અરુણ જેટલીની અંતિમવિધિ શા માટે ન આવી શક્યા નરેન્દ્ર મોદી?

મોદીની તસવીર Image copyright Getty Images

રવિવારે બપોરે પૂર્વ નાણામાંત્રી અરુણ જેટલીના અંતિમસંસ્કાર પૂર્ણ રાજકીય સન્માન સાથે નવી દિલ્હીના નિગમબોધ ખાતે કરવામાં આવ્યા.

જોકે, તેમના પરમમિત્ર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંતિમસંસ્કાર સમયે હાજર રહી શક્યા ન હતા, કારણ કે તેઓ ત્રણ દેશોની પૂર્વાયોજિત વિદેશયાત્રા ઉપર છે.

આ વર્ષે વડા પ્રધાન મોદીને જી-7 શિખર સંમેલનમાં સામેલ થવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે, જેટલીના નિધનના સમાચાર મળતા મોદીએ પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનાં પત્ની સંગીતા જેટલીને ફોન કર્યો હતો.

આ દરમિયાન જેટલી પરિવારે વિનંતી કરી હતી કે વડા પ્રધાન મહત્ત્વપૂર્ણ વિદેશપ્રવાસ ઉપર છે, એટલે તેઓ સ્વદેશ પરત ન આવે.


દર્દ દબાવી કર્યું સંબોધન

બહરીનમાં ભારતીય મૂળના નાગરિકોને સંબોધિત કરતી વખતે વડા પ્રધાન ભાવુક થઈ ગયા હતા અને જેટલી પરિવાર સાથે ન હોવા અંગે અફસોસ વ્યક્ત કર્યો.

મોદીએ કહ્યું, "આજે દોસ્ત અરુણ જતો રહ્યો. મારી સામે ભારે દુવિધા છે. એક તરફ હું ફરજથી બંધાયેલો છું."

"હું બહરીનની ધરતી ઉપરથી ભાઈ અરુણને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. દુખની આ ઘડીમાં ઈશ્વર મારા દોસ્તના પરિવારજનોને શક્તિ આપે તે માટે પ્રાર્થના કરું છું."

આ પહેલાં યૂએઈની યાત્રા દરમિયાન તેમને ત્યાંનું સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ઑર્ડર ઑફ ઝાયેદ' એનાયત કરવામાં આવ્યું હતું.


મોદીની વિદેશયાત્રાનું મહત્ત્વ

યૂએઈ તથા બહરીન થઈને વડા પ્રધાન ફ્રાન્સ પહોંચ્યા છે. જ્યાં તેઓ તારીખ 25 અને 26એ બિરેટ્સ શહેર ખાતે આયોજિત જી-7 સંમેલનમાં ભાગ લેશે.

આ શિખર મંત્રણામાં ભાગ લેવા માટે ફ્રાન્સે ભારતને આમંત્રણ આપ્યું છે.

તારીખ 26મી ઑગસ્ટે મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. આ વાતની જાહેરાત ટ્રમ્પ અગાઉ જ કરી ચૂક્યા છે.

કેન્દ્રની મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદ 370ની જોગવાઈઓ તથા 35-Aને નાબૂદ કર્યાં છે.

પાકિસ્તાન આની સામે વૈશ્વિક અભિપ્રાય ઊભો કરવા માટે અનેક દેશોનો સંપર્ક કરી રહ્યું છે.

ભારતનું કહેવું છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એ બંને દેશો વચ્ચેનો 'દ્વિ-પક્ષીય મુદ્દો' છે. આ માટે કોઈ ત્રીજા પક્ષની દરમિયાનગીરીની જરૂર નથી. બીજી બાજુ, પાકિસ્તાન સતત ત્રીજા પક્ષની દરમિયાનગીરીની હિમાયત કરતું રહ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ચીને પણ પાકિસ્તાનનો સાથ આપ્યો હતો. આ સિવાય ટ્રમ્પ પણ કાશ્મીરની સ્થિતિને 'વિસ્ફોટક' ગણાવી ચૂક્યા છે અને દરમિયાનગીરી કરવાની તૈયારી દાખવી છે.

આ સંજોગોમાં વડા પ્રધાન મોદી માટે જરૂરી છે કે તેઓ વિશ્વના ટોચના દેશોને મળે અને અસરકારક તર્કો દ્વારા તેમને ભારતનું વલણ સમજાવે અને તેના માટે સહમતિ મેળવે.

Image copyright Getty Images

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મેક્રોન અગાઉ જ કહી ચૂક્યા છે કે કાશ્મીરની સમસ્યાનો ઉકેલ દ્વિ-પક્ષીય ચર્ચા દ્વારા લાવવો જોઈએ.

સંયુક્ત આરબ અમિરાતે મિત્રરાષ્ટ્ર પાકિસ્તાનના દબાણ છતાં કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ કશું નથી કહ્યું. આ સિવાય મોદીને ત્યાંના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઑર્ડર ઑફ ઝાયેદ'થી નવાજ્યા છે.

જેની સામે પાકિસ્તાનમાં ઉગ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. મોદીને સન્માનથી નારાજ પાકિસ્તાની સેનેટના ચૅરમૅને યૂએઈની પૂર્વનિર્ધારિત યાત્રા રદ કરી દીધી હતી.

અગાઉ ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કૉર્પોરેશનમાં પણ પાકિસ્તાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવી ચૂક્યું છે.

Image copyright Getty Images
ફોટો લાઈન વડા પ્રધાન મોદી સાથે ફ્રાન્સના રાષ્ટ્ર પ્રમુખ ઇમૅન્યુઅલ મેક્રોન

જી-7 સમૂહ દેશોનું 45મું શિખર સંમેલન ફ્રાંસમાં યોજાઈ રહ્યું છે. આ સંમેલનમાં ભારતને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સમાં 24થી 26 ઑગસ્ટ દરમિયાન યોજાનારી જી-7 સમિટમાં ભાગ લઈ રહ્યા છે.

યૂએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો, જાપાનના વડા પ્રધાન શિંજો એબે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન, બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સન સહિતના વૈશ્વિક નેતાઓ ભાગ લઈ રહ્યા છે.

પણ આ જી-7 શું છે અને કયા-કયા દેશો એના સભ્ય છે અને તેઓ શું કરે છે?


જી-7નો અર્થ શું છે?

Image copyright Getty Images
ફોટો લાઈન જી-7ની ફાઇલ તસવીર

આ 7 દેશોનો સમૂહ છે એટલે તેને જી-7 કહેવાય છે. ઔદ્યોગિક ક્ષેત્રે દુનિયાના વિકસિત દેશોનું આ જૂથ છે.

પહેલાં તે જી-8 હતું, પરંતુ વર્ષ 2014માં રશિયાને તેમાંથી અલગ કરી દેવાયું હતું, તેથી તે જી-7 બન્યું.

વૈશ્વિક અર્થતંત્રનાં વિવિધ પાસાં, સુરક્ષા અને ઊર્જા જેવા મુદ્દાઓ પર આ દેશોના નેતાઓ ચર્ચા કરી શકે તે હેતુથી ચાર દાયકા પહેલાં જી-8ની રચના થઈ હતી.


કયા દેશો જી-7ના સભ્યો છે?

યૂએસ, યૂકે, જર્મની, કૅનેડા, જાપાન, ફ્રાન્સ અને ઇટાલી આ જી-7 ના સભ્યો છે.

સભ્યરાષ્ટ્રો 40 ટકા વૈશ્વિક જીડીપી અને દુનિયાની દસ ટકા વસતીનું પ્રતિનિધિત્વ કરે છે.

વર્ષ 1975માં ફ્રાન્સ, ઇટાલી, જાપાન, યૂકે, યૂએસ અને પશ્ચિમ જર્મનીએ જી-6ની શરૂઆત કરી. તેના પછીના વર્ષે કૅનેડા તેમાં જોડાયું. રશિયા આ સમૂહમાં 1998થી જોડાયું.


રશિયા જી-8માંથી બહાર કેમ થયું?

Image copyright Getty Images

રશિયાને યુક્રેન સાથે થયેલાં ઘર્ષણને કારણે વર્ષ 2014માં વિશ્વના નેતાઓ દ્વારા રશિયાનું સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું.

વૈશ્વિક નેતાઓએ તેને યુક્રેનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું ઉલ્લંઘન ગણાવ્યું.

તે વખતના યૂએસના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ એક નિવેદન જાહેર કર્યું કે 'જ્યાં સુધી રશિયા પોતાનું વલણ ન બદલે અને જી-8 અર્થપૂર્ણ ચર્ચા કરી શકે તેવો માહોલ ફરી ન બને ત્યાં સુધી અમે રશિયા ખાતે યોજાનારી સમિટમાંથી અમારી ભાગીદારી પાછી ખેંચીએ છીએ.'

અગાઉ યૂએસના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવું નિવેદન કરી ચૂક્યા છે કે 'આ શિખર મંત્રણામાં રશિયાને ફરી આમંત્રણ મળવું જોઈએ.'


ભારત સભ્ય નથી તો આમંત્રણ કેમ?

Image copyright Getty Images

ફ્રાન્સના વડા પ્રધાન દ્વારા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ જી-7 સમિટમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ વખતે ચર્ચાનો મુખ્ય મુદ્દો અસમાનતા છે. જેના અંતર્ગત જેન્ડરના પ્રશ્નો, આર્થિક અને સામાજિક સમાનતાઓનાં વિવિધ પાસાં પર ચર્ચા થશે.

ત્યારે વડા પ્રધાન મોદી જઇતાપુર ન્યુક્લિયર પાવર પ્રોજ્કટ અને કાશ્મીરના પ્રશ્ને ચર્ચા કરે તેવી શક્યતા છે.

તે ઉપરાંત જી-7માં ગ્લોબલ કૉર્પોરેટ ટેક્સ કોડ, ઈરાન-યૂએસ વચ્ચેની સ્થિતિ, જલવાયુ પરિવર્તન બાબતે કટોકટીની સ્થિતિ, રશિયા અને યુક્રેન વચ્ચે ઘર્ષણનો મુદ્દો અને આતંકવાદ જેવા મુદ્દાઓ પર ચર્ચા થાય તેવી શક્યતા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ