ-પ્રદર્શનમાં ફરી એક વખત સંઘર્ષ થયો છે. યુઆન લોંગમાં રેલ્વે સ્ટેશને લોકશાહી તરફી લોકોની રેલી બાદ એમની સાથે મારપીટની ઘટના બની છે. પ્રત્યપર્ણ બિલની સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં પહેલીવાર હિંસાની થઈ છે.

45 લોકો ઘાયલ થયા છે અને એક વ્યકિતની સ્થિતિ ગંભીર કહેવામાં આવી રહી છે. અનેક સાંસદો એ પોલીસે ત્વરિત કાર્યવાહી ન કરી હોવાનું પણ જણાવે છે. પોલીસે કહ્યું કે હજી સુધી કોઈની ધરપકડ નથી કરી પણ મામલાની તપાસ ચાલી રહી છે.

અગાઉ રવિવારે વણસી રહેલી સ્થિતિને પહોંચી વળવા પોલીસે ટિયરગૅસના ગોળા છોડ્યાની પણ ઘટના બની છે.

પોલીસનું કહેવું છે કે ચેતવણી આપવા છતાં પ્રદર્શનકારીઓ કેન્દ્રીય સરકારી કાર્યાલયની ઇમારત પર ઈંડાં ફેંકી રહ્યા હતા. આ ઘટના બાદ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે સંઘર્ષ થયો.

હૉંગકૉંગમાં આ પ્રદર્શનની પાછળ પ્રત્યર્પણ બિલ જવાબદાર છે. રવિવારે થયેલા પ્રદર્શનમાં પ્રદર્શનકારીઓએ પોલીસ અધિકારીઓ પર બૉટલો ફેંકી હતી.

પ્રદર્શનના આયોજકોનો દાવો છે કે આ પ્રદર્શનમાં 4,30,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. જોકે, પોલીસ અનુસાર આ આંકડો 1,38,000 છે.

ચીનની એક સરકારી ઇમારતની બહાર કેટલાંક પ્રદર્શનકારીઓએ સ્પ્રૅ-પેઇન્ટથી સૂત્રો લખ્યાં હતાં. જેમાં એક સૂત્ર હતું "તમે અમને શીખવાડ્યું છે કે શાંતિપૂર્ણ પ્રદર્શનનો કોઈ ફાયદો નથી."

એક મેટ્રો સ્ટેશન પર કેટલાક બુકાનીધારી લોકોએ લોકતંત્રનું સમર્થન કરવા આવેલા લોકો પર હુમલો કર્યો હતો. એક વીડિયોમાં લોકો લાકડીઓ અને દંડાથી હુમલો કરતા જોવા મળે છે.

સ્થાનિક મીડિયા અનુસાર ઘટના પછી સાત લોકોને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.


પોલીસના સમર્થનમાં રેલી

Image copyright Getty Images

આ પહેલાં શનિવારે હિંસક-પ્રદર્શનની વિરુદ્ધ અને પોલીસના સમર્થનમાં એક બીજી રેલી પણ યોજાઈ હતી. જેમાં પણ હજારો લોકો જોડાયા હતા.

પોલીસે આપેલી માહિતી પ્રમાણે એ પ્રદર્શનમાં 1,03,000 લોકો જોડાયા હતા, જ્યારે 3,00,000થી વધારે લોકો જોડાયા હોવાનો આયોજકોનો દાવો છે.

પ્રદર્શનની થીમ 'સેફગાર્ડ હૉંગકૉંગ' હતી. 'ધ સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ'એ કહ્યું છે કે આ રેલીમાં સ્થાનિકો, વસાહતીઓ, લઘુમતીઓ જોડાયા હતા.

આ પ્રદર્શનોને કારણે હૉંગકૉંગમાં મોટુ સંકટ ઊભું થયું છે.

સ્થાનિક સરકારે પ્રત્યર્પણ બિલને આગળ નહીં વધારવાનું નક્કી કર્યું છે પરંતુ પ્રદર્શનો અટકી નથી રહ્યાં. લોકો આ બિલને સંપૂર્ણ રીતે ફગાવી દેવામાં આવે તેવી માગણી કહી રહ્યા છે.

હૉંગકૉંગ પર પહેલા બ્રિટનનો કબજો હતો પરંતુ ચીનને સોંપણી થયા પછી 'એક દેશ બે તંત્ર' હેઠળ તેને મર્યાદિત સ્વાયત્તતા આપવામાં આવેલી છે.

હૉંગકૉંગની પોતાની ન્યાય વ્યવસ્થા અને કાયદાકીય તંત્ર છે જે મુખ્ય ચીનથી સ્વતંત્ર છે.

નોંધનીય છે કે આ સતત સાતમું અઠવાડિયું છે જ્યારે લોકો સામૂહિક પ્રદર્શન કરી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ