કાશ્મીર મધ્યસ્થી અંગે ભારતની પ્રતિક્રિયા અંગે ઇમરાન ખાને શું કહ્યું?

ઇમરાન ખાન અને ટ્રમ્પ Image copyright Getty Images

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કાશ્મીર મામલે મધ્યસ્થા કરવાની ઑફરનું સ્વાગત કર્યું છે.

બીજી તરફ તેમણે આ મામલે ભારત તરફથી આપવામાં આવેલી પ્રતિક્રિયાઓ મામલે પણ ટિપ્પણી કરી છે.

ઇમરાન ખાન હાલ અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે છે અને તેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા.

બંનેની મુલાકાત વખતે ટ્રમ્પે કાશ્મીરના વિવાદને હલ કરવા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થા કરવાની ઑફર કરી હતી.

તેમણે કહ્યું હતું કે મોદીએ જ તેમને મધ્યસ્થા માટે કહ્યું હતું. જે બાદ ભારતમાં આ મામલે હંગામો થયો.

આખરે ભારતના વિદેશ પ્રધાન જયશંકરે સ્પષ્ટતા કરી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવું કહ્યું નથી.


ઇમરાન ખાને શું કહ્યું?

ઇમરાન ખાને કાશ્મીર અને ટ્રમ્પના નિવેદન પર ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા જાહેર કરી છે.

તેમણે કહ્યું, "રાષ્ટ્રપતિ ટ્રમ્પની 70 વર્ષથી ચાલ્યા આવતા કાશ્મીર વિવાદને ઉકેલવા માટે ભારત અને પાકિસ્તાનને ટેબલ પર લાવવાની ઑફર અંગે ભારતની પ્રતિક્રિયાથી તેમને નવાઈ લાગી છે. કાશ્મીર વિવાદનો ઉકેલ ના આવવાને કારણે કાશ્મીરની પેઢીઓ તેનો ભોગ બની રહી છે."

આ મામલે ભારતે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દેતાં કહ્યું છે કે ભારત પાકિસ્તાન સાથેના મુદ્દાઓને દ્વિપક્ષીય મંત્રણા દ્વારા જ ઉકેલશે.

ભારતના વિદેશ પ્રધાન જયશંકરે સંસદમાં પણ એ વાતની સ્પષ્ટતા કરી છે કે કાશ્મીર મામલે કોઈની મધ્યસ્થીનો સવાલ જ નથી.


સમગ્ર મામલો શું છે?

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સાથે વૉશિંગ્ટનમાં એક પત્રકારપરિષદમાં ટ્રમ્પે કહ્યું, "બે અઠવાડિયાં પહેલાં જ મારે નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થઈ હતી અને તેમણે મને કહ્યું હતું કે શું તમે મધ્યસ્થી બનવા ઇચ્છો છો? મેં પૂછ્યું ક્યાં? તો તેમણે કહ્યું, કાશ્મીરમાં."

ટ્રમ્પે કહ્યું, "જો હું મદદ કરી શકું તો મને મધ્યસ્થી બનીને ખુશી થશે."

ટ્રમ્પના આ નિવેદનને ભારતે રદિયો આપ્યો છે.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વિટર પર કહ્યું, "અમે પ્રેસમાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનું નિવેદન જોયું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવી કોઈ માગ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સામે કરી નથી."

તેમણે કહ્યું, "ભારતનો સતત એ મત રહ્યો છે કે પાકિસ્તાન સાથે દરેક મુદ્દા પર દ્વિપક્ષી વાતચીત થશે. પાકિસ્તાન સાથે કોઈ પણ વાતચીતમાં શરત એ જ છે કે તે સરહદ પરથી ઉગ્રવાદ બંધ કરે."

આ મુદ્દે કૉંગ્રેસ તરફથી પણ પ્રતિક્રિયા આવી છે.

કૉંગ્રેસના પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું, "ભારતે ક્યારેય જમ્મુ-કાશ્મીર મુદ્દે ત્રીજા પક્ષની મધ્યસ્થીનો સ્વીકાર કર્યો નથી."


પાકિસ્તાનમાં છવાયા મોદી અને કાશ્મીર

Image copyright Getty Images

ટ્રમ્પ અને ઇમરાન ખાનની મુલાકાતથી નરેન્દ્ર મોદી અને કાશ્મીરનો મુદ્દો પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં છવાયો છે.

પાકિસ્તાન ટ્વિટરના ટૉપ ટ્રૅન્ડમાં ઇમરાન ખાન અને ટ્રમ્પની મુલાકાત સિવાય કાશ્મીર અને મોદી પણ સામેલ છે.

ટ્રમ્પ સાથેની મુલાકાતમાં અમેરિકા માટે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન માટે વિદેશી સહાય તથા કાશ્મીર મુદ્દો રહ્યા.

ટ્રમ્પે કાશ્મીરમાં મધ્યસ્થી અંગે નરેન્દ્ર મોદીએ કહ્યું હોવાની જે વાત કરી તેનું પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સ્વાગત કર્યું હતું.

ઇમરાન ખાને કહ્યું, "અમેરિકા વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ છે અને તે શાંતિ સ્થાપિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે એમ છે."

"કાશ્મીરની સ્થિતિને કારણે એક અબજ લોકો પરેશાન છે. મને વિશ્વાસ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બેઉ દેશોને નજીક લાવી શકે છે."

ઇમરાન ખાને એમ પણ કહ્યું કે પાકિસ્તાને ભારત સાથે સંવાદ કરવાની કોશિશ કરી છે, પણ એ દિશામાં પ્રગતિ સધાઈ નથી.

એમણે આશા વ્યક્ત કરી કે ટ્રમ્પ આ મામલે ભૂમિકા ભજવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ