પાકિસ્તાનના રહેણાક વિસ્તારમાં સેનાનું વિમાન ક્રેશ થયું, 18 લોકોનાં મૃત્યુ

મૃતકોના પરિવારજનો Image copyright Reuters

પાકિસ્તાનના રાવલપિંડીમાં સેનાનું વિમાન ક્રેશ થયું છે, જેના કારણે 18 લોકોનાં મૃત્યુ થયાં છે. આ દુર્ઘટનામાં પાંચ સૈનિક અને 13 સામાન્ય નાગરિકોનાં મૃત્યુ થયાં છે.

પાકિસ્તાનની સેનાના જનસંપર્ક અધિકારીના કહેવા પ્રમાણે આર્મી ઍવિએશનનું એક નાનું વિમાન સામાન્ય ટ્રેનિંગ ઉડાણ દરમિયાન રાવલપિંડીના મોહડા કાલો વિસ્તારમાં ક્રેશ થયું હતું.

કિંગ ઍર 350 વિમાન રાત્રે આશરે બે વાગ્યે આ વિસ્તારના રહેણાંક મકાનો પર પડ્યું હતું.

આ વિમાનમાં પાઇલટ લેફ્ટનન્ટ કર્નલ સાકિબ અને લેફ્ટનન્ટ કર્નલ વસીવ સિવાય નાયબ સૂબેદાર અફઝલ, હવલદાર ઇબ્ને અમીન અને હવલદાર રહમત અલી પણ સવાર હતા.


મકાનો પર પડ્યું વિમાન

Image copyright Getty Images

વિમાન ક્રેશ થયા બાદ ઘણાં ઘરોમાં આગ લાગી ગઈ. જિલ્લા તંત્ર દ્વારા ખરાઈ કરવામાં આવી છે કે આ ઘટનામાં સાત મહિલા અને એક બાળક સહિત 13 નાગરિકોનાં મૃત્યુ થયાં છે.

દુર્ઘટના બાદ પાકિસ્તાનની સેના અને બચાવદળની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી અને આગને કાબૂમાં લીધી હતી.

દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મિલિટરીની હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

રાવલપિંડીના જિલ્લા મૅજિસ્ટ્રેટે મંગળવારે સવારે હૉસ્પિટલની મુલાકાત લીધી હતી અને મીડિયાને જણાવ્યું હતું કે હૉસ્પિટલોમાં ઇમર્જન્સી લાદી દેવાઈ છે.

Image copyright AFP

એ પહેલાં બચાવદળના એક અધિકારીએ બીબીસીને જણાવ્યું કે રાવલપિંડી પાસે એક વિમાન ક્રેશ થયું, જેમાં પાંચ-છ ઘરોને ક્ષતિ પહોંચી છે.

વિમાન ક્રેશ થયાના સમાચાર આવ્યા એ સાથે જ પાકિસ્તાનમાં #BahriaTown અને #planecrash હૅશટૅગ સોશિયલ મીડિયા પર ટ્રૅન્ડ થવા લાગ્યા હતા.

લોકો સોશિયલ મીડિયા ક્રેશ થયેલા વિમાનની તસવીરો અને વીડિયો શૅર કરી રહ્યા હતા. વિમાન ક્રેશ થયું હોય એવી આ પહેલી ઘટના નથી.

આ પહેલાં 20 એપ્રિલ 2012ના રોજ કરાચીથી ઇસ્લામાબાદ જઈ રહેલું ખાનગી ઍરલાઇનનું વિમાન રાવલપિંડીના હુસૈનાબાદ ગામ પાસે ગુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં 127 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

આ અગાઉ વર્ષ 2010માં અન્ય એક ખાનગી ઍરલાઇનનું વિમાન ઇસ્લામાબાદ નજીક ક્રેશ થયું હતું, જેમાં 152 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો