#HowdyModiનો જવાબ આપતા નરેન્દ્ર મોદીએ NRG સ્ટેડિયમમાં કહ્યું 'ભારતમાં બધું સારું છે'

મોદી ટ્રમ્પ Image copyright Getty Images

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'હાઉડી મોદી' કાર્યકમમાં ભારતની સ્થિતિ વિશે કહ્યું કે 'ભારતમાં બધું સારૂં છે.'

કાર્યક્રમની શરૂઆતમાં સાંસ્કૃતિક કાર્યક્રમોથી થઈ હતી. એ પછી નરેન્દ્ર મોદીનું સ્ટેડિયમમાં આગમન થયું હતું.

આ કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પે પણ હાજરી આપી હતી

અમેરિકા અને ભારતના રાષ્ટ્રગીત સાથે મોદી-ટ્રમ્પના કાર્યક્રમની શરૂઆત થઈ હતી.

અગાઉ હ્યુસ્ટનના મેયર સિલ્વેસ્ટર ટર્નરે એમનું સ્વાગત કર્યું હતું. ટેક્સાસના ડેલિગેશને પણ સ્વાગત કર્યું હતું.


ફરી નરેન્દ્ર મોદીનું ભાષણ - 'ભારતમાં બધું સારું છે'

Image copyright Getty Images

ટ્રમ્પના ભાષણ પછી નરેન્દ્ર મોદીએ ફરી ભાષણ આપ્યું હતું.

એમણે કહ્યું આ કાર્યક્રમનું નામ હાઉડી મોદી છે તો એનો જવાબ હું આપીશ - ''બધું સારું છે.''

આ પછી નરેન્દ્ર મોદીએ ''બધું સારું છે'' એ અન્ય ભારતીય ભાષાઓમાં પણ કહ્યું હતું.

એમણે કહ્યું કે ''આજકાલ અમે પોતાની સાથે સ્પર્ધા કરી રહ્યા છીએ. પોતાને પડકાર આપી રહ્યા છીએ. આજે ભારત અગાઉ કરતાં વધારે ગતિએ આગળ વધવા માગે છે. કેટલાક લોકોની જે વિચારસરણી હતી કે કંઈ બદલાતું નથી તેને પડકાર આપી રહ્યા છીએ.''


નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

Image copyright REUTERS

નરેન્દ્ર મોદીએ ભાષણની શરૂઆત ડોનાલ્ડ ટ્રમ્પનાં વખાણ સાથે કરી.

એમણે કહ્યું ''આપણી સાથે એક ખાસ વ્યક્તિ છે અને તેઓ કોઈ પરિચયના મોહતાજ નથી. દુનિયાનો દરેક માણસ એમના વિશે જાણે છે.''

''આ મહાન દેશના સર્વોચ્ચ પદ પર બેસતાં પહેલાં પણ સહુ તેમને ઓળખતા હતા. એમનું અહીં સ્વાગત કરવું એ મારા માટે સન્માન છે.''

''એમણે વ્હાઇટ હાઉસને ભારતનો સાચો મિત્ર ગણાવીને કહ્યું કે હું એમને અનેક વાર મળ્યો અને દરેક વખતે તેઓએ આવકાર આપ્યો છે.''

''એમની નેતૃત્વની ભાવના અને અમેરિકા માટેના જોશને હું ખૂબ આદર આપું છું. એમણે અમેરિકાની અર્થવ્યવસ્થાને અગાઉ કરતાં મજબૂત બનાવી છે. એમણે અમેરિકા માટે અને દુનિયા માટે ઘણું હાંસલ કર્યું છે.''

2020માં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે મોદીએ કહ્યું કે ''હું ઉમેદવાર ટ્રમ્પ માટે કહીશે કે અબ કી બાર ટ્રમ્પ સરકાર.''


ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?

Image copyright Ani

પોતાની વાત પૂરી કરી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સંબોધન માટે આમંત્રણ આપ્યું.

ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યક્રમમાં આવેલા ભારતીય અમેરિકન સમુદાયનો આભાર માન્યો અને લોકસભાની ચૂંટણી જીત ફરી સત્તામાં આવવા પર નરેન્દ્ર મોદીને અભિનંદન પણ આપ્યાં.

એમણે કહ્યું કે ''ભારત અને અમેરિકાના સહિયારા સપના પર હું અને નરેન્દ્ર મોદી વાત કરતા રહીએ છીએ. ભારતીય અમેરિકનો અમારા દેશની સંસ્કૃતિ અને મૂલ્યોને મજબૂત કરે છે. અમે તમને અમેરિકન નાગરિક તરીકે પામીને ગર્વ અનુભવીએ છીએ.''

તેમણે કહ્યું કે ''વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાણે છે કે ભારત અને અમેરિકાના સંબંધો કેટલા સારા સ્તરે પહોંચ્યા છે. આપણા બેઉ દેશોનું બંધારણ ત્રણ શબ્દોથી શરૂ થાય છે - વી ધ પીપલ.''

''આ દર્શાવે છે કે ભારત અને અમેરિકા એકસમાન છે. અમે અમારા નાગરિકો માટે સમર્પિત છીએ.''

''નરેન્દ્ર મોદીની યોજનાઓથી ભારતમાં 30 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા તે કમાલની વાત છે. આવનારા દસકામાં 14 કરોડ લોકો ભારતીય મધ્યમવર્ગમાં સામેલ થઈ જશે.''

''આપણે જોઈ શકીએ છીએ કે અમેરિકા અને ભારતમાં લોકો સાધનસંપન્ન થઈ રહ્યા છે, કેમ કે આપણે નોકરશાહી અને લાગવગશાહીથી આવનારી અડચણો પર લગામ લગાવી છે.''

આ પછી ટ્રમ્પે પોતાના કાર્યકાળની ઉપલબ્ધીઓ ગણાવી અને કહ્યું કે તેનાથી ખાસ કરીને ટેક્સાસને અને ભારતીય અમેરિકન સમુદાયને ફાયદો થયો છે.

ટ્રમ્પે સંરક્ષણ સોદાનો હવાલો આપીને કહ્યું કે બેઉ દેશો વચ્ચે ટૂંકમાં સંરક્ષણ સોદો થશે.

એમણે નવેમ્બરમાં બેઉ દેશોની ત્રણે સૈન્યપાંખ સંયુક્ત યુદ્ધ અભ્યાસ કરશે એવી વાત કરી.

ટ્રમ્પે કહ્યું કે ''જનતાની સુરક્ષામાં કામ કરતા અને કટ્ટરપંથી ઇસ્લામી ઉગ્રવાદથી બચાવ કરતા તમામ ભારતીય અને અમેરિકન સૈનિકોનું સન્માન કરીએ છીએ.''

''જો આપણે આપણા લોકોની રક્ષા કરવી હશે તો આપણે આપણી સીમાઓની રક્ષા કરવી પડશે. હું જાણું છું કે અમેરિકા અને ભારત બેઉ માટે સરહદી સુરક્ષા કેટલી મહત્ત્વની છે.''

''હું નથી ઇચ્છતો કે ગેરકાયદે પ્રવાસીઓ અહીં આવીને જે કાયદેસર પ્રવાસીઓ છે તેમનો હક છીનવે.''

છેલ્લે ટ્રમ્પે ભારત સાથેના સંબંધો હજી ગાઢ થશે અને તેઓ તકનિક, આરોગ્ય અને અંતરીક્ષમાં સહયોગ વધારશે એવી વાત કરી.


ગો બૅક મોદીના નારા પણ પોકારાયા

Image copyright Ranjitha Jangama/BBC
ફોટો લાઈન લોકોનો વિરોધ

હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમનો અનેક લોકો વિરોધ પણ કરી રહ્યા છે.

સ્ટેડિયમની બહાર અનેક લોકોએ વિરોધ પ્રદર્શન કરીને ગો બૅક મોદીના નારા પોકાર્યા હતા.

કાશ્મીર મામલે પણ દેખાવો થયા હતા. મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકોએ નરેન્દ્ર મોદીનો વિરોધ કર્યો હતો.

Image copyright Ranjitha Jangama/BBC
ફોટો લાઈન લોકોનો વિરોધ

લોકોએ બેનર્સ અને પ્લેકાર્ડ દ્વારા વિરોધ કર્યો. કેટલાક લોકોએ નરેન્દ્ર મોદીને ફાસિસ્ટ ગણાવ્યા.

નરેન્દ્ર મોદીના કાર્યક્રમ હાઉડી મોદીને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


'ઝૂલણ મોરલી વાગી'

Image copyright Getty Images

મોદીના ભાષણ અગાઉ સ્ટેજ પર ગરબાની રમઝટ બોલી હતી અને અમેરિકન ભારતીયોની ઝાંખી રજૂ કરાઈ હતી.

કાર્યક્રમમાં બાંગ્લા ભાષાના 'એકલા ચલો રે' ગીતની પ્રસ્તુતિ થઈ હતી.

સ્ટેજ પરથી 'ઝૂલણ મોરલી વાગી રે' રજૂ થતાં ઉત્સાહી દર્શકોએ સ્ટેડિયમમાં ગરબા લીધા હતા.

ઉપરાંત 'ગોકુળ આવો ગિરધારી' પર પણ નૃત્ય થયું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના સાત દિવસના પ્રવાસે છે.

સાત દિવસના આ પ્રવાસ દરમિયાન તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને બે વખત મળશે.

બન્ને નેતાઓ 24 સપ્ટેમ્બરે ન્યૂયૉર્કમાં પણ મળશે, જ્યાં મોદી સંયુક્ત રાષ્ટ્રના વાર્ષિક મહાધિવેશનમાં હાજર રહેશે.


હું મારા મિત્રની સાથે રહીશ - ડોનાલ્ડ ટ્રમ્પ

Image copyright ANI

સમાચાર સંસ્થા એએનઆઈએ ધ વોઇસ ઑફ અમેરિકાના સ્ટીવ હૅરમૅનના હવાલાથી તેની તસવીર ટ્ટીટ કરી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્ટીટ કર્યું હતું. એમણે કહ્યું કે હું હ્યુસ્ટનમાં મારા મિત્રની સાથે રહીશ.


એનઆરજી સ્ટેડિયમમાં ગરબા, ભાંગડા અને ગાંધીજી

Image copyright Ranjitha Jangama/BBC

હાઉડી મોદી કાર્યક્રમ જ્યાં યોજાઈ રહ્યો છે તેની અંદર ભારતીય દર્શકો ઉત્સાહમાં છે.

સ્ટેડિયમની અંદર કેટલાક ગુજરાતીઓએ ગરબા પણ લીધા હતા.

તો ઉત્સાહી પંજાબી દર્શકોએ ભાંગડા નૃત્યની મજા માણી હતી.

સ્ટેડિયમની બહાર હરે ક્રિશ્ના હરે રામાની ધૂન સાથેની ઇસ્કોનની મંડળી પણ જોવા મળી.

સ્ટેડિયમની બહાર ગાંધીજીની વેશભૂષામાં એક વ્યકિત જોવા મળી.


એનઆરજી સ્ટેડિયમની બહાર સમર્થકોની ભીડ

Image copyright Ranjitha Jangama/BBC
ફોટો લાઈન એનઆરજી સ્ટેડિયમ

હ્યુસ્ટનમાં આવેલા એનઆરજી સ્ટેડિયમની બહાર સમર્થકોની ભીડ જામી હતી.

કાર્યક્રમના આયોજક ટેક્સાસ ઇન્ડિયા ફૉરમે એના સત્તાવાર સોશિયલ મીડિયા પર આની માહિતી આપી છે.

આ દરમિયાન હ્યુસ્ટન શહેર સત્તાવાર સોશિયલ મીડિયાએ ભાગ લેનારા લોકોને ફરી યાદ કરાવ્યું છે કે સ્ટેડિયમમાં બૅગપૅક્સ, ડાઇપર બૅગ સહિતની વસ્તુઓ પ્રતિબંધિત છે.

એમણે લોકોને એક પણ બૅગ નહીં લઈને જવા વિનંતી કરી છે અને આ અંગેની શહેરની માર્ગદર્શિકા પણ રજૂ કરી હતી.

આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરી પંડિતો, શીખ સમુદાયના લોકો સાથે મુલાકાત કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો