સેક્સ થૅરપિસ્ટનું જીવન કેવું હોય છે? જાણો તેમના જ શબ્દોમાં...

પ્રતીકાત્મક તસવીર Image copyright BBC THREE/VICKY LETA

પીટર સૅંડિંગ્ટન સેક્સ થૅરપિસ્ટ છે. તેમની અને તેમના ક્લાયન્ટ્સ વચ્ચેની વાતચીત ગોપનીય છે. તેમના વિશે વાત કરીને તેઓ તેમનો વિશ્વાસ નહીં તોડે. તેમણે જણાવેલી કહાણીઓ એક સેક્સ થેરપિસ્ટ તરીકે યુવાઓની સાથે કરેલા તેમનાં કામ પર આધારિત છે. પીટરના શબ્દોમાં આપવીતી વાંચો.

હું લોકો સાથે તેમની ખૂબ અંગત વાતો પર ચર્ચા કરું છું, પરંતુ તેઓ મારા વિશે કશું જાણતા નથી અને આ કામ એ રીતે જ થાય છે.

હું એક સેક્સ થૅરપિસ્ટ છું માટે લોકો મારી પાસે પોતાની યૌન સમસ્યાઓ લઈને આવે છે. જો કોઈ મને પૂછે કે "શું તમે લગ્ન કરેલાં છે?" તો હું કહી દઉં છુ કે "હા". આ વાતને છુપાવવી બહુ અજીબ લાગશે. આ સિવાયની બધી ચીજોને હું પ્રૉફેશનલ રાખું છું.

હું લોકો સાથે થૅરપિસ્ટ તરીકે વાત કરું છું. તેમના મિત્રોની જેમ નહીં. સ્વાભાવિક છે કે લોકોને સહજ કરવા માટે તેમની સાથે થોડી હળવી વાત કરવી પડે છે. પરંતુ આ બધું માત્ર તેમની મુશ્કેલીઓનું નિવારણ શોધવા માટે હોય છે.

હું જે ક્લિનિકમાં કામ કરું છું એ એક ઘરની બેઠક સમાન રૂમ જેવું છે. ત્યાં માત્ર ત્રણ આરામદાયક ખુરશી છે. એક મારા માટે અને બે ક્લાયન્ટ માટે. ત્યાં મારા પરિવારનો કોઈ ફોટો નથી અને ન તો કોઈ અંગત સામાન. તેનાથી લોકો સાથે અંતર રાખવામાં મદદ મળે છે.

Image copyright VICKY LETA

ઘણી વખત ક્લાયન્ટ એકલા મારી સાથે વાત કરવા આવે છે અને ક્યારેક એવું પણ બને છે કે કોઈને સાથે લઈને આવે.

કેટલાંક વર્ષો પહેલાં 29 વર્ષના રૉબ એકલા મારી પાસે આવ્યા હતા, કેમ કે તેઓ પોતાની નવી ગર્લફ્રૅન્ડ સાથેના યૌન સંબંધને લઈને ચિંતિંત હતા.

તેમની ગર્લફ્રૅન્ડને આ બધી બાબતોનો બહુ અનુભવ હતો, પણ તેમને નહીં. તેઓ થૅરપીમાં પોતાની ગર્લફ્રૅન્ડને સામેલ કરવા નહોતા માગતા, કેમ કે તેઓ શરમ અનુભવતા હતા.

સેશન દરમિયાન મેં રૉબને પૂછ્યું કે તમારી જગ્યાએ કૅલી હોત તો તમે તેને બિનઅનુભવી હોવાથી અલગ રીતે જોતા? તેમને મારી વાત સમજાઈ અને તેઓએ કૅલીને થૅરપીમાં સામેલ થવા માટે પૂછ્યું. રૉબનો આત્મવિશ્વાસ પાછો આવી ગયો.

દેખાડો કરવાને બદલે પોતાની સમસ્યા અંગે પાર્ટનર સાથે ઈમાનદાર થવું એ બાબતે રૉબને મદદ કરી.


નવયુવાનોને પણ સમસ્યા

Image copyright VICKY LETA

મારા ક્લાયન્ટ 20 વર્ષથી લઈને 45 વર્ષની ઉંમરના હોય છે. સેક્સ થૅરપીને લઈને બધા લોકો ડરેલા નથી હોતા.

છેલ્લાં 15 વર્ષોમાં મેં જોયું છે કે સેક્સ થૅરપી માટે આવનારાઓમાં ઓછી ઉંમરના લોકોની સંખ્યા વધી રહી છે. આ સાથે જ એવા વયસ્કોની સંખ્યા પણ વધી છે જેમણે તાજેતરમાં લગ્ન કર્યાં હોય.

યૌન સમસ્યા અંગે વાત કરવી હવે અસામાન્ય નથી. મને લાગે છે કે પોર્નના પ્રભાવ અને સેક્સને લગતી અપેક્ષાઓને કારણે લોકો આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરે છે.

જે સંસ્થા સાથે હું કામ કરું છું તેના આંકડા અનુસાર 2018માં થૅરપી માટે આવનારા લોકોમાં 42 ટકા 35 વર્ષથી ઓછી ઉંમરના હતા.

આ સિવાય મારા સૌથી મોટી ઉંમરના ક્લાયન્ટ્સ 89 વર્ષના છે. તેઓ એક નવા સંબંધમાં જોડાયા હતા.

તે યુગલને શારીરિક સંબંધને લઈને સમસ્યાઓ હતી. આ પહેલાં પણ તેઓ ડૉક્ટરની મુલાકાત લઈ ચૂક્યા છે. પરંતુ ડૉક્ટર એ જોઈને હેરાન રહી ગયા કે લોકો આ ઉંમરે પણ સંબંધ બાંધે છે.

આ યુગલને ત્યાં કોઈ મદદ ના મળી અને તેઓ મારી પાસે આવ્યા. મારી પાસે સેક્સ થૅરપી માટે આવનારા મોટા ભાગના લોકો પહેલાં કોઈને કોઈ ડૉક્ટર પાસે જઈ ચૂક્યા હોય છે.

સામાન્ય રીતે લોકોને તેમની સમસ્યા અંગે વાત કરવા માટે કોઈની જરૂર હોય છે. અમુક લોકો મૂંઝાયેલા હોય છે.

અમુક યુગલને લાગે છે કે તેમને તેમની યૌન સમસ્યા મારી સામે રજૂ કરવી પડશે.

સૌથી નાની ઉંમરના મારા ક્લાયન્ટ 17 વર્ષના છે. સમસ્યાને કારણે તેમનું બ્રેક-અપ થઈ ગયું હતું.

તેમણે ઘણા પ્રયાસો કર્યા પરંતુ કોઈ પરિણામ ન આવ્યું. તેમના ક્લાસની એક યુવતી તેમને પસંદ હતી પરંતુ અગાઉની મુશ્કેલીને કારણે તેઓ ડરી ગયા હતા.

તેમણે સમસ્યા અંગે એક ડૉક્ટર પાસે સલાહ લીધી હતી. ડૉક્ટરે કહ્યું હતું કે તેમની ઉંમર ઓછી છે એટલા માટે આવું થઈ રહ્યું છે. આગામી વર્ષોમાં સમસ્યા દૂર થઈ જશે.

પરંતુ તેઓ મારી પાસે આવ્યા. તે સમયે તેઓ ગભરાયેલા લાગતા હતા.

તેમની ટ્રીટમેન્ટ શરૂ થઈ, ચિત્રોના માધ્યમથી સેક્સ ઍજ્યુકેશન આપવું પણ તેમાં સામેલ હતું. તેમનો ડર જ તેમની સમસ્યાનું કારણ હતો.

મેં તેમને ઘરે જઈને ત્રણ વખત ઇરેક્શનની સલાહ આપી જેથી તેમને વિશ્વાસ આવે કે તેઓ ફરીથી કરી શકે છે.

ત્યારબાદ ધીમે-ધીમે તેમનામાં આત્મવિશ્વાસ આવવા લાગ્યો. તેમની સમસ્યા દૂર કરવામાં માત્ર સાત સેશન લાગ્યાં હતાં.

થૅરપી પૂરી થયાને એક મહિના બાદ તેમણે ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ યુવતી સાથે ફરવા જઈ રહ્યા છે અને તેમની સમસ્યા દૂર થઈ ગઈ છે.

થૅરપિસ્ટ બન્યા પહેલાં હું વિશેષ શૈક્ષણિક જરૂરિયાત ધરાવતાં બાળકોની વિદ્યાલયમાં નોકરી કરતો હતો.

મેં જાણ્યું કે બાળકો માટે યોગ્ય શાળા શોધવી અને તેમના ભવિષ્યની ચિંતાને કારણે અમુક લોકોના સંબંધમાં કેટલું પ્રેશર આવે છે. આ નોકરી સિવાય મેં બે વર્ષ યુગલોના કાઉન્સેલિંગની ટ્રેનિંગ પણ લીધી છે.

લોકોનાં કાઉન્સેલિંગ દરમિયાન ઘણી વખત મને જાણ થઈ કે તેમની સમસ્યા સેક્સ્યુઅલની સાથે-સાથે ભાવનાત્મક પણ છે. એટલા માટે હું તેમને સેક્સ થૅરપી આપતો જેથી તેમની મદદ થઈ શકે.


સમલૈંગિક યુગલ

Image copyright VICKY LETA

શરૂઆતમાં મારી પાસે એવાં યુગલો પણ આવ્યાં હતાં જેમનો ભાવનાત્મક સંબંધ મજબૂત હતો પરંતુ તેમને સેક્સ લાઇફમાં મદદની જરૂર હતી. તે સમયે મારા ક્લાઇન્ટ મૅટ 20 વર્ષ અને એલેક્સ 30 વર્ષના હતા.

પ્રથમ સેશનમાં બન્ને ખૂબ જ અચકાતા હતા. સમલૈંગિક હોવાને કારણે તેમને મૂંઝવણ હતી કે શું હું તેમની આ વાતને સ્વીકારીશ?

તેમને ઇરેક્શન સંબંધી સમસ્યા હતી. જે પુરુષો મારી પાસે આવ્યા છે તે બધામાં ઇરેક્શન અને શીઘ્રપતનની સમસ્યા સમાન છે.

મૅટ અને એલેક્સને મેં એક ટચિંગ એક્સર્સાઇઝની સલાહ આપી હતી જેનો હેતુ તેમનામાં ઉત્તેજના પેદા કરવાનો હતો.

તેઓ ધીરે-ધીરે સમજ્યા કે કેવી રીતે એકબીજાને સમજી શકાય છે. બન્નેએ ખૂબ જ મહેનત કરી અને આખરે મૅટનો આત્મવિશ્વાસ વધ્યો. ત્યારબાદ બન્નેએ લગ્ન કરી લીધાં.


ભૂતકાળની ખરાબ યાદો

Image copyright VICKY LETA

ઘણી વખત સેક્સ્યુઅલ સમસ્યાઓ ભૂતકાળની ખરાબ યાદો સાથે પણ જોડાયેલી હોય છે જેમ કે જાતીય શોષણ.

મારી એક મહિલા ક્લાઇન્ટ વેજિનિઝ્મસથી પરેશાન હતાં. તેમણે જણાવ્યું હતું કે તેમના ભાઈના જન્મ સમયે તેમનાં માતા લગભગ મરવાની હાલતમાં પહોંચી ગયાં હતાં.

બીજા સેશનમાં મેં તેમનાં પરિવાર, બાળપણ અને જૂના સેક્સ્યુઅલ અનુભવો વિશે વાત કરી. ત્યારે મેરીએ બાળપણમાં તેમનાં માતા અંગે સાંભળેલી વાતો જણાવી હતી.

મેરીની સમસ્યાને દૂર કરવા માટે અમે તેમને ઘણી થૅરપી આપી જેથી તેમનો ડર દૂર થાય.

જો મને શરૂઆતથી જ સમસ્યા ઓળખવામાં મુશ્કેલી થાત તો હું આ કામ ક્યારેય ન કરી શક્યો હોત.

હું ઘણી મુશ્કેલ અને પરેશાન કરનારી કહાણીઓ સાંભળતો હતો. પરંતુ મારે આ બધાથી પ્રભાવિત થવાથી બચવાનું હતું. ક્લાયન્ટ પ્રત્યે દુ:ખ અને ખેદ અનુભવવાથી કોઈ ફાયદો થાય તેમ નહોતો.

પરંતુ દુ:ખ સાથે-સાથે ખુશીનો સમય પણ આવતો હતો. ક્યારેક-ક્યારેક થૅરપી બાદ મને યુગલ દ્વારા ધન્યવાદ સંદેશ અને કાર્ડ્સ પણ મળતાં હતાં.

એક યુગલે મને 12 વર્ષ બાદ તેમનાં જીવન અંગે સંદેશ મોકલ્યો. તેમણે તેમના એક બાળકનું નામ મારા નામ પર રાખ્યું છે.

આ કામમાં ભલે વધુ પૈસા ન હોય પરંતુ આ લોકો તમારી સલાહ લે અને તેનાથી તેની જિંદગી બદલાઈ જાય તે અસાધારણ અનુભવ છે.

(નતાશા પ્રેસ્કે સાથેની વાતચીતના આધારે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો