20 વર્ષ પહેલાં ગુમ થયેલી વ્યક્તિને ગૂગલ મૅપ્સે શોધી કાઢી

મોલ્ડ Image copyright NATIONAL MISSING AND UNIDENTIFIED PERSONS SYSTEM

વિલિયમ મોલ્ડ અમેરિકાના ફ્લોરિડામાંથી 7 નવેમ્બર, 1997ના રોજ લાપતા થયા હતા.

40 વર્ષના વિલિયમ મોલ્ડ રાત્રે એક બારમાં ગયા હતા પરંતુ ઘરે પરત ન ફર્યા.

પોલીસે તેમની શોધખોળ કરી પરંતુ કોઈ ભાળ ન મળતા કેસ બંધ કરવો પડ્યો હતો.

22 વર્ષ પછી 28 ઑગસ્ટે, એક પાડોશીએ પોલીસને જાણ કરી કે નજીકના એક વિસ્તાર વેલિંગ્ટનમાં આવેલા એક તળાવમાં એક ગાડી ડૂબી ગયેલી છે.

જ્યારે પોલીસે ગાડીને પાણીમાંથી બહાર કાઢી તો તેની અંદર માણસનું હાડપિંજર મળી આવ્યું હતું.


ગૂગલ મૅપ્સની મદદ

Image copyright Google Maps

સ્થાનિક અધિકારીઓએ (પામ બીચ કાઉન્ટી ઓફિસે) ગુરુવારે જણાવ્યું, "એક વ્યક્તિ ગૂગલ અર્થ પર સર્ચ કરી રહી હતી ત્યારે તેમને આ વિસ્તારમાં આવેલા તળાવમાં એક ગાડી દેખાઈ."

પોલીસના ફેસબુક એકાઉન્ટ ઉપર આપવામાં આવેલી માહિતી મુજબ "તેમણે તરત પાડોશીનો સંપર્ક કર્યો અને તળાવમાં તેમને જે દેખાયું એ શું હોય શકે છે એ અંગે વાત કરી."

"પાડોશીએ પોતાનું ડ્રોન ઉડાડીને આ વાતની પુષ્ટિ કરી. ત્યારબાદ તેમણે પોલીસને આ બાબતે જાણ કરી હતી."

જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે તળાવમાં ગાડી મળી હતી. ગાડીને પાણીમાંથી બહાર કાઢવામાં આવી તો તેમાં માણસના હાડપિંજરના અવશેષો મળી આવ્યા હતા.

અમેરિકામાં અધૂરા રહેલા કેસોની માહિતી આપતી ચાર્લી પ્રોજેક્ટ વેબસાઇટ પ્રમાણે, " આશ્ચર્યજનક રીતે, ગાડી વર્ષ 2007થી ગૂગલ અર્થ પર સેટેલાઇટ ફોટોમાં સ્પષ્ટ દેખાઈ રહી હતી, પણ 2019 સુધી કોઈએ તેની નોંધ નહોતી લીધી.


'પૃથ્વી પરથી ગુમ'

Image copyright Google Maps

પોલીસે બીબીસીને કહ્યું, " માનવામાં આવી રહ્યું છે કે મોલ્ડે ગાડી પરથી નિયંત્રણ ગુમાવી દીધું હશે અને ગાડી તળાવમાં ડૂબી ગઈ હશે. "

"કેસની તપાસની શરૂઆતથી લઈને અત્યાર સુધી કોઈ પુરાવા નહોતા કે ગાડી અહીં છે પરંતુ હવે પાણીમાં ફેરફાર આવતા ગાડી સ્પષ્ટ દેખાય છે. "

પામ બીચ કાઉન્ટી ઑફિસના પ્રવક્તાં થેરેસા બારહેરા કહે છે, "આટલાં વર્ષો પહેલાં શું થયું હતું એ વિશે અત્યારે તારણ ન કાઢી શકાય."

"અમને માત્ર એટલી ખબર છે કે ગાડી પૃથ્વી પરથી ગાયબ થઈ ગઈ હતી અને આટલા વર્ષો પછી મળી છે."

અમેરિકામાં ગુમ થયેલા લોકોની માહિતી આપતી સિસ્ટમ નેશનલ સિસ્ટમ ઑફ મિસિંગ ઍન્ડ અનઆઇડેન્ટીફાઇડ પર્સન્સના અહેવાલ મુજબ મોલ્ડ રાત્રે બારમાંથી 11 વાગ્યે નીકળ્યા હતા.

આ રિપોર્ટ પ્રમાણે તે એક શાંત પ્રકૃતિના માણસ હતા. તેઓ બહુ મળતાવડા નહોતા, બહુ નશામાં નહોતા અને એકલા જ ગાડીમાં બારથી નીકળ્યા હતા.

તેઓ દરરોજ દારૂ નહોતા પીતા, પણ તેમણે તે રાત્રે ઘણો દારૂ પીધો હતો.

મોલ્ડે તેમની ગર્લફ્રેન્ડને રાત્રે 9.30 વાગ્યે ફોન કર્યો અને કહ્યું કે તેઓ જલ્દી ઘરે પહોંચી જશે પણ ત્યારબાદ તેઓ ક્યારેય જોવા પણ નહોતા મળ્યા કે પછી તેમની સાથે વાત થઈ શકી નહોતી.

પોલીસે મોલ્ડના પરિવારને તેમના આ મામલાની જાણ કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો