પાકિસ્તાનમાં 'કાશ્મીરમાં કત્લ-એ-આમ'ને નામે વાઇરલ થઈ રહ્યા છે આવા સમાચારો - ફૅક્ટ ચેક

કાશ્મીર વિરોધ પ્રદર્શન Image copyright Reuters

પાકિસ્તાનના કેન્દ્રીય મંત્રી અલી હૈદર ઝૈદીએ સોશિયલ મીડિયા પર પોલીસ લાઠીચાર્જનો એક વીડિયો એ દાવા સાથે શૅર કર્યો છે કે આ વીડિયો ભારત પ્રશાસિત કાશ્મીરનો છે.

પોતાના ઔપચારિક ટ્વિટર હૅન્ડલ પરથી ઝૈદીએ આ વીડિયો પોસ્ટ કર્યો છે જેને અત્યાર સુધી બે લાખ કરતાં વધારે લોકોએ જોયો છે.

તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે, "દુનિયા જુએ કે નરેન્દ્ર મોદી સરકાર કાશ્મીરમાં શું કરાવી રહી છે. વધારે મોડું થાય તે પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત સાથે વેપાર મામલે પ્રતિબંધ લગાવવા જોઈએ."

બીબીસીની તપાસમાં જાણવા મળ્યું છે કે જે વીડિયો અલી હૈદર ઝૈદીએ ટ્વીટ કર્યો છે, તે કાશ્મીરનો નથી પરંતુ હરિયાણાના પંચકુલા શહેરનો છે.

Image copyright Twitter/Ali Haider Zaidi

રિવર્સ ઇમેજ સર્ચથી જાણવા મળે છે કે આ વીડિયો 25 ઑગસ્ટ 2017નો છે.

વીડિયો એ સમયનો છે જ્યારે 'ડેરા સચ્ચા સૌદા'ના પ્રમુખ ગુરમીત સિંહ રામ રહીમને બળાત્કારના એક મામલે આરોપી ગણાવવામાં આવ્યા હતા.

તે સમયે તેમના સમર્થકોએ પંચકુલાની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટના નિર્ણય વિરુદ્ધ શહેરમાં હિંસક પ્રદર્શન કર્યા હતા.

જૂના રિપોર્ટ પ્રમાણે આ હિંસક પ્રદર્શનો દરમિયાન 30 કરતા વધારે લોકોનાં મૃત્યુ થયા હતા અને રાજ્યમાં 2500 કરતા વધારે લોકોની પોલીસે ધરપકડ કરી હતી.


આવા બીજા પણ ઘણા વીડિયો...

Image copyright Twitter/Ali Haider Zaidi

ભારત પ્રશાસિત કાશ્મીરમાં ચાલી રહેલા તણાવને જોડીને પાકિસ્તાનના કેન્દ્રીય મંત્રી અલી હૈદર ઝૈદીએ જૂની વીડિયો ખોટા સંદર્ભ સાથે પોસ્ટ કર્યો હોય એવું પહેલી વખત થયું નથી.

અગાઉ તેમણે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ને નિષ્પ્રભાવી કરવાના ભારત સરકારના નિર્ણયના થોડા દિવસ બાદ પણ એક વીડિયો ટ્વીટ કર્યો હતો.

એ વીડિયો અત્યાર સુધી સવા બે લાખ વખત જોવામાં આવ્યો છે અને આશરે ચાર હજાર લોકો એ વીડિયોને શૅર કરી ચૂક્યા છે.

#SaveKashmirFromModi સાથે ઝૈદીએ લખ્યું હતું, "ભારતના કબજાવાળા કાશ્મીરમાં લાખો લોકોએ રસ્તા પર આવીને મોદી સરકારના 35-A હટાવવાના નિર્ણયનો વિરોધ કર્યો."

પરંતુ આ વીડિયો પણ ત્રણ વર્ષ જૂનો છે. 'Revoshots' નામના એક યૂટ્યૂબરે 18 ઑક્ટોબર 2016ના રોજ આ વીડિયો પોસ્ટ કર્યો હતો.

તેમના પ્રમાણે આ વીડિયો હિજબુલ મુઝાહિદ્દીનના એક સ્થાનિક કમાંડર બુરહાન વાનીના જનાજાનો છે.

24 વર્ષીય બુરહાન વાની હિજબુલ મુજાહિદ્દીનના પહેલા કમાંડર હતા કે જેમણે હથિયાર અને પોતાના સાથીઓ સાથે પોતાની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

ભારત પ્રશાસિત કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળો અને ઉગ્રવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં બુરહાન વાનીનું મૃત્યુ થયું હતું.

વાનીના મૃત્યુની પુષ્ટિ 9 જુલાઈ 2016ના રોજ થઈ હતી.


'કાશ્મીરમાં કત્લ-એ-આમ'નો ખોટો દાવો

Image copyright Twitter/Abdullah Gul

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના પૂર્વ ડીજી હમીદ ગુલના દીકરા અબ્દુલ્લાહ ગુલે એક વીડિયો ટ્વીટ કર્યો છે કે જેમાં કેટલાક લોકો ઘાયલોની મદદ કરતા જોવા મળી રહ્યા છે.

આ વીડિયો સાથે તેમણે લખ્યું છે, "કાશ્મીરમાં કત્લ-એ-આમ શરૂ થઈ ચૂક્યું છે. આ વીડિયો મને મારી કાશ્મીરી બહેને મોકલ્યો છે. અમે કાશ્મીરીઓને રાજકીય, નૈતિક અને રાજકીય મદદ આપી રહ્યા છીએ."

ગુલે 25 સેકંડનો જે વીડિયો શૅર કર્યો છે, તેને 60 હજાર વખત જોવામાં આવ્યો છે અને આશરે બે હજાર લોકોએ તેને શૅર કર્યો છે.

બીબીસીએ પોતાની તપાસમાં જાણ્યું કે 'કાશ્મીર ન્યૂઝ'નામના એક યૂટ્યૂબ ચેનલે 21 ઑક્ટોબર 2018ના રોજ આ વીડિયોને ભારત પ્રશાસિત કાશ્મીરના કુલગામ જિલ્લાનો ગણાવીને પોસ્ટ કર્યો હતો.

આ ઘટના અંગે ઇન્ટરનેટ સર્ચ કરવા પર અમને 'ગ્રેટર કાશ્મીર'નામની એક વેબસાઇટ પરથી ન્યૂઝ આર્ટિકલ મળ્યો. એ આર્ટિકલ 22 ઑક્ટોબર 2018ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો.

આ આર્ટિકલ પ્રમાણે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં 20-21 ઑક્ટોબરની રાતે સુરક્ષાદળો અને ઉગ્રવાદીઓ વચ્ચે ઍન્કાઉન્ટર ચાલ્યું હતું જેમાં સાત નાગરિકોના પણ મૃત્યુ થયા હતા.

વાઇરલ વીડિયોમાં આ જ સામાન્ય નાગરિકોના મૃતદેહ ગામથી બહાર લઈ જવાતા જોવા મળી રહ્યા છે.

કુલગામની આ ઘટનાનો વીડિયો આશરે એક વર્ષ બાદ પાકિસ્તાનમાં વાઇરલ થઈ રહ્યો છે જેને લોકો કાશ્મીર ખીણની વર્તમાન સ્થિતિ સાથે જોડીને શૅર કરી રહ્યા છે.


માનવઢા બનાવવાની કહાણી

Image copyright Twitter/Hamid Mir

પાકિસ્તાનના ઘણા મોટા ફેસબુક ગ્રૂપ્સમાં એક વીડિયોને કાશ્મીરનો ગણાવીને શૅર કરવામાં આવી રહ્યો છે. એ વીડિયોને પાકિસ્તાનના જાણીતા પત્રકારોમાંથી એક હામિદ મીરે પણ ટ્વીટ કર્યો હતો.

તેમણે લખ્યું, "આ જમ્મુ-કાશ્મીરનો લેટેસ્ટ વીડિયો છે (16 ઑગસ્ટનો). શ્રીનગરની નજીક ભારતીય સેનાએ 4 કાશ્મીરી યુવાનોને માનવઢાલ બનાવવામાં આવ્યા જેથી તેઓ પથ્થરબાજોથી બચી શકે."

વીડિયોમાં સૈનિકો વચ્ચે બેઠેલા 4 છોકરા જોવા મળે છે કે જેમના વિશે બીજી તરફ ઊભેલા કેટલાક લોકો પાસેથી સાંભળી શકાય છે કે ભારતીય સેનાએ પથ્થરબાજી રોકવા માટે તેમના સાથીઓને પોતાની કારમાં આગળ બેસાડી દીધા છે.

રિવર્સ સર્ચથી જાણવા મળે છે આ પણ એક વર્ષ જૂનો મામલો છે અને જમ્મુ-કાશ્મીરની હાલની પરિસ્થિતિ સાથે તેનો કોઈ સંબંધ નથી.

કાશ્મીરથી ચાલતી વેબસાઇટ 'કાશ્મીરવાલા' અને 'કાશ્મીર રીડર' સિવાય કેટલીક મુખ્યધારાની ન્યૂઝ વેબસાઇટ્સે આ ઘટના અંગે રિપોર્ટ રજૂ કર્યો હતો.

તેમના પ્રમાણે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સ્થિત સાબોરા ગામમાં આ ઘટના 18 જૂન 2019ના રોજ ઘટી હતી.

આ ઘટના વિશે વાત કરતા સ્થાનિક લોકોએ એવા આરોપ લગાવ્યા હતા કે સર્ચ ઑપરેશન દરમિયાન સુરક્ષાદળોએ ચાર યુવકોને માનવઢાલ તરીકે વાપર્યા હતા.

જ્યારે સ્થાનિક પોલીસનું કહેવું હતું કે આ ચાર યુવાનોની ઔપચારિક રૂપે ધરપકડ કરવામાં આવી ન હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો