રશિયાની એ માતાઓ જે પોતાનાં સંતાનોની હત્યા કરી દે છે

રેખાચિત્ર

અર્થશાસ્ત્રી એલ્યોના પતિ પ્યોત્ર સાથે ખુશહાલ જીવન વિતાવી રહ્યાં હતાં.

દંપતિ માતાપિતા બનવાની ભારે ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યું હતું.

તેઓએ આવનારા બાળકનાં બાળોતિયાં, વાઘા, પારણું વગેરે ખરીદી પણ લીધાં હતાં.

એલ્યોના ગર્ભવતીઓ માટેના વર્ગોમાં પણ ભાગ લેવા લાગ્યાં હતાં.

જોકે, નવી-નવી માતા બનેલી સ્ત્રીની માનસિક સમસ્યાઓ કેવી હોઈ શકે તેની ચર્ચા કોઈ કરી રહ્યું નહોતું.

બાળકના જન્મ પછી એલ્યોનાને અનિદ્રાનો રોગ લાગુ પડ્યો અને તેમનાં માટે સ્થિતિ સહન મુશ્કેલ બનવા લાગી.

એવો ખ્યાલ આવ્યો કે ભૂતકાળમાં તેમને માનસિક સમસ્યાઓ થઈ હતી.

મનોચિકિત્સકે તેમને દવાઓ આપી તેનાથી થોડી રાહત થયેલી જણાઈ હતી.

એક દિવસ પ્યોત્ર ઘરે આવ્યા ત્યારે જોયું તો તેમનું સાત મહિનાનું બાળક બાથ ટબમાં મરેલું પડ્યું હતું.

બાદમાં તેમણે તપાસ કરી ત્યારે એલ્યોના મોસ્કોના એક તળાવમાં મળ્યાં હતાં.

બાળકને ડૂબાડી દીધા પછી તેમણે વોડકાની આખી બૉટલ ખાલી કરી નાખી હતી અને તેઓ પોતે પણ તળાવમાં કૂદી પડવા માગતાં હતાં, પણ બેભાન થઈ ગયાં હતાં.


માતા એ બાદમાં શું કહ્યું?

પરેશાન પ્યોત્ર એલ્યોનાના કેસની દરેક સુનાવણી વખતે હાજર રહે છે અને તેમને સાંત્વના આપવાની કોશિશ કરે છે.

તેમને લાગે છે કે બાળકના જન્મ પછી માતાને થતા ડિપ્રેશન વિશે કોઈએ એલ્યોનાને જણાવ્યું હોત તો આવી ઘટના ટાળી શકાઈ હોત.

તેઓ કહે છે, "તેના કોઈ બદઈરાદા નહોતા. તે માનસિક રીતે ભાંગી પડી હતી."

"તેમને યોગ્ય ડૉક્ટરની સારવાર મળી હોત તો સારું થાત. તેમણે મને કહ્યું ત્યારે હું તેને હૉસ્પિટલ લઈ ગયો હોત તો આવું ના થયું હોત."

રશિયાના અપરાધ બાબતના જાણકારો કહે છે કે બાળકોની હત્યા કરનારી 80% મહિલાઓએ હત્યા પહેલાં માથાનો દુખાવો, ઊંઘ ના આવવી કે અનિયમિત માસિકસ્રાવની ફરિયાદ સાથે ડૉક્ટરની મુલાકાત કરેલી હતી.


દર વર્ષે રશિયામાં ડઝનબંધ મહિલાઓ સામે તેમનાં જ સંતાનોની હત્યા કરવાના કેસ ચાલે છે.

આરોપીઓમાં સફળ સંતાનોથી માંડીને સફળ બિઝનેસ મૅનેજરો પણ હોય છે.

આ માત્ર રશિયાની સમસ્યા નથી. માનસશાસ્ત્રીઓના અંદાજ અનુસાર અમેરિકામાં પણ દર ચારમાંથી એક માતાએ તેમનાં સંતાનોનો જીવ લઈ લેવાનું ક્યારેક ને ક્યારેક વિચાર્યું હોય છે.

2014માં અમેરિકામાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે છેલ્લાં 32 વર્ષમાં થયેલી હત્યાઓમાં 15 ટકા સંતાનોની હત્યાઓ હતી.

આ અભ્યાસમાં ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસના આંકડા ટાંકવામાં આવ્યા હતા.

તે આંકડા અનુસાર 1976થી 1997 દરમિયાન વાલીઓએ પોતાની જ 11,000 સંતાનોની હત્યાઓ કરી હતી.

આ આંકડા પ્રમાણે દર વર્ષે સરેરાશ 340 સંતાનોની હત્યાઓ થઈ હતી.

બીબીસી રશિયાના પત્રકારો ઓલેસ્યા ગેરાસિમેંકો અને સ્વેતલાના રેઇટર બન્નેએ રશિયાની મહિલાઓ સાથે વાતચીત કરીને જાણવા કોશિશ કરી કે શા માટે માતાઓ પોતાનાં બાળકોની હત્યા કરી દે છે.


'જુઓ, મેં કદાચ બાળકને મારી નાખ્યું હોય એવું લાગે છે'

38 વર્ષનાં એન્ના શિક્ષિકા છે અને તેમના 18 અને 10 વર્ષના બે દીકરા તેમની નાનકડી બહેનના આગમનની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા. તેમનાં માતાપિતાને દીકરીની બહુ ઇચ્છા હતી.

પરંતુ 7 જુલાઈ 2018ના રોજ એન્નાએ જાતે જ ઍમ્બુલન્સ બોલાવી લીધી હતી.

બાળકના જન્મ પહેલાંથી જ તેમને ભયાનક દુખાવો થવા લાગ્યો હતો. તે દુખાવો બાદમાં પણ ચાલતો રહ્યો અને સ્થિતિ બગડવા લાગી હતી.

એન્નાને લાગ્યું કે પોતે આવી સ્થિતિ સહન કરી શકશે નહીં.

સાયકૉલોજિસ્ટે તેમને રિલેક્સ રહેવા સમજાવવા કોશિશ કરી હતી. તેમના પતિ મૉસ્કોમાં કામે ગયા હતા ત્યારે તેમણે પોતાનાં બાળકોને એક મિત્ર પાસે મૂક્યાં અને કહ્યું કે પોતે પલંગ ખરીદવા માટે જાય છે.

તેના બદલે એન્ના પોતાની માતાની કબર પર પહોંચી ગયાં હતાં.

બીજા દિવસે ઉઘાડા પગે પોતાના બાળકને લઈને તેઓ નીકળ્યાં. તેઓ જઈ રહ્યાં હતાં ત્યારે એક પોલીસે તેમને અટકાવ્યાં અને પૂછ્યું કે ક્યાં જઈ રહ્યાં છો, પણ તેઓ જવાબ આપી શક્યાં નહોતાં.

તેમનાં સાસુ તેમને ઘરે લઈ આવ્યાં. કોર્ટમાં ચાલતા કેસ અનુસાર ઘરે પહોંચ્યા બાદ એન્નાએ ઓશિકું દબાવીને બાળકને મારી નાખવાની કોશિશ કરી હતી.

સાત જુલાઈના એ દિવસે ઍમ્બુલન્સ આવી ત્યારે એન્નાએ ડૉક્ટરને કહ્યું હતું કે, "જુઓને, મેં કદાચ બાળકને મારી નાખ્યું હોય તેમ લાગે છે."

ઍમ્બુલન્સમાં આવેલા તબીબોએ બાળકને શ્વાસ લેતું કર્યું હતું અને એન્નાને હૉસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યાં હતાં.

તેમને ક્રોનિક સ્કિઝોફ્રેનિયા થયો હોવાનું નિદાન થયું હતું.

ડૉ. કેચેઇવા જણાવે છે, "તમારે એ સમજવાનું છે કે આ કોઈ સંપૂર્ણ પાગલપણું નથી."

"માનસિક રીતે બીમાર હોય ત્યારે મહિલાએ પોતાના બાળકની હત્યા કરી હોય, પણ તે ઘટનાના પહેલાંના સમયે તે બિલકુલ સામાન્ય જીવન જીવતી હોય છે."


'ઓહ માય ગોડ, ડૉક્ટર, મેં આ શું કરી નાખ્યું?'

21 વર્ષનાં અરીના પોતાના બાળકને તેડીને નવમા માળના ફ્લેટ પરથી કૂદી પડ્યાં હતાં.

બાળકનો જન્મ થયો ત્યારે તેમના પતિ સેનામાં ફરજ બજાવવા ગયા હતા.

નોકરી પરથી આવ્યા ત્યારે પતિએ તેમની સાથે અયોગ્ય વર્તાવ કર્યો હતો. અરીના ડિપ્રેસ હોય એવું તેમને લાગ્યું હતું.

તેઓ પોતાનાં માતાપિતા સાથે એક વર્ષથી રહેતાં હતાં. આત્મહત્યા અને સંતાનહત્યા કરવા માટેનો પ્રયત્ન કર્યો તેના એક દિવસ પહેલાં તેમણે પોલીસને ફોન કરીને બોલાવી હતી.

તેમણે પોલીસને કહ્યું હતું કે તેમના પતિ તેમની હત્યા કરવા માટે ચાકૂની ધાર કાઢતા હતા.

જોકે, ચમત્કારિક રીતે માતા અને બાળક બચી ગયાં હતાં.

અરીનાને હૉસ્પિટલ લઈ જવાયાં હતાં અને સારવાર બાદ પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી.

મનોચિકિત્સકોએ તેઓ સ્કિઝોફ્રેનિયાથી પીડાતાં હોવાનું નિદાન કર્યું હતું.

સ્કિઝોફ્રેનિયાથી પીડાતાં માતા કે ડિપ્રેશનમાં રહેલાં માતા મોટા ભાગે બાળકની હત્યા માટે એકસમાન કારણો આપતાં હોય છે.

"આ તેના હિતમાં જ છે, કેમ કે હું બહુ ખરાબ માતા છું", "દુનિયા બહુ ખરાબ છે, મારું બાળક તેમાં ના રહે તે જ સારું જ છે."

ડૉ. કેચીઇવા કહે છે, "આવો ગુનો કર્યા પછી સ્ત્રી શાંતિથી જીવી શકતી નથી. તે પહેલી, બીજી કે ત્રીજીવાર કે ગમે ત્યારે મોકો મળે ત્યારે ખુદને પણ ખતમ કરી નાખે છે."

તેઓ જણાવે છે કે કુટુંબમાં કોઈએ વચ્ચે પડીને કહ્યું હોય ત્યારે જ મોટા ભાગે મહિલાઓને તેમની પાસે સારવાર માટે લાવવામાં આવતી હોય છે.

તેમને સારવાર આપવામાં આવે તો પૂર્ણરૂપે સારા થઈ જવા માટે છ મહિના પૂરતા છે.

અમેરિકાની જેમ જ રશિયામાં પણ સંતાનની હત્યા કરનારી સ્ત્રીને શું સજા આપવી તે અદાલતો નક્કી કરતી હોય છે.

ફોરેન્સિક સાયકૉલૉજિસ્ટની તપાસમાં માતા પાગલ સાબિત ન થાય તો તેને લાંબી કેદની સજા થઈ શકે છે.

આમાંની મોટા ભાગની સ્ત્રીઓનું નાનપણમાં શારીરિક શોષણ થયું હોય છે.

રશિયાના ફોરેન્સિક સાયકિયાટ્રિસ્ટ્સ દ્વારા થયેલા અભ્યાસોમાં જોવા મળ્યું હતું કે સંતાનોની હત્યા કરનારી સ્ત્રીઓમાંથી 80% જેટલી ગરીબ પરિવારમાં ઉછરેલી હોય છે. તેમાંની 85% સ્ત્રીઓનું લગ્નજીવન ખરાબે ચડેલું હોય છે.

આ આંકડાઓ વચ્ચે સંશોધકો સ્પષ્ટપણે કડી જોઈ શકે છેઃ જૂઠાણું, દલીલો, ઝઘડા, અસંતોષ અને નશાખોરીની સ્થિતિ સ્ત્રીઓએ કિશોરીવસ્થામાં જોઈ હોય છે.

પુખ્તવયે લગ્ન કર્યા પછી આવી જ સ્થિતિનો સામનો તેમણે ફરી કરવો પડતો હોય છે.

પોતાનાં માતાપિતા સાથે સારા સંબંધો ના રહ્યા હોય તેના કારણે પણ સંતાનો સામે આક્રમકતા આવે છે.

માતા આવી આક્રમકતાને સંતાન તરફ વધારે પડતો પ્રેમ બતાવીને છુપાવતી હોય છે.

કેચીઇવા કહે છે, "ઘરેલું હિંસાનો ભોગ બનવાની બાબત આવા કિસ્સામાં ભવિષ્યમાં આ પ્રકારની હિંસા પ્રેરવામાં મુખ્ય પરિબળ બનતું હોય છે."

"આમાંની મોટા ભાગની સ્ત્રીઓ નાનપણમાં શારીરિક, ભાવનાત્મક અને જાતીય રીતે શોષણનો ભોગ બનેલી હોય છે."

પોતાનાં સંતાનોની હત્યા કરી નાખનારી માતાઓના કેસ લેવા માટે પણ ઘણી વાર વકીલો તૈયાર હોતા નથી.


'મને હતું કે મારી સાથે આવું ક્યારેય થઈ શકતું નથી'

મરીના ક્લેશ્ચેવા કહે છે, "જેલના સત્તાધીશો સંતાનોની હત્યા કરીને આવેલા ગુનેગારોની ઓળખ, બીજા કેદીઓ સમક્ષ જાહેર કરતા નથી."

મરીના બીજા ગુનાસર જેલ ભોગવી ચૂક્યા છે.

"જોકે, મેં આવા ગુનેગારોને જોયા છે. પણ એ તો તેઓ જ્યારે આ વાત કરે ત્યારે જ ખબર પડે. ત્યાં સુધી તેમને શા માટે જેલ થઈ તેની કોઈને ખબર પડતી નથી."

"જેલમાં તેમની સાથે કોઈની મિત્રતા થતી નથી. તેઓ ચૂપચાપ બેઠા રહે છે."

મૉસ્કોના ક્લિનિકલ સાયકૉલૉજિસ્ટ યાકોવ કોચેતોવ કહે છે કે સ્ત્રી હત્યા અંગેના પોતાના વિચારોને નકારતી રહે છે અને સ્વબચાવ તરીકે પોતાનામાં રહેલો રોષ બીજા પર ઠાલવતી રહે છે.

"તમારે આવી સ્ત્રીને સમજવી હોય કે તેની લાગણીઓ માટે સહાનુભૂતિ હોય, તો તમારે તેમની એ લાગણીઓને સમજવી પડે, જે સમજવા માટે કોઈ તૈયાર હોતું નથી."

એક મોટી ટેલિકોમ કંપનીમાં કૉર્પોરેટ ક્લાયન્ટ્સ માટે સ્પેશ્યાલિસ્ટ તરીકે કામ કરતાં 33 વર્ષનાં તાતિયાના કહે છે, "હું આવી માતાઓને પહેલાં ધિક્કારતી હતી. મને થતું કે હું ક્યારેય આવું ના કરું."

"સેલ્સ, બિઝનેસ ટ્રીપ, મિત્રો, અને તે પછી મને થયું કે મારે બાળક જોઈએ. મને લાગ્યું હતું કે અમે શક્ય હોય તે રીતે માતાપિતા બનવા તૈયાર પણ હતાં, પણ સ્થિતિએ જુદી જ રીતે આકાર લીધો."

"પ્રસૂતિ બહુ તકલીફદાયક હતી અને દાયણો પણ બહુ રફ હતી. બાદમાં મને પ્રસૂતિની યાદ આવ્યા કરતી હતી અને બહુ પીડાદાયક સપનાં આવ્યાં કરતાં હતાં."

"હું જાગી જાઉં અને જોઉં કે મારું દિલ ધડકતું હોય છે. બીમારીઓ થવા લાગી, વજન વધવા લાગ્યું, અલ્સર થયું, વાળ ખરવા લાગ્યા... આ બધાના કારણે મને મારા સંતાન પ્રત્યે રોષ થવા લાગ્યો. મને લાગ્યું કે જાણે તેણે જ મારું જીવન છીનવી લીધું છે."

સંતાન રાતે સૂવે નહીં કે દાંત આવતા હોય ત્યારે સતત રડ્યા કરે ત્યારે તાતિયાના ખૂબ પરેશાન થઈ જતાં હતાં.


'બીજા બધા સંભાળ લઈ શકે તો તું કેમ નહીં?'

તાતિયાના યાદ કરે છે, "બાળક સતત રડ્યા કરે એટલે તમારું માથું ભમવા લાગે અને તમને તમારા નાનપણમાં થયેલી સમસ્યાઓ ફરી સતાવવા લાગે."

"મને એમ લાગતું હતું કે બધું મારે જ ભોગવવાનું છે. હું હિસ્ટેરિકલ થઈ ગઈ હતી અને હું તેને હિંચકા નાખીને સૂવડાવતી હોઉં ત્યારે તેને હચમચાવી નાખતી હતી. તે આવું થાય ત્યારે વધારે ગભરાય ને વધુ જોરથી રડવા લાગે."

"હું તે પછી હોય તેટલી તાકાતથી તેને પથારીમાં ફેંકતી અને તેના પર રાડો પાડતી. આના કરતાં તો તું મરી જાય તો સારું - એવી ચીસો પાડતી. ક્યારેક તેનાથી પણ વધારે ત્રાસ આપતી."

"પણ પછી મને બહુ શરમ આવતી અને દોષની ભાવના થતી કે હું માતૃત્ત્વને માણી શકતી નથી."

તાતિયાના કહે છે કે તેમના પતિએ તેમને કહ્યું હતું કે તું બાળકને માનસિક રીતે કૃપણ કરી રહી છે.

તાતિયાના મુશ્કેલીઓ જણાવે ત્યારે પતિ ગંભીરતાથી લેતા નહોતા અને કહેતા, "અરે પણ તું માતા છે. બીજા કરી શકે તો તું કેમ ના કરી શકે? તો પછી શા માટે બાળકને જન્મ આપ્યો?"

આ રીતે વર્ષ પસાર થયું અને સ્થિતિ બગડવા લાગી. તાતિયાનાને હવે આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા હતા અને તે મનોવૈજ્ઞાનિક પાસે પહોંચ્યાં હતાં.

"મને લાગતું હતું કે મારી જેવી નકામી માતાએ આ ધરતી પર ના રહેવું જોઈએ."

"મારા બાળકની મા વધારે સારી હોવી જોઈતી હતી. આવી માનસિક તાણ સહન કરવાને બદલે મરી જવું મને વધારે સરળ પડશે."

"આવા વિચારોથી હું ઘેરાઈ ગઈ હતી. જોકે સાયકૉલૉજિસ્ટે સ્થિતિ સંભાળી લીધી અને મને ઘણી મદદ કરી."


કોણ છે તેઓ?

રશિયાના કાયદા પ્રમાણે બહુ ઓછી તપાસમાં આવતી અને જેને ટેબૂ ગણીને ચર્ચા ટાળવામાં આવે છે તેવા આ અપરાધને સંતાનહત્યા કહેવામાં આવે છે.

બાળક તાજું જન્મેલું હોય અને હત્યા થાય ત્યારે શિશુહત્યા કે હજી નાનું હોય (બે વર્ષ કરતાં નાની ઉંમરનું હોય) ત્યારે માતા હત્યા કરે તેને બાળહત્યા કહેવામાં આવે છે.

રશિયામાં 2018માં આવા 33 કેસો નોંધાયા હતા.

અપરાધ બાબતોના કેટલાક નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ પ્રકારના ગુનાની સંખ્યા હકીકતમાં આઠેક ગણી વધારે હશે, કેમ કે મોટા ભાગના કેસ કોર્ટ સુધી પહોંચતા નથી.

માર્ગરિટા કેચેઇવા કહે છે, "અમારા સ્ત્રી વૉર્ડમાં 20 પથારીઓ છે, તેમાંથી ત્રણ કે ચારમાં દર મહિને એવી મહિલાઓ હોય છે, જેમણે પોતાનાં સંતાનોની હત્યા કરી હોય."

માર્ગરિટા મૉસ્કોની સર્બ્સ્કી ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાઇકિયાટ્રીમાં ફૉરેન્સિક સાયકિયાટ્રિસ્ટ તરીકે કામ કરે છે અને અગ્રણી સંશોધક છે.

અકાઉન્ટન્ટ, શિક્ષિકા, બેરોજગાર સ્ત્રી, સામાજિક કલ્યાણના કન્સલ્ટન્ટ, વેઇટ્રેસ, ડિઝાઇન સ્કૂલના ગ્રેજ્યુએટ, એક મોટા પરિવારનાં મહિલા, દુકાનમાં કામ કરતી સ્ત્રી - એમ અનેક પ્રકારની સ્ત્રીઓની કથાઓ બીબીસીની તપાસમાં જાણવા મળી હતી.

સંતાનોની હત્યાઓ કરનારી માતાઓ વિશે કેટલીક માન્યતાઓ છે, પણ તેનાથી વિપરિત મોટા ભાગની સ્ત્રીઓ પતિ, ઘર, સારી નોકરી ધરાવતી હતી અને કોઈ જાતનું વ્યસન ધરાવતી નહોતી.

ડૉક્ટરો જાણે છે કે બાળકના જન્મ પછી ઘણી વાર જૂની માનસિક બીમારી ફરી અચાનક ઊથલો મારી શકે છે.

મહિલાઓ એવી ક્રોનિક કન્ડિશનમાં હોય છે, જે રોજબરોજના જીવનમાં દેખાતી નથી, પણ ત્રણ બાબતોને કારણે તે ગમે ત્યારે સક્રિય થઈ શકે છે.

આ ત્રણ બાબત છે - ગર્ભાવસ્થા, બાળકનો જન્મ અને રજોનિવૃત્તિ.


કેવી રીતે આવી સ્થિતિને રોકી શકાય?

સંતાન-હત્યાની વાત નીકળે ત્યારે આપણે એવી ચર્ચાએ ચડી જતા હોઈએ છીએ કે સંતાનો થાય જ નહીં તે માટે નિરોધકોનો ઉપયોગ વધારવો જોઈએ.

જોકે, રશિયા અને પશ્ચિમના દેશોના ડૉક્ટરો એ બાબતને મહત્ત્વની ગણાવતા હોય છે કે માતાની માનસિક સમસ્યાઓ તરફ ધ્યાન આપવામાં આવે.

ખાસ કરીને બાળકના જન્મ બાદ આવતા ડિપ્રેશન પર ધ્યાન આપવું જોઈએ.

સાયકૉલૉજિસ્ટ મરીના બિલોબ્રામ કહે છે, "આદર્શ રીતે તમારે બાળકના જન્મ પહેલાં જ દરેક પ્રકારની સ્થિતિની કલ્પના કરી લેવી જોઈએ."

"તમારી માતા સાથે તમારા સંબંધોની ચર્ચા કરો. તમે પોતાના વિશે અને તમારા જીવનસાથી વિશે શું વિચારો છો તે જુઓ."

"તેના કારણે બાળકના જન્મ પછી તમારી સ્થિતિમાં શું અસરો થશે તેની કલ્પના કરી લો."

"વહાલાં લાગતાં બાળકો સાથે ખુશખુશાલ માતાઓના પોસ્ટરથી કામ પૂરું થઈ જવાનું નથી."

"આનાથી વિપરિત સ્થિતિ કેવી હોઈ શકે તે સમજાવતા પોસ્ટરો પણ લગાડવાં જોઈએ."

ડૉ. માર્ગરિટા કેચીએવા કહે છે, "મૉસ્કોમાં અને અન્ય પ્રદેશોમાં પણ અમે આવી મુશ્કેલીમાં હોય તે સ્ત્રીઓ માટે કેન્દ્રો ખોલ્યાં છે."

"ઘરેલું હિંસાનો ભોગ બનેલી સ્ત્રીઓથી માંડીને ડિપ્રેશનમાં હોય તેવી મહિલાઓ માટે આ કેન્દ્રોનાં દ્વાર ખુલ્લાં છે."

"જોકે અમારાં કેન્દ્રો અડધાં ખાલી પડ્યાં રહે છે, કેમ કે સ્ત્રીઓને સંતાનો લઈ લેવાની ચિંતા હોય છે. સમસ્યાની વાત કરશે તો તેમની પાસેથી સંતાનોને લઈ લેવામાં આવશે એવી ચિંતા હોય છે."

"આવા જ ભયને કારણે મહિલાઓ સ્થાનિક મનોવૈજ્ઞાનિક પાસે પણ જતી હોતી નથી."

"તેઓ પોતાના પતિ કે કુટુંબીઓને પણ વાત કરતાં ગભરાય છે, કેમ કે તેમને ચૂપચાપ પડી રહે તેવો જવાબ મળવાનો ભય હોય છે."

(ભોગ બનેલાં બાળકોના અધિકારોના રક્ષણ માટે આ લેખમાં અપાયેલાં બધાં નામો બદલી નાખવામાં આવ્યાં છે)

(બધાં રેખાચિત્રો તાતિયાના ઓસ્પેનિકોવાનાં છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો