INX Media case: ચિદમ્બરમને ઈડીના કેસમાં સોમવાર સુધીના વચગાળાના જામીન

પૂર્વ ગૃહ-નાણામંત્રી પી. ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટે 26 તારીખ, સોમવાર સુધીના વચગાળાના જામીન આપ્યા છે.

સુપ્રીમ કોર્ટ હવે આ મામલાની સુનાવણી સોમવારે કરશે. આ જામીન તેમને ઈડીના કેસમાં આપવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે સીબીઆઈ દ્વારા તેમની ધરપકડના મામલે પણ તે સોમવારે સુનાવણી કરશે.

અદાલતમાં સીબીઆઈએ કહ્યું કે ચિદમ્બરમ હાલ કસ્ટડીમાં છે, એટલે આગોતરા જામીનની અરજી ટકવાપાત્ર નથી.

ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે દિલ્હી હાઈકોર્ટે સાંજે 4 વાગે આદેશ આપ્યો. અમે તરત કોર્ટ પહોંચ્યા અને ચીફ જસ્ટિસને વિનંતી કરી.

એમણે સવારે મૅન્શન કરવાનું કહ્યું. અમે રાતે પિટિશન તૈયાર કરી અને સવારે રજૂ કરી.

બપોરે બે વાર જામીન અરજી રજૂ કરી અને ત્યાં સુધી સીબીઆઈએ ધરપકડ કરી નહોતી.

કપિલ સિબ્બલે કહ્યું કે મને સુનાવણીનો અધિકાર છે. મને જીવવાનો અધિકાર છે. અમારો કેસ સાંભળવામાં આવે.

ત્યાર પછી સુપ્રીમ કોર્ટે કહ્યું કે પિટિશન પ્રભાવહિન થઈ ગઈ છે.

કપિલ સિબ્બલે કહ્યું કે 'અમે સીબીઆઈએ ધરપકડનો વિરોધ કર્યો છે. સોમવારે સુપ્રીમ કોર્ટ એના પર પણ સુનાવણી કરશે.'

આમ હવે ઈડીને લગતા કેસની તથા સીબીઆઈને લગતા કેસની તેમજ ધરપકડ અને આગળના જામીનની સુનાવણી સોમવારે થશે.

ગઈકાલે દિલ્હીની ખાસ સીબીઆઈ અદાલતે પી. ચિદમ્બરમને 5 દિવસના રિમાન્ડ આપ્યા છે. એ રિમાન્ડ પણ સોમવાર સુધીના છે.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ આર ભાનુમતી અને એ. એસ. બોપન્ના આ કેસમાં સુનાવણી કરી હતી.

આ દરમિયાન સવારે ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે ટ્વિટર પર કહ્યું કે અર્થતંત્ર આઈસીયૂમાં છે અને જે લોકો નાગરિક સ્વાતંત્ર્યનો બચાવ કરે છે, એમને લૂક-આઉટ નોટિસ આપવામાં આવે છે.


સીબીઆઈની કસ્ટડીમાં 5 દિવસના રિમાન્ડ

ગઈકાલે આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમને સીબીઆઈની કોર્ટે 26 ઑગસ્ટ સુધી સીબીઆઈની કસ્ટડીમાં મોકલી દીધા હતા.

બીજી તરફ ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીએ જામીનની માગ કરી હતી.

બન્ને પક્ષોએ પોતપોતાની દલીલો રજૂ કરી હતી. સીબીઆઈની કોર્ટે ચિદમ્બરમની દલીલ ન સાંભળી અને તેમને કસ્ટડીમાં મોકલી દીધા.

આ પહેલાં સીબીઆઈના કાર્યાલયમાં ત્રણ કલાક સુધી ચિદમ્બરમની પૂછપરછ કરવામાં આવી હતી અને બાદમાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

સીબીઆઈએ ચિદમ્બરમના પાંચ દિવસ માટે રિમાન્ડ માગ્યા હતા અને દાવો કર્યો હતો કે તેઓ તપાસમાં સહયોગ નથી કરી રહ્યા.

સીબીઆઈએ કહ્યું હતું ચિદમ્બરમનો મામલો બહુ ગંભીર છે એટલે એમની કસ્ટડી જરૂરી છે.

આ પહેલાં દિલ્હી હાઈકોર્ટે અગ્રિમ જામીનઅરજી ફગાવી દીધી હતી.


ગુરુવારે કોર્ટમાં શું થયું?

સીબીઆઈએ ભ્રષ્ટાચારના મામલે ધરપકડ કરેલા પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

ચિદમ્બરમ તરફથી પૂર્વ કાયદામંત્રી કપિલ સિબ્બલ સીબીઆઈની વિશેષ કોર્ટમાં દલીલ કરી હતી.

ચિદમ્બરમને સીબીઆઈના ખાસ જજ અજય કુમાર કુહારની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

સીબીઆઈ તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે સીબીઆઈ ચિદમ્બરમના પાંચ દિવસના રિમાન્ડ માગી રહી છે.

સીબીઆઈએ કોર્ટમાં એવું પણ કહ્યું કે તે ચિદમ્બરમની પૂછપરછ કરવા માગે છે.

સીબીઆઈ તરફથી કોર્ટમાં એવું પણ કહેવાયું કે ચિદમ્બરમ બચવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પૂછપરછમાં સહયોગ નથી કરી રહ્યા.

સોલિસિટર જનરલે કહ્યું, 'મૌન રહેવું બંધારણીય અધિકાર છે પણ તેઓ સહયોગ નથી કરી રહ્યા.'

સીબીઆઈ તરફથી કોર્ટમાં એવું પણ કહેવાયું કે આ મની લૉન્ડરિંગનો ક્લાસિક કેસ છે.

આ પહેલાં ચિદમ્બરમની બુધવાર સાંજે દિલ્હી ખાતેમના તેમના નિવાસમાંથી અટકાયત કરવામાં આવી હતી.

સીબીઆઈ ચિદમ્બરમ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે, જેને તેઓ ફગાવતા રહ્યા છે.


કૉંગ્રેસેની પ્રતિક્રિયા

કૉંગ્રેસ પાર્ટી સમગ્ર રીતે ચિદમ્બરમના સહયોગમાં છે. ગઈકાલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના ટ્વીટ ઉપરાંત પત્રકારપરિષદમાં પણ વરિષ્ઠ કૉંગ્રેસી નેતાઓ હાજર હતા.

આજે કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પત્રકારપરિષદનું આયોજન કર્યું હતું અને તેમાં તપાસ એજન્સી પાસે પુરાવાઓ નહીં હોવાનો તથા સરકાર રાજકીય કિન્નાખોરી દાખવી રહી હોવાનો આરોપ કર્યો હતો.

રણદીપ સુરજેવાલાએ કહ્યું કે છેલ્લા બે દિવસમાં ભારતે ધોળે દિવસે લોકશાહી અને કાયદાના શાસનની હત્યા થતી જોઈ છે.

સરકાર સીબીઆઈ અને ઈડીનો અંગત અદાવત માટે ઉપયોગ કરી રહી છે.

એમણે કહ્યું કે "મનઘડંત રીતે, કિન્નાખોરીથી અને પસંદગીપૂર્વક પૂર્વ ગૃહ-નાણામંત્રી પી. ચિદમ્બરમની ધરપકડ કરાઈ છે અને તે મોદી સરકારની અંગત અને રાજકીય બદલાવૃત્તિ છે."

સુરજેવાલાએ સીબીઆઈના અધિકારીઓ ઉપર પણ નિશાન સાધ્યું અને કહ્યું:

"જે અધિકારીઓ એમના ઘરની દીવાલ ઠેકી છે તેઓ એમની સામે કોઈ પુરાવાઓ નથી એવું નરેન્દ્ર મોદી અને અમિત શાહને કહેવાની હિંમત દાખવશે એવી અમને આશા છે."

સુરજેવાલાએ કહ્યું કે ચિદમ્બરમ સામે જે કેસ છે તે જે વ્યક્તિ પોતાની જ દીકરીની હત્યામાં જેલમાં છે તેમનાં નિવેદનને આધારે કરવામાં આવ્યો છે.

Image copyright Getty Images

ચિદમ્બરમે કાયમ તપાસસંસ્થાઓને સહકાર આપ્યો હોવા છતાં અને તેઓ બંધારણ પ્રત્યે ઉચ્ચ આદર ધરાવતા હોવા છતાં સીબીઆઈએ તેમની રાત્રે ઉતાવળમાં ધરપકડ કરી એવો દાવો પણ સુરજેવાલાએ કર્યો.

સુરજેવાલાએ કહ્યું, "ચિદમ્બરમ સામે કે એમના પરિવાર સામે આઈએનએક્સ મીડિયા કેસમાં કોઈ ગુનો નોંધાયો નથી."

"કોઈ ચાર્જશીટ ફાઇલ થઈ નથી. કાર્તીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા, ધરપકડ કરવામાં આવી અને તેઓ જામીન પર મુક્ત છે."

"તપાસસંસ્થા પાસે ચાર્જશીટ માટે પણ પૂરતા પુરાવા નથી."

બુધવારે ધરપકડ પછી ચિદમ્બરમને સીબીઆઈની વડી કચેરી સ્થિત ગેસ્ટહાઉસમાં રાખવામાં આવ્યા હતા.


ભાજપે શું કહ્યું?

ભાજપના વરિષ્ઠ નેતા અને લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીએ કહ્યું:

"કૉંગ્રેસ નકારાત્મક વિચાર સાથે કામ કરે છે. એમણે ભ્રષ્ટાચારને જ ક્રાંતિ બનાવી દીધી છે."

"અત્યાર સુધી ક્રાંતિ ભ્રષ્ટાચાર સામે હતી પણ આ પહેલી વખત છે કે ભ્રષ્ટાચારની તરફેણમાં ક્રાંતિ કરવામાં આવી રહી છે."

ચિદમ્બરમની ધરપકડ પછી ભાજપ આઈટી સેલના અધ્યક્ષ અમિત માલવીયએ એક વીડિયો ટ્વીટ કર્યો હતો, જે 2019ની નરેન્દ્ર મોદીની ચૂંટણી સભાનો હતો.

એ વીડિયોમાં નરેન્દ્ર મોદી એવું કહી રહ્યા હતા કે જેમણે દેશને લૂંટ્યો છે તેમણે પાઈ-પાઈ ચૂકવવી પડશે.

સુબ્રમણ્યમ સ્વામીએ શરૂઆતથી જ ચિદમ્બરમને દોષિત માને છે. તેમણે કહ્યું કે ચિદમ્બરમને ભાગેડું જાહેર કરી તેમની તમામ સંપત્તિ જપ્ત કરી લેવી જોઈએ.

કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું કે કાયદો તેનું કામ કરશે. અદાલત તેની રીતે નિર્ણય લેતી હોય છે આની સાથે પાર્ટીને કે સરકારને કોઈ લેવાદેવા નથી.

ભાજપના નેતા અને બાગપતથી સાંસદ સત્ય પાલ સિંઘે કહ્યું કે ચિદમ્બરમજી પૂર્વ ગૃહ-નાણામંત્રી છે, બૌદ્ધિક છે અને કાયદો સારી રીતે સમજે છે. એમણે અદાલતના આદેશ પછી આવુ વર્તન કરવાની જરૂર નહોતી. જે થયું તે ખરાબ થયું. એમણે સરેન્ડર કરી દીધું હોત તો તેમનું સન્માન જળવાઈ રહ્યું હોત.


એમની પાસે બૉમ્બ કે બંદૂક હતી? કાર્તી ચિદમ્બરમ

પી. ચિદમ્બરમના પુત્ર કાર્તીએ કહ્યું, "આ કૉંગ્રેસને બદનામ કરવાનું કાવતરું છે."

"હું કદી પીટર મુખરજી કે ઇન્દ્રાણી મુખરજીને મળ્યો નથી અને તેમની સાથે કે તેમની કંપની સાથે કોઈ લેવાદેવા નથી. એફઆઈપીબી વિશે પણ મને કંઈ જાણ નથી."

સીબીઆઈ દ્વારા ગઈકાલે દીવાલ ઠેકીને ધરપકડ કરવા વિશે તેમણે કહ્યું :

"શું તેમની પાસે બૉમ્બ કે બંદૂક હતી. આ બીજું કંઈ નહીં પરંતુ ટેલિવિઝનની નૌટંકી છે."

"આ ફક્ત મારા પિતાને નથી ટાર્ગેટ કરાઈ રહ્યા પરંતુ કૉંગ્રેસ પાર્ટીને ટાર્ગેટ કરાઈ રહી છે?"


શું છે આઈએનએક્સ કેસ?

Image copyright FACEBOOK/KARTI P CHIDAMBARAM

સીબીઆઈએ તારીખ 15મી મે, 2017ના દિવસે આઈએનએક્સ મીડિયા સામે કેસ દાખલ કર્યો હતો.

કંપનીને વિદેશી રોકાણની મંજૂરી આપવામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આરોપ છે.

આઈએનએક્સ મીડિયામાં 305 કરોડ વિદેશી રોકાણની મંજૂરી આપવામાં આવી હતી અને તે સમયે ચિદમ્બરમ નાણામંત્રી હતા.

કાર્તી ચિદમ્બરમ ઉપર આરોપ છે કે આઈએનએક્સ મીડિયા સામેની સંભવિત તપાસને અટકાવવા માટે તેમણે દસ લાખ ડૉલરની માગણી કરી હતી.

સીબીઆઈનો દાવો છે કે આઈએનએક્સ મીડિયાના પૂર્વ ડાયરેક્ટર ઇંદ્રાણી મુખરજીએ સીબીઆઈની પૂછપરછ દરમિયાન આ વાતની કબૂલાત કરી હતી.

સીબીઆઈનો દાવો છે કે દિલ્હીની એક ફાઇવસ્ટાર હોટલમાં આ સોદો નક્કી થયો હતો.

ઉલ્લેખનીય છે કે ઇંદ્રાણી ઉપર તેમનાં પુત્રી શીના બોરાની હત્યા કરવાનો આરોપ છે અને હાલમાં તેઓ જેલમાં છે.


ચિદમ્બરમે શું કહ્યું હતું?

ગઈકાલે ચિદમ્બરમે્ કૉંગ્રેસના કાર્યાલયમાં પત્રકારોને સંબોધ્યા હતા, જેમાં તેમણે કહ્યું કે તેઓ કાયદાથી ભાગી નથી રહ્યા પણ કાયદાની શરણે ગયા છે.

ધરપકડથી રાહત મેળવવા માટે તેઓ સુપ્રીમ કોર્ટની શરણે ગયા હતા, જ્યાં તેમની અરજી પર શુક્રવારે સુનાવણી હાથ ધરાશે.

પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે્ દિલ્હીમાં એક પત્રકારપરિષદ યોજીને પોતાને નિર્દોષ ગણાવ્યા હતા.

નવી દિલ્હીમાં ઓલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીના કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકારપરિષદમાં ચિદમ્બરમે્ કહ્યું:"INX મામલે મારા વિરુદ્ધ કોઈ આરોપ નથી. શુક્રવાર સુધી એજન્સીઓએ થોભવું જોઈએ."

પત્રકારપરિષદને પગલે સીબીઆઈની ટીમ પણ કૉંગ્રેસના કાર્યાલયે પહોંચી હતી તો ઈડીએ પણ પોતાની ટીમ મોકલી હતી.

પત્રકારપરિષદ પૂર્ણ થયા બાદ ચિદમ્બરમ દિલ્હીના જોરબાગ ખાતેના તેમના આવાસ ખાતે જવા માટે નીકળ્યા હતા. જે બાદ સીબીઆઈ અને ઈડીની ટીમ તેમની પાછળ તેમના આવાસે પહોંચી હતી.

ટીવી અહેવાલો અનુસાર એજન્સીની ટીમોએ દીવાલ ઠેકીને ચિદમ્બરમના આવાસમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમના ઘરના દરવાજા બંધ છે.

ટીવી પર પ્રસારિત રિપોર્ટોમાં સીબીઆઈ કર્મચારીઓ દીવાલ કૂદીને તેમના ઘરમાં પ્રવેશતા દેખાયા હતા.


પત્રકારપરિષદમાં શું થયું?

Image copyright AFP

ચિદમ્બરમે એવું પણ કહ્યું કે તેઓ કાયદાથી ભાગ્યા નથી પણ કાયદાની શરણમાં આવ્યા છે.

ચિદમ્બરમે્ ઉમેર્યું, "હું ન્યાયનો પ્રયાસ કરી રહ્યો છું. હું મારું માથું ઊંચું કરીને જ રહીશ. જીવન અને આઝાદીમાં હું ખચકાયા વગર આઝાદી પસંદ કરીશ. આઝાદી માટે લડવું પડે."

આ દરમિયાન તેઓ રાહત મેળવવા માટે સુપ્રીમકોર્ટની શરણમાં ગયા હતા. જ્યાં તેમની અરજી પર હવે શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવશે.

પોતાના નિવેદનમાં તેમણે કહ્યું, "ગત રાતે હું મારા વકીલો સાથે કાગળો તૈયાર કરી રહ્યો હતો. મારા પર કાયદાથી છૂપાવાના આરોપ લાગ્યા છે. જ્યારે હકીકત એ છે કે હું કાયદાથી રક્ષણ માગી રહ્યો છું."

આ પહેલાં મંગળવાર સાંજે સીબીઆઈ ચિદમ્બરમના ઘરે પહોંચી હતી, જ્યાં તેઓ નહોતા મળ્યા. જેને પગલે સીબીઆઈએ તેમના વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ જાહેર કરી હતી.

પત્રકારપરિષદ વખતે સલમાન ખુર્શિદ, કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી પણ હાજર હતા.


ગઈકાલે દિવસ દરમિયાન શું થયું?

Image copyright Getty Images

ગઈકાલે ધરપકડથી બચવાનો પ્રયાસ કરી રહેલા પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને મંગળવારે સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહોતી મળી.

અગ્રિમ જામીનઅરજી રદ થયા બાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચેલા ચિદમ્બરમના અગ્રિમ જામીન મામલે સીબીઆઈએ કૅવિયેટ દાખલ કરી દીધી.

સુપ્રીમ કોર્ટમાં અરજી થતાં સીબીઆઈ અને ઈડીએ કૅવિયેટ ફાઇલ કરી. એનો અર્થ એ છે કે હવે આ કેસમાં અદાલત ઈડી અને સીબીઆઈની દલીલો સાંભળ્યા વગર સીધી રાહત આપી શકશે નહીં.

આ પહેલાં ચિદમ્બરમ તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા, જ્યાં તત્કાલ સુનાવણી કરવાનો ઇન્કાર કરી દેવાયો હતો.

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ કહ્યું કે મોદી સરકાર ઈડી, સીબીઆઈ અને કરોડરજ્જુ વગરના મીડિયાને સહારે ચિદમ્બરમનું ચરિત્રહનન કરી રહી છે. હું સત્તાના આ દુરુપયોગનો આકરો વિરોધ કરું છું.

હાઈકોર્ટે જામીન રદ કરતા ચિદમ્બરમે સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરી હતી.

વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ, સલમાન ખુરશીદ અને વિવેક તાનખાએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ રમન આગળ કેસની રજૂઆત થઈ હતી. જોકે, જસ્ટિસ રમને કોઈ આદેશ ન આપતા કેસની ફાઇલ ચીફ જસ્ટિસને મોકલી આપી છે.

હવે ચિદમ્બરમની જામીન અરજી અંગેનો નિર્ણય ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ લેશે.

જોકે, ચીફ જસ્ટિસ ગોગોઈ અયોધ્યા કેસની રોજિંદી સુનાવણીમાં વ્યસ્ત હોઈ ચિદમ્બરમની અરજી પર સુનાવણી કેટલી ઝડપે થશે તે હાલ કહી શકાય એમ નથી.

ગઈકાલે સીબીઆઈ અને ઈડીની ટીમો ચિદમ્બરમના ઘરે પહોંચી હતી. જોકે, તેઓ મળી આવ્યા નહોતા.

આજે બુધવારે પણ સીબીઆઈની ટીમો ઘરે પહોંચી હતી પરંતુ તેઓ મળી આવ્યા નથી.

સીબીઆઈએ ચિદમ્બરમના ઘરની બહાર નોટિસ લગાવી હતી.

તેઓ આઈએનએક્સ મીડિયા કેસમાં આરોપી છે અને સીબીઆઈ તેની તપાસ કરી રહી છે.

આ કેસમાં ધરપકડથી બચવા માટે ચિદમ્બરમે આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ કેસમાં તેઓ જામીન પર હતા અને ગઈકાલે હાઈકોર્ટે જામીન રદ કરી દીધા હતા.

સીબીઆઈ સિવાય ઍન્ફૉર્સમૅન્ટ ડાયરેક્ટ્રેટે કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં પી. ચિદમ્બરમના પુત્ર કાર્તી પણ સહઆરોપી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ