ગુલામ બનાવીને ઉગ્રવાદીને પરણાવી દેવાયેલાં મહિલાની કહાણી

બાળક સાથે માતા

આદમના વાળ સોનેરી હતા અને ભૂરી આંખો હતી. ભાઈ બહેનોથી તેનો દેખાવ બિલકુલ જુદો હતો.

તેમનાં માતા જોવાન કહે છે, "તે પ્રથમ વાર રડ્યો ત્યારથી જ તે મને બહુ વહાલો લાગવા લાગ્યો હતો."

આદમનું આગમન જોવાન માટે અંધકારમાં પ્રકાશ સમાન હતું. જોકે, આદમના પિતા તેમની માતાના કબજેદાર હતા. હવે જોવાને એ બાળકને છોડી દેવો પડે તેમ છે.

પોતાના સુંદર મજાના ગામમાં પતિ ખેદર સાથે જોવાન ખુશીથી જીવતાં હતાં. ખાસ કરીને ઉનાળાની રાત તેમને બહુ ગમતી.

ઘરના છાપરે ચડીને ખેદર સાથે ચાની લહેજત લેવાની. બાળકો સૂઈ જાય એટલે બંને ધીરેથી છાપરા પર ચડી જતાં. આકાશ ચોખ્ખું અને તારાથી ઝગમગતું દેખાતું.

જોવાન કહે છે, "હું બહું જ ખુશ હતી. તે વખતે હું સૌથી સારી જિંદગી જીવી હતી,"

2014નો ઉનાળો આવ્યો અને તેમનું જીવન સદાય માટે બદલાઈ ગયું.

ઑગસ્ટ મહિનાના પ્રારંભમાં એક દિવસ બપોરના ભોજન બાદ કાળા વાવટા સાથે બે કાર ગામમાં ઘૂસી આવી.

Image copyright Getty Images
ફોટો લાઈન સિન્જાર વેલી

જોવાન અને ખેદરને સમજાયું નહોતું કે શું થઈ રહ્યું છે, પણ એટલો ખ્યાલ આવ્યો કે જોખમ ઊભું થયું છે.

એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે કારમાં આવેલા માણસો ખતરનાક ઉગ્રવાદી જૂથ ઇસ્લામિક સ્ટેટ (આઈએસ)ના હતા.

જોકે, કેટલાક ચહેરા જાણીતા પણ હતા. તે બાજુના ગામના હતા અને ખેદર તેમને જાણતા હતા.

તે લોકોએ કહ્યું કે સહકાર આપશો તો કોઈને કશી હાની કરવામાં આવશે નહીં.

જોવાન અને ખેદરના પરિવારને બીજા 20 પરિવારો સાથે કાફલામાં જોડાવાની ફરજ પાડવામાં આવી હતી.

સિન્જાર ખીણમાં આવેલાં ગામોમાં એક પછી એક ગામમાં કાફલો ફરતો રહ્યો હતો.

દંપતીને હજી એ નહોતું સમજાયું કે ઇરાક અને સીરિયાના આઈએસનાં મથકોથી આ પદ્ધતિસરનો હુમલો થયો હતો.

વર્ષની શરૂઆતમાં જૂથે બગદાદ નજીકના શહેરો પર કબજો કરી લીધો હતો.

જોવાન અને ખેદરના ગામની નજીક આવેલા મોસુલ શહેરને પાંચ મહિના પછી કબજે કરી લેવાયું હતું. હવે આઈએસ આગળ વધી રહ્યું હતું.

ખીણનાં ગામોમાં ખબર ફેલાઈ ગઈ હતી અને આ કાફલો એક ગામથી દોઢેક કલાક દૂર રોકાયો ત્યાં સુધીમાં મોટા ભાગના ગામલોકો નાસીને સિન્જાર પર્વતની ઉપર જતા રહ્યા હતા.

સંયુક્ત રાષ્ટ્રસંઘ અનુસાર ઉત્તર ઇરાકમાં ઑગસ્ટ 2014થી એક પ્રકારના જીવનનો અંત આવ્યો હતો અને તેની જગ્યાએ ક્રૂર એવા શાસનની શરૂઆત થઈ હતી.

કાફલાના નેતાએ ખેદરને કહ્યું કે પહાડો પર ઉપર જઈને ગામલોકોને પરત આવવા સમજાવવા અને તેમને કોઈ હાની નહીં કરવામાં આવે તેમ સમજાવવું.

Image copyright Getty Images
ફોટો લાઈન આઈએસથી બચવા લોકો ગામડાંમાં જતા રહેતા

ખેદર કહે છે, "અમે આ સંદેશ ત્યાં ગામવાસીઓને પહોંચાડ્યો હતો, પણ કોઈ માનવા તૈયાર નહોતું."

ખેદરનો ભાઈ પણ નાસીને પહાડોમાં જતો રહ્યો હતો. ખેદર પરિવાર પાસે પાછો જવા માગતો હતો, પણ તેના ભાઈએ કહ્યું કે તે આપઘાત જેવું જ ગણાશે.

આઈએસ જે પુરુષો તેમને કામના ના હોય તેમને ખતમ કરી દેવા માટે જાણીતું હતું.

ખેદર અને તેમની પત્ની બંને વળી જોખમમાં મુકાયેલા ધાર્મિક યઝદી સમુદાયનાં હતાં.

યઝદી લોકો પાસે કોઈ વિકલ્પ બચ્યો નહોતો. માઉન્ટ સિન્જાર પર ચડી ગયેલા લોકો ત્યાં ફસાઈ ગયા હતા.

ઉપર પાણી કે ખોરાક કશું મળતું નહોતું. 50 ડિગ્રીથી વધુની આકરી ગરમી પડે તેમાં કેટલાય માર્યા ગયા હતા.

નીચે તળેટીમાં રહી ગયેલા હજારોને આઈએસે પકડી લીધા હતા. પરિવારોને જુદા પાડી દેવાયા હતા.

કિશોરોને આઈએસના ટ્રેનિંગ કૅમ્પમાં ધકેલી દેવાયા હતા. છોકરીઓ અને મહિલાઓને પકડીને સેક્સ માટે ગુલામ બનાવી દેવાઈ હતી.

ઇસ્લામ સ્વીકારવાની ના પાડનાર પુરુષોની હત્યા કરી દેવામાં આવતી હતી.

આઈએસે કુલ કેટલા યઝદીને કબજે કર્યા હતા તેનો કોઈ આંકડો મળતો નથી.

સંયુક્ત રાષ્ટ્રસંઘના વિશેષ પ્રતિનિધિના અંદાજ અનુસાર સિન્જારમાં તે વખતે 4,00,000 યઝદી રહેતા હતા. તેમાંથી હજારોની હત્યા થઈ હતી.

6,400થી વધુ યઝદી સ્ત્રીઓ અને બાળકોને ગુલામ બનાવાયાં હતાં. તેમના પર બળાત્કાર થયા હતા અને તેમને વેચી દેવાયાં હતાં.

જોવાન, તેનાં ત્રણ સંતાન અને ગામની બીજી 50 મહિલા અને બાળકોને એક ટ્રકમાં ચડાવી દેવાયાં.

તેમને છેવટે સીરિયાના રક્કામાં લઈ જવાયાં હતાં. રક્કા તે વખતે આઈએસની કહેવાતી ખિલાફતની રાજધાની ગણાતું હતું.

જોવાન કહે છે, "અમે અમને બચાવવા માટે કશું કરી શકીએ તેમ નહોતાં." ચાર વર્ષ સુધી તેઓ ક્યારેય ખેદરને મળી શક્યાં નહોતાં.


ઉગ્રવાદીના પુત્રને જ્યારે જન્મ આપ્યો

જોવાનને ખ્યાલ આવી ગયો કે તેમને રક્કામાં જ્યાં રાખવામાં આવ્યાં હતાં, તે હકીકતમાં ગુલામની લે-વેચ માટેનું માર્કેટ હતી.

ત્રણ માળની ઇમારતમાં તેમને અને બાળકોને રાખવામાં આવ્યાં હતાં. બીજી સેંકડો મહિલા અને બાળકો પણ તેમાં હતાં.

કુલ મળીને 1,500 લોકોને એક જ ઇમારતમાં ઠાંસવામાં આવ્યા હતા.

જોવાન કહે છે કે તેમાંની ઘણી મહિલાઓને તે ઓળખતી પણ હતી. તેમાંથી કેટલીક સ્ત્રીઓ સગામાં થતી હતી, જ્યારે કેટલીક આસપાસનાં ગામોમાં રહેતી હતી.

તેઓ કહે છે, "અમે એકબીજાને સાંત્વના આપ્યાં કરતાં કે કશોક ચમત્કાર થશે અને આપણને છોડી મૂકવામાં આવશે."

જોવાનને મુક્તિના બદલે આઈએસ ઉગ્રવાદીમાંથી કોઈ એકની પસંદગી કરી લેવાનું જણાવાયું.

તેમને અબુ મુજાહિદ અલ ટ્યુનિશી નામના ટ્યુનિશિયાના એક ઉગ્રવાદીને સોંપી દેવાયાં. તે ઊંચા દરજ્જાનો કમાન્ડર હતો.

યુવાન અને પાતળા બાંધાનો લાંબો ટ્યુનિસી મજાની દાઢી પણ રાખતો હતો.

જોવાન ઇસ્લામ કબૂલી લે અને તેની સાથે 'શાદી' કરી લે તેવી અપેક્ષા રાખવામાં આવી હતી.

Image copyright Getty Images

દિવસો સુધી તેઓ રડતાં રહ્યાં. ત્રણેકવાર તેમણે નાસી જવાની નિષ્ફળ કોશિશ પણ કરી, પરંતુ બાળકોને કારણે તેઓ ઝડપથી નાસી શકે તેમ નહોતાં.

હૈથામ સૌથી મોટો 13 વર્ષનો હતો, પણ સૌથી નાનો અઝાદ હજી ત્રણ જ વર્ષનો જ હતો.

નાસી જવાની કોશિશ કરી તેવો ખ્યાલ આવે ત્યારે અબુ મુજાહિદ તેમને કમરામાં પૂરી દેતો હતો.

"મને લાગતું કે આના કરતાં તો મરી જાઉં તો સારું પણ પછી બાળકોનો વિચાર આવતો કે તેમનું શું થશે?"

આખરે જોવાનને લાગ્યું કે તેમની પાસે બીજો કોઈ રસ્તો નથી. ઇસ્લામ કબૂલી લેવાનું જ તેના નસીબમાં લખાયેલું હશે.

આજે પણ જોવાન તેમના કબજેદારની વાત કરતી વખતે ધ્રૂજી ઊઠે છે. જોકે, તે એવું પણ કહે છે કે તેણે બાળકોને સાથે રાખવા દીધાં હતાં.

તેમની સંભાળ લેવાની પણ ખાતરી આપી હતી, જે સામાન્ય રીતે થતું નહોતું.

મોટા ભાગનાં યઝદી બાળકોને તેમનાં માતાઓથી અલગ કરી દેવાતાં હતાં.

છોકરાઓને મિલિટરી ટ્રેનિંગ માટે લઈ જવાતા હતા, જ્યારે છોકરીઓને સેક્સ સ્લેવ તરીકે અથવા કામવાળી તરીકે રાખવામાં આવતી હતી.

જોવાન, તેનાં બાળકો અને ટ્યુનિશિયન રક્કામાં એક મકાનમાં રહેવા લાગ્યાં.

તે ઘર છોડીને તેના માલિક ભાગી ગયા હતા. ત્યાં સુધીમાં ઇરાક અને સિરિયામાં વિશાળ વિસ્તાર પર આઈએસનો કબજો થઈ ગયો હતો.

અમેરિકાના નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરના જણાવ્યા અનુસાર યુકે જેટલો વિસ્તાર ઉગ્રવાદીઓના કબજામાં આવી ગયો હતો.

ટ્યુનિશિયન કબજેદાર લડવા ના ગયો હોય ત્યારે તેણે આપેલા વચન પ્રમાણે તે જોવાન અને તેમનાં બાળકોની સંભાળ લેતો હતો. ક્યારેય તેમને નજીકના પાર્કમાં રમવા માટે લઈ જતો હતો.

જોકે, પ્રથમ પાંચેક મહિના આ રીતે કંઈક શાંતિથી પસાર થયા તેવું લાગ્યું ત્યાં જ જોવાન માટે મોટી આફત આવી. જોવાનને ખ્યાલ આવ્યો કે તેઓ ગર્ભવતી બન્યાં છે.

જોવાન કહે છે, "કોઈ દવાઓ ત્યાં મળતી નહોતી અને મારે શું કરવું તે મને સમજાતું નહોતું."

અમેરિકાની આગેવાની હેઠળનાં સંયુક્ત દળો આઈએસના અડ્ડા પર રોજ બૉમ્બમારો કરતાં હતાં.

ઇરાકી અને કુર્દીશ લડાયકો પણ ઇરાક અને સીરિયા બંનેમાં જુદાં જુદાં સ્થળોએ તેમની સામે લડાઈમાં ઊતર્યાં હતાં.

જોવાનના કબજેદારે હવે વધુ સમય લડાઈના મેદાનમાં રહેવું પડતું હતું. તેથી તેણે એવું નક્કી કરેલું કે તે જોવાનને બીજા કોઈને વેચી દેશે.

યઝદી ગુલામોને આ રીતે કેટલીય વાર વેચી દેવાતી હતી. જોકે, તેને ખ્યાલ આવ્યો કે જોવાન તેના સંતાનનાં માતા બનવાનાં છે, ત્યારે તેણે વિચાર બદલી નાખ્યો.

જોકે, જોવાનને સાત મહિના થયા ત્યારે ખબર મળ્યા કે અબુ મુજાહિદ લડાઈમાં માર્યો ગયો છે.

આવનારા સંતાનની જવાબદારી પણ હવે તેમના એકલાં પર આવી પડી હતી.

આખરે આદમનો જન્મ થયો ત્યારે રક્કા પર અમેરિકાની આગેવાની હેઠળનાં દળો રોજેરોજ હવાઈ હુમલા કરી રહ્યાં હતાં.

હાવા અને હૈથામની મદદથી જોવાને આખરે બાળકને જન્મ આપ્યો.

જોવાન કહે છે કે તેમનાં બાળકોને નવા આવનારા વિશે શું ભાવ થશે તે સમજાતું નહોતું, કેમ કે તે દેખાવમાં બહુ જુદો પડતો હતો.

"મને લાગે છે કે મારા સંતાનોને પણ તે ગમવા લાગ્યો હતો. ખાસ કરીને મારી દીકરી હાવાને તે પ્યારો લાગતો હતો."

"તે મારી દીકરી ઉપરાંત મારી સખી પણ હતી. તે આદમને ખવડાવતી અને સૂઈ ના જાય ત્યાં સુધી હિંચકાવતી."

સતત બૉમ્બમારો થતો હતો, તેના કારણે જોવાન અને તેમનાં બાળકોએ વારંવાર મકાનો બદલવા પડતાં હતાં.

વીજળી પણ વારંવાર જતી રહેતી હતી. જનરેટર હતું, પણ તેમાં ભરવાનું ઇંધણ મળે તો જ કામ ચાલતું હતું.

ખોરાક મેળવવો પણ મુશ્કેલ બનવા લાગ્યો હતો. બાળકો પેટ ભરી શકે તે માટે જોવાન ઓછું ભોજન લેતી હતી.

"ક્યારેક તો અમારે માત્ર બ્રેડ અને પાણીથી ચલાવી લેવું પડતું હતું. મને ખબર હતી કે સરખું ભોજન નહીં લઉં તો આદમને સ્તનપાન નહીં કરાવી શકું, પણ મારી પાસે વિકલ્પ પણ નહોતો."

જોવાન કહે છે કે આવી મુશ્કેલીઓ વચ્ચે પણ તે આદમને કારણે ઝઝૂમતાં રહ્યાં.

"તે બહુ જીવરો હતો. તેનો પિતા હત્યારો હતો અને તે મારો સાચો પતિ નહોતો તે હું જાણતી હતી. પરંતુ આદમ તો મારા જ લોહીમાંસથી બન્યો હતો."


મુક્તિ અને બાળકને છોડવાની વ્યથા

આ બાજુ ઇરાકમાં રહેલા ખેદરને આ બાળકનો અંદાજ પણ નહોતો. પોતાના પરિવારનું શુ થયું તેની કશી જાણ તેમને નહોતી.

તેમને પકડીને લઈ જવાયા તેને 14 મહિના થઈ ગયા હતા. તેઓ ચારે બાજુ પરિવારને શોધતા ફરતા હતા.

કોઈ મહિલા અને બાળકોને છોડવામાં આવ્યાં છે તેવી ખબર મળે એટલે ખેદર ત્યાં દોડી જતા હતા.

આખરે તેમને ખબર મળ્યા કે તેમનો પરિવાર ક્યાં છે. આઈએસ પાસેથી યઝદી મહિલાઓ અને બાળકોને પરત ખરીદી રહેલા માનવ દાણચોરોના નેટવર્ક પાસેથી જાણકારી મળે એમ હતી. જોકે, દરેક બાળક માટે ખેદરે 6,000 ડૉલર ખર્ચવા પડે તેમ હતા.

હૈથામ, હાવા અને અઝાદ આખરે પિતા સાથે જોડાઈ શક્યાં. જોકે, જોવાને વધુ બે વર્ષ સુધી રક્કામાં રહેવું પડ્યું. તેમને ખાતરી નહોતી કે ખેદર આદમને સ્વીકારી લેશે કે કેમ.

ખેદર પણ મહિનાઓ સુધી શું કરવું તેની મૂંઝવણમાં રહ્યા હતા. બહુ પ્રાચીન એવા ધાર્મિક પંથ યઝદીના અનુયાયી તરીકે બહુ કડક નિયમો પાળવા પડતા હોય છે. દુનિયામાં તેમની સંખ્યા હવે 10 લાખ કરતાંય ઓછી રહી ગઈ છે.

આમાંની એક માન્યતા એટલે એક વાર ધર્મનો ત્યાગ કરે તે પરત ફરી શકે નહીં. જોકે, યઝદી સ્પિરિચ્યુઅલ કાઉન્સિલે આ નિયમમાં છૂટ મૂકવાનું નક્કી કર્યું હતું, કેમ કે આઈએસે સ્ત્રીઓને પકડીને પરાણે તેમનું ધર્માંતરણ કરાવ્યું હતું.

જોકે, આઈએસના ઉગ્રવાદીથી બાળક થયું હોય તો સ્થિતિ બદલાઈ જાય. તમે યઝદી ધર્મમાં જન્મ જ લઈ શકો, તેમાં ધર્માંતરણ કરી શકો નહીં. તેથી માતાપિતા બંને યઝદી હોય તો જ તેમને ધર્મમાં લઈ શકાય.

જોવાન હવે આઈએસ ઉગ્રવાદીઓના મોત પછી વિધવા થયેલી બીજી યઝદી મહિલાઓ સાથે રહેતાં હતાં.

આ બધી મહિલાઓ આ ધાર્મિક માન્યતાને કારણે જ સિન્જારમાં પોતાના ગામમાં પાછી ફરવા માટે અચકાતી હતી.

તેઓ કહે છે, "કેટલીક મહિલાઓ એકથી વધારે આઈએસ ઉગ્રવાદીઓના કબજામાં ગઈ હતી. તેથી તેમને એકથી વધારે બાળકો હતાં. તેઓ પોતાના પરિવારો પાસે પરત ફરતા ગભરાતી હતી."

ખેદરે જોકે આખરે નક્કી કર્યું કે તેમનાં બાળકોને તેમનાં માતાની જરૂર છે.

આદમને પણ સ્વીકારવા માટે તેઓ તૈયાર થયા હતા. નાનકડા આદમને લઈને જોવાન સિન્જારમાં પોતાના ગામે ચાર વર્ષે પાછાં ફર્યાં.

જોકે, થોડા જ દિવસમાં સ્થિતિ બદલાઈ ગઈ. જોવાન કહે છે કે તેમના પરિવારે તેમને સમજાવાનું ચાલુ કર્યું કે આદમને છોડી દે.

"તે લોકો મને આપણા ધર્મનું મહત્ત્વ સમજાવવા લાગ્યા. તેમણે કહ્યું કે આઈએસ ઉગ્રવાદી પિતા હોય તેવા મુસ્લિમ બાળકને આપણો સમાજ ક્યારેય નહીં સ્વીકારે."

ખેદર જોવાનને લઈને મોસુલના યતીમખાનાના મૅનેજર સાકિને મોહમ્મદ અલી યુનેસને મળ્યા.

તેમને હતું કે તેઓ કદાચ જોવાનને સમજાવી શકશે કે આદમને તેમની સંભાળમાં મૂકી દે. સાકિનેનું કહેવું છે કે તેમણે કલાકો સુધી જોવાનને સમજાવવા કોશિશ કરી હતી.

તેઓ કહે છે કે ખેદર હતાશ થઈને રડી રહ્યા હતા. જોવાન આદમને વળગીને બેસી રહ્યાં હતાં અને કહેતાં હતાં કે તેને છોડવા માગતાં નથી.

તેઓ કહે છે, "તેમણે બાળકને સોંપ્યો ત્યારે તેના ચહેરા પર આંસુઓની ધાર હતી. યઝદી માતા માટે તેનું સંતાન લઈ લેવું તેનાથી વધારે વિપત્તી કોઈ નથી."

"જોકે, એક વ્યક્તિની લાગણી કરતાં યઝદી સમાજની ઇચ્છા વધારે અગત્યની છે. તેમના પતિ અને મેં આખરે નક્કી કર્યું હતું કે ગમે તેમ કરીને બાળક લઈ લઈશું. આખરે ખોટું બોલવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો."

સાકિને જોવાનને એવું કહ્યું કે તમે થોડાં અઠવાડિયાં આદમને અહીં મૂકી જાવ, કેમ કે તેની તબિયત ખરાબ છે અને સારવાર કરાવવી પડશે.

"મેં તેમને કહેલું કે તમે આ મામલાનો ઉકેલ લાવો ત્યાં સુધી તમારા બાળકને સંભાળવાની જવાબદારી મારી. તેમણે મારો હાથ પકડી લીધો ત્યારે લાગ્યું કે જાણે તેના શરીરમાંથી ઉષ્મા જ જતી રહી છે."


હતાશા

યઝદીનું નવું વર્ષ જોવાન માટે ખુશીનો દિવસ હોવો જોઈતો હતો, કેમ કે ચાર વર્ષ પછી પરિવાર સાથે હતો.

યઝદી પરંપરા પ્રમાણે બાફેલાં ઈંડાને રંગવા માટેના રંગ અને બીજી ખરીદી માટે સમગ્ર પરિવાર સાથે નીકળ્યો હતો.

જોકે, પોતાનાં સંતાનો સાથે જોડાયા પછીય જોવાન હજી અકળાતાં હતાં. યતીમખાનાથી પરત આવ્યા પછી જોવાને નક્કી કર્યું હતું કે સ્થિતિ સ્વીકારી લેવી અને પોતાનાં ત્રણ બાળકોના ઉછેર પર ધ્યાન આપવું. પરંતુ તેમને માટે સ્થિતિ સહ્ય લાગતી નહોતી.

તેઓ કહે છે, "હું સતત તેના માટે વિચાર્યા કરતી હતી."

"રોજ રાત્રે મને તેના સપનાં આવતાં હતાં. હું કેમ તેને ભૂલી શકું? મેં તેને મોટો કર્યો હતો, કેમ કે મારો જ દીકરો હતો. હું તમને પૂછું છું: શું અમારા જેવી સ્ત્રીઓ ખોટી છે? અમારાં બાળકને યાદ કરીએ તે ખોટું છે?"

કેટલાંય અઠવાડિયાં વીતિ ગયાં અને આખરે જોવાનને લાગ્યું કે તેનાથી હવે વધુ સહન નહીં થાય.

તેમને લાગ્યું કે હવે કોઈ ઉપાય નથી ત્યારે તેમણે આ નિર્ણય લીધો હતો. તેમણે બાળકોને કહ્યું પોતે દોહક શહેરમાં સારવાર માટે જાય છે.

હકીકતમાં તેઓ યતીમખાના પર જવાનાં હતાં.

Image copyright Getty Images
ફોટો લાઈન યઝદી નવું વર્ષ

તેઓ કહે છે, "હું તેમને છોડીને નીકળી એ બહુ યાતનામય દિવસ હતો."

"પણ મને લાગતું હતું કે મારા દીકરાને છેહ દીધો છે. મારાં ત્રણ સંતાનો હવે મોટાં થઈ ગયાં છે અને તેમની સાથે તેમના પિતા પણ છે."

"આદમ સાથે કોઈ નથી. બિચારાનું કોઈ નથી. હું રાત દિવસ તેને જ યાદ કર્યા કરતી હતી."

જોવાન યતીમખાના પર આવી ત્યારે તેમને જણાવાયું કે આદમ બીમાર છે અને તમે તેમને મળી શકશો નહીં.

જોકે, બે ત્રણ દિવસ એવી રીતે જવાબો આપ્યા પછી સાકિને આખરે કબૂલ કર્યું કે કેટલાંક બાળકોને સ્થાનિક કાજીની મદદથી દત્તક આપવાનું નક્કી કરાયું છે.

સાકિને કહ્યું કે તેમણે સ્પષ્ટપણે કાજીને જણાવ્યું હતું કે આદમ અને બીજાં ચાર બાળકોની માતાઓ એવી છે, જેમનું અપહરણ આઈએસના ઉગ્રવાદીઓએ કર્યું હતું. કોઈ દિવસ તેઓ બાળકને પર લેવા આવશે, માટે તેમને દત્તક ના આપશો.

આમ છતાં આદમને દત્તક આપી દેવાયો હતો.

સાકિને કહે છે કે આ ખબર આપ્યા ત્યારે જોવાન બહુ જ રડ્યાં હતાં.

ફરી પોતાના પરિવાર પાસે જવાની તેમની હિંમત ના ચાલી અને તેમને ઉત્તર ઇરાકમાં એક મહિલાઓ માટેની સંસ્થામાં આશ્રય લીધો.

થોડા મહિના પછી ખેદરે તેમને તલાક આપી દીધા અને સંદેશ પણ મોકલ્યો કે સંતાનોને મળવા ક્યારેય ના આવે.

Image copyright Getty Images
ફોટો લાઈન યઝદી માન્યતા મુજબ તેઓ ધર્મ પરિવર્તન કરી શકતા નથી.

અહીં ખેદર પણ બહુ હતાશ થયા હતા પણ તેમના નિર્ણયમાં મક્કમ હતા.

"મને ખબર છે કે એ તેની ભૂલ નથી. મેં કહ્યું હતું કે ખુદાની ઇચ્છા હશે એટલે તેનો જન્મ થયો હશે."

"તેને દોષ દેવાનો હોત તો હું તેને સીરિયામાં જ મરવા છોડીને આવ્યો હોત. હું ખરાબ માણસ હોત તો મેં જ તેને મારી નાખ્યો હોત. પણ મેં એવું નહોતું કર્યું. તેના માટે પૈસા ચૂકવીને મારી પત્ની સાથે તેને અહીં લાવ્યો હતો."

"તે લોકો આવે અને તમારા પરિવારને ખતમ કરી નાખે. તમારી પત્નીને ઉપાડી જાય અને તેનાથી બાળક થાય તે અમે ચલાવી શકીએ નહીં. કોઈ એવું ચલાવી લે નહીં, ભલે ગમે તે ધર્મ પાળતા હોય."

જોકે, તેમનાં બાળકોના જીવનમાંથી માતા જતાં રહ્યાં તેને જુદી રીતે જુએ છે. સૌથી મોટો દીકરો હૈથામ તેના પિતાની જેમ વિચારે છે, કે આઈએસના ઉગ્રવાદીના દીકરાને તે ભાઈ તરીકે સ્વીકારી શકે નહીં.

હૈથામ કહે છે, "મારાં માતા બીજા બાળક માટે અમને છોડીને જતાં રહ્યાં."

"માતા જતાં રહયાં ત્યારે નાનો ભાઈ અઝાદ તેમના માટે વારંવાર પૂછ્યા કરતો હતો, પણ હવે તે પણ બોલતો નથી."

"મેં તેમને જણાવી દીધું છે કે આપણાં માતા પરત આવશે નહીં, માટે રાહ ના જોઈશ. તે પછી તેણે રાહ જોવાનું બંધ કરી દીધું છે."

જોકે, રક્કામાં હિંચકામાં આદમને સૂવડાવતી હાવા હજીય સહાનુભૂતિ ધરાવે છે.

"અમારાં માતા ઘરે હતાં ત્યારે બધું બહું સારું હતું. મને થાય છે કે તેઓ પરત આવી જાય. આદમને તે યાદ કરતાં હોય તો તે બરાબર છે."


બીજી મહિલાઓની સ્થિતિ

આવી સ્થિતિમાં મૂકાયેલાં જોવાન એકલાં યઝદી નારી નથી. બીબીસીએ આવી 20 યઝદી મહિલાઓ સાથે વાતચીત કરી.

જેમને આઈએસના ઉદ્દામવાદીઓને કારણે સંતાનો થયાં છે. તેમાંની કોઈ મહિલા બાળકને વતન સાથે લાવી શકી નથી. ઘણી સ્ત્રીઓએ તેમને સીરિયામાં જ છોડી દેવાં પડ્યાં હતાં.

તેમાંનાં એક લૈલાને આઈએસના ઉગ્રવાદીઓ સીરિયા ઉપાડી ગયા ત્યારે તેઓ માત્ર 16 વર્ષનાં જ હતાં.

તેમના કબજેદારને કારણે તેમને બે સંતાનો થયાં હતાં. જોકે, એક કુર્દીશ કમાન્ડરે તેમને કહ્યું હતું કે 'આ તો ડેવિલનાં બાળકો છે."

"મને સમજાતું નહોતું કે મારે શું કરવું. હું વતન પાછી ફરવા માગતી હતી અને મારી પાસે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો."

તેઓ કહે છે કે તેમનું સપનું યુનિવર્સિટીમાં ભણવા જવાનું છે. તે પછી સારી નોકરી મેળવીને નાણાં એકઠાં કરવા માગે છે, જેથી પોતાનાં બાળકોને શોધી શકે.

"હું મરું તે પહેલાં એકવાર તેમને જોવા માગું છું. બસ હું બીજું કશું ઇચ્છતી નથી."

આઈએસના ઉગ્રવાદીઓને કારણે થયેલાં સંતાનોને સમાજમાં સ્વીકારવા માટે યઝદી સ્પિરિચ્યુઅલ કાઉન્સિલ નિયમોમાં ઢીલ કરવા તૈયાર નથી તે વાતનો તેમને ભારે રોષ છે.

"મને ક્યારેક લાગે છે કે યઝદી પુરુષોને દિલ જ નથી હોતાં. તેઓ સ્ત્રી નથી, તેઓ માતા નથી, એટલે ક્યારેય નહીં સમજી શકે કે અમારી અંદર શું ચાલી રહ્યું છે."

બીબીસીએ વાતચીત કરી તેમાંથી એક મહિલાને આઈએસના ઉગ્રવાદીથી થયેલું બાળક રાખવાની મંજૂરી મળી હતી.

રોજીન અને તેમની ચાર વર્ષની દીકરીને જુદા જુદા સાત આઈએસ ઉગ્રવાદીઓને વેચવામાં આવ્યાં હતાં.

તેઓ ઇરાક પરત ફર્યાં ત્યારે તેમને બે મહિનાનો ગર્ભ હતો. ડૉક્ટરે સલાહ આપી કે હજી શરૂઆતના જ મહિના છે, તેથી પતિપત્નીનું જ સંતાન છે એવું દેખાડી શકાશે.

તેમના પતિ પણ આવો દેખાવ કરવા માટે તૈયાર થઈ ગયા હતા. બાળક હશે તો વિદેશમાં રાજ્યાશ્રય મેળવવો સહેલો પડશે એવી દલીલોને કારણે પતિ માની ગયા હતા.

આમ છતાં રોજીનને હજીય ડર લાગે છે.

"મારા પરિવારમાંથી કે યઝદી સમાજમાંથી કોઈને મારા દીકરા વિશે ગંધ આવી જશે તો તેને મારી પાસેથી લઈ લેશે. કોઈને ખબર પડશે તો મને મારું ઘર છોડી દેવા ફરજ પડાશે."


'હું રોજ તેના વિશે જ વિચારું છું'

છેલ્લા 18 મહિના દરમિયાન જોવાનનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે. આમ છતાં તેઓ હજીય બહુ વિચલિત લાગે છે.

પોતાની નોટબુકમાં તેમણે રક્કાના દિવસોનાં ચિત્રો દોર્યાં છે. માથે વિમાન ઊડે છે અને જોવાન પોતાનાં ચારેય બાળકો સાથે ઘરમાં છે એવું ચિત્ર.

"ક્યારેક મને લાગે છે કે આઈએસના કબજામાં અમારું જીવન વધારે સારું હતું. અમે ઘેરાયેલાં હતાં અને જીવન બહું કપરું હતું, પણ કમસેકમ મારાં બાળકો મારી સાથે હતાં."

"તે ચાર વર્ષો દરમિયાન મને કોઈ એવી (શારીરિક) ઇજાઓ થઈ નહોતી. પણ હું ઇરાક પરત ફરી પછી મને લાગે છે કે હું ઘાયલ થઈ છું. મને ઘા પડ્યા છે, કેમ કે મારા પરિવાર, મારા સમાજે અને તેમના નિયમોએ મારી પાસેથી મારા બાળકો લઈ લીધાં છે."

તેઓ પોતાના પતિ અને સમાજના વલણથી એટલાં આક્રોશમાં છે કે તેમણે મુસ્લિમ રહેવાનું જ નક્કી કર્યું છે.

"મારે હવે યઝદી સમાજમાં રહેવું જ નથી... સાચી વાત એ છે કે એ ધર્મના કારણે જ હું મારા પરિવારથી દૂર થઈ ગઈ છું."

જોકે, તેના કારણે પોતાનાં ત્રણ બાળકોથી પણ તે કાયમ માટે અળગાં થઈ ગયાં તે વાતનો પણ ભારે આઘાત લાગ્યો છે.

"મને સૌથી વધુ ચિંતા એ છે કે મારાં ત્રણેય બાળકો મને ભૂલી જશે. મેં તેમને છોડી દીધાં એટલે મને માફ નહી કરે."

સાકિનેના જણાવ્યા પ્રમાણે જોવાન આદમને જ્યાં દત્તક અપાયો છે, ત્યાંથી પરત લઈ શકે છે.

જોકે, તેના માટે તેમણે ડીએનએ ટેસ્ટ દ્વારા એ પૂરવાર કરવું પડે કે તેઓ તેમનાં માતા છે.

જોકે, જોવાન યઝદી છે અને બાળકનું નામ મુસ્લિમ તરીકે નોંધાયેલું છે. બાળકના પિતા પરથી તેનો ધાર્મિક દરજ્જો નક્કી થતો હોય છે. આ બાબતને કારણે ગૂંચ ઊભી થઈ શકે છે.

જોવાન કહે છે કે હાલ પૂરતું તેમણે એ સ્વીકારી લીધું છે કે આદમ જ્યાં છે ત્યાં તેના માટે સારું છે.

"હું રોજ તેના વિશે વિચાર્યા કરું છું. અત્યારે તે કોઈ બીજા સાથે રહે તે જ સારું. તેના માટે એ જ સારું છે."

તેમની પાસે બસ હવે સપનાં રહી ગયાં છે કે કોઈ દિવસ તે અને બધાં બાળકો ભેગાં થઈ શકશે.

"ખુદાની દયા હશે તો એક દિવસ અમે મળી શકીશું એવી જ આશા છે."

(ઓળખ છુપાવવા માટે કેટલાંક નામો બદલી નખાયાં છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો