જ્યારે એક મહિલા હૅકરે ક્રેડિટ-કાર્ડ કંપનીના 10 કરોડ લોકોનો ડેટા ચોર્યો

કૅપિટલ વન Image copyright Getty Images

અમેરિકામાં નાણાકીય સેવા આપતી જાણીતી કંપની 'કૅપિટલ વન'ને નિશાન બનાવીને કરવામાં આવેલા હૅકિંગમાં 10 કરોડ 60 લાખ લોકોના મૅસેજ ચોરી થયા છે, જેમાં મોટા ભાગના અમેરિકા અને કૅનેડાના નાગરિકો છે.

ડેટા ચોરીની આ ઘટના બૅન્કિંગ ઇતિહાસની સૌથી મોટી ઘટના હોવાનું માનવામાં આવે છે. આ હૅકિંગની પાછળ એક મહિલાનો હાથ છે.

જ્યારે મહિલા હૅકર પેજ થોમ્પસનની એક ઑનલાઇન ફોરમ પર પોતાના આ પરાક્રમની બડાઈ હાંકી રહ્યાં હતાં ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

કૅપિટલ વનનું કહેવું છે કે જે ડેટા ચોરી થયો છે તેમાં લોકોનાં નામ, સરનામાં અને ફોન નંબર છે, પરંતુ હૅકર ક્રૅડિટ-કાર્ડ અકાઉન્ટ નંબર સુધી પહોંચી શક્યા નથી.

કૅપિટલ વન અમેરિકાની સૌથી મોટી ક્રૅડિટકાર્ડ ઉપલબ્ધ કરાવતી કંપની છે અને તે રિટેલ બૅન્ક પણ ચલાવે છે.


કેટલા લોકોને અસર?

Image copyright Getty Images

સોમવારે જાહેર કરેલા નિવેદનમાં કંપનીએ આ ઘટનામાં અમેરિકાના 10 કરોડ 60 લાખ લોકોને અસર થઈ હોવાની વાત કરી છે.

નિવેદન મુજબ અમેરિકામાં લગભગ દોઢ લાખ સોશિયલ સિક્યૉરિટી નંબર અને 80 હજાર બૅન્ક એકાઉન્ટનો ડેટા ચોરી થયો છે.

કૅનેડામાં કૅપિટલ વનના ક્રૅડિટ-કાર્ડ ધરાવતા ગ્રાહકોના લગભગ 10 લાખ વીમા નંબરની માહિતી ચોરાઈ છે.

આ હૅકિંગ અંગે 19 જુલાઈના રોજ જાણ થઈ હતી. નામ અને અન્ય માહિતી ઉપરાંત હૅકર ક્રૅડિટ-સ્કોર, બૅલેન્સ, પૅમેન્ટ હિસ્ટ્રી અને સંપર્ક અંગેની માહિતી મેળવવામાં સફળ રહ્યાં છે.

કૅપિટલ વને કહ્યું કે આ માહિતી કોઈ છેતરપિંડી માટે ઉપયોગમાં લેવામાં આવે તેવી શક્યતા છે. આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે.

જે લોકોને અસર થઈ છે, તેમને કંપની ક્રૅડિટ મૉનિટરિંગ અને ઓળખાણની સુરક્ષા માટે વિનામૂલ્યે મદદ કરશે.

ચૅરમૅન રિચર્ડ ફેરબૅંકએ એક નિવેદનમાં કહ્યું કે, "ગુનેગાર પકડાઈ ગયો છે તે સારી બાબત છે. પરંતુ જે પણ કંઈ થયું એનો મને અફસોસ છે."


હૅકર

Image copyright Getty Images

અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે આ હૅકિંગની ઘટનામાં સિયેટલની એક ટેકનોલૉજી કંપનીના એક પૂર્વ સોફ્ટવૅર એન્જિનિયરની ધરપકડ કરી છે.

33 વર્ષનાં થોમ્પ્સનને સોમવારે કમ્પ્યુટર ફૉડ અને ટેકનોલૉજીના દુરુપયોગના આરોપસર પકડવામાં આવ્યાં છે.

તેમને સિયેટલની ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. કેસની સુનાવણી 1 ઑગસ્ટના રોજ થશે.

કોર્ટના દસ્તાવેજો અનુસાર થોમ્પ્સને એક ઍનલાઇન ફોરમમાં આ ડેટા ચોરી અંગે વાત કરી હતી.

દોષી પુરવાર થવા પર થોમ્પસનને પાંચ વર્ષની જેલ અને 2,50,000 ડૉલરનો દંડ થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો