ચંદ્ર પર મનુષ્યને મોકલીને અમેરિકાને શું મળ્યું હતું?

ચંદ્ર પર મનુષ્ય Image copyright NASA

1960ના દાયકામાં અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચે શીતયુદ્ધ ચરમસીમાએ હતું.

અંતરિક્ષમાં પણ બન્ને દેશો વચ્ચે એકબીજાને રેસમાં પાછળ છોડી દેવાની રેસ લાગેલી હતી.

અંતરિક્ષની આ રેસમાં સોવિયત સંઘ અમેરિકા કરતાં આગળ ચાલી રહ્યું હતું.

તેણે અંતરિક્ષમાં અમેરિકા કરતાં પહેલા મનુષ્યને મોકલવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. એટલે જ અમેરિકાની સરકાર સોવિયત સંઘ કરતાં પહેલાં ચંદ્ર પર મનુષ્યને મોકલવા માગતી હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિ જૉન કેનેડીએ નાસાની સામે લક્ષ્ય મૂક્યું હતું કે તેઓ મનુષ્યને ચંદ્ર પર સોવિયત સંઘ પહેલાં મોકલવાના મિશન પર કામ કરે.

તેના પરિણામ સ્વરૂપે ચંદ્ર પર મનુષ્યને તો મોકલવામાં આવ્યો જ સાથે જ અમેરિકી સ્પેસ એજન્સીએ પણ એ સાબિત કરવા પ્રયાસ કર્યો કે જ્યારે તેના અંતરિક્ષયાત્રી ચંદ્ર પર ગયા તો તેમણે કંઈક નવીન કામ કર્યું.

અંતરિક્ષયાત્રીઓને ચંદ્ર પર મોકલતાં પહેલાં તેમને ભૂગર્ભશાસ્ત્રની જાણકારીની જરૂર હતી.

તેના માટે તેમને હવાઈ ટાપુ, મેક્સિકો, આઇસલૅન્ડ અને જર્મની જેવા દેશોનો પ્રવાસ કરાવવામાં આવ્યો.

અહીં અંતરિક્ષયાત્રીઓને પથ્થરની શિલા, જ્વાળામુખીનું બનવું અને બગડવું અને ઉલ્કાના કારણે પડતા ખાડા અંગે જાણકારી આપવામાં આવી.

અપોલો 15 કમાન્ડ મૉડ્યૂલના પાઇલટ અલ વર્ડેનનું કહેવું છે કે આ પ્રવાસ દરમિયાન મળેલી જાણકારી તેમના માટે ઘણી મહત્ત્વપૂર્ણ હતી.

ચંદ્ર પર જતા અંતરિક્ષયાત્રી પોતાની સાથે હથોડા, ડ્રિલ મશીન અને કુહાડી લઈ ગયા હતા જેથી ખોદકામ કરવાની જરૂર પડે તો તેને વાપરી શકાય.

અલ વર્ડેન લ્યૂનર ઑર્બિટમાં વધારે મોટા પાયે અવલોકન કરી રહ્યા હતા.

તેઓ એવી વસ્તુઓની શોધ કરી રહ્યા હતા, જેનાથી તેઓ સાબિત કરી શકે કે તેમણે સૌથી અલગ કામ કર્યું છે.


વધુમાં વધુ માહિતી પ્રાપ્ત કરવામાં આવી

Image copyright NASA

અપોલો 17 મિશન અંતર્ગત ચંદ્ર પર જનારા પહેલા અને એકમાત્ર ભૂગર્ભશાસ્ત્રી છે, હેરિસન શ્મિટ.

ચંદ્ર પર તેમને પથ્થરની શિલાના નાના-નાના મોતી જેવા ટૂકડા મળ્યા કે જે એ વાતના પુરાવા છે કે ચંદ્ર પર પણ શિલા બનવાની અને તૂટવાની પ્રક્રિયા ચાલતી રહે છે.

તેઓ 741 ટૂકડા નમૂના તરીકે સાથે લાવ્યા હતા જેનું વજન 111 કિલો હતું.

ચંદ્રથી આશરે 2,200 શિલાઓ અને માટીના ઘણા નમૂના લઈને અમેરિકાના હ્યૂસ્ટનની પ્રયોગશાળામાં રાખવામાં આવ્યા જેમના પર અત્યાર સુધી સંશોધન ચાલી રહ્યું છે.

નાસાએ ચંદ્ર પરથી લાવવામાં આવેલા ઘણા નમૂના દુનિયાના મ્યૂઝિયમ અને વૈજ્ઞાનિકોને પણ દાન કર્યા જ્યારે ઘણા નમૂના આજે પણ સીલ બંધ રાખવામાં આવ્યા છે.

પરંતુ જે સૅમ્પલ પર સંશોધન કરવામાં આવ્યું તેનાથી ચંદ્ર અને ધરતી બનવાના ઇતિહાસ અંગે જાણકારી મળી.

સાથે જ એ પણ સાબિત થઈ ગયું કે ધરતી અને ચંદ્રનું નિર્માણ બે મોટા ગ્રહ અને અવકાશી ખડકના ટકરાવાથી થયું છે.

ચંદ્ર પર પહોંચેલા પહેલા બે મનુષ્યો, નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એલ્ડ્રિન પોતાના અંતરિક્ષયાનમાં વધારે દૂર સુધી ગયા ન હતા.

તેઓ ચંદ્ર અડધા માઇલના અંતર પર ગયા હતા. પરંતુ જેમ-જેમ મિશન આગળ વધતું ગયું, અંતરિક્ષયાત્રી ચંદ્ર પર પહોંચ્યા બાદ દૂર-દૂર સુધી જવા લાગ્યા. તેઓ ચંદ્રની સપાટીના ઘણા નમૂના લઈને પરત ફરતા હતા.

ચંદ્ર પર ધરતીનો માત્ર એક છઠ્ઠા ભાગનું જ ગુરુત્વાકર્ષણ બળ છે.

એટલે કે જે વસ્તુ ધરતી પર 6 કિલોગ્રામ વજનની છે, તે ચંદ્ર પર માત્ર એક કિલોગ્રામની હશે.

તેવામાં ત્યાંની સપાટી પર સંતુલન જાળવી રાખવાનું કામ અઘરું હોય છે. તેમ છતાં, ત્યાં જતા અંતરિક્ષયાત્રીઓએ વધુમાં વધુ જાણકારીઓ પ્રાપ્ત કરી છે.


ઊંઘવામાં મુશ્કેલી

Image copyright NASA

1972માં અપોલો મિશનની અંતર્ગત ચંદ્ર પર ગયેલા, ડેવ સ્કૉટ અને જિમ ઇર્વિન ચંદ્ર પર રોવર ચલાવનારા પહેલા અંતરિક્ષયાત્રી હતા.

આ રોવરની ગતિ 16 કિલોમિટર પ્રતિકલાકની હતી. રોવરની મદદથી તેઓ પોતાના લ્યૂનર મૉડ્યૂલથી 14 કિલોમિટર દૂર વિસ્તાર સુધી ગયા હતા.

જૂની યાદો તાજી કરતા મિશન કંટ્રોલર સ્કૉટ જણાવે છે કે તેમનું રોવર ચંદ્રની સપાટી પર બનેલા ખાડાઓથી બચતા આગળ ચાલી રહ્યું હતું.

તેમને એટલા ધક્કા લાગી રહ્યા હતા કે સીટ બેલ્ટની જરૂરનો અનુભવ થઈ રહ્યો હતો, પરંતુ લ્યૂનર ડ્રાઇવિંગનો રેકર્ડ હજુ પણ જીન સર્નેનના નામે છે.

તેઓ પોતાના મિશન અપોલો-17માં હેરિસન શ્મિટ સાથે ગયા હતા. તેઓ પોતાના અંતરિક્ષયાનથી આશરે ચાર કિલોમિટર દૂરનું અંતર નક્કી કરીને 35 કિલોમિટર વિસ્તારમાં ફર્યા હતા.

Image copyright NASA

ચંદ્રની સપાટી પર અઢી કલાક ચાલ્યા બાદ નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એડ્રિને લ્યૂનર લૅન્ડરને બંધ કરી દીધું હતું, કેમ કે તેઓ ખૂબ વધારે થાકી ગયા હતા.

ઑર્બિટમાં પરત આવતા પહેલાં તેમને ઊંઘવાનું કહેવામાં આવ્યું હતું.

પોતાના મિશન રિપોર્ટમાં તેનો ઉલ્લેખ કરતા આર્મસ્ટ્રોંગે લખ્યું હતું કે ઘોંઘાટ, રોશની અને ઓછા તાપમાનના કારણે તેમને ચીડ ચઢી રહી હતી.

લ્યૂનર મૉડ્યૂલ, અંતરિક્ષના ક્ષેત્રમાં એક મોટી સફળતા હતી, પરંતુ તે એક એવું મૉડ્યૂલ હતું કે જેમાં આરામ જરા પણ ન હતો.

ભારે એન્જિનના સિલિન્ડરના કારણે કૅબિનમાં ફ્લોર સ્પેસ ખૂબ ઓછી હતી.

આર્મસ્ટ્રોંગ કહે છે કે તેમણે એન્જિનના કવર પર ઊંઘવાનો પ્રયાસ કર્યો અને તેમના સાથી ફ્લોર પર ઊંઘ્યા.

આટલી મુશ્કેલીઓ વચ્ચે પાઇલટ બઝ એલ્ડ્રિન બે કલાક ઊંઘી શક્યા, જ્યારે કમાન્ડર નીલ આર્મસ્ટ્રોંગ તો ઊંઘ્યા જ ન હતા.

ત્યારબાદ નાસાએ ચંદ્ર પર જે મિશન મોકલ્યાં, તેમાં મૉડ્યૂલને વધારે સારી ગુણવત્તાનું બનાવવામાં આવ્યું.

તે તો એટલાં આરામદાયક હતાં કે અંતરિક્ષયાત્રી ચંદ્ર પર હીંચકો બનાવી ઊંઘી શકતા હતા.


ચંદ્ર પરથી ધરતીનું અંતર જાણવું

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
નાસાના વૈજ્ઞાનિકો પ્રમાણે ધીરે ધીરે ચંદ્ર સંકોચાઈ રહ્યો છે, પણ શા માટે?

27 ડિસેમ્બર 1968ના રોજ મોકલવામાં આવેલું અપોલો 8 મિશન સૌથી તિવ્ર ગતિથી ચંદ્રની કક્ષામાં પહોંચ્યું હતું. આ ગતિ આશરે સાત માઇલ પ્રતિ સેકન્ડની હતી.

અપોલો કમાન્ડ મૉડ્યૂલનું આ અત્યાર સુધીનું સૌથી અદ્ભૂત મૉડ્યૂલ હતું.

મે 1968ના રોજ અપોલો-10ના અંતરિક્ષયાત્રીઓએ ધરતીથી ચંદ્રના અંતરને વધારે ઝડપથી નક્કી કર્યું હતું.

તેઓ 39 હજાર 705 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે પોતાની યાત્રા નક્કી કરીને ધરતી પર પરત ફર્યા હતા.

અપોલો-15ના કમાન્ડ મૉડ્યૂલના પાઇલટ અલ વર્ડેનનું કહેવું છે કે ચંદ્ર સુધી પહોંચવાનો રસ્તો ખૂબ નીરસ હોતો.

સાડા ત્રણ દિવસ સુધી તેમની પાસે કરવા માટે કંઈ કામ ન હતું.

આ વચ્ચે અંતરિક્ષયાત્રી પરસ્પર એકબીજા સાથે વાતો કરતા અથવા તો પુસ્તકો વાંચતા, નહીં તો સંગીત સાંભળીને સમય વિતાવતા.

આ દરમિયાન તેમણે ટીવી પ્રસારણમાં પણ ભાગ લેવાનો હતો.

જો આજે આપણને ધરતીથી ચંદ્રના સટીક અંતર વિશે જાણકારી મળી શકી છે, તો તેના માટે આપણે વર્ડેનનો આભાર માનવો જોઈએ.

તેમના મિશન દરમિયાન જ ચંદ્ર પર એવું લેઝર ઉપકરણ છોડવામાં આવ્યું હતું જેને રેજિંગ રેટ્રોરિફ્લેક્ટર કહેવામાં આવે છે. એ ખાસ પ્રકારના અરીસા છે.

તેમને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે તેમને ધરતી પરથી ટેલિસ્કોપની મદદથી લેઝર રિફ્લેક્ટ કરીને પૃથ્વીથી ચંદ્રનું અંતર સટીક માપી શકાય.

આજે પણ તેમનો ઉપયોગ કરવામાં આવે છે. તેમના જ કારણે ખગોળશાસ્ત્રીઓને ચંદ્રની કક્ષાની યોગ્ય સમજણ પડી શકી છે.

તેના જ માધ્યમથી આપણે એ જાણકારી પણ પ્રાપ્ત કરી શક્યા છીએ કે ચંદ્ર દર વર્ષે આપણાથી 38 કિલોમિટર દૂર થતો જઈ રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ