દુબઈના શેખ અને જૉર્ડનની રાજકુમારીના છૂટાછેડાનો એ કેસ જે પૈસા કે મિલકત માટે નથી

રાજકુમારી હયા Image copyright Getty Images

દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ-મખ્દૂમથી અલગ થયેલાં તેમનાં પત્નીએ લંડનની અદાલતમાં જબરદસ્તીનાં લગ્નથી સુરક્ષા માગી છે.

શેખ મોહમ્મદનાં પત્ની જૉર્ડનનાં 45 વર્ષીય રાજકુમારી હયા છે, જેઓ પોતાના પતિને છોડીને દુબઈથી લંડન આવી ગયાં છે. રાજકુમારી હયા સેન્ટ્રલ લંડન સ્થિત ફૅમિલી કોર્ટમાં મંગળવારે સુનાવણી વખતે હાજર રહ્યાં હતાં.

હયાએ કોર્ટમાં ફોર્સ મૅરેજ પ્રોટેક્શન ઑર્ડરની માગ કરી છે, જે કોઈ પણ વ્યક્તિને જબરદસ્તીથી લગ્નસંબંધ રાખવાથી બચાવે છે. આ સુનાવણીમાં દુબઈના શાસક શેખ મોહમ્મદ હાજર રહ્યા નહોતા.

રાજકુમારી હયા બિંત અલ હુસેન જૉર્ડનના શાહ અબ્દુલ્લાહનાં સાવકા બહેન થાય છે. તેઓ શેખ મોહમ્મદનાં છઠ્ઠાં પત્ની છે.

આ મુદ્દે આ મહિને એક ખાનગી સુનાવણી પણ થઈ હતી. આ સુનાવણીમાં બંને પક્ષોએ કહ્યું હતું કે આ કેસ તેમનાં બાળકોનાં ઉજ્જવળ ભવિષ્ય માટે છે, પૈસા કે છૂટાછેડા માટે નથી.

યૂએઈએ આ મુદ્દે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી અને તેને પરિવારનો અંગત પ્રશ્ન ગણાવ્યો છે.

દુબઈ અને સંયુક્ત આરબ અમિરાત માટે આ મામલો બહુ સંવેદનશીલ માનવામાં આવે છે.


શેખા લતીફા પણ દુબઈથી ભાગ્યાં હતાં

Image copyright Sheikha latifa
ફોટો લાઈન શેખા લતીફાએ દુબઈખી ભાગવાની કોશિશ કરી હતી.

દુબઈના શાહી પરિવારના નજીકના લોકોનું માનવું છે કે શેખ મોહમ્મદ અને રાજકુમારી હયા વચ્ચે કલેશનું કારણ તેમનાં મોટાં પુત્રી શેખા લતીફા છે, લતીફાનાં માતા શેખનાં બીજા પત્ની છે.

શેખા લતીફા પહેલાં પણ વિવાદમાં રહી ચૂક્યાં છે. તેમની જીવનશૈલી પર રોક-ટોક લગાવવામાં આવી હોવાનું કહેવાય છે.

શેખા લતીફાના મિત્રોના મતે ગત વર્ષે તેમણે ભાગવાની કોશિશ કરી હતી, પરંતુ ભારતીય કિનારા નજીક અમિરાતી સેનાએ તેમના જહાજને પકડી લીધું હતું.

છેલ્લે તેઓ ડિસેમ્બરમાં આયરલૅન્ડના પૂર્વ રાષ્ટ્રપતિ મૅરી રૉબિન્સન સાથે એક બેઠકમાં તેઓ જોવાં મળ્યાં હતાં.

રૉબિન્સન સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર સમૂહના પૂર્વ પ્રમુખ છે અને રાજકુમારી હયાના મિત્ર છે. પરંતુ તેમની સાથેની બેઠક બાદ શેખા લતીફા તકલીફમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

શેખા લતીફા શાહી પરિવારના ચુસ્ત નિયંત્રણ હેઠળ છે અને તેમનો ઈલાજ ચાલે છે એવું કહેવામાં આવે છે.

યૂએઈ સરકારે આરોપોના જવાબમાં શેખા લતીફાનો ઈલાજ અને રૉબિન્સન સાથે મુલાકાતની માહિતી જાહેર કરી હતી.

ગત વર્ષે માર્ચ મહિનામાં સામે આવેલા 40 મિનિટના વીડિયોમાં શેખા લતીફાએ પોતાના પર મૂકવામાં આવતાં નિયંત્રણ અંગે કહ્યું હતું કે તેઓ દુબઈમાં નથી રહેવા માગતાં.

તેમણે પોતાનાં બહેન શમ્સાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે 2000માં તેઓ બ્રિટનમાં વૅકેશન દરમિયાન ભાગી ગયાં હતાં.

લતીફાએ કહ્યું કે, "એવું બની શકે કે તમે જ્યારે વીડિયો જોતાં હોય ત્યારે મારું મૃત્યુ થઈ ચૂક્યું હોય અથવા તો બહુ ખરાબ સ્થિતિમાં હોઉ."


બંનેના વકીલ કોણ છે?

Image copyright Getty Images

શેખ મોહમ્મદ બિન રાશિદ અને રાજકુમારી હયા વચ્ચેની આ કાનૂની લડાઈએ લંડનનાં બે જાણીતા વકીલોને પણ આમનેસામને લાવી દીધાં છે.

રાજકુમારી હયાનાં વકીલ ફિયોના શેકલ્ટન તેમનાં આકર્ષણ ઉપરાંત ધારદાર દલીલો અને દાવપેચ માટે જાણીતાં છે. વળી તેઓ શાહી પરિવારોના કેસ લડવામાં મહારથ ધરાવે છે.

1992માં જ્યારે બ્રિટનના રાજકુમાર એન્ડ્રૂ અને સારા ફર્ગ્યૂસનના છૂટાછેડાનો કેસ થયો ત્યારે શેકલ્ટન ચર્ચામાં આવ્યાં હતાં. આ ઉપરાંત 1996માં રાજકુમારી ડાયના અને પ્રિન્સ ચાર્લ્સના છૂટાછેડાના કેસમાં તેઓ પ્રિન્સ ચાર્લ્સ તરફથી કેસ લડ્યાં હતાં.

જ્યારે શેખ મોહમ્મદ તરફથી સ્ટુઅર્ટ્સ લૉના મહિલા હેલેન વૉર્ડ કેસ લડી રહ્યાં છે. લેડી હેલેને બ્રિટિશ ફિલ્મ નિર્દેશક ગાય રિચી અને પૉપ સ્ટાર મૅડોનાનો છૂટાછેડાનો કેસ લડ્યા હતા. તેમના અસીલમાં સંગીતકાર એન્ડ્ર્યુ લૉયડ વેબર અને ફૉર્મ્યૂલા વન રેસિંગ ટીમના માલિક બર્ની એકલ્સ્ટન પણ સામેલ છે.


શેખ મોહમ્મદનો બ્રિટન સાથે ઘરોબો

Image copyright Getty Images

બીજી તરફ શેખ મોહમ્મદના બ્રિટન સાથે ઘનિષ્ઠ સંબંધો છે. તેઓ બ્રિટનની જાણીતી સૈન્ય અકાદમી સૅન્ડહર્સ્ટના સ્નાતક છે. મહારાણી ઍલિઝાબેથની જેમ જ તેમને પણ ઘોડાઓ બહુ ગમે છે અને બ્રિટનના ઘોડેસવારી ઉદ્યોગમાં તેમનું નામ જાણીતું છે.

તેમની અને તેમના પરિવારની બ્રિટનમાં ઘણી સંપતિ છે. તેમના નેતૃત્વમાં જ દુબઈ એક મુખ્ય વ્યાપારી કેન્દ્ર અને પર્યટન સ્થળ બન્યું.

પરંતુ લંડનમાં શરૂ થનારી કાયદાકીય લડાઈ વચ્ચે તેમને દુબઈમાં રાજકીય અને આર્થિક પડકારોનો સામનો કરવામાં તકલીફ પડી રહી છે.

છેલ્લાં ચાર વર્ષમાં અર્થવ્યવસ્થા ઘણી મંદ રહી છે અને સ્થાનિક તણાવને લીધે તેલનો ભાવ નીચે જઈ રહ્યો છે.

આ કાયદાકીય લડાઈ જૉર્ડનના કિંગ અબ્દુલ્લાહને પણ ઘણી ચિંતામાં મૂકનારી છે, કારણ કે યૂએઈ અને તેના સહયોગી સાઉદી અરબ તરફથી જૉર્ડનને સરકારી આર્થિક મદદ મળે છે.


કોણ છે રાજકુમારી હયા?

Image copyright Getty Images

રાજકુમારી હયાનો જન્મ મે, 1974માં થયો છે. તેમના પિતા જૉર્ડનના શાહ હુસૈન હતા, જ્યારે માતા મહારાણી આલિયા અલ-હુસૈન હતાં.

જ્યારે રાજકુમારી હયા માત્ર ત્રણ વર્ષનાં હતાં ત્યારે એક હેલિકૉપ્ટર અકસ્માતમાં તેમનાં માતાનું અવસાન થયું હતું.

રાજકુમારી હયાએ પોતાનું બાળપણ બ્રિટનમાં વિતાવ્યું. તેમણે બે ખાનગી શાળાઓમાં પોતાનો અભ્યાસ પૂરો કર્યો. તેમાં બ્રિસ્ટલની બૅડમિન્ટન સ્કૂલ અને ડૉર્સેટની બ્રાયનસ્ટન સ્કૂલ સામેલ છે.

ત્યારબાદ તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી રાજકારણ, દર્શનશાસ્ત્ર અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો.

જૂના ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે તેમને ફૅલ્કનરી (બાજ પાળવાનો), શૂટિંગનો અને મોટાં મશીનોનો શોખ છે. તેમનો દાવો હતો કે જૉર્ડનમાં મોટા ટ્રક ચલાવવાનું લાયસન્સ ધરાવતાં તેઓ એકમાત્ર મહિલા હતાં.

રાજકુમારી હયાને ઘોડેસવારીનો પણ શોખ છે. તેઓ 20 વર્ષનાં હતાં ત્યારે ઘોડેસવારીને કારકિર્દી તરીકે પસંદ કર્યું હતું.

ઘોડેસવારીમાં રાજકુમારી હયાએ વર્ષ 2000માં ઑલિમ્પિક રમતોમાં જૉર્ડનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ એ ઑલિમ્પિકમાં દેશનાં ધ્વજવાહક પણ હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો