ગ્રેટા થનબર્ગ : આ કિશોરી દર શુક્રવારે સ્કૂલમાં ગેરહાજર રહીને વિશ્વને શું સંદેશ આપવા માગે છે?

ગ્રેટા Image copyright Getty Images

"પરિવર્તન લાવવા માટે તમે ક્યારેય નાના નથી હોતાં," આ શબ્દો છે ક્લાઇમેટ ચેન્જ માટે લડી રહેલાં 16 વર્ષનાં ગ્રેટા થનબર્ગના.

એક વર્ષ પહેલાં સ્વીડનનાં આ કિશોરીએ પર્યાવરણને બચાવવા અંગે શરૂ કરેલી ઝુંબેશ હવે સમગ્ર દુનિયામાં ચર્ચાઈ રહી છે.

પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા માટે લડી રહેલાં ગ્રેટાએ હવે આ મામલે વૈશ્વિક હડતાળનું આહવાન કર્યું છે.

તેમણે 20 અને 27 સપ્ટેમ્બરના રોજ 156 દેશોમાં યોજાનારા 5,225 જેટલા કાર્યક્રમોમાં હાજરી આપીને લોકોને રસ્તા પર આવવા માટે આહ્વાન કર્યું છે.

તેમણે કહ્યું છે, "દરેક વ્યક્તિએ 20 અને 27 સપ્ટેમ્બરે પ્રદર્શનમાં જોડાવું જોઈએ કારણ કે આ એક એવો વિષય છે જે દરેક વ્યક્તિને અસર કરે છે.''


કોણ છે ગ્રેટા?

Image copyright Getty Images

2018ના ઑગસ્ટ મહિનામાં 15 વર્ષનાં ગ્રેટા થનબર્ગ અંગે દુનિયાને જાણ થઈ. એ સમયે તેમણે #FridaysForFuture નામની એક ઝુંબેશ શરૂ કરી હતી.

તેમણે ત્રણ અઠવાડિયાં સુધી સ્વીડનની સંસદ બહાર પર્યાવરણના સંકટ મામલે પૂરતાં પગલાં ન લેવાયાં હોવાનો વિરોધ કર્યો.

પોતે કરી રહેલા વિરોધ પ્રદર્શન વિશે તેમણે સોશિયલ મીડિયામાં માહિતી આપી અને તેમની પોસ્ટ વાઇરલ થઈ ગઈ, જે બાદ વિશ્વભરના લોકોનું ધ્યાન તેમની તરફ ખેંચાયું.

જે બાદ 8 સપ્ટેમ્બર 2018ના દિવસથી તેમણે નક્કી કર્યું કે પર્યાવરણને બચાવવા માટે તેઓ દર શુક્રવારે હડતાળ કરશે.

તેઓ દર શુક્રવારે વિવિધ વિરોધ પ્રદર્શનમાં હાજર રહેતાં હોવાથી સ્કૂલે જઈ શકતાં નથી.

જ્યારે તેમણે સ્વીડનની સરકાર સામે વિરોધ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમની માગ હતી કે સરકાર પેરિસ ક્લાઇમેટ સમજૂતીનું પાલન કરે અને તેને અનુરૂપ નીતિઓ ઘડે.

પેરિસ ક્લાઇમેટ સમજૂતીમાં વૈશ્વિક તાપમાન 2 ડિગ્રી સુધી ઘટાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

તેમનું અભિયાન મોટા પાયે ચર્ચાનો વિષય બન્યું અને સોશિયલ મીડિયા પર #FridaysForFuture અને #Climatestrike જેવા હૅશટૅગ સાથે લોકો તેમને સપોર્ટ કરવા લાગ્યા.

ફ્રાઇડે ફૉર ફ્યૂચર ડૉટ ઓઆરજી નામની વેબસાઇટ મુજબ ગ્રેટાના વિરોધ બાદ વિશ્વનાં અનેક શહેરોમાં વિદ્યાર્થીઓ અને લોકો સંસદની સામે કે સ્થાનિક સ્તરે વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા.

સ્વિડીશ કિશોરી ગ્રેટા પોતાના ટ્વિટર પેજ પર પોતાની ઓળખાણ આપતા લખે છે, "એસ્પર્જર ધરાવતી એક 16 વર્ષની ક્લાઇમેટ ઍક્ટિવિસ્ટ".


અન્ય દેશઓના વિદ્યાર્થીઓ પ્રેરિત થયા

તેમની ઝુંબેશે દુનિયાભરના વિદ્યાર્થીઓને પ્રેરણા આપી છે.

ગ્રેટાની ઝુંબેશથી પ્રેરાઈને 15 માર્ચ 2019થી દુનિયાનાં ઘણાં શહેરોના વિદ્યાર્થીઓએ દર શુક્રવારે હડતાળની શરૂઆત કરી છે.

જર્મની, જાપાન, યુકે અને ઑસ્ટ્રેલિયામાં હજારો વિદ્યાર્થી ફ્રાઇડે ફૉર ફ્યુચર પ્રદર્શનમાં જોડાયા હતા.

ગ્રેટાની ઝુંબેશનો પ્રભાવ વિશ્વના કેટલાય મોટા મંચ પર જોવા મળ્યો. જ્યાં તેમણે વિશ્વના નેતાઓને પર્યાવરણને બચાવવા માટે ઠોસ પગલાં લેવાનાં નિવેદન કર્યાં હોય.

ગત વર્ષે ડિસેમ્બરમાં પૉલૅન્ડમાં યોજાયેલી યુએન કલાઇમેટ ટૉક્સ તેમજ 2019 જાન્યુઆરીમાં દાવોસમાં યોજાયેલી વર્લ્ડ ઇકોનૉમિક ફૉરમની બેઠકમાં તેમના વક્તવ્ય બાદ તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં રહ્યાં છે.


એસ્પર્જર બીમારી

Image copyright Getty Images

ગ્રેટા તેમની નીડરતા માટે પણ જાણીતાં છે.

ચાર વર્ષ પહેલાં તેમને એસ્પર્જર નામની બીમારી હોવાનું સામે આવ્યું હતું.

તેમણે બીબીસીને કહ્યું હતું, "બધાથી જુદા હોવું એક સોગાત છે. જેને કારણે હું એ જોઈ શકું છું જે સામાન્યપણે લોકો નથી જોઈ શકતાં."

"મારી સામે કોઈ સહેલાઈથી જૂઠાણું ન બોલી શકે, હું પકડી શકું છું. જો હું બધા જેવી જ હોત તો હું સ્કૂલની હડતાળ શરૂ ન કરી શકી હોત."

એસ્પર્જરને કારણે તેમને ઘણી વખત સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યાં છે.

તેના જવાબમાં તેમણે ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, "જ્યારે નફરત કરનારા લોકો તમારા દેખાવ અને તમારા અલગ હોવાને કારણે તમારા પર ટિપ્પણી કરે તો કદાચ તેમની પાસે કરવા માટે બીજું કશું નથી."

"એસ્પર્જરને કારણે હું લોકો કરતાં ક્યારેક અલગ હોઈ શકું છે અને સારી પરિસ્થિતિમાં-અલગ હોવું એક સુપરપાવર જેવું હોઈ શકે છે."

દર શુક્રવારે સ્કૂલમાં ગેરહાજર રહીને સ્વીડનની સંસદની બહાર પ્રદર્શન કરવા વિશે ગ્રેટાએ એક વખત કહ્યું હતું, "હું હજુ વોટ નથી આપી શકતી એટલે આ રીતે હું મારો અવાજ તેમના સુધી પહોંચાડી રહી છું."

ગુજરાતની જીવાદોરી નર્મદા કેમ લોકો માટે બની રહી છે ખતરો?


નોબલ પુરસ્કાર માટે ભલામણ

ગ્રેટાએ આંતરરાષ્ટ્રિય સ્તરે ક્લાઇમેટ ચૅન્જ માટે ઝુંબેશ ચલાવી છે જેને જોતાં નોર્વેના ત્રણ સાસંદોએ ગ્રેટાના નામની ભલામણ નોબલ શાંતિ પુરસ્કાર માટે કરી છે.

જો ગ્રેટાને આ વર્ષનું પીસ પ્રાઇઝ મળશે તો તે પીસ પ્રાઇઝ મેળવનારી સૌથી નાની વયની વ્યક્તિ બનશે.

એ સિવાય આંતરરાષ્ટ્રીય સંસ્થા ઍમનેસ્ટી ઇન્ટરનેશનલે પણ ક્લાઇમેટ ચેન્જ વિશે જાગૃતિ લાવવા માટે ગ્રેટાની ઝુંબેશ બદલ તેમનું સન્માન કર્યું હતું.

ગ્રેટાએ કરેલી ઝીરો કાર્બન યાત્રા પણ ચર્ચામાં રહી હતી.

હાલમાં કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે ગ્રેટાએ યુકેથી અમેરિકાની સફર વિમાનમાં નહીં પરંતુ દરિયાના માર્ગે કરી હતી.

ગ્રેટાએ 14 ઑગસ્ટે યૂરોપથી મુસાફરી શરુ કરી હતી અને એટલાન્ટિક સાગરના માર્ગે 28 ઑગસ્ટે ન્યુયૉર્ક પહોંચ્યાં હતાં.

તેઓ 20 અને 23 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર ક્લાઇમેટ ચેન્જ સમિટમાં ભાગ લેવા ન્યુયૉર્ક આવ્યાં છે.


નેતા સામે નીડર ગ્રેટા

ગ્રેટા થનબર્ગ દુનિયાના દેશોના નેતાઓને ક્લાઇમેટ ચેન્જ અંગે વૈજ્ઞાનિકોની સલાહ સાંભળવાનું કહેતા આવ્યાં છે.

પરંતુ ઘણી વખત તેમને આ અંગે નેતાઓના વિરોધનો સામનો પણ કરવો પડ્યો છે.

ફ્રાન્સના સંસદસભ્યોને સંબોધવા ગયેલાં ગ્રેટાએ જ્યારે સલાહ આપી તો સંસદસભ્યોને તે ગમ્યું નહોતું. કેટલાક દક્ષિણપંથી સંસદસભ્યોએ તેમનો બહિષ્કાર કર્યો હતો.

હાલ તેઓ અમેરિકામાં કૉંગ્રેસ સભ્યો સામે હાજર થયાં જ્યાં તેમણે પર્યાવરણને બચાવવા નક્કર પગલાં લેવાની વાત કહી.

જ્યારે કૉંગ્રેસ સદસ્ય ગૅરેટ ગ્રેવ્સે ગ્રેટાને જવાબ આપતા કહ્યું કે અમેરિકા ક્લાઇમેટ ટૅક્નૉલૉજી પાછળ સૌથી વધારે ખર્ચ કરે છે. હું તમને એક સવાલ પૂછું છું કે તમે દરિયાના રસ્તે મુસાફરી કરીને આવ્યાં અને દરિયામાં કચરો ઉપાડતા આવ્યાં. એ જ વખતે બીજી બોટ દરિયામાં કચરો નાખે તો કેવું લાગશે."

ગ્રેટાએ કહ્યું હું દરિયામાં કચરો નહીં નાખું અને નાખવા પણ નહીં દઉં.

ગૅરેટ ગ્રેવ્સે કહ્યું કે આ જ મુદ્દો છે. બીજા દેશોને જોવાની જરૂર છે.

ગ્રેટાએ જવાબ આપ્યો, '' હું સ્વીડન જેવા નાના દેશમાંથી આવું છું અને ત્યાં ચર્ચા છે કે અમેરિકાએ કંઈક કરવું જોઈએ?''

ગ્રેટાએ કૉંગ્રેસમાં કહ્યું, ''હું ઇચ્છું છું કે તમે વૈજ્ઞાનિકોનું સાંભળો અને એવું પણ ઇચ્છું છું કે તમે તેમની પડખે ઊભા રહો. તમે જરૂર પ્રમાણે પગલાં લો એ પણ હું ઇચ્છું છું.''

Image copyright TWITTER/@BARACKOBAMA

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને તેઓ મળ્યાં હતાં. ત્યારે ઓબામાએ તેમના કામનાં વખાણ કર્યાં હતાં.

તેમણે આ મુલાકાત વિશે લખ્યું હતું, "ગ્રેટા માત્ર 16 વર્ષની ઉંમરમાં પૃથ્વી માટે જાગૃતિ લાવવાનું કામ કરી રહ્યાં છે."

"તેમની પેઢીના લોકોને ક્લાઇમેટ ચેન્જની સૌથી વધુ અસરનો સામનો કરવો પડશે એટલે તેઓ નીડરતાથી પગલાં લેવાની વકીલાત કરી રહ્યાં છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ