અફઘાનિસ્તાન યુદ્ધ : મોતના મંજરને કોણ અટકાવશે? દરરોજ 74નાં મોત

અફઘાનિસ્તાનની એક બાળકી

બીબીસીને પોતાની એક તપાસમાં જાણવા મળ્યું છે કે ગત ઑગસ્ટ મહિનામાં અફઘાનિસ્તાનમાં દરરોજ 74 લોકો માર્યા ગયા હતા. જેમાં પુરુષો, મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.

અમેરિકા યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં 18 વર્ષોથી હાજર પોતાના સૈનિકોને હવે પરત બોલાવવા માગે છે અને આ વિશે ચર્ચા થઈ રહી છે. આ ચર્ચા વચ્ચે અફઘાનિસ્તાનના દરેક ખૂણામાં હિંસા વધી રહી છે.

હિંસાથી થનાર માનવીય ક્ષતિનો અંદાજો લગાવવા માટે બીબીસીએ ઑગસ્ટના મહિનામાં થનાર હિંસાની દરેક ઘટનાના દસ્તાવેજ તૈયાર કર્યા છે.

બીબીસી આ વાતની પુષ્ટિ કરે છે કે એક મહિનાની અંદર સુરક્ષામાં ચૂકના કુલ 611 બનાવ બન્યા હતા, જેમાં આશરે 2,307 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ વિશે કુલ 1,948 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

જોકે, આ માત્ર આંકડાઓ છે પરંતુ જે ડેટા એકઠો કરવામાં આવ્યો તેનાથી જાણી શકાયું કે હાલના સમયમાં હિંસામાં મૃતકોમાં સામાન્ય નાગરિકો અને તાલિબાનના સભ્યોની સંખ્યા વધારે છે.

તાલિબાન અને અફઘાનિસ્તાનની સરકારે બીબીસી દ્વારા આપવામાં આવેલા આંકડાઓ પર સવાલો કર્યા છે.

અફઘાનિસ્તાનથી પોતાની સેના પાછી બોલાવવી એ અમેરિકાની વિદેશ નીતિનો મુખ્ય મુદ્દો છે.

એક અઠવાડિયા પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાલિબાન અને અમેરિકા વચ્ચે અફઘાનિસ્તાન શાંતિ વાર્તાને રદબાતલ કરી હતી. જોકે, હજુ આગળ વાતચીતની શક્યતા ખતમ નથી થઈ.

પરંતુ આ દરમિયાન ઔપચારિક રીતે કોઈ પ્રકારનો યુદ્ધવિરામ ન હોવાને કારણે અફધાનિસ્તાનમાં દર અઠવાડિયે સંખ્યાબંધ લોકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે.

આ મહિનાના અંતમાં અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી છે અને તે પહેલાં અહીં હિંસા વધવાની શક્યતા છે.

અફઘાનિસ્તાનમાં હિંસાના સંબંધમાં બીબીસીએ કેવી રીતે આંકડા એકઠા કર્યા, એ રિપોર્ટના અંતમાં વાંચી શકો છો.


મોતના મંજરના 31 દિવસો

બીબીસીને તપાસમાં જાણવા મળ્યું કે ઑગસ્ટ મહિનામાં દરરોજ અફઘાનિસ્તાનમાં થયેલી હિંસામાં 74 જેટલાં લોકોનાં મૃત્યુ થયાં હતાં.

ઈદ-ઉલ-અઝહાના તહેવાર દરમિયાન અફઘાન સરકાર અને તાલિબાને ત્રણ દિવસના અનૌપચારિક યુદ્ધવિરામનું પાલન કર્યું હતું.

પરંતુ બીબીસીના આંકડા એ વાતની પુષ્ટિ કરે છે કે તહેવારના દિવસોમાં પણ એટલે કે 10 ઑગસ્ટેની સાંજથી લઈને 13 ઑગસ્ટની સાંજ સુધી 90 લોકોનો ભોગ લેવાયો હતો.

27 ઑગસ્ટ, જ્યારે એક દિવસમાં સૌથી વધારે લોકોનાં મૃત્યુ થયાં હતાં, એક ઍરસ્ટ્રાઇકમાં 162 લોકોનો ભોગ લેવાયો અને 47 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આમાંથી મોટા ભાગના લોકો તાલિબાનના સભ્યો હતા.

સામાન્ય લોકો પર સૌથી ઘાતક હુમલો 18 ઑગસ્ટના દિવસે થયો હતો જેમાં 112 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

આમાંથી કાબુલમાં એક લગ્ન સમારંભ પર થયેલા આત્મઘાતી હુમલામાં 92 લોકોનાં મૃત્યુ થયાં હતાં, આ હુમલામાં 142 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

દરજી તરીકે કામ કરતા મીરવાઇઝનાં લગ્ન સમારંભમાં આ હુમલો કરવામાં આવ્યો હતો.

તેમણે આ ખાસ દિવસ માટે ઘણા સમયથી બચત કરી રાખી હતી.

પરંતુ આ આત્મઘાતી હુમલામાં તેમના કેટલાક અંગત મિત્રોનાં મૃત્યુ થઈ ગયાં હતાં. તેમની પત્નીના ભાઈ અને પિત્રાઈ ભાઈનો ભોગ લેવાયો હતો.

મીરવાઇઝ કહે છે કે તેમનાં પત્ની હવે પોતાનાં લગ્નનાં કપડાં અને લગ્નના આલ્બમને સળગાવી દેવા માગે છે.

તેમણે બીબીસીને કહ્યું, "એક જ ઝાટકામાં તેમની બધી આશાઓ પર પાણી ફરી વળ્યું અને તેમની ખુશીનો અંત આવી ગયો."

આ હુમલાની જવાબદારી કથિત ઇસ્લામિક ઉગ્રવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે લીધી હતી.


હિંસાથી કોણ પ્રભાવિત થઈ રહ્યું છે?

વર્ષ 2001 પછી તાલિબાન ક્યારેય વધારે મજૂબત નથી રહ્યા પણ બીબીસીના આંકડા પ્રમાણે ઑગસ્ટમાં જેટલાં મૃત્યુ થયાં તેમાંથી 50 ટકા માટે તાલિબાન જવાબદાર હતું. આ એક મોટો આંકડો છે અને આશ્ચર્યજનક પણ છે.

આ આંકડા પાછળ ઘણાં કારક હોઈ શકે છે, જેમાંથી એક છે કે તાલિબાન શાંતિવાર્તા દરમિયાન આક્રમક રહ્યું હતું જેના જવાબમાં અમેરિકના નેતૃત્વ હેઠળ સેનાએ હવાઈ હુમલા વધાર્યા હતા અને રાતના સૈન્ય અભિયાન પણ વધ્યાં હતાં. જેમાં કેટલાક તાલિબાન ફાઇટર્સ અને સામાન્ય લોકોનાં મૃત્યુ થયાં હતાં.

અત્યારે આ સ્પષ્ટ નથી કે હાલનાં વર્ષોમાં તાલિબાનના કેટલા સભ્યોનાં મૃત્યુ થયાં છે. માનવામાં આવે છે કે તાલિબાન પાસે હજુ 30,000 જેટલા હથિયારબંધ ફાઇટર્સ છે.


દર પાંચમું મોત સામાન્ય નાગરિકનું

અફઘાન સુરક્ષા દળોના કેટલા સૈનિક હિંસામાં મૃત્યુ પામ્યા એ આંકડો ટૉપ સિક્રેટ છે.

એટલે જ બીબીસીએ જે આંકડા એકઠા કર્યા છે તે વાસ્તવિક સંખ્યા કરતા ઓછા હોઈ શકે છે.

આ વર્ષે જાન્યુઆરીમાં અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું હતું કે 2014 પછી અત્યાર સુધી સુરક્ષા દળોના 45 હજાર સદસ્યોનાં મૃત્યુ થયાં છે.

બીબીસી આ વાતની પુષ્ટિ નથી કરી રહ્યું કે ઑગસ્ટમાં 473 સામાન્ય લોકો અને કુલ 786 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

અફઘાનિસ્તાનમાં યુએનના માનવાધિકાર બાબતોનાં વડાં ફિયોના ફ્રેઝર કહે છે, "આ સંઘર્ષની સામાન્ય નાગરિકો પર વિનાશકારક અસર થઈ છે."

તેમણે ઉમેર્યું, "સંયુક્ત રાષ્ટ્રના ડેટા બતાવે છે કે પૃથ્વી પર કોઈ પણ હિંસક સંઘર્ષમાં સૌથી વધારે નાગરિકોનાં મૃત્યુ અફઘાનિસ્તાનમાં થયાં છે."

"મૃત્યુ પામેલા નાગરિકોનો નોંધેલો આંકડો બહુ મોટો છે, પણ ખરાઈના આકરા માપદંડને કારણે પ્રકાશિત કરવામાં આવેલા આંકડા ખરેખર સાચું ચિત્ર નથી દર્શાવી રહ્યા."

અમેરિકા અને અફઘાનિસ્તાનની સેના નિયમિત રીતે હિંસમાં માર્યા ગયેલા સામાન્ય નાગરિકોની સંખ્યા છુપાવે છે અથવા નકારે છે.


સંઘર્ષનું ચિત્ર કેવું હોય છે?

અફઘાનિસ્તાનમાં મોટા ભાગે અફઘાન સુરક્ષા દળો અને તાલિબાન વચ્ચે લડત અને અથડામણ જેવા નાના-મોટા બનાવ તો બનતા જ રહે છે.

અફઘાનિસ્તાનના 34 પ્રાંતમાંથી માત્ર ત્રણ પ્રાંતમાં જ બીબીસી ઑગસ્ટ મહિનામાં થયેલી હિંસાની ખરાઈ કરી શક્યું નથી.

અફઘાનિસ્તાનમાં થનાર દર દસ મૃત્યુમાંથી એક મૃત્યુ તાલિબાનના નિયંત્રણ વાળા કેટલાક અંશે શાંત ગણાતા ગઝની પ્રાંતમાં થયું હતું.

ગઝનીમાં 66 હુમલામાંથી એક તૃતીયાંશ, સંદિગ્ધ તાલિબાન કૅમ્પ પરના હવાઈ હુમલા હતા.

અફઘાનિસ્તાનના નાગરિક માને છે કે તેઓ ઘોર અનિશ્ચિતતાના માહોલમાં રહે છે.

કંદહારની મુખ્ય ગણાતી હૉસ્પિટલમાં બીબીસી ઉરુઝગાન પ્રાંતના મોહિબુલ્લાને મળ્યું. ડૉક્ટરોએ તેમના ભાઈના ખભ્ભામાંથી ગોળી બહાર કાઢી હતી. મોહિબુલ્લા ગુસ્સામાં છે.

તેઓ કહે છે, " જ્યારે અમારા વિસ્તારમાં કોઈ અભિયાન શરૂ થાય છે, તો નાગરિકો ક્યાંય અવરજવર ન કરી શકે. જો તેઓ બહાર નીકળે તો અફઘાન અથવા અમેરિકન જવાનો ગોળી મારી દે છે."


દુનિયાનો આ સૌથી હિંસક સંઘર્ષ છે?

અફઘાનિસ્તાનમાં ચાર દાયકાથી યુદ્ધ ચાલી રહ્યું છે અને કેટલાંક વર્ષોથી ત્યાં ઘર્ષણ ચાલી રહ્યું છે.

ગત વર્ષના અંતમાં આર્મ્ડ કૉન્ફ્લિક્ટ લોકેશન ઍન્ડ ઇવેન્ટ ડેટા પ્રૉજેક્ટ (એસીએલઈડી) મુજબ અફઘાનિસ્તાનમાં યુદ્ધના કારણે મૃત્યુના સંદર્ભમાં આ દુનિયાનો સૌથી લોહિયાળ સંઘર્ષ રહ્યો છે.

2019માં મૃતકોના આંકડાના સંદર્ભમાં એસીએલઈડીના રિપોર્ટ પ્રમાણે અફઘાનિસ્તાન હજુ હિંસક સંઘર્ષનો ગઢ છે.

આ આંકડા પ્રમાણે અફઘાનિસ્તાનમાં ઑગસ્ટ મહિનામાં સીરિયા અને યમનની સરખામણીમાં ત્રણ ગણાં મૃત્યુ થયાં છે.

ત્યારે જૂન 2019માં, ગ્લોબલ પીસ ઇન્ડેક્સ રિપોર્ટ પ્રમાણે અફઘાનિસ્તાનને દુનિયાની સૌથી ઓછી શાંતિપૂર્ણ જગ્યા ઠેરવી હતી.


બીબીસીએ કેવી રીતે ડેટા એકત્રિત કર્યો

વર્ષ 2019માં એક ઑગસ્ટથી લઈને 31 ઑગસ્ટ વચ્ચે બીબીસીએ અફઘાનિસ્તાનમાં બનેલા 1,200થી વધુ બનાવોની યાદી તૈયાર કરી હતી.

ત્યાર બાદ બીબીસી અફઘાન સેવા સાથે જોડાયેલા પત્રકારોએ દરેક રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવેલા બનાવોની માહિતી મેળવી, આ ઘટનાઓમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા સમાચાર બનેલા બનાવો અને હિંસાના નાના-મોટા બનાવો પણ સામેલ છે.

બીબીસીએ દરેક સમાચારની પુષ્ટિ કરી તેની તપાસ કરવા માટે સરકારી અધિકારીઓ, સ્વાસ્થ્ય કર્મીઓ, કબીલાના વડાઓ, સ્થાનિક નિવાસીઓ, સાક્ષીઓ, હૉસ્પિટલના દસ્તાવેજ અને તાલિબાનથી જોડાયેલા સ્રોત સહિત અફઘાનિસ્તામાં હાજર પોતાનાં અનેક સૂત્રોનો સંપર્ક કર્યો અને મોટી ગ્રાઉન્ડ ટીમનો ઉપયોગ કર્યો.

દરેક ઘટનાની પુષ્ટિ માટે બીબીસીને ઓછામાં ઓછા બે વિશ્વસનીય સ્રોતની જરૂર હોય છે.

હિંસાના બનાવની ખરાઈ કરતી વખતે માર્યા ગયેલા લોકોની સંખ્યાની ખરાઈ જો ઓછામાં ઓછા બે સ્રોતે કરી તો જ તેને દસ્તાવેજમાં સામેલ કરવામાં આવી.

જે બાબતોમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા એક સીમામાં આપવામાં આવી હતી (જેમકે 10થી 12), તેમાં લઘુતમ સંખ્યાને વિશ્વસનીય માનવામાં આવી.

જ્યારે જુદા-જુદા સ્રોતથી મળેલા આંકડામાં ફેર હતો ત્યાં સૌથી ઓછી સંખ્યાને માન્ય રાખવામાં આવી હતી.

પરિણામ સ્વરૂપ હિંસાની સંખ્યાબંધ ઘટનાઓને દસ્તાવેજમાં સામેલ કરવામાં નહોતી આવી, જેને કારણે મૃત્યુ પામનાર લોકોની અસલ સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ