એ યુવતીની કહાણી જે માત્ર મજા કરવા ખાતર પુરુષોની હત્યા કરતી

મિરાન્ડા બાર્બર Image copyright BITE FILMS/REBECCA HENDIN/BBC THREE

મિરાન્ડા બાર્બર 18 વર્ષનાં હતાં ત્યારે તેમણે 42 વર્ષના એક પુરુષની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.

તેમને એક નાની દીકરી પણ હતી. થોડા સમય પહેલાં જ તેમણે ઍલિટ સાથે લગ્ન કર્યું હતું. દંપતિએ 2013ના નવેમ્બરમાં એક દિવસ ટ્રૉય લેફેરારા નામના માણસની હત્યા કરવાનું નક્કી કરી નાખ્યું હતું.

ઍલિટે પોલીસને જણાવ્યું હતું, "અમે બસ નક્કી કર્યું હતું કે કોઈકની હત્યા કરી નાખવી છે."

તેમનું આ નિવેદન બીબીસી થ્રીની ડૉક્યુમૅન્ટરીમાં બતાવવામાં આવેલા તપાસના ફૂટેજમાં પણ હતું."

મિરાન્ડા બાર્બરઃ સિરિયલ કિલર ઑર લાયર? એ નામની નવી ડૉક્યુમૅન્ટરીમાં રજૂ કરાયેલા તપાસના ફૂટૅજમાં ઍલિટ વધુમાં કહે છે "હત્યા કરવાનું અમારે બીજું કોઈ કારણ નહોતું."

તેમણે જણાવ્યું હતું કે ટ્રૉય લેફેરારાએ ઍસ્કોર્ટ જોઈએ છે એવી જાહેરખબર ઓનલાઇન આપી હતી. મિરાન્ડાએ તે જાહેરખબર જોઈને પ્રતિસાદ આપ્યો હતો.

"(મિરાન્ડાએ) ટ્રૉયને ગેરમાર્ગે દોરવા સેક્સ આપવાની પણ વાત કરી હતી. પણ એનો કોઈ ઇરાદો નહોતો. આખી યોજના તેમની હત્યા કરવાની હતી."

મિરાન્ડાએ ઍલિટને કારની પાછળની સીટમાં ધાબળો ઓઢાડીને છુપાવી દીધા અને તેઓ ટ્રૉયને મળવા માટે પહોંચ્યાં હતાં.

સ્થાનિક સસ્કેન્ના વૅલી મૉલના પાર્કિંગમાં તેઓ મળ્યા હતા. ટ્રૉયને કારમાં બેસાડી દેવાયા હતા. યોજના એવી હતી કે મિરાન્ડા 'તમે રાત્રે તારા જોયા?' એવું બોલીને ઇશારો કરે તે સાથે જ ઍલિટ પાછળથી ઊભા થઈને ટ્રૉયનું ગળું દાબી દે.

ઍલિટે ગળું દબાવ્યું તે સાથે મિરાન્ડાએ તેમને છરીના ઘા મારવાનું શરૂ કરી દીધું હતું.

બાદમાં રસ્તામાં મૃતદેહ ફેંકી દેવાયો. મૃતદેહ મળ્યો ત્યારે ટ્રૉયના શરીર પર છરીના 20 ઘા હતા.

Image copyright BITE FILMS / REBECCA HENDIN / BBC THREE

હત્યા કર્યા પછી મિરાન્ડા અને ઍલિટ ડિનર માટે ગયાં હતાં.

ઍલિટે પોલીસને કહ્યું, "મેં બર્ગર ખાધું હતું અને મને ખૂબ ભાવ્યું હતું."

એ તેમનો 22મો જન્મદિવસ પણ હતો.

ડિસેમ્બર 2013માં દંપતીને પકડીને જેલમાં પૂરી દેવાયું. જોકે, બે મહિના પછી ટ્રાયલ શરૂ થવાને હજુ વાર હતી ત્યારે મિરાન્ડાએ બીજી એક કબૂલાત કરી.

તેમણે કહ્યું કે તેમણે કરેલી આ કોઈ પ્રથમ હત્યા નહોતી.

તેમણે પેન્સિલવેનિયાના એક રિપોર્ટર ફ્રાન્સિસ સ્કેરસેલાને જેલમાં મળવા માટે બોલાવ્યા હતા.

વિઝીટિંગ રૂમમાં વચ્ચે કાચ સાથે તેમની મુલાકાત થઈ.

મિરાન્ડાએ દાવો કર્યો કે "હું 12 વર્ષની થઈ ત્યારે મારા જીવનમાં ઊથલપાથલ થઈ હતી. હું એક ટોળીમાં જોડાઈ હતી, જે સેતાનીઝમમાં માનતી હતી."

તેઓ કહેવા લાગ્યાં: "મને કાયમ લાગતું કે મારી અંદર કશોક વળગાડ છે. મને ખબર હતી કે તે સારો નથી અને એક દિવસ સ્થિતિ મારા કાબૂ બહાર જતી રહેશે. મેં આ કંઈ પ્રથમવાર કર્યું નથી."

"તમે એવું કહેવા માગો છો કે તમે પહેલાં હત્યા કરી છે?" એવું સ્કેરસેલા પૂછ્યું ત્યારે મિરાન્ડાએ કહ્યું કે 'હા.'

"કેટલી હત્યાઓ કરી છે, મિરાન્ડા? તમારે અંદાજ લગાવવો હોય તો કેટલી હત્યાનો લગાવશો?" એમ તેમણે પૂછ્યું.

"મને લાગે છે કે.... મને એટલી ખબર છે કે મેં 22 હત્યા કરી તે પછી ગણવાનું બંધ કરી દીધું હતું," એવો જવાબ મિરાન્ડાએ આપેલો.

Image copyright ROBERT INGLISS / DAILY ITEM / REBECCA HENDIN / BBC

સ્કેરસેલા અવાક રહી ગયા હતા. તેમણે બીબીસી થ્રીને જણાવ્યું હતું, "મારા મનમાં તરત વિચાર આવ્યો કે હું દુનિયાની સૌથી ખતરનાક સિરિયલ કિલર સ્ત્રી સામે બેઠો છું."

મિરાન્ડાની આવી કબૂલાતથી સમાચાર જગતમાં ખળભળાટ મચી ગયો હતો.

સમાચાર વાંચીને લોકો પોલીસને ફોન કરવા લાગ્યા હતા કે કદાચ તેમના સ્વજનોની હત્યા પણ આ યુવાન માતાએ જ કરી હશે.

આવા દાવા પછી તરત જ સ્થાનિક પોલીસને સાથે રાખીને એફબીઆઈએ તપાસ શરૂ કરી દીધી હતી.

સ્કેરસેલાના જણાવ્યા અનુસાર મિરાન્ડાએ જે વિસ્તારમાં હત્યા કર્યાનો દાવો કર્યો હતો તે વિસ્તારમાં ઘણા લોકો ગુમ પણ થયા હતા.

જોકે, પોલીસ કોઈના ગૂમ થવા સાથે કે હત્યાના બનાવો સાથે મિરાન્ડાની કોઈ કડી મેળવી શકી નહોતી.

મિરાન્ડાએ જુદીજુદી જગ્યાએ હત્યા કરવા અને અંગોના ટુકડા કરીને તળાવમાં, રસ્તા પર, બીચ પર ફેંકી દીધાના દાવા કર્યા હતા.

જોકે, પોલીસે તે બધાં સ્થળોએ તપાસ કરી ત્યારે કોઈ અવશેષો કે પુરાવા મળ્યા નહોતા.

મિરાન્ડાના પરિવારે પણ કહ્યું કે તે જૂઠું બોલી રહી છે. તેઓએ રિપોર્ટરોને જણાવ્યું હતું કે તેઓ પહેલેથી જ ખોટું બોલવાની આદત ધરાવે છે.

જોકે, મિરાન્ડાના પતિએ પોલીસને કહેલું કે પોતાની પત્નીની વાતો પર તેમને ભરોસો છે.

તેઓ કહે છે, "હું માનું જ છું કે તેમણે આ બધાની હત્યાઓ કરી છે. હું હંમેશાં બધાને કહેતો હતો કે મિરાન્ડાને કશુંક વળગ્યું છે. અમે તેને સુપર મિરાન્ડા કહેતા હતા."

મિરાન્ડા અલગ રીતે વર્તે ત્યારે વળગાડને તે 'સુપર મિરાન્ડા' એવું નામ આપતા હતા.

"તેમને ડીમન (ભૂતપિશાચ) વળગ્યો છે. મને ખબર છે તેઓ કંઈ પણ કરી શકે તેમ છે."

ફ્રીલાન્સ ઇન્વેસ્ટિગેટિવ પત્રકાર જિલ બૂર્કે મિરાન્ડાનો એક ઇન્ટરવ્યૂ લીધો હતો.

બીબીસી થ્રીની ડૉક્યુમેન્ટ્રીમાં પણ તેને દેખાડાયો હતો.

તેમાં મિરાન્ડા કહે છે કે તેમણે ટ્રૉયની હત્યા એવા માટે કરી કે તેમની પુત્રીને કોઈ વ્યક્તિ દત્તક લઈ શકે.

પોતાના કરતાં બીજું કોઈ તેને સારું જીવન આપે એટલા માટે તેમણે આવું કર્યાનું કહ્યું હતું.

મિરાન્ડાએ કહ્યું હતું, "હું સારી માતા હતી, પણ મારાં બે રૂપ છે. બંને એકબીજા સામે બાખડે છે. તેથી મને થયું કે હું આમાંથી બહાર નીકળી જઉં તો બીજા બધાનું જીવન સુધરી જશે."

પોતે ના હોત તો ઍલિટ ક્યારેય હત્યા ના કરત અને તેમને પોતે જ મેનિપ્યુલેટ કર્યો હતો એમ તેમનું કહેવું હતું.

Image copyright BITE FILMS / REBECCA HENDIN / BBC THREE

ટ્રૉયની હત્યાનો કેસ ચગ્યો તે પછી મિરાન્ડાના નાનપણની વિગતો પણ બહાર આવી.

ત્રણ વર્ષની ઉંમરે મિરાન્ડા પર તેમના કાકાએ બળાત્કાર ગુજાર્યો હતો.

અદાલતી દસ્તાવેજો દર્શાવે છે કે તેમના કાકા રિકને 1998માં આ માટે સજા પણ થઈ હતી.

ઘણાં વર્ષો પછી મિરાન્ડાએ પોતાની ડાયરીમાં લખ્યું હતું:

"મને બહું ખરાબ લાગી રહ્યું હતું. મને લાગતું હતું કે મારું દમન થયું, અત્યાચાર થયો. મને બહુ શરમ આવતી હતી."

"મારી બહેન અને મારી સાથે આવું કરવાનો અધિકાર તેમને કોણે આપ્યો? તેમણે મારા પર અત્યાચાર કર્યો તેનાથી પણ વધુ અત્યાચાર હું તેમની સાથે કરવા માગ છું."

13 વર્ષની ઉંમરે મિરાન્ડાને સ્કિઝોફ્રેનિયા, ADHD, અને ડિપ્રેશનની દવા લેવી પડતી. કિશોરાવસ્થામાં તેમણે અનેકવાર આત્મહત્યાના પ્રયાસો કર્યા હતા.

જિલે વર્ષો સુધી મિરાન્ડાની સ્ટોરીમાં તપાસ કરી હતી.

તેઓ કહે છે, "એવું બની શકે કે કાકા રિકે કરેલા અત્યાચારની પીડા સહન કરવા માટે તેમણે જ 'સુપર મિરાન્ડા'ની કલ્પના કરી હોય."

"સુપર મિરાન્ડા એટલે પડકારનારી, શક્તિશાળી, પુરુષો પર કાબૂ મેળવનારી. હત્યા કરનારી. કદાચ સ્કિઝોફ્રેનિયાનું તે એક રૂપ છે."

જિલને લાગે છે કે મિરાન્ડાના કિસ્સામાં માત્ર તેમને સિરિયલ કિલર જાહેર કરવાં કે વળગાડ વળગવાની વાત કરતું ચિત્ર રજૂ કરવું અધૂરું ગણાશે.

જિલ કહે છે, "શેતાની, ખતરનાક સ્ત્રી, પસ્તાવો કર્યા વગર કોઈની હત્યા કરનારી કહેવું કે અન્ય કોઈ ટીકા કરવી અલગ વાત છે."

"અને જે બાળપણથી જ બિમાર હોય કે જે બાળપણમાં શોષણનો ભોગ બન્યું હોય તેને ન્યાય અપાવવો જુદી વાત છે."

"સમાજ તરીકે આપણને સારું અને ખરાબ જોવાનું જ ગમે છે, પણ વાત એટલી સરળ નથી હોતી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો