મલિંગાની વન-ડે અને મોહમ્મદ આમિરની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ

મોહમ્મદ આમિર Image copyright Getty Images

શુક્રવારે બે ઝડપી બૉલરોની ક્રિકેટ કૅરિયરમાં મોટા ફેરફાર આવ્યા. પાકિસ્તાનના મોહમ્મદ આમિરે 27 વર્ષની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો અને શ્રીલંકાના લસિથ મલિંગા વન-ડેમાંથી રિટાયર્ટ થઈ ગયા.

પાકિસ્તાનના ફાસ્ટ બૉલર મોહમ્મદ આમિર ટેસ્ટમાંથી અને બીજી તરફ શ્રીલંકાના ફાસ્ટ બૉલર લસિથ મલિંગા વન-ડે ક્રિકેટમાંથી રિટાયર્ડ થઈ ગયા છે.

આ બંને નામ ક્રિકેટવિશ્વમાં જાણીતા છે અને તેમની ઉપલબ્ધીઓ પણ ઘણી ચર્ચિત છે.

મલિંગા જ્યાં પોતાના સચોટ યૉર્કર માટે પ્રખ્યાત છે તો આમિરની બૉલિંગથી પણ મેદાન પરના બૅટ્સમૅનો ડરતા હોય છે.


આમિરની સફરના કેટલાક વળાંક

આમિર 2009માં 17 વર્ષની ઉંમરે શ્રીલંકા વિરુદ્ધ પહેલી ટેસ્ટ મૅચ રમ્યા હતા. તેમણે 36 ટેસ્ટ મૅચમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું અને 37.40ની સરેરાશથી 119 વિકેટ લીધી.

27 વર્ષના આમિરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ મારફતે સંન્યાસ લેવાની જાહેરાત કરી.

આમિરે પોતાના ટ્વીટમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ, વડા પ્રધાન અને પાકિસ્તાનના પૂર્વ કૅપ્ટન ઇમરાન ખાન, ભૂતપૂર્વ ક્રિકેટર વસીમ અકરમ, શાહિદ અફ્રિદી, વકાર યુનુસ અને મોહમ્મદ યુસુફ અને પોતાના પ્રશંસકોનો સમર્થન આપવા બદલ આભાર માન્યો.

પોતાના વીડિયોમાં આમિરે કહ્યું, "બહુ ઓછા લોકો હોય છે જેમનું ટેસ્ટ ક્રિકેટ રમવાનું સપનું પૂરું થાય છે. મારા માટે આ બહુ સન્માનની વાત છે કે હું ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરી શક્યો."

"મેં ક્રિકેટમાં સારું પ્રદર્શન પણ કર્યું, 14 મૅચમાં 51 વિકેટ લેતી વખતે હું સૌથી યુવા પાકિસ્તાની ખેલાડી બન્યો, લૉર્ડ્સમાં છ વિકેટ લીધી, નંબર-1 ટેસ્ટ ટીમનો ભાગ બન્યો,.''

તેમણે આગળ કહ્યું, "ટેસ્ટ ક્રિકેટમાં મેં રેકર્ડ બનાવ્યા, પણ હવે હું સંન્યાસ લઈ રહ્યો છું. તમને ખબર છે કે હું પાંચ વર્ષ ક્રિકેટ નહોતો રમ્યો. પરત આવીને બૉડીને રિકવર કરવાનું, ટ્રેન કરવાનું બહુ મુશ્કેલ હોય છે. પછી હું સતત ત્રણ વર્ષ ક્રિકેટ રમ્યો, વન-ડે, ટેસ્ટ અને ટી-20. મારી બૉડીને રેસ્ટ પણ ન મળ્યો. ઇજાગ્રસ્ત પણ થયો અને ફિટનેસની સમસ્યા પણ થઈ.''

"પછી મને લાગ્યું દિવસે-દિવસે ઉંમર વધતી જશે અને ફાસ્ટ બૉલરની કૅરિયર બહુ લાંબી નથી હોતી. આવી કેટલીક વાતોને ધ્યાનમાં રાખીને મને એવું લાગ્યું કે મારે પસંદગી કરી લેવી જોઈએ કે મારે ક્યાં ફોકસ કરવું છે. તો હું સફેદ બૉલ પર ફોકસ કરવા માગું છું એટલે ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લઈ રહ્યો છું."


આમિરની ટેસ્ટ કૅરિયર

આમિર પોતાની છેલ્લી ટેસ્ટ મૅચ દક્ષિણ અફ્રીકા વિરુદ્ધ જાન્યુઆરી 2019માં રમ્યા જ્યાં તેમણે ચાર વિકેટ લીધી.

પોતાની ટેસ્ટ કૅરિયર દરમિયાન આમિરે ચાર વખત એક જ ઇનિંગમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધી હાંસિલ કરી હતી.

આ દરમિયાન 2017માં વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ કિંગ્સટન ખાતેની ટેસ્ટમાં 44 રન આપીને 6 ખેલાડીઓને આઉટ કરીને ટેસ્ટ ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

આમિરના ટેસ્ટ કૅરિયરમાં સૌથી નિરાશાજનક સમય ત્યારે આવ્યો જ્યારે 2011માં બે અન્ય ક્રિકેટરો સાથે સ્પોટ ફિક્સિંગના કેસમાં તેમને જેલની સજા થઈ, પાંચ વર્ષનો પ્રતિબંધનો સામનો કર્યા બાદ તેઓ જાન્યુઆરી 2016માં ક્રિકેટમાં પરત આવ્યા હતા.

ત્યારથી તેમણે સફેદ બૉલથી શ્રેષ્ઠ બૉલિંગ કરી છે અને આ દરમિયાન પાકિસ્તાન 2017માં ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં વિજેતા બન્યું હતું.


લસિથ મલિંગાએ લીઘી વિદાય

Image copyright FACEBOOK/OFFICIAL.LASITH.MALINGA

ક્રિકેટની સાથે પોતાના વિચિત્ર બૉલિંગ ઍક્શન અને વાંકડિયા વાળ માટે જાણીતા મલિંગા બાંગ્લાદેશ વિરુદ્ધ છેલ્લી મૅચ શુક્રવારે રમ્યા હતા.

શ્રીલંકા માટે 30 ટેસ્ટ, 225 વન-ડે અને 73 ટી-20 મૅચ રમી ચૂકેલા મલિંગાની કૅરિયર સરવાળે સારી રહી.

મલિંગાએ જ્યાં વન-ડેમાં પોતાના સટીક યૉર્કરથી 335 વિકેટ લીધી તો બીજી તરફ ટેસ્ટમાં તેમણે 101 વિકેટ લીધી.

2004માં પોતાની ક્રિકેટ કૅરિયર શરૂ કરનાર મલિંગાની ગણતરી ગત 15 વર્ષ સુધી શ્રીલંકાની ટીમના ખતરનાક બૉલરોમાં કરવામાં આવતી હતી.

મલિંગા ક્રિકેટ ઇતિહાસમાં એવા એકમાત્ર ક્રિકેટર છે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચાર બૉલમાં ચાર વિકેટ લીધી હોય. તેમણે 2007માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ આ સિદ્ધી હાંસિલ કરી હતી.


મલિંગાનાચાર બૉલમાં ચાર વિકેટ

Image copyright Getty Images

એટલું જ નહીં, વન-ડે ક્રિકેટમાં ત્રણ વખત હૅટ્રિક લેનારા એકમાત્ર ખેલાડી લસિથ મલિંગા છે.

વન-ડે કૅરિયરમાં તેમણે સૌથી ઝડપી 50 વિકેટ (32 મૅચમાં) લેવાનો રેકર્ડ પણ બનાવ્યો હતો. આ એજ મૅચ હતી જેમાં તેમણે ચાર બૉલમાં ચાર વિકેટ લીધી હતી.

બૉલિંગની સાથે-સાથે મલિંગાને કૅપ્ટન તરીકે તેમના કાર્યકાળ માટે યાદ કરવામાં આવશે. તેમણે પોતાની ટીમને ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન બનાવી, તેમના નેતૃત્વ હેઠળ 2014માં શ્રીલંકાની ટીમ વર્લ્ડ કપ ટી-20 જીતી હતી.

આ ફૉર્મેટમાં શ્રીલંકા તરફથી સૌથી વધારે (97) વિકેટ લેનાર ક્રિકેટર લસિથ મલિંગા જ છે.

જોકે 2015માં ઇજાગ્રસ્ત થવાને કારણે તેમણે કૅપ્ટન પદ છોડવાનું નક્કી કર્યું. પણ 2016માં અને પછી 2018માં તેમણે ફરી ટીમનું નેતૃત્વ સંભાળ્યું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો