એમેઝોન આગ : બ્રાઝિલે 2 કરોડ 20 લાખ ડૉલરની સહાય કેમ ઠુકરાવી?

બ્રાઝિલમાં એમેઝોનનાં વર્ષાવનોમાં લાગેલી આગની ઘટનાઓ મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આગને બુજાવવામાં મદદ માટે G7 દેશોએ પણ હાથ લાંબો કર્યો છે. જોકે, બ્રાઝિલની સરકારે કોઈ પણ દેશ પાસેથી મદદ લેવાની ના પાડી દીધી છે.
G-7 સમિટના યજમાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોને 22 મિલિયન ડૉલરની મદદ આપવાની વાત કરી છે, પરંતુ બ્રાઝિલના મંત્રીઓનું કહેવું છે કે તેમને પૈસાની જરૂર નથી.
આ સાથે જ તેમણે વિદેશી શક્તિઓ પર આરોપ લગાવ્યો છે કે તેઓ એમેઝોનના જંગલો પર કબજો મેળવવા માગે છે.
બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઝાયર બોલ્સોનારોના મંત્રી ઓનિક્સ લૉરેન્ઝોનીએ ગ્લોબો ન્યૂઝ વેબસાઇટ સાથે વાત કરી હતી.
તેમાં તેમણે જણાવ્યું, "મેક્રોન વિશ્વની ધરોહર ગણાતા ચર્ચ(એપ્રિલમાં પેરિસના નૉટ્ર ડામ કૅથેડ્રલ ચર્ચમાં આગ લાગી હતી)માં આગ લાગવાની ઘટનાને ટાળી શકતા નથી અને તેઓ અમારા દેશ મામલે અમને પાઠ ભણાવવા માગે છે?"
એમેઝોનનાં વર્ષાવનોને જંગલોની દુનિયામાં ઑક્સિજન માટે મુખ્ય સ્રોત મનાય છે.
કેમ કે ધરતીને 20% ઑક્સિજન બ્રાઝિલનાં વર્ષાવનોમાંથી મળે છે.
છેલ્લા એક દાયકામાં એમેઝોનનાં જંગલોમાં પહેલી વખત આટલી ભીષણ આગ લાગી છે.
દેશના રોરૅમા, એક્રે, રોંડોનિયા અને એમેઝોનાસ રાજ્યો આ આગથી ભયાનક રીતે પ્રભાવિત થયાં છે.
એક અભ્યાસ મુજબ, દર મિનિટે એક ફૂટબૉલ મેદાન જેટલી સાઇઝનાં જંગલો કાપવામાં આવી રહ્યાં છે.
જાન્યુઆરીમાં બ્રાઝિલના નવા રાષ્ટ્રપતિ તરીકે ઝેયર બોલસોનારોએ સત્તા સંભાળી, ત્યારથી જંગલ કાપવાની ઘટનાઓમાં વધારો થયો હોવાનું કહેવાય છે.
આ વર્ષે આગની ઘટનાઓમાં વધારો
બ્રાઝિલની અંતરિક્ષ એજન્સીના આંકડા જણાવે છે કે એમેઝોનના વર્ષાવનમાં આ વર્ષે રેકર્ડ આગની ઘટનાઓ ઘટી છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર સ્પેસ રિસર્ચે પોતાના સેટેલાઇટ આંકડામાં જણાવ્યું છે કે 2018ની સરખામણીએ આ દરમિયાન આગની ઘટનાઓમાં 85%ની વૃદ્ધિ થઈ છે.
2013ની સરખામણીએ આ વખતે આગની ઘટનાઓ બમણી થઈ
1 જાન્યુઆરીથી 21 ઑગસ્ટ વચ્ચે આગની કુલ ઘટનાઓ
સરકારી આંકડા પ્રમાણે, આ વર્ષના શરૂઆતના આઠ મહિનામાં બ્રાઝિલનાં જંગલોમાં આગની 75 હજાર ઘટનાઓ ઘટી છે.
વર્ષ 2013 બાદ આ એક રેકર્ડ સ્તર છે. વર્ષ 2018માં આગની કુલ 39,759 ઘટનાઓ ઘટી હતી.
જુલાઈથી ઑક્ટોબર વચ્ચે સૂકા વાતાવરણમાં બ્રાઝિલનાં જંગલોમાં આગની ઘટનાઓ સામાન્ય બાબત છે.
અહીં પ્રાકૃતિક કારણોસર આગ લાગે છે, સાથે જ કઠિયારા પણ આગ લગાવે છે.
પર્યાવરણ કાર્યકર્તાઓનું કહેવું છે કે બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલસોનારોના પર્યાવરણ વિરોધી નિવેદનો બાદ જંગલ સાફ કરવાની ગતિવિધિઓમાં વધારો થયો છે.
કયા વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત?
આગની ઘટનાઓનો સૌથી વધારે પ્રભાવ ઉત્તરી વિસ્તારોમાં પડ્યો છે.
આગની ઘટનાઓમાં રોરાઇમામાં 141%, એક્રેમાં 138%, રોંડોનિયામાં 115% અને એમેઝોનાસમાં 81% વધારો નોંધાયો છે.
જ્યારે દક્ષિણમાં મોટો ગ્રોસોમાં ડો સૂલમાં આગની ઘટનાઓ 114% વધી છે.
એમેઝોનાસ બ્રાઝિલનું સૌથી મોટું રાજ્ય છે. અહીં ઇમર્જન્સીની ઘોષણા કરી દેવામાં આવી છે.
વેપાર મામલે સમજૂતી કેટલી મહત્ત્વપૂર્ણ?
એમેઝોનના જંગલોમાં લાગેલી આગ મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ફ્રાન્સ અને આયર્લૅન્ડે કહ્યું હતું કે જ્યાર સુધી બ્રાઝિલ એમેઝોનનાં જંગલોમાં લાગેલી આગ માટે કંઈ નક્કર પગલાં ન લે, ત્યાર સુધી તેઓ બ્રાઝિલ સાથે વ્યાપારિક સમજૂતીને મંજૂરી નહીં આપે.
ઈયૂ- મેર્કોસુર નામની વ્યાપારિક સમજૂતીને અત્યાર સુધી યુરોપિયન સંઘની સૌથી મોટી વ્યાપારિક સમજૂતીમાંથી એક ગણાવવામા આવી રહી છે.
દક્ષિણ અમેરિકી જૂથની સાથે આ સમજૂતી થવામાં 20 વર્ષનો સમય લાગ્યો છે.
આ જૂથમાં આર્જેન્ટિના, બ્રાઝિલ, ઉરુગ્વે અને પેરુગ્વે સામેલ છે.
વસ્તુઓના વેપારમાં યુરોપિનયન યુનિયન મેર્કોસુરનું મોટું ભાગીદાર છે.
વર્ષ 2018માં યુરોપિયન યુનિયનની કુલ નિકાસમાં મેર્કોસુરને કરવામાં આવેલી નિકાસ 2.3 ટકા હતી.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મૈક્રૉંએ કહ્યું હતું કે બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઝાયર બોલસોનારો જળવાયુ પરિવર્તન મામલે તેમની સામે ખોટું બોલ્યા છે.
આ તરફ બીજા યુરોપિયન નેતાઓએ પણ એમેઝોનના જંગલોમાં લાગેલી આગ પર ચિંતા વ્યક્ત કરી છે.
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉનસને આ આગને એક 'આંતરરાષ્ટ્રીય સમસ્યા' ગણાવી છે.
તેમણે કહ્યું, "આગ રોકવા માટે અને પૃથ્વીના સૌથી મોટા ચમત્કારને બચાવવા અમે દરેક સંભવ મદદ માટે તૈયાર છીએ."
જર્મન ચાન્સેલર એંજેલા મર્કેલે આગને 'ઇમર્જન્સીની સ્થિતિ' ગણાવી છે.
તેમણે કહ્યું કે 'આ માત્ર બ્રાઝિલ માટે ભયંકર નથી, પરંતુ અન્ય દેશોની સાથે-સાથે દુનિયાને પણ પ્રભાવિત કરશે.'
જોકે, આ તરફ બોલસોનારોએ મૈક્રૉં ઉપર આરોપ લગાવ્યો કે તેઓ 'રાજકીય લાભ' માટે હસ્તક્ષેપ કરી રહ્યા છે.
આ પહેલાં તેમણે કહ્યું હતું કે ફ્રાન્સમાં જી-7 સંમેલનનું આયોજન થઈ રહ્યું છે કે, જેમાં બ્રાઝિલ ભાગ સામેલ નથી.
આમ છતાં તેમાં આગ પર ચર્ચા કરવી એ 'ઉપનિવેશિક માનસિકતા'ને દર્શાવે છે.
આગ મામલે આખી દુનિયામાં પ્રદર્શન
ફિનલૅન્ડના નાણામંત્રીએ કહ્યું છે કે યુરોપિયન યુનિયને બ્રાઝિલમાંથી થતી બીફની આયાત પર પ્રતિબંધ લગાવવા વિશે વિચારવું જોઈએ.
આ સમયે ફિનલૅન્ડ યુરોપિયન યુનિયનના પરિષદના અધ્યક્ષ છે અને આ ભૂમિકા દર છ મહિના બાદ સભ્ય દેશને મળે છે.
આ તરફ પર્યાવરણ સંગઠનોએ આગ સામે લડવાની માગ કરતા શુક્રવારના રોજ બ્રાઝિલના ઘણા શહેરોમાં પણ વિરોધ કર્યા હતા.
આ સાથે લંડન, બર્લિન, મુંબઈ અને પેરિસમાં બ્રાઝિલ દુતાવાસ બહાર પણ ઘણા લોકોએ પ્રદર્શન કર્યાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો