પાકિસ્તાનના મોહમ્મદ આમિરે 27 વર્ષની વયે ક્રિકેટમાંથી સંન્યાસ કેમ લીધો?

મોહમ્મદ આમિર Image copyright Getty Images

પાકિસ્તાનના ફાસ્ટ બૉલર મોહમ્મદ આમિરે 27 વર્ષની વયે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે અને આ અંગે ઘણા ક્રિકેટ સાથે સંકળાયેલા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

શુક્રવારે પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (પીસીબી) દ્વારા જણાવાયું હતું કે મોહમ્મદ આમિર ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ રહ્યા છે કેમ કે તેઓ મર્યાદિત ઓવરની રમત પર ફોકસ કરવા માગે છે.

જોકે પાકિસ્તાનના કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે મોહમ્મદ આમિર બ્રિટનની નાગરિકતા મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.


શું કહે છે પૂર્વ ખેલાડી અને ક્સપર્ટ?

પાકિસ્તાનના પૂર્વ કૅપ્તન વસીમ અકરમે ટ્વિટર પર લખ્યું, "આમિરના આ નિર્ણયથી મને આશ્ચર્ય થયું કેમકે 27-28 વર્ષની વયે ચરમ સ્થિતિ હોય છે. ટેસ્ટ ક્રિકેટમાં જ સર્વશ્રેષ્ઠ સામે પરીક્ષા થાય છ અને સર્વશ્રેષ્ઠ ફૉર્મૅટ છે."

"પાકિસ્તાનને ઑસ્ટ્રેલિયા સામેની બે અને ઇંગ્લ‌ૅન્ડ સામેની ત્રણ ટેસ્ટ મૅચમાં તેમની જરૂર પડશે."

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે પણ આમિરના સંન્યાસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

તેમણે કહ્યું, હું સમજી નથી શકતો કે પાકિસ્તાની ટીમને શું થયું છે. આમિર 27 વર્ષની વયે સંન્યાસ કેવી રીતે લઈ શકે. પાકિસ્તાને તેમના માટે ઘણું રોકાણ કર્યું છે. ફિક્સિંગ બાદ ટીમમાં તેઓ પરત આવ્યા અને અત્યારે સારા ફૉર્મમાં છે ત્યારે તેમણે સંન્યાસની જાહેરાત કરી છે."


આમિરની સફરના કેટલાક વળાંક

Image copyright Getty Images

આમિર 2009માં 17 વર્ષની ઉંમરે શ્રીલંકા વિરુદ્ધ પહેલી ટેસ્ટ મૅચ રમ્યા હતા. તેમણે 36 ટેસ્ટ મૅચમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું અને 37.40ની સરેરાશથી 119 વિકેટ લીધી.

27 વર્ષના આમિરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ મારફતે સંન્યાસ લેવાની જાહેરાત કરી.

આમિરે પોતાના ટ્વીટમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ, વડા પ્રધાન અને પાકિસ્તાનના પૂર્વ કૅપ્ટન ઇમરાન ખાન, ભૂતપૂર્વ ક્રિકેટર વસીમ અકરમ, શાહિદ અફ્રિદી, વકાર યુનુસ અને મોહમ્મદ યુસુફ અને પોતાના પ્રશંસકોનો સમર્થન આપવા બદલ આભાર માન્યો.

પોતાના વીડિયોમાં આમિરે કહ્યું, "બહુ ઓછા લોકો હોય છે જેમનું ટેસ્ટ ક્રિકેટ રમવાનું સપનું પૂરું થાય છે. મારા માટે આ બહુ સન્માનની વાત છે કે હું ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરી શક્યો."

"મેં ક્રિકેટમાં સારું પ્રદર્શન પણ કર્યું, 14 મૅચમાં 51 વિકેટ લેતી વખતે હું સૌથી યુવા પાકિસ્તાની ખેલાડી બન્યો, લૉર્ડ્સમાં છ વિકેટ લીધી, નંબર-1 ટેસ્ટ ટીમનો ભાગ બન્યો,.''

તેમણે આગળ કહ્યું, "ટેસ્ટ ક્રિકેટમાં મેં રેકર્ડ બનાવ્યા, પણ હવે હું સંન્યાસ લઈ રહ્યો છું. તમને ખબર છે કે હું પાંચ વર્ષ ક્રિકેટ નહોતો રમ્યો. પરત આવીને બૉડીને રિકવર કરવાનું, ટ્રેન કરવાનું બહુ મુશ્કેલ હોય છે. પછી હું સતત ત્રણ વર્ષ ક્રિકેટ રમ્યો, વન-ડે, ટેસ્ટ અને ટી-20. મારી બૉડીને રેસ્ટ પણ ન મળ્યો. ઇજાગ્રસ્ત પણ થયો અને ફિટનેસની સમસ્યા પણ થઈ.''

"પછી મને લાગ્યું દિવસે-દિવસે ઉંમર વધતી જશે અને ફાસ્ટ બૉલરની કૅરિયર બહુ લાંબી નથી હોતી. આવી કેટલીક વાતોને ધ્યાનમાં રાખીને મને એવું લાગ્યું કે મારે પસંદગી કરી લેવી જોઈએ કે મારે ક્યાં ફોકસ કરવું છે. તો હું સફેદ બૉલ પર ફોકસ કરવા માગું છું એટલે ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લઈ રહ્યો છું."


આમિરની ટેસ્ટ કૅરિયર

આમિર પોતાની છેલ્લી ટેસ્ટ મૅચ દક્ષિણ અફ્રીકા વિરુદ્ધ જાન્યુઆરી 2019માં રમ્યા જ્યાં તેમણે ચાર વિકેટ લીધી.

પોતાની ટેસ્ટ કૅરિયર દરમિયાન આમિરે ચાર વખત એક જ ઇનિંગમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધી હાંસિલ કરી હતી.

આ દરમિયાન 2017માં વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ કિંગ્સટન ખાતેની ટેસ્ટમાં 44 રન આપીને 6 ખેલાડીઓને આઉટ કરીને ટેસ્ટ ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

આમિરના ટેસ્ટ કૅરિયરમાં સૌથી નિરાશાજનક સમય ત્યારે આવ્યો જ્યારે 2011માં બે અન્ય ક્રિકેટરો સાથે સ્પોટ ફિક્સિંગના કેસમાં તેમને જેલની સજા થઈ, પાંચ વર્ષનો પ્રતિબંધનો સામનો કર્યા બાદ તેઓ જાન્યુઆરી 2016માં ક્રિકેટમાં પરત આવ્યા હતા.

ત્યારથી તેમણે સફેદ બૉલથી શ્રેષ્ઠ બૉલિંગ કરી છે અને આ દરમિયાન પાકિસ્તાન 2017માં ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં વિજેતા બન્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો