બાંગ્લાદેશ લિંચિંગ : માનવબલિ માટે બાળકોનાં અપહરણની ઑનલાઇન અફવામાં 8 લોકોની હત્યા

પોલીસ અધિકારી Image copyright AFP
ફોટો લાઈન પોલીસવડા જાવેદ પટવારીએ લોકોને અફવા પર ધ્યાન ન આપવા કહ્યું છે

બાંગ્લાદેશમાં બાળકોનાં અપહરણની એક ઑનલાઈન અફવા ફેલાતા 8 લોકોની ટોળાંએ હત્યા કરી હોવાની ઘટના બની છે.

રાજધાની ઢાકાની દક્ષિણે પદ્મ પુલ બનાવવા માટે માનવબલિની જરૂર છે એવી અફવાને આધારે લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.

એવી પણ અફવા ફેલાઈ હતી કે ત્રણ બિલિયન ડૉલરના પુલ પ્રોજેક્ટ માટે બાળકોનો બલિ ચઢાવાઈ રહ્યો છે અને તેમનો શિરચ્છેદ કરાઈ રહ્યો છે.

આ અફવાને લીધે અલગઅલગ ઘટનામાં ટોળાંઓએ અમુક લોકોની શંકાને આધારે હત્યા કરી હોવાનું પોલીસનું કહેવું છે.

પોલીસે કહ્યું કે જે પણ લોકોની હત્યા કરાઈ તેમાંથી કોઈ પણ બાળકોના અપહરણમાં સામેલ નહોતા.


ભોગ બનનાર કોણ છે?

Image copyright POLICE HANDOUT
ફોટો લાઈન ભોગ બનનાર તસલિમા બેગમ

અત્યાર સુધી આઠ લોકોની હત્યા કરવામાં આવી છે. જેમાં ત્રણ હત્યા છેલ્લા અઠવાડિયામાં થઈ છે.

શનિવારે ઢાકામાં એક શાળાની બહાર બનેલી ઘટનામાં ટોળાંએ 45 વર્ષીય તસલિમા બેગમની બાળકોના અપહરણની શંકામાં હત્યા કરી દીધી.

અન્ય બે ઘટનામાં બે લોકોની હત્યા કરવામાં આવી છે.

કેરાનીગંજમાં ગત ગુરુવારે 30 વર્ષીય પુરુષની હત્યા કરી દેવામાં આવી હતી, તો શનિવારે સાવર વિસ્તારમાં એક 30 વર્ષીય મહિલાની ટોળાંએ હત્યા કરી દીધી તેમ બીડીન્યૂઝ વેબસાઇટ જણાવે છે.


કેવી રીતે ફેલાઈ અફવા

Image copyright WIKIPEDIA COMMONS
ફોટો લાઈન રાજધાની ઢાકા પાસે નિર્માણાધીન પદ્મ બ્રિજની તસવીર

સ્થાનિક મીડિયા અહેવાલ મુજબ બે અઠવાડિયાં અગાઉ ફેસબુક અને યૂટ્યૂબ પર આ અફવા ફેલાવવાની શરૂઆત થઈ હતી.

એક અહેવાલમાં એવો દાવો કરાયો છે કે નેત્રોકોના વિસ્તારમાં એક જુવાન માણસને બાળકનું માથું લઈને જતો જોવામાં આવ્યો છે.

સ્થાનિક મીડિયા મુજબ એક ફેસબુક પોસ્ટમાં એવો દાવો કરાયો કે પદ્મ પુલના નિર્માણ માટે અપહરણકારો બાળકોનાં માથાંઓ અને લોહી એકઠું કરી રહ્યા છે.

બીબીસીએ અફવા ફેલાવનારી અનેક પોસ્ટ અને વીડિયો જોયા છે.


પોલીસ શું કરી રહી છે?

પત્રકારપરિષદમાં પોલીસ ચીફ પટવારીએ કહ્યું કે દેશમાં અશાંતિ ઊભી કરવા માટે જાણીજોઈને આ પોસ્ટ ફેલાવવામાં આવી છે.

પોલીસ અફવાને રોકવા માટે મીડિયા દ્વારા જાગૃતિ ફેલાવવાની કોશિશ કરી રહી છે.

તસલિમા બેગમની હત્યામાં આઠ લોકોની અને અફવાને ફેલાવવાને મામલે પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

અફવા ફેલાવવામાં સામેલ 25 યૂટ્યૂબ ચેનલો, 60 ફેસબુક પેજ અને 10 વેબસાઇટને બંધ કરી દેવામાં આવ્યાં છે.

ગ્રામીણ વિસ્તારોમાં પોલીસ અફવાને રોકવા માટે લાઉડસ્પીકરનો પણ ઉપયોગ કરી રહી છે.

સ્થાનિક મીડિયાના કહેવા મુજબ 2010માં પુલના બાંધકામને લઈને આ જ પ્રકારની ટોળાં દ્વારા હત્યાની ઘટનાઓ બની હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો