જ્યારે ઉબર ટૅક્સીની એક રાઇડ 68 હજારમાં રૂપિયામાં પડી

મોબાઇલમાં જોતી મહિલા Image copyright Getty Images
ફોટો લાઈન આ ભાડું વધવાના કારણે સોશિયલ મીડિયા પર લોકો ફરિયાદ કરી રહ્યા છે.

ઉબર અને ઓલા જેવી ટૅક્સી સર્વિસો માર્કેટમાં સસ્તા વિકલ્પ તરીકે આવી છે અને લાખો લોકો તેનો ઉપયોગ કરે છે.

ટૅક્સીને બુક કરીએ ત્યારે આપણે કેટલાં નાણાં ચૂકવવા પડશે તેની જાણકારી મળી જાય છે.

એમાં એ પણ સુવિધા છે કે જો તમને ભાડું વધારે લાગે તો તમે તેને કૅન્સલ પણ કરી શકો છો.

જોકે, હવે આ જ ફાયદાઓએ અમેરિકાના કેટલાક લોકોની ઊંઘ ઉડાડી દીધી છે.

અમેરિકામાં મુસાફરોએ ટ્વિટર પર ફરિયાદો શરૂ કરી છે કે તેમને રાઇડનું 100 ગણું વધારે ભાડું ચૂકવવું પડ્યું છે.

ઉબરમાં કોઈ ટેકનિકલ ખામીને કારણે લોકોને અનેક ગણા વધારે નાણાં ચૂકવવાં પડ્યાં છે.

એક રાઇડનું ભાડું 96.72 ડૉલરમાં હોવું જોઈતું હતું તેના બદલે પેસેન્જરને 9,672 ડૉલર ચૂકવવા પડ્યા હતા.

જે ભારતીય નાણાંમાં આશરે 68,000 રૂપિયા જેટલી રકમ થવા જાય છે.

ઉબરે કહ્યું છે કે આ ખામીને હવે સુધારી લેવામાં આવી છે. જોકે, તેમણે એ વાતનો જવાબ આપ્યો નથી કે કેટલા લોકો પાસેથી મુસાફરીના વધારે નાણાં લેવામાં આવ્યાં છે.


ડેબિટ કાર્ડમાંથી સીધાં જ કપાયાં નાણાં

Image copyright Getty Images

એક યૂઝરે કહ્યું કે એક નાની મુસાફરીના 19.05 ડૉલરને બદલે તેમની પાસેથી 1,905 ડૉલર વસૂલવામાં આવ્યા હતા.

જેના કારણે તેમના પતિના ક્રૅડિટ કાર્ડની લિમિટ એક જ દિવસમાં પૂર્ણ થઈ ગઈ હતી.

બીજા પણ અનેક લોકોએ આવી જ ફરિયાદ કરી હતી અને કેટલાક લોકોએ એમ પણ કહ્યું હતું કે એવી કોઈ સીધી વ્યવસ્થા પણ નથી કે ઉબરને તેની ફરિયાદ કરી શકાય.

વૉશિંગ્ટન પોસ્ટના સોશિયલ અને ઑપરેશન્સ ડિરેક્ટર માર્ક સ્મિથ પણ ઉબરની આ ખામીનો ભોગ બન્યા હતા.

જેમણે કહ્યું કે આ ઘટનાથી એ જાણવા મળ્યું કે આપણું ડેબિટ કાર્ડ ઉબર સાથે લિંક ના કરવું જોઈએ.

તેમણે કહ્યું કે ડેબિટ કાર્ડને કારણે તમારા બૅન્ક ખાતામાંથી તાત્કાલિક નાણાં ચૂકવાઈ જાય છે. જેને પરત મેળવવામાં ઘણો સમય લાગે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો