સીરિયામાં 10 દિવસમાં 103 લોકોનાં મૃત્યુ, છતાં દુનિયા ચૂપ કેમ?

સીરિયા Image copyright AFP

સંયુક્ત રાષ્ટ્રની માનવ અધિકાર સંસ્થાના પ્રમુખ મિશલ બેચલેટે કહ્યું છે કે, છેલ્લા દસ દિવસમાં સીરિયામાં 100થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે જેમાં 26 જેટલાં બાળકો પણ છે.

તેમણે કહ્યું છે કે સીરિયાની સેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાઓમાં દવાખાનાઓ, શાળાઓ અને બજારોને પણ હાનિ થઈ છે.

બેચલેટ કહે છે, "રશિયા સહિત સીરિયાની સરકારના સહયોગીઓ દ્વારા થયેલા હવાઈ હુમલાના પરિણામે આ મૃત્યુ થયાં છે."

તેમ છતાં આ હુમલાઓ વિશેના સમાચારો પ્રત્યે આંતરરાષ્ટ્રીય જગતમાં નિરસ વલણ જોવા મળ્યું છે.


આંતરરાષ્ટ્રીય જગતે કરેલી અવગણના

Image copyright AFP

મિશેલ બેચલેટે પત્રકારો સાથે વાત કરતા દુનિયાના સૌથી શક્તિશાળી દેશોનાં નેતૃત્વની નિષ્ફળતા વિશે વાત કરી.

તેમણે કહ્યું કે બળવાખોરોના કબજાવાળા ઇદલિબમાં મરનારાઓની સંખ્યા વધે છે, તેના પર કોઈનું ધ્યાન નથી.

મિશેલ જણાવે છે, "આ સતત થઈ રહેલા હુમલાની પૅટર્ન દર્શાવે છે કે એવું કહેવું મુશ્કેલ છે કે આ લોકો દુર્ઘટનાનો ભોગ બન્યા હોય."

ઇરાદાપૂર્વક સામાન્ય લોકો પર હુમલો કરવો એ યુદ્ધ અપરાધ છે અને જે લોકોએ આ હુમલા કરવાનો આદેશ આપ્યો છે અને જે લોકોએ આ હુમલા કર્યા છે એ દરેક પોતાનાં આ કામો માટે કાયદેસર રીતે જવાબદાર છે.


સીરિયામાં શું ચાલે છે?

Image copyright AFP

છેલ્લાં આઠ વર્ષથી ચાલી રહેલા ગૃહ યુદ્ધમાં સીરિયાના ઇદલિબ શહેર ઉપરાંત ઉત્તરનું હમા અને પશ્ચિમનું અલેપ્પો બળવાખોરો માટેનો ગઢ બની ચૂક્યા છે.

ગયા સપ્ટેમ્બર મહિનામાં રશિયા અને તુર્કીની આગેવાનીમાં થયેલા સમજૂતી કરારમાં આ વિસ્તારમાં બૉમ્બમારો નહીં કરવા પર સહમતી સધાઈ હતી.

આ શાંતિ સમજૂતી મુજબ 27 લાખ લોકોને હવાઈ હુમલામાંથી મુક્તિ મળી હતી.

પરંતુ ગયા અઠવાડિયે સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે ગઈ 29 એપ્રિલે હિંસા ભડક્યા બાદ સીરિયામાં 350 સામાન્ય લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

એ સાથે જ 3,30,000 લોકો પોતાનાં ઘર છોડવા માટે મજબૂર થઈ ગયા છે.

જોકે, છેલ્લા દસ દિવસોમાં 103 લોકોનાં મૃત્યુ બાદ મૃતકોની સંખ્યામાં વધારો થયો છે.

ત્યારે રશિયાના ઍરફોર્સનું સમર્થન ધરાવતી સીરિયા સરકારે કહ્યું કે અલ-કાયદા સાથે જોડાયેલા જેહાદીઓએ શાંતિ સમજૂતીનું ઉલ્લંઘન કર્યું એથી હુમલાની સંખ્યા વધી છે.

રશિયાએ પણ ગયા અઠવાડિયે રશિયાની સેના દ્વારા થયેલા હવાઈ હુમલામાં 31 લોકો માર્યા ગયાની ખબરનું ખંડન કર્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો