'મારી ગર્લફ્રેન્ડે મારા પર એટલો ત્રાસ ગુજાર્યો કે હું મોતના મુખમાં પહોંચી ગયો'

એલેક્સ Image copyright BBC THREE/CENTURY FILMS

ચેતવણીઃ કેટલુંક વર્ણન વિચલિત કરનારું છે

એલેક્સ સ્કીલ, 22 વર્ષ

મારી ગર્લફ્રેન્ડ જોર્ડને મારા પર ઊકળતું પાણી રેડ્યું હતું એ ઘટના હું આજે પણ ભૂલી શક્યો નથી. બેડફોર્ડશાયરના જે ઘરમાં અમે સાથે રહેતાં હતાં, તેના એક રૂમના ખૂણામાં તેમણે મને ધકેલી દીધો.

તે પછી ગરમ પાણી ભરેલી કીટલી લઈને મારી માથે તે ઊભી રહી ગઈ હતી.

ત્રણ વર્ષથી અમે સાથે રહેતાં હતાં, પણ હવે અમારા ઝઘડા થવા લાગ્યા હતા.

ગ્રે કલરનાં વસ્ત્રો મારે ન પહેરવાં અને મારી હેર સ્ટાઇલ બરાબર નથી એવી નાની-નાની વાતે તે ઝઘડવા લાગી હતી.

તે પછીના નવ મહિના સુધી તેમણે મારા પર ત્રાસ વર્તાવી દીધો હતો. હું તેનાથી ખૂબ ડરી ગયો હતો.

આજે પણ મારી નજર સમક્ષ કીટલીમાંથી ઊકળતું પાણી મારી ચામડી પર પડતું મને દેખાઈ રહ્યું છે.

જાણે સ્લો મોશનમાં ઘટના બનતી હોય એમ. મારી ચામડીમાં બળતરાનો અનુભવ થઈ રહ્યો હતો.

જિંદગીમાં ક્યારેય આવી પીડા મેં ભોગવી નહોતી.

મેં તેમને વિનંતી કરી કે મને બાથરૂમમાં ઠંડા પાણીમાં જવા દે જેથી ચામડીની બળતરા ઓછી થાય.

તેમણે ઠંડા પાણીના બાથમાં મને બેસવા દીધો ત્યારે બળતરા થોડી ઓછી થઈ.

તમને કલ્પના પણ નહીં આવે કે થીજાવી દેનારા ઠંડા પાણીમાં તમે કેવી રીતે બેસી શકો. પણ મારા માટે દુનિયાનો સૌથી સારો અનુભવ તે હતો.

તે પછી તેમણે કહ્યું કે બહાર નીકળ, નહીં તો ફરીથી ઊકળતું પાણી રેડીશ.

હું કણસવા લાગું અને કહું કે બહુ બળતરા થાય છે ત્યારે કહેતી કે, "સારું, જા ટબમાં બેસી જા."

તે પછી ફરી મને બહાર કાઢતી અને ફરી મારા પર ઊકળતું પાણી રેડતી.

આ એક માઇન્ડ ગેમ જેવું થઈ ગયું હતું. તે મારા જીવન પર કબજો જમાવવા માગતી હતી.

મને યાદ છે હું નિર્વસ્ત્ર દશામાં બાથમાં પડ્યો હતો. જાણે હું ઓવનમાં હોઉં અને રંધાઈ રહ્યો હોઉં તેવું લાગતું હતું.

ચામડી ઊતરવા લાગી હોય એવું લાગતું હતું. એ અનુભવ બહુ ભયાનક હતો.

Image copyright BBC THREE / CENTURY FILMS

ઇંગ્લૅન્ડ અને વેલ્સના ક્રાઇમ સર્વેના આંકડાં અનુસાર માર્ચ 2018ના રોજ પૂરા થયેલા વર્ષમાં 16થી 59 વર્ષના અંદાજે 20 લાખ લોકો ઘરેલું હિંસાનો ભોગ બન્યા હતા.

એક અંદાજ અનુસાર ઘરેલુ હિંસાનો ભોગ બનેલા લોકોમાં એક તૃતિયાંશથી વધારે પુરુષો હતા.

કિશોરાવસ્થામાં દર પાંચમાંથી એકને તેના બૉયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડના શારીરિક ત્રાસનો અનુભવ થતો હોવાનો અંદાજ છે.

માન્યતાથી વિપરિત પુરુષો પર પણ ત્રાસ થતો હોય છે.

ઇંગ્લૅન્ડ અને વેલ્સ પોલીસે 2017માં દોઢ લાખ જેટલા પુરુષો પર ત્રાસ થયાની ફરિયાદો નોંધી હતી.

2012 કરતાં આ સંખ્યા બમણી હતી. એક સેવાભાવી સંસ્થાના જણાવ્યા અનુસાર ઘરેલું હિંસાથી પીડિત લોકો માટેના આશ્રયસ્થાનમાં એક ટકાથી પણ ઓછી સંખ્યામાં પુરુષો આવે છે. લંડનમાં એક પણ પુરુષ જોવા મળ્યો નહોતો.

Image copyright BBC THREE / CENTURY FILMS

2012માં અમે કૉલેજમાં મળ્યાં, ત્યારે જોર્ડન વર્થ અને હું 16 વર્ષનાં હતાં.

શાળામાં ભણવામાં તે હોંશિયાર હતી અને હર્ટફોર્ડશાયર યુનિવર્સિટીમાં તેને પ્રવેશ મળી ગયો હતો.તેની ઇચ્છા શિક્ષિકા બનવાની હતી.

પ્રારંભના થોડા મહિના અમારો સંબંધ સારી રીતે ચાલ્યો હતો. અમારો સમય આનંદમાં સાથે વીતતો હતો.

ફિલ્મો જોવા જતાં, ફરવા જતાં અને ખુશીથી જીવન વિતાવતાં હતાં.

હું મારા મિત્રોને ખુશીથી કહેતો કે મારી એક ગર્લફ્રેન્ડ પણ છે.

તે લોકો જ્યારે પૂછે કે, "વીકેન્ડમાં શું કર્યું?" તો કહેતો કે હું મારી પ્રેમિકા સાથે હતો.

થોડા મહિના પછી કેટલીક વિચિત્ર ઘટનાઓ બની હતી. જોકે, પહેલાં એવું લાગેલું કે મારું ધ્યાન ખેંચવા તે આવું કરે છે.

મારાં માતાપિતા અમને લંડનમાં ધ લાયન કિંગ ફિલ્મ જોવા લઈ ગયાં હતાં.

ત્યાં અચાનક જોર્ડન ગુમ થઈ ગઈ. અમે બધા તેને શોધતા રહ્યાં.

તેને રિસેપ્શન એરિયામાં આખરે અમે શોધી કાઢી, ત્યારે તે ખડખડાટ હસી પડી હતી.

આ વર્તન થોડું વિચિત્ર હતું. આજે વિચાર આવે છે તે મને ગભરાવી દેવા માગતી હતી અને તેની ચિંતા કરતો થાઉં એવું કરવા માગતી હતી.

મારા પર આવી રીતે પકડ જમાવી દેવા માગતી હતી.

જોર્ડન ધીમે ધીમે મને મારા મિત્રો અને પરિવારથી અળગો કરવા લાગી હતી. દોસ્તોને મળવાની તેમણે મને મનાઈ કરી દીધી.

ફેસબુક અકાઉન્ટ પણ મને ખોલવા દેતી નહોતી. ઘરેલું હિંસાની જ આ રીતો હતી. હું કોઈની મદદ માગી શકું તેવી સ્થિતિમાં પણ રહ્યો નહોતો.

Image copyright BBC THREE / CENTURY FILMS

તેણે મને ખાવાનું આપવાનું બંધ કરી દીધું હતું. મારું વજન પણ ઘટવા લાગ્યું હતું. આવું કેમ કરે છે એવું કહીને તેનો સામનો કરવા કોશિશ કરતો.

પણ ઉલટાનો તે મારો જ વાંક કાઢતી હતી. મારો વાંક નહોતો એ હું જાણતો હતો, છતાં મને એવું જ ઠસાવતી રહેતી.

તમને થવા લાગે કે "હું એવું તો શું કરી રહ્યો છું?' તે પછી તમે અલગ રીતે વર્તો એટલે રિસાઈને કહેશે કે તું તો બદલાઈ ગયો છે.

'મને ગ્રે કલર ગમતો નથી' અથવા તો 'આવાં શૂઝ મને નથી ગમતાં' એવું મને કહે ત્યારે તેમને રાજી રાખવા વિચારતો કે, 'ઓકે, હું એ નહીં પહેરું.'

હકીકતમાં હું તેમની ઇચ્છા પ્રમાણે જ વર્તતો રહું એવી રીતે મને ફરજ પાડી રહી હતી. આવી રીતના કારણે તમારો આત્મવિશ્વાસ તૂટવા લાગે.

તમે એ પ્રકારની લડતમાં ફસાઈ જાવ કે તમે જીતી જ ન શકો. સ્થિતિ બહુ હતાશાજનક થઈ જતી હોય છે.

અમે બે બાળકોનાં માતાપિતા બન્યાં અને હું એવી આશા રાખતો રહ્યો કે સ્થિતિ સુધરી જશે.

બાળકો નાનાં હતાં, પણ શું થઈ રહ્યું છે તે જોતા પણ હશે.

તે બાળકોને હેરાન કરતી નહોતી, પણ મને ડર લાગતો હતો કે હું જતો રહીશ તો તેનો ત્રાસ બાળકો પર ઊતરશે. તેથી હું સાથે જ રહ્યો.

જોર્ડન સાથેના સહજીવનમાં ઘણા સુખદ પ્રસંગો પણ હતા. ઘણીવાર અમે સાથે હસીખુશી મનાવતા, સાથે આનંદ કરતાં હતાં. સતત તેનો ત્રાસ રહેતો હતો એવું પણ નહોતું.

મારી પણ ઇચ્છા હતી કે અમારા સંબંધો ટકી રહે. આખરે હું તેને ચાહતો પણ હતો.

માનસિક ત્રાસની જગ્યાએ તેણે 18 મહિના પછી શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

તે કાચની બૉટલ પથારીમાં રાખવા લાગી ત્યારથી તેની શરૂઆત થઈ હતી.

બીજી છોકરીઓ સાથે લફરું કરવાનો આક્ષેપ મારા પર મૂકવા લાગી. હું છોકરીઓ સાથે વાતો કરું છું, મૅસેજ કરું છું એવું કહેવા લાગી.

એ વાત તદ્દન ખોટી હતી. મને કેટલાક લોકોએ આવી માહિતી આપી છે એવું તે કહેતી હતી.

પાછળથી મને ખ્યાલ આવ્યો કે તે આવી વાત ઊપજાવી કાઢતી હતી.

હવે એવું કરવા લાગી કે મને ઊંઘ આવી જાય એટલે મારા માથામાં બૉટલ મારે.

અને પછી પૂછે કે, "તું શું વિચારી રહ્યો છે?"

Image copyright BBC THREE / CENTURY FILMS

હું તેનાથી ટેવાઈ જવા લાગ્યો. તે માથામાં બૉટલ મારતી, પણ હવે મને એટલી પીડા પણ થતી નહોતી.

તેથી હવે તે વધારે ને વધારે જોરથી મારવા લાગી. મને ત્રાસ આપવાની નવી નવી રીત શોધવા લાગી.

બૉટલ પછી હવે હથોડીથી મને મારવાનું શરૂ કર્યું. પછી તો હાથમાં આવે એ વસ્તુથી મને ફટકારતી હતી.

એકવાર લેપટૉપના ચાર્જરથી મને માર્યો હતો. વાયરને પોતાના હાથમાં રાખી ચાબુકની જેમ મેટલનું પ્લગ મને માથામાં માર્યું.

મારા માથામાંથી એટલું લોહી નીકળેલું કે જમીન ભીની થઈ ગઈ હતી.

મને મારીને હસતાં-હસતાં દાદરો ચડવા લાગી અને હું કહેતો રહ્યો કે, 'પ્લીઝ, હેલ્પ મી.' તેમણે કહ્યું, 'તું મરી કેમ નથી જતો? કોઈને તારી પડી નથી.'

એ પછી તો જોર્ડન મને છરીથી ઘસરકા કરવા લાગી હતી. એકવાર મારા કાંડાની નસ કપાતી-કપાતી બચી હતી.

તે પછી ઊકળતું પાણી મારા પર રેડવાનું શરૂ કરેલું. તેના કારણે મારી ત્વચા થર્ડ ડિગ્રી જેટલી બળી ગઈ હતી.

ઊકળતા પાણીથી મને દઝાડ્યા પછી હવે આગળ વધીને મને મારી જ નાખવાની હતી.

Image copyright BBC THREE / CENTURY FILMS

હું હવે જોર્ડનથી ડરવા લાગ્યો હતો કે તે કઈ હદે જશે. મને થતું કે કશુંક બોલીશ તો મારી જ નાખશે.

હું ઇજાની સારવાર માટે હૉસ્પિટલ જઉં ત્યારે કહેતો કે પડી ગયો છું.

શાવરના ગરમ પાણીથી દાઝી ગયો છું એવું કહેતો. હું પીડાથી બૂમો પાડતો હતો તે પડોશીઓને પણ હવે સંભળાતું હતું.

એક-બે વખત પડોશીઓએ પોલીસને ફોન પણ કર્યો હતો.

જોકે, હું જોર્ડનના બચાવ માટે ખોટું બોલી લેતો હતો.

ખોટું બોલવું ગમતું નહોતું, પણ જીવ બચાવવા માટે મને જરૂરી લાગતું હતું.

મારી આંખ નીચે કાળાં કુંડાળાં થઈ ગયાં હતાં. ઘણી વાર તે પોતે કરેલા ઘાને છુપાવવા મને મેકઅપ પણ કરી આપતાં હતાં.

મારા શરીરમાં હવે જાણે તાકાત રહી નહોતી. મારું વજન ખૂબ ઘટી ગયું હતું. ત્યારબાદ મને ડૉક્ટરોએ જણાવેલું કે મારી ઇજાઓ કેટલી ગંભીર હતી.

આટલા સમયથી ખોરાક વિના રહ્યો અને આવી ઇજાઓ તેના કારણે દસેક દિવસમાં તારું મોત થઈ ગયું હોત એમ તેમણે કહેલું.

આખરે એક પોલીસ ઓફિસરે બીજી વાર ચકાસણી કરવાનું નક્કી કર્યું તે પછી 2018માં આ ત્રાસનો અંત આવ્યો હતો.

પોલીસ ઓફિસર મારા ઘરે આવી ગયા હતા એટલે તેમને શંકા ગઈ હતી.

તેમણે પુનઃચકાસણી કરવાનું નક્કી કર્યું હતું. તેમણે મને ઘણા સવાલો કર્યા અને આખી વાત બહાર આવી. ભયાનક સત્ય હવે જાહેર થયું હતું.

મારી ઇજાઓ વકરી રહી હતી અને ખાધાપીધા વિના હું વાંકો વળી ગયો હતો.

હજી પણ મેં મારી હાલત ના જણાવી હોત, પણ હવે મારાથી વધારે સહન થાય તેવું નહોતું.

Image copyright BBC THREE / CENTURY FILMS

પોલીસ ઓફિસરે સમયસર આવી રીતે તપાસ ના કરી હોત તો હું કબરમાં જતો રહ્યો હોત.

એ બાબતમાં કોઈ શંકા નહોતી. હું નસીબદાર ગણીશ કે મને થયેલા ઘાનાં ઘણાં નિશાન શરીર પર હતાં અને ત્રાસ થયાના પુરાવા મજબૂત હતા. તેથી જ આખરે તેમને જેલમાં મોકલી શકાઈ હતી.

મને લાગે છે કે જોર્ડન મારી ઇર્ષાને કારણે આવું કરતી હતી. હું મારા પરિવારની નજીક હતો. મારે સારા મિત્રો પણ હતા. એ બધાથી તેમણે મને અલગ કરી દીધો.

તેણે મારું બધું છીનવી લીધું હતું. મને યાદ છે કે એકવાર તેમણે કહેલું પણ ખરું કે, "હું તારું જીવન બરબાદ કરી નાખવા માગું છું."

દર છમાંથી એક પુરુષને જીવનમાં કોઈકનો ત્રાસ સહન કરવો પડતો હોય છે, પણ 20માંથી માત્ર એક પુરુષ જ બીજાની મદદ માગતા હોય છે.

જોર્ડનને તેમની વર્તણૂકનો પસ્તાવો પણ થતો નહોતો. પોલીસે તેમની પૂછપરછ કરી ત્યારે તેની અંદર પસ્તાવો દેખાયો નહોતો.

પોલીસના ફૂટેજમાં તેઓ ગુનેગાર જેવા જ દેખાઈ આવે છે. મારી શી હાલત કરી હતી તેની તેમને કશી પરવા નહોતી.

તેમને ફક્ત એની જ ચિંતા હતી કે પકડાઈ ગઈ. મને લાગે છે કે ઓછી સજા થાય તેવી ગણતરીથી જ તેમણે અદાલતમાં ગુનો સ્વીકારી લીધો હતો.

Image copyright BBC THREE / CENTURY FILMS

મને ખબર નથી કે આવું વર્તન કઈ રીતે વાજબી હોવાનું જોર્ડન પોતાની જાતને સમજાવી શકી હશે.

કદાચ નશા જેવી કિક માટે આવી ઘરેલું હિંસા લોકો કરતાં હશે એમ મને લાગે છે.

કોઈ નશો હોય, કોઈ વ્યસન હોય તેના જેવું આ છે. વધારે હિંસા કરતાં જાય એટલે માનવા પણ લાગે કે પોતાને કશું થવાનું નથી.

તેના કારણે સ્થિતિ વધારે કફોડી થવા લાગતી હોય છે. તેના માટે તો જાણે સ્વર્ગ જેવી સ્થિતિ હોય, પણ તમારી હાલત નર્કમાં હોવ તેવી થઈ જાય.

તેને તો ફાવતું મળતું રહે. તમારા પર પૂરો કબજો કરી લે. પકડાઈ ના જાય ત્યાં સુધી જોહુકમી કરતા જ રહે. છેવટે પકડાઈ જાય ત્યારે તેમને આકરો ફટકો પડતો હોય છે.

જોર્ડનને મળવાનું થયું તે પહેલાંથી પુરુષ પર ઘરેલું હિંસાના કિસ્સા સાંભળ્યા હતા.

હું જાણતો હતો કે તે મારી સાથે શું કરી રહી છે. મારી સ્થિતિ ખરાબ હતી, બહુ ખરાબ હતી. પણ શું કરવું કશું સૂઝતું નહોતું.

મને એ ખબર નહોતી પડતી કે તેઓ આવું કરે છે તો તેની સામે હું કેવા પ્રકારનો ગુનો દાખલ કરી શકું.

હસવા જેવું લાગશે, પણ મેં તેના ત્રાસમાંથી છુટવાનો પ્રયાસ જ કર્યો ન હતો. હું ત્રાસમાંથી છૂટું તેવી કોઈ શક્યતા નહોતી.

મારી પાસે કોઈ રસ્તો નહોતો. અને બીજું કે અમારે બે સંતાનો પણ હતા.

હું એવી આશા રાખતો રહ્યો કે ત્રાસનો અંત આવશે. કોઈ દિવસ ઓછો માર પડે ત્યારે તે દિવસ સારો લાગે એવી વાત હતી.

બાળકોની શું થશે તેની મને ચિંતા થતી હતી.

આવી સ્થિતિમાં કોઈને જતાં રહેવાનું પણ ના કહી શકાય. એ વધારે ખરાબ કહેવાય. તમારે કહેવું પડે, "કોઈ પણ બાબતે વાત કરવી હોય તો હું અહીં જ છું."

Image copyright BBC THREE / CENTURY FILMS

એપ્રિલ 2018માં જોર્ડનને સાડા સાત વર્ષની કેદની સજા થઈ હતી. તેણે ત્રાસદાયક વર્તન કર્યાની કબૂલાત કરી હતી.

ઇરાદાપૂર્વક નુકસાન કરવાની અને શારીરિક ઇજા કર્યાની કબૂલાત પણ કરી હતી. મને ખબર મળ્યા ત્યારે મેં કોઈ પ્રતિસાદ આપ્યો નહોતો.

હું આવી વાતોથી હવે વિચલિત થતો નથી. મારી પસંદની ફૂટબૉલ ટીમ જીતી જતી ત્યારે હું ગાંડો થઈ જતો હતો, પણ હવે એટલું જ વિચારું કે ચાલો કામ પત્યું.

મેં બહુ સહન કર્યું હતું એટલે કદાચ એવું હશે. ચુકાદા પછી મેં એટલું જ વિચાર્યું કે આખરે ન્યાય થયો.

જોકે, તે પછી ઘણી રાહત લાગી હતી. જાણે ખભા પરથી મોટો બોજ ઊતરી ગયો.

તે હવે જેલમાં જવાની છે, તે જાણ્યા પછી પાંચ વર્ષ બાદ પહેલીવાર મને થયું કે હવે મારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

બાળકોને ખરેખર સ્થિતિનો ખ્યાલ નથી. મેં અદાલતી કાર્યવાહીના દસ્તાવેજો વગેરે ઘણી બધી વસ્તુઓ સાચવીને રાખી છે.

તેઓ મોટાં થશે ત્યારે આ બધું જોઈ શકશે. તેઓ સમજણ ધરાવતાં થશે, ત્યારે આખી વાત તેમને સમજાવીશ.

હું એ દિવસની જ રાહ જોઉં છું કે એક દિવસ મારાં બાળકો મને કહે કે તમે સારું કામ કર્યું હતું, ડેડ.

Image copyright BBC THREE / CENTURY FILMS

જોહુકમી અને ત્રાસદાયક વર્તન બદલ જેલની સજા પામનારાં જોર્ડન યુકેનાં પ્રથમ સ્ત્રી છે.

તેમનાં પરથી ખ્યાલ આવશે કે આ બાબતને હવે ગંભીરતાથી લેવામાં આવે છે.

સંકોચના કારણે પુરુષો ત્રાસ સહન કર્યાનું જાહેર કરતા નથી. પુરુષો ઘરેલું હિંસાની ફરિયાદ કરે તેને પોલીસ પણ ગંભીરતાથી લેતી નથી.

ઘરેલું હિંસા વિરુદ્ધ ચાલતી ઝુંબેશમાં પણ પુરુષોનો વિચાર થતો નથી.

આ વાત પણ અયોગ્ય છે, કેમ કે ત્રાસ આપવાની બાબતમાં સ્ત્રી-પુરુષના ભેદ ક્યાં હોય છે?

હું એટલો મૂર્ખ પણ નથી કે બધી સ્ત્રીઓને જોર્ડન જેવી માની લઉં.

જોકે, હાલમાં અન્ય કોઈની સાથે સંબંધો માટે તૈયાર નથી. હું નાનપણમાં હતી તેવી ખુશી થોડો સમય અનુભવવા માગું છું.

જોર્ડને મારી ખુશીઓ હણી લીધી હતી તે પાછી મેળવવા માગું છું. મારી ફૂટબૉલની ટ્રૉફી, ફૂટબૉલ મૅચની ટિકિટો, મારી બધી વસ્તુઓ, મારું બધું તેમણે બરબાદ કરી નાખ્યું હતું.

અત્યાચારના મામલામાં પુરુષોને મદદ કરનારી સંસ્થાની મદદથી મેં જીવનને ફરી બેઠું કરવાનું શરૂ પણ કરી દીધું છે.

ભવિષ્યમાં ઘરેલું હિંસાનો ભોગ બનેલા પુરુષો માટે આશ્રયસ્થાન ખોલવાની મારી ઇચ્છા છે.

ક્યારેક મને થાય છે કે આ બાબતમાં જાગૃત્તિ ફેલાવવા માટે જ હું જીવતો રહ્યો છું. કેમ મને છરી ખોટી જગ્યાએ ના લાગી? કેમ મર્મસ્થાને મને ઘા ના વાગ્યો?

મારા માથાએ હજારો ઘા ખમેલા, પણ મારી ખોપડીમાં ક્યારેય મને ફેક્ચર થયું નહીં.

આજે એ વાતની મને નવાઈ લાગે છે. કેમ ના લાગે? તેની પાછળ કદાચ કોઈ હેતુ હતો.

મારે હવે બીજાની મદદ કરવાની છે એ હેતુ કદાચ હતો. ભોગ બનેલા બીજા લોકોની સ્થિતિમાં પણ સુધારો થાય એટલી જ આશા હું રાખું છું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો