TOP NEWS : ફ્રાન્સના રાષ્ટ્રપતિની 'મૂર્ખતા'નો જવાબ આપીશું : ડોનાલ્ડ ટ્રમ્પ

Image copyright REUTERS

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આક્ષેપ કર્યો છે કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મૅક્રોં અમેરિકાની કંપનીઓને નિશાન બનાવીને મૂર્ખામી કરી રહ્યા છે.

તેમણે ફ્રાન્સના નવા ડિજિટલ ટૅક્સની ટીકા કરતા ફ્રેંચ વાઇન પર આયાતકર વધારવાનો સંકેત આપ્યો છે.

ટ્રમ્પે શુક્રવારે ટ્વિટર પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું, "ફ્રાન્સે અમેરિકાની મોટી ડિજિટલ કંપનીઓ પર ટૅક્સ લગાવ્યો છે."

"જો કોઈએ કંપનીઓ પર ટૅક્સ લગાવવો હોય તો એ મૂળ દેશ લગાડશે. અમે મૅક્રોંની મુર્ખામી પર બહુ કડક પગલાં લઈશું. હું હંમેશાં કહેતો આવ્યો છું કે અમેરિકાનો વાઇન ફ્રેન્ચ વાઇન કરતાં સારો હોય છે."


ભરૂચમાં આદિવાસી યુવતી સાથેના પ્રેમસંબંધને કારણે મુસ્લિમ યુવાનની હત્યા

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

ઇન્ડિયન એક્સ્પ્રેસના અહેવાલ મુજબ ભરૂચના જઘડિયા તાલુકામાં શુક્રવારે એક મુસ્લિમ યુવકની આદિવાસી યુવતી સાથે સંબંધના કારણે માર મારીને હત્યા કરવામાં આવી છે.

અહેવાલ અનુસાર યુવતીના પરિવારજનોએ યુવાનને માર માર્યાના બીજા દિવસે પોલીસ દ્વારા ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મૃત્યુ પામનાર યુવાન ધારોળી ગામનો છે તેમજ યુવતી બોરિડા ગામની છે.

ડી.એસ.પી. એલ.કે. ઝાલાના જણાવ્યા અનુસાર, "છેલ્લા એક મહિનાથી યુવતીએ યુવકને મળવાનું બંધ કરી દીધું હતું, તેથી યુવાન બોરિડા સુધી આવ્યો હતો. જ્યાં યુવતીના પરિવારજનોએ યુવકને લાકડીઓ અને લોખંડના પાઇપ દ્વારા માર્યો હતો"

યુવકને તેના પરિવાર દ્વારા હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન શુક્રવાર સવારે યુવાનનું મૃત્યુ થયું હતું.

હાલમાં બંને ગામો પોલીસ-છાવણીમાં ફેરવાઈ ગયાં છે.


55 વર્ષે ભારતીય ટેનિસ ટીમ ડૅવિસ કપ રમવા માટે પાકિસ્તાન જશે

Image copyright Getty Images
ફોટો લાઈન ભારતના રોહન બોપન્ના અને પાકિસ્તાનના ઐસમ ઉલ હક ડબલ્સમાં સાથે રમી ચૂક્યા છે.

એનડીટીવીના અહેવાલ મુજબ વર્ષ 1964 બાદ ભારતીય ટેનિસ ટીમ પ્રથમ વખત પાકિસ્તાન જઈ રહી છે.

ગુરુવારે પાકિસ્તાન ટેનિસ ફેડરેશનનના ઉપપ્રમુખ મહોમ્મદ ખાલીદ રહેમાનીએ પ્રેસને કહ્યું કે તેઓ ભારતની ટીમના સ્વાગત માટે સજ્જ છે.

14 ને 15 સપ્ટેમ્બર દરમિયાન પાકિસ્તાનના ઇસ્લામાબાદના સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ પર મૅચ રમાશે.

માર્ચ 1964માં લાહોર ખાતે રમાયેલી ટેનિસ મૅચમાં ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવ્યું હતું.

ત્યાર બાદ 2006માં મુંબઈમાં પણ ભારત-પાકિસ્તાન ડૅવિસ કપમાં એકબીજા સામે રમી ચૂક્યા છે.


ગુજરાત સરકારે ખેડૂતોની સબસિડીમાં 567 ટકાનો વધારો કર્યો

Image copyright Getty Images

ઇન્ડિયન એક્સ્પ્રેસના અહેવાલ મુજબ ખેતીના ક્ષેત્રે વધુ રોજગારીની તકો પૂરી પાડવા તેમજ ટેક્નૉલૉજીનો ઉપોયગ વધારવા માટે ગુજરાત સરકારે શુક્રવારે મહત્ત્વનો નિર્ણય લીધો છે.

જેમાં ખેડૂતોને ખેતીનાં સાધનો માટે મળતી સબસિડી 1000 રૂપિયાથી વધારીને 68,000 રૂપિયા સુધીની કરી દેવામાં આવી છે.

આ અંગે ગુજરાત વિધાનસભામાં જાહેરાત કરતા રાજ્યના કૃષિમંત્રી આર. સી. ફળદુએ કહ્યું કે ખેતી માટેનાં સાધનો ખરીદવા માટે સામાન્ય વર્ગના ખેડૂતોની સબસિડી વધારીને 1000થી 68,000 કરવામાં આવી છે.

એસ.સી. તેમજ એસ.ટી. ખેડૂતો અને મહિલા ખેડૂતોની સબસિડી રૂપિયા 1300થી વધારીને રૂપિયા 85000 કરવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો