એ માણસ જેણે જાણી જોઈને 200 વખત સાપના ડંખ ખાધા

બ્લૅક મૅમ્બા ટીમ ફ્રીડેને કરડતા Image copyright Getty Images
ફોટો લાઈન બ્લૅક મૅમ્બા નામનો સાપ જો કરડે તો

દુનિયામાં દર પાંચ મિનિટે કોઈ એક વ્યકિત સાપ કરડવાથી મૃત્યુ પામે છે અને 4 વ્યકિતઓને સાપના ઝેરને કારણે કાયમી ખોડ રહી જાય છે.

જોકે, દુનિયામાં કેટલાક એવા પણ લોકો છે જે સાપના ઝેરનું મારણ શોધવા જીવલેણ પ્રયોગો કરી રહ્યા છે.

અમેરિકાના વિસ્કોન્સિન રાજ્યમાં રહેતા ટિમ ફ્રીડે ઇરાદાપૂર્વક પોતાને સાપનો ડંખ મરાવે છે અને તેનો વીડિયો ઉતારીને યૂટ્યૂબ પર મૂકે પણ છે.


ડંખની પીડા

Image copyright Getty Images
ફોટો લાઈન ઘણી વખત ટિમ યૂટ્યૂબ પર દર્શકોને સમજાવે છે કે સાપ કરડ્યા પછી કેવો અનુભવ થાય છે

આવા એક વીડિયોમાં મમ્બા સાપ તેમને બે વાર ડંખ મારે છે તે પછી પણ તેઓ લોહી નીતરતા હાથે કૅમેરા સામે જોઈને બોલતા રહે છે.

"બ્લેક મમ્બાને કારણે તત્કાલ વેદના જાગે છે. હજારો મધમાખીએ ડંખ માર્યા હોય તેવું લાગે. મધમાખીમાં માત્ર એક કે બે મિલિગ્રામ ઝેર હોય, જ્યારે મમ્બાના એક ડંખમાં 300થી 500 મિલિગ્રામ ઝેર હોય છે."

તે પછી શું થયું તેની વાત તેમણે બીબીસી સાથે કરી હતી.

તેઓ કહે છે, "તે પછી મારા હાથ પર સોજા આવી ગયા હતા. થોડા દિવસ મારે આરામ જ કરવો પડ્યો હતો. મને કેટલો સોજો આવ્યો તેના આધારે હું અંદાજ લગાવી શકું છું કે સાપનું કેટલું ઝેર મારા શરીરમાં આવ્યુ હશે. તે બહુ પીડાદાયક હોય છે."


જોખમી અને અનૈતિક

Image copyright Getty Images
ફોટો લાઈન ટિમનું કહેવું છે કે હવે તેમના શરીરમાં સાપના કરડવા સામે પ્રતિરોધક શક્તિ વિકસી ગઈ છે

યૂટ્યૂબના તેમના ચાહકો અહોભાવમાં આવી જાય છે, પણ બધા આ વાતથી ખુશ નથી.

"આ લોકો શું કરે છે અમને સમજાતું નથી. આ અનૈતિક અને જોખમી છે. અમે તેમની સાથે કામ નથી કરતા," એમ લિવરપૂલ સ્કૂલ ઑફ ટ્રોપિકલ મેડિસિનના ડૉ. સ્ટુઅર્ટ એઇન્સવર્થ કહે છે.

તમામ પ્રકારનાં સાપનાં ઝેર સામે કામ આપે તેવી દવા કે રસી શોધવા અનેક સંસ્થાઓ છે અને તેમાં લિવરપૂલ સ્કૂલ ઑફ ટ્રોપિકલ મેડિસિનનો પણ સમાવેશ થાય છે.

સામાન્ય રીતે નવી રસી કે મારક દવા શોધવામાં આવે તેનો પ્રથમ પ્રયોગ ઉંદર અથવા લૅબોરેટરીમાં રખાયેલા અન્ય પશુઓ પર કરવામાં આવતો હોય છે.

પશુઓ પર દવા સલામત લાગે તે પછી જ તેનો પ્રયોગ માણસ પર કરવામાં આવે છે. આવા પ્રયોગ પણ નિયંત્રિત સ્થિતિમાં કરવામાં આવે છે.

ડૉ. એઇન્સવર્થ કહે છે કે "લોકો જાતે ડંખ મરાવે છે કેમ કે તેના પર કોઈ નિયંત્રણ નથી. પણ આવી રીતને કારણે મોત આવી શકે છે. આવું ન કરવું જોઈએ."

ઝેરનું મારણ શોધવાની બાબતમાં વૈશ્વિક ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં કોઈ માર્ગદર્શિકા ઉપલબ્ધ નથી.

"કોઈ ઉત્પાદન, સલામતી કે ગુણવત્તાના એકસમાન ધોરણો નથી," એમ યુકેસ્થિત વેલકમ ટ્રસ્ટ જણાવે છે. આ ટ્રસ્ટ ઝેર મારક દવા શોધવાના વૈજ્ઞાનિક પ્રયોગોને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે.


જીવનું જોખમ

Image copyright Getty Images
ફોટો લાઈન ટિમ કહે છે કે તેઓ ઘણી વખત મરતા બચ્યા ચે

સોશિયલ મીડિયામાં પોતાનું ફૉલોઇંગ વધારવા માટે તેઓ જીવનું જોખમ લઈ રહ્યા છે એવી વાતને ટિમ ફ્રીડે ભારપૂર્વક નકારી કાઢે છે.

તેઓ કહે છે કે "યૂટ્યૂબ વીડિયોઝ બનાવવા માટે મેં આવું નહોતું કર્યું. હું લોકોના જીવ બચાવવા માગતો હતો. મેં યૂટ્યૂબનો ઉપયોગ માત્ર એવા ડૉક્ટર્સનો સંપર્ક સાધવા માટે કર્યો હતો જેમની સાથે હવે હું કામ કરી રહ્યો છું. હું બહુ મોટો જુગાર રમ્યો હતો અને તે કામ કરી ગયો."

સાપની 3000 જેટલી જાત છે, તેમાંથી માત્ર 200 પ્રકારના સાપ જીવલેણ ઝેર ધરાવે છે. ફ્રીડે તેમાંથી ઘણા સાપને સારી રીતે ઓળખતા થઈ ગયા છે.

કોબ્રા, વાઇપર્સ, મમ્બાઝ એમ અનેક પ્રકારના સાપના 200થી વધુ ડંખ તેમણે છેલ્લાં 20 વર્ષમાં ખાધા છે. આ ઉપરાંત તેમણે 700થી વધુ વાર ઝેરના ઇન્જેક્શન લીધાં છે તે અલગ.

ડંખ મારીને સાપ કેટલું ઝેર છોડે છે તેનું પ્રમાણ અલગ અલગ હોય છે. ઘણી વાર સાપ કરડે ખરો પણ ઝેર ના છોડે. તેના કારણે ડોઝનું પ્રમાણ જાળવી રાખવા માટે ઇન્જેક્શન લેવામાં આવતા હતા.

ટિમ ફ્રીડે કહે છે કે "જો તમે સાપના ઝેર સામે સંપૂર્ણરીતે રક્ષણ ના ધરાવતા હો તો બ્લેક મમ્બા જેવા સાપના ડંખથી તમારી પેરિફરલ નર્વસ સિસ્ટમ પર અસર થાય છે."

"તમારા ડાયાગ્રામ જામી જાય છે અને તમે શ્વાસ લઈ શકતા નથી. તમારી આંખો બંધ થઈ જશે અને તમે ચાલી પણ નહીં શકો. તમે ધીમે ધીમે નબળા પડીને પેરેલાઇઝ્ડ થઈ જાવ છો."

"આને કારણે આપણી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અસર થતી નથી, તેથી હજીય તમે વિચાર કરી શકવાની સ્થિતિમાં હો છો. તમે મૃત્યુ ન પામો ત્યાં સુધી મગજ ચાલતું રહે"


કોબ્રાનો ડંખ ભારે હોય છે

Image copyright Getty Images
ફોટો લાઈન બ્લૅક મૅમ્બા ખતરનાક સાપ છે, જેના કરવાના અડધી કલાકમાં જ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે

ફ્રીડે પોતાના વરંડામાં કેટલાય ઝેરી સાપ રાખ્યા છે. તેના ડંખનો પ્રયોગ તેઓ પોતાના પર કરતા રહે છે.

"મારી પાસે આફ્રિકાનો વૉટર કોબ્રા છે. તેનો ડંખ બહુ જ ભારે હોય છે. કાળી વેદના થાય. મોત ભાળી જઈએ."

"વૉટર કોબ્રાનું ઝેર ન્યુરોટોક્સિન હોય છે, જે નર્વ સેલ્સને અસર કરે છે."

"બીજા કોબ્રાનાં ઝેરમાં સાયટોટોક્સિન હોય છે, જેનાથી નેક્રોસિસ થાય છે. રેટલ સ્નેકનાં ડંખથી થાય તે રીતે તેના કારણે આંગળી કે હાથ ગુમાવવો પડે."

ફ્રીડે એવી થિયરી પર કામ કરી રહ્યા છે કે થોડી થોડી માત્રામાં ઝેર શરીરમાં લીધા કરવાથી વ્યક્તિ પોતાના શરીરમાં પ્રતિકારશક્તિ પેદા શકે છે. જોકે આવી મેથડની ભારે ટીકા થઈ છે.


પ્રતિકારશક્તિ પેદા કરવી

Image copyright Getty Images

આવી જ પદ્ધતિનો માત્ર પ્રાણીઓ પર પ્રયોગ કરીને ઝેરમારક રસી વિકસાવાઈ છે ખરી, જે હાલમાં ઉપલબ્ધ એક માત્ર રસી છે.

આમાં, અશ્વ અથવા ઘેટામાં થોડા પ્રમાણમાં ઝેર દાખલ કરવામાં આવે છે. બાદમાં તે પ્રાણીઓના લોહીમાંથી એન્ટિબોડીઝ એકઠા કરવામાં આવે છે.

જોકે, 19મી સદીમાં ઝેરના મારક પદાર્થો શોધાયા પછી તેમાં ખાસ કોઈ પ્રગતિ થઈ નથી.

"આ પ્રાણીઓ એવા છે જે મને મારી નાખવા માગે છે, પણ હું મરવા માગતો નથી. એટલે હું પોતે અશ્વ જેવો બની રહ્યો છું. શા માટે આપણે ખુદને ઇમ્યુન ના બનાવી શકીએ?" એવો સવાલ ફ્રીડે પૂછે છે.

51 વર્ષના ફ્રીડે ટ્રક ડ્રાઇવર હતા. તેઓ કંઈ ઇમ્યુનોલૉજિસ્ટ નથી કે નથી તેઓ યુનિવર્સિટીમાં જઈને ભણ્યા. સાપના ડંખથી મરી જવાના ભયે છેલ્લાં 20 વર્ષથી આવા વિચિત્ર પ્રયોગો કરવા પર ચડ્યા છે.

તેમણે શરૂઆત કરોળિયા અને વીંછીથી કરી હતી. બાદમાં કોબ્રા અને કોપરહેડ સાપના ડંખના પ્રયોગો કર્યા હતા.

"મેં પૃથ્વી પરના બધા જ ઝેરી સાપના ડંખના પ્રયોગો નથી કર્યા. મેં એવા સાપ પસંદ કર્યા છે, જેના ડંખથી ઝડપથી મરી જવાય છે."

આવા પ્રયોગોના કારણે થયેલા ઘાવના ઘણા નિશાન તેમના શરીર પર છે. ક્યારેક તેઓ મોતની બહુ નજીક પહોંચી ગયા હતા. આમ છતાં મેડિકલ સુપરવિઝન વિના સાપના ડંખ ખાવામાં તેમને આનંદ આવી રહ્યો છે.

"12 વાર એવું બન્યું હતું કે માંડ માંડ બચ્યો હતો. મેં પ્રથમ વર્ષે પ્રયોગ કર્યો ત્યારે બે કોબ્રાના ડંખ પછી મારે હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તમારે આ રીતે જ શીખવું પડે. દુનિયામાં એવી કોઈ યુનિવર્સિટી કે ડૉક્ટર નથી, જે તમને આવું બધું શીખવે."


દ્વિગુણિત એન્ટિબોડિઝ

Image copyright Swaminathan Natarajan

તેમણે પ્રયોગો બાદ કરાવેલા મેડિકલ ચેકઅપથી આ મેથડ કામ કરે છે એવો આત્મવિશ્વાસ તેમનામાં આવ્યો છે.

"બીજો લોકોની સરખામણીએ મારા શરીરમાં ઝેર વિરોધી એન્ટીડોટ્સ બેગણા જણાયા છે."

લૅબોરેટરી ટેસ્ટમાં આ વાત સ્પષ્ટ થઈ છે એવો ફ્રીડેનો દાવો છે.

બે વર્ષ પહેલાં ટિમ ફ્રીડેના યૂટ્યુબ વિડિયોઝ પર ઇમ્યુનોલૉજિસ્ટ જેકોબ ગ્લેનવીલેનું ધ્યાન પડ્યું હતું. ફાઇઝર જેવી મોટી ફાર્મા કંપનીમાંથી પ્રિન્સિપલ સાયન્ટિસ્ટનો હોદ્દો છોડીને તેમણે ઝેર વિરોધી રસી શોધવા માટે પોતાની કંપની શરૂ કરી છે.

"ટિમ ફ્રીડે જે કામ કરે છે તે બહુ નોંધપાત્ર છે પણ બહુ જોખમી છે. હું કોઈને તેના માટે ભલામણ ના કરું," એમ ગ્લેનવીલે કહે છે.

તેમની કંપની ફ્રીડેના લોહીના નમૂનાનો ઉપયોગ કરીને નવા પ્રકારની ઝેર વિરોધી દવા શોધી રહી છે.

ટિમ ફ્રીડે કહે છે કે "તે લોકોએ મારા ડીએનએ, આરએનએ, એન્ટિબોડીઝ લીધા છે અને તેને ક્લોન કરી રહ્યા છે. આ સૌથી ઊંચા પ્રકારનું વિજ્ઞાન છે."


સારવારમાં ઉપેક્ષા

Image copyright Getty Images

વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર દર વર્ષે 54 લાખ લોકોને સાપ કરડે છે. તેમાંથી અંદાજે 81,000થી 1,38,000 લોકોનાં મૃત્યુ થાય છે. 4,00,000થી વધુ લોકોને કાયમી ખોડ સર્જાય છે.

દર વર્ષે 19 સપ્ટેમ્બરને સાપના ડંખ સામે જાગૃતિના દિવસ તરીકે ઊજવવામાં આવે છે.

તેની પાછળનો વિચાર એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના ગ્રામીણ વિસ્તારના લોકોને સાપ કરડ્યા પછી સારી સારવાર મળતી નથી તે બાબત તરફ ધ્યાન દોરવાનો છે.

ઘણા દેશોમાં ઝેરના મારણની દવા સરળતાથી મળતી નથી કેમ કે તેને જાળવવાની સમસ્યા હોય છે.

કેટલીક દવા અમુક પ્રકારના સાપના ડંખ પર જ કામ લાગે છે, તેના કારણે પણ મુશ્કેલી થાય છે.


ઉંદર પર પ્રયોગની તૈયારી

Image copyright Getty Images
ફોટો લાઈન નવી દવાઓ ઉંદર પર ટેસ્ટ કરવામાં આવે છે

આ વર્ષે મે મહિનામાં વેલકમ ટ્રસ્ટે વધારે સારી ઝેરમારક દવા અને નવી સારવારની શોધ માટે 10 કરોડ ડૉલરના ફંડની જાહેરાત કરી છે.

બીજી પણ ઘણી સંસ્થાઓ વધારે સલામત અને સસ્તી ઝેરમારક દવા શોધવા માટે સક્રિય છે.

જો ગ્લેનવીલે સાથેના સંપર્ક બાદ નવી રસી શોધી શકાશે તો ફ્રીડેને પણ સારી એવી કમાણી થશે.

"તમે કંઈ પૈસા માટે ડંખ ખાવા તૈયાર ના થાવ. પણ અમે રસી વિકસાવી શકીશું, તો બહુ પૈસા મળશે. મારા વકીલ પણ છે અને મેં કોન્ટ્રેક્ટ સાઇન પણ કર્યો છે," એમ ફ્રીડે કહે છે.

ગ્લેવવિલે આગામી દિવસોમાં થનારા પ્રયોગો વિશે ઉત્સાહિત છે.

તેઓ કહે છે કે "સંશોધન બરાબર ચાલી રહ્યું છે અને અમે ઉંદર પર ટેસ્ટ કરવાની તૈયારીમાં છીએ."


હેતુ ખાતર જોખમ

Image copyright Getty Images
ફોટો લાઈન ટિમનું કહેવું છે કે તેઓ કારણસર પોતાનો જીવ જોખમમાં મૂકે છે

ગ્લેનવિલે અને ટિમ ફ્રીડેની વૈજ્ઞાનિક સમુદાયમાં ભારે ટીકા થઈ રહી છે. તેઓની વિચિત્ર પ્રકારની મેથડને કારણે તેમની ટીકા થાય છે પણ બંને પોતાના સંશોધનોનો જોરદાર બચાવ કરી રહ્યા છે.

"અમે બાયોએથિક્સને બરાબર ધ્યાનમાં રાખ્યું છે. જોબને કારણે થતી ઈજા કે એચઆઈવી વગેરેમાં જે રીતે કાળજી લેવામાં આવે છે તે રીતે પૂરતી કાળજી સાથેના મોડેલ પર અમે કામ કરી રહ્યા છીએ," એમ ગ્લેનવીલે કહે છે.

જોકે આ પ્રકારનો રસ્તો બધા લોકો અપનાવી ન શકે તે વાત સ્વીકારીને ટીમ ફ્રીડે કહે છે કે તેમના પ્રયોગોનું ફળ હવે મળવામાં જ છે.

"આ હદે જઈને કામ કરવા પાછળ એક હેતુ છે. હું બધા જ પ્રકારના ઝેરનું મારણ મળે તે માટે મારી જાતને જોખમમાં મૂકી રહ્યો છું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા