હૉંગકૉંગ પ્રદર્શન : ફેસબુક અને ટ્વિટરે 'ગેરમાહિતી' ફેલાવતાં એકાઉન્ટ બ્લૉક કર્યાં

પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images

હૉંગકૉંગમાં ચાલી રહેલાં વિરોધપ્રદર્શનને પગલે ટ્વિટર અને ફેસબુકે 'ચીનની સરકાર સમર્થિત ગેરમાહિતી ફેલાવનારા અભિયાન' વિરુદ્ધ પગલાં ભર્યાં છે અને આવાં એકાઉન્ટને બ્લૉક કરી દેવાયાં છે.

ટ્વિટરે જણાવ્યું કે તેમણે 936 એકાઉન્ટ બ્લૉક કરી દીધાં છે, જે 'હૉંગકૉંગમાં રાજકીય મતભેદ સર્જવા'નું કામ કરી રહ્યાં હતાં.

તેમણે એવું પણ જણાવાયું છે કે આ એકાઉન્ટ ચીનમાંથી ઑપરેટ થઈ રહ્યાં હતાં અને 'વિરોધપ્રદર્શનની કાયદેસરતા અને રાજકીય સ્થિતિ'ને ખોખલી કરવાના પ્રયાસનો ભાગ હતા.

ફેસબુકે જણાવ્યું છે કે ટ્વિટર દ્વારા માહિતી મળ્યા બાદ તેમણે આવાં 'સાત પેજ, ત્રણ ગ્રૂપ અને પાંચ ફેસબુક એકાઉન્ટ'ને હઠાવી દીધાં છે.

ફેસબુકના સાયબર-સિક્યૉરિટીના વડા નૅથાનિયલ ગ્લેશિયરે આ અંગે વાત કરતાં જણાવ્યું:

"તેઓ હૉંગકૉંગમાં ચાલી રહેલાં પ્રદર્શન અને સ્થાનિક રાજકારણ અંગે સતત પોસ્ટ મૂકી રહ્યાં હતાં."

"જે પણ લોકો આ પેજ ચલાવતા હતા તેમણે ઓળખ ગુપ્ત રાખી હતી, પરંતુ અમારી તપાસમાં સામે આવ્યું કે આ પેજના સંચાલકો ચીનની સરકાર સાથે જોડાયેલું છે."

ટ્વિટરે એવું પણ કહ્યું છે કે અન્ય બે લાખ એકાઉન્ટ જે ગેરમાહિતી ફેલાવવાનું કામ કરી રહ્યાં હતાં તેનાં પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ અંગે ટ્વિટરે કહ્યું, "અમારી પાસે પાકા પુરાવા છે કે આ પેજ પાછળ સરકારનો દોરીસંચાર છે."

"ખાસ કરીને અમે એવાં સેંકડો એકાઉન્ટને અલગ કર્યાં છે જે હૉંગકૉંગનાં પ્રદર્શનો સંબંધિત મૅસેજને વધારીને ફેલાવવાનું કામ કરે છે."

તેમણે એવું પણ કહ્યું, "અમે આવી હિલચાલ પર નજર રાખીશું અને લોકહિત માટે અમારી નીતિઓને લાગુ કરીશું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો