કારગિલ : એ વ્યક્તિ જેણે કારગિલના યુદ્ધમાં પાકિસ્તાની સૈનિકોને જમાડ્યા

પ્રતીકાત્મક તસવીર

"1999ના મે માસની વાત છે. હું ગિલગિટના દક્ષિણ-પૂર્વમાં આવેલા જગલોટ ગામમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મેં કેટલાક લોકોને કારાકોરમ રાજમાર્ગ પર ભેગા થઈ પાકિસ્તાની સૈન્યના પક્ષે નારેબાજી કરતા સાંભળ્યા."

"એક સ્થાનિક હૉસ્પિટલમાં પર્વતો પરથી લવાયેલા સૈનિકો માટે રક્તદાન કરવા આવેલા ડઝનબંધ લોકોને પણ મેં જોયા."

ગુલ શેર (બદલાવાયેલું નામ)ની ઉંમર આશરે પચાસેક વર્ષ હશે પરંતુ એમનું મન આજે પણ કારગિલ યુદ્ધની યાદોથી ભરેલું છે.

20 વર્ષ પહેલાં ભારત અને પાકિસ્તાન વચ્ચે લડાયેલા એ યુદ્ધમાં ઘાયલ થયેલા અને મૃત્યુ પામેલા સૈનિકોને યાદ કરતા ગુલ શેર આજે પણ અફસોસ અને દુઃખમાં સરી પડે છે.

બીબીસીએ આ તથ્યોની પુષ્ટિ નથી કરી.

એપ્રિલ 1999માં કારગિલ પાસે નિયંત્રણ રેખા નજીક પહેરો ભરી રહેલા ભારતીય સૈનિકો પર ઊંચાઈ પરથી ગોળીબાર કરાયો હતો.

થોડા દિવસો બાદ ભારતીય સૈન્યને માલુમ પડ્યું કે કપરા હવામાનને લીધે નિયંત્રણ રેખા પર આવેલી જે ચોકીઓ તેમણે ખાલી કરી હતી એ હવે પાકિસ્તાની હથિયારબંધ લોકોના કબજા હેઠળ છે.

ભારતીય સૈન્યના અધિકારીઓને બાદમાં એવી પણ જાણ થઈ કે એ ચોકીઓ પર કબજો જમાવનારા મોટા ભાગના લોકો પાકિસ્તાની સૈન્યની નૉર્ધન લાઇટ ઇન્ફન્ટ્રીના તાલીમબદ્ધ સૈનિકો હતા.

વળતા જવાબમાં ભારતની સરકારે તેમને ત્યાંથી હઠાવવા માટે સૈન્ય અભિયાન આરંભ્યું, જે આશરે ત્રણ મહિના સુધી ચાલ્યું.

કારગિલનું યુદ્ધ લડાયું એ વખતે ગુલ શેર પાકિસ્તાની સેનામાં એક સક્રિય કાર્યકર તરીકે સામેલ હતા.

તેમના પૂર્વજો સદીઓ પહેલાં શ્રીનગરથી ગિલગિટ જતા રહ્યા હતા પરંતુ તેમના મતે કાશ્મીરની ખીણ સાથે હજુ પણ તેમને ગાઢ સંબંધ છે.

ગુલ શેર કહે છે, "એ દિવસે મેં નિર્ણય કર્યો કે હું લોકોને અમારી સાથે જોડવા અને ભારત વિરુદ્ધ સૈન્યની મદદ કરવા માટે પ્રોત્સાહિત કરીશ."

ગુલ શેરે વર્ષ 1987-88 દરમિયાન પાકિસ્તાની આર્મી પાસેથી સૈન્યતાલીમ મેળવી હતી.

બાદમાં તેઓ પાકિસ્તાની સૈન્યની 'સેકન્ડ લાઇન ઑફ ડિફેન્સ' ગણાતી 'મુજાહિદ રેજિમૅન્ટ'માં જોડાયા.

આ રેજિમૅન્ટને યુદ્ધ દરમિયાન સૈન્યની મદદ કરવા માટે તૈયાર કરવામાં આવી હતી.

જોકે, પાંચ વર્ષ બાદ સ્વાસ્થ્યનું કારણ આગળ ધરી તેમણે સૈન્યમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી.

ગુલ શેરે નિવૃત્તિ તો લઈ લીધી પણ એમના જણાવ્યા અનુસાર સૈન્યમાં જોડાવાનો તેમનો ઉદ્દેશ કંઈક અલગ જ હતો.

ગુલ શેર કહે છે કે જ્યારે કારગિલ યુદ્ધ ફાટી નીકળ્યું તો તેમણે એ આશાએ પાકિસ્તાની સૈન્યનો સાથ આપ્યો હતો કે જો પાકિસ્તાન યુદ્ધ જીતી જશે તો શ્રીનગરને ભારતના કબજામાં મુક્ત કરાવી શકાશે.

તેઓ જણાવે છે, "યુદ્ધ વખતે હું સ્કર્દુથી સો કિલોમિટર દૂર ખપલુના એક બૅસકૅમ્પમાં જતો હતો. તાલીમ પ્રાપ્ત સામાન્ય લોકો પણ મોટી સંખ્યામાં એ યુદ્ધમાં સામેલ થઈ રહ્યા હતા. તેમાંથી મોટા ભાગના લોકો કાશ્મીરી હતા પરંતુ કેટલાક પાકિસ્તાની પણ હતા."

ગુલ શેર જણાવે છે કે ગિલગિટ- બાલિસ્તાનના લોકોએ કારગિલ યુદ્ધ દરમિયાન ઘણો સહયોગ આપ્યો. તેમણે ઘણાં બલિદાન પણ આપ્યાં.

તેઓ કહે છે, "તે લોકો પોતાનાં ખાનગી વાહનો, જીપ, ટ્રૅક્ટર અને ટ્રકનો ઉપયોગ સેનાને ભોજન પહોંચાડવા માટે કરતા હતા."

ખપલુમાં ગુલ શેર આ કાર્યકરોનું નેતૃત્વ કરી રહ્યા હતા. અહીં તેમણે પાકિસ્તાનની રશીદ પોસ્ટ પર પણ પાકિસ્તાની સૈન્ય સાથે કેટલાય મહિના વિતાવ્યા હતા.

તેઓ પોતાની ગાડીમાં પાકિસ્તાની સૈનિકો માટે ખાવા-પીવાનો સામાન અને ઈંધણ લઈને જતા હતા.

તેઓ યાદ કરે છે, "મારી પાસે ખૂબ સારી લૅન્ડ-ક્રૂઝર હતી. સમગ્ર વિસ્તારના લોકો સૈનિકો માટે ભોજન દાન કરી રહ્યા હતા. દસ કરતાં વધારે વખત એવું થયું કે મારી ગાડી ડ્રાય ફ્રૂટ અને સૂકા માંસથી ભરાઈ ગઈ હોય. એ બધું બાદમાં તહેનાત સૈનિકોમાં વહેચી દેતો હતો."

ગુલ શેરનો દાવો છે કે બીજી તરફ ભારતીય સેના પાસે સંસાધનોની કોઈ ઘટ નહોતી.

"તેમના રસ્તા સારા હતા, તેમનાં હથિયારબંધ ટ્રક ખૂબ સહેલાથી ત્યાંથી અવર-જવર કરી રહ્યા હતા અને ભારતીય સેના સતત ફાયરિંગ કરી રહી હતી."

ગુલ કહે છે કે તે ગોળીબારના કારણે જ તેઓ સીમા પાર જઈ ન શક્યા.

તેઓ જણાવે છે કે 'ભારતીય સેના ભારે તોપખાનાનો ઉપયોગ કરી રહી હતી. જ્યારે પાકિસ્તાનનું પાયાનું માળખું જ જર્જરિત હાલતમાં હતું અને આ તરફના મોટા ભાગના રસ્તા સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા હતા.'

તેઓ કહે છે, "ઘણી વખત હું પોતે પણ માંડમાંડ શૅલિંગથી બચ્યો હતો. પરંતુ એક વખત મારી કાર નિશાન બની અને પછી પાંચ દિવસ સુધી હું ક્યાંય પણ જઈ શક્યો નહીં. રસ્તો ઠીક થયા બાદ જ હું બહાર નીકળી શક્યો."

ભારત તરફથી થઈ રહેલા ગોળીબાર અંગે તેઓ જણાવે છે, "અમારા નાગરિકો અને સેનાની 6 તેમજ 14 નૉર્ધન લાઇટ ઇન્ફન્ટ્રીને ભારે નુકસાન વેઠવું પડ્યું. અહીં ઘણા લોકોનાં મૃત્યુ થયાં હતાં."

ગુલ શેરનું કહેવું છે કે ગિલગિટના લોકો કડકડતી ઠંડીથી ટેવાયેલા છે. પરંતુ જ્યારે ભારતીય સેનાના ગોળીબારથી પાકિસ્તાની સેનાની રસદ પ્રભાવિત થવા લાગી ત્યારે ભારત તરફથી નાકાબંદી કરી દેવામાં આવી.

તેઓ યાદ કરે છે કે એ સમયે રસદની અછતને પગલે સૈનિકો માટે પહાડો પર વધારે દિવસો સુધી ટકી રહેવું અને લડવું મુશ્કેલ બની ગયું હતું.

એક સમય તો એવો પણ આવ્યો કે જ્યારે ગુલ શેર અને તેમના સહયોગીઓને બે દિવસ સુધી જમવા માટે કંઈ ન મળ્યું.

તેઓ જણાવે છે, "અમે રશીદ પોસ્ટ પરથી થોડા ફૂટ ઉપર એક જગ્યા પર કબજો કરી લીધો હતો. રાત્રે અમે પાણી અને ભોજનને બીજી તરફ લઈ જતા હતા. રાત્રે જ્યારે ગોળીબાર બંધ કરી દેવામાં આવતો, અમે પોતાના શરીર પર ત્રીસ-ત્રીસ કિલો ભોજન બાંધીને બરફથી ઢંકાયેલા પહાડોમાં સૈનિકો પાસે પહોંચતા હતા."

એ વખતે પાકિસ્તાનના તે વખતના વડા પ્રધાન નવાઝ શરીફ 4 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય દબાણને પગલે ભારત અધિકૃત કાશ્મીરમાંથી પાકિસ્તાની સેનાને પરત બોલાવી લેવા માટે રાજી થયા હતા.

ગુલ શેર આજે પણ રાજકીય નેતૃત્વના સૈનિકોને પરત બોલાવી લેવાના નિર્ણય પર પસ્તાવો વ્યક્ત કરે છે અને માને છે કે આ નિર્ણયથી પાકિસ્તાનને ભારે નુકસાન વેઠવું પડ્યું.

તેમનું અનુમાન છે કે એ સશસ્ત્ર સંઘર્ષમાં આશરે 1 હજાર સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં.

તેઓ કહે છે, "અમારા ઇરાદા સારા હતા અને અમને ભરોસો હતો કે અમે શ્રીનગર પહોંચીશું પરંતુ એ અમારું દુર્ભાગ્ય હતું કે પાકિસ્તાન પાસે સંસાધનોની અછત હતી અને અર્થવ્યવસ્થા મજબૂત ન હતી. આંતરરાષ્ટ્રીય દબાણ હતું એ માટે સેનાને પરત બોલાવવી મજબૂરી બની ગઈ હતી."

તેઓ એ વાતથી ઇનકાર કરે છે કે પાકિસ્તાને યુદ્ધમાં મૃત્યુ પામેલા પોતાના સૈનિકોના મૃતદેહોને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો.

"મૃતદેહોને પરત લાવવામાં સમય અને સંસાધનની જરૂર પડે એમ હોવા છતાં પાકિસ્તાની સેનાએ સુનિશ્ચિત કર્યું હતું કે કોઈ મૃતદેહ પડ્યો ન રહે. નૉર્ધન લાઇટ ઇન્ફન્ટ્રીને બધા મૃતદેહ મળ્યા હતા અને તેમને સન્માન સાથે પરિવારોને સોંપી દેવાયા હતા."

કારગિલ યુદ્ધ એપ્રિલ 1999માં શરૂ થયું હતું અને 26 જુલાઈના રોજ ભારતે પોતાના ક્ષેત્રથી પાકિસ્તાની સેનાને સંપૂર્ણપણે હટાવી દેવાની જાહેરાત કરી હતી.

ગુલ શેરનું માનવું છે કે પાકિસ્તાની અધિકારીઓએ અભિયાનની યોજના સારી રીતે ઘડવાની જરૂર હતી.

અભિયાનનો આરંભ કરતા પહેલાં પાકિસ્તાની સૈન્યએ પૂરતા પ્રમાણમાં સંસાધનોનું આયોજન પણ કરવું જોઈતું એવું પણ તેમનું માનવું છે.

તેઓ કહે છે, "હું માત્ર એક કાર્યકર હતો. મને ખબર નથી કે એ યુદ્ધ શા માટે લડાયું પરંતુ કોઈ પણ દુર્ઘટના કે આફતની સ્થિતિમાં હું હંમેશાં તૈયાર છું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ