ગર્લફ્રેન્ડને અન્ડર વૉટર પ્રપોઝ કરવાનો પ્લાન હતો પરંતુ...

સ્ટીવ વેબર Image copyright KENESHA ANTOINE

એ એમની જિંદગીનો સૌથી યાદગાર દિવસ બની શકે એમ હતો, પરંતુ એક જ પળમાં બધું બદલાઈ ગયું.

આ માણસ એક ખાસ અંદાજમાં ઊંડા પાણીની અંદર પોતાની પ્રેયસીને પ્રપોઝ કરવા માગતા હતા, પરંતુ એક દુર્ઘટનામાં પ્રેમ માતમમાં ફેરવાઈ ગયો.

આ પ્રેમીયુગલ રજાઓ ગાળવા માટે ટાન્ઝાનિયા ગયું હતું.

અમેરિકન યુવક પાણીની અંદર પોતાની પ્રેયસીને પ્રપોઝ કરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી.

Image copyright KENESHA ANTOINE ON FACEBOOK

સ્ટીવ વેબર નામની આ વ્યકિત અને તેમનાં ગર્લફ્રેન્ડ કેનેશા ઍંટોઇન પેપ્મા ટાપુથી થોડે દૂર એક પાણીની કૅબિનમાં રોકાયાં હતાં.

દુર્ઘટનાનાં જે દૃશ્યો સામે આવ્યાં એમાં દેખાય છે કે વેબર પાણીની અંદર જઈને પોતાની પ્રેયસીને સામે લગ્નનો પ્રસ્તાવ મૂકી રહ્યા હતા.

વેબરની પ્રેયસી કેનેશાએ પોતાની ફેસબુક પોસ્ટ દ્વારા મૃત્યુના સમાચાર જાહેર કરતાં લખ્યું કે તેઓ એ ઊંડા પાણીમાંથી કદી બહાર આવી ન શક્યા.

Image copyright KENESHA ANTOINE ON FACEBOOK

માન્ટા રિસોર્ટે બીબીસીને કહ્યું કે આ ખૂબ જ કમનસીબ છે.

એમણે કહ્યું કે તેઓ ગુરુવારની બપોરે પોતાના રૂમમાંથી એકલા જ પાણીમાં ડૂબકીઓ મારવા નીકળી ગયા અને તેને કારણે ડૂબી ગયા.

રિસોર્ટે નિવેદન આપતા કહ્યું કે આ ખૂબ જ દુઃખદ છે અને એમનો તેનો ઘણો સંતાપ છે.

નિવેદનમાં કહેવાયું છે કે અમને એ જણાવતા ઘણું દુઃખ થાય છે કે માન્ટા રિસોર્ટમાં આ દુર્ઘટના ઘટી છે.

રિસોર્ટના સીઈઓ મેથ્યૂ સૉર્સે કહ્યું કે વેબરના મૃત્યુથી અમે હલબલી ગયા છીએ.

આ પ્રેમીયુગલે આ રિસોર્ટમાં ચાર રાત માટે અન્ડર વૉટર રૂમ બૂક કરાવ્યો હતો.

Image copyright KENESHA ANTOINE ON FACEBOOK

આ રૂમ કાંઠાથી ફક્ત 250 મિટર દૂર પાણીમાં હતો. આ રૂમનું એક રાતનું ભાડું 1700 ડૉલર જેટલું હોય છે અને તે પાણીમાં આશરે 10 મિટર અંદર હોય છે.

વેબર અને કેનેશાનો રિસોર્ટમાં ત્રીજો દિવસ હતો. વેબર લૂસિયાનાના રહેવાસી હતા અને તેમણે પોતાની પ્રેમિકાને લગ્ન માટે પ્રપોઝ કરવા પાણીમાં ડૂબકી લગાવી હતી.

તેમણે આંખો પર પાણીમાં વાપરવા માટેનાં ચશ્માં પહેરેલાં હતાં અને ફ્લિપર્સ પણ પહેરેલા હતા. તેઓ પાણીમાં રહેલા રૂમની બહાર એક નોટ સાથે હતા. એમનાં ગર્લફ્રેન્ડ એમની તરફ જ જોઈ રહ્યાં હતાં.

પ્લાસ્ટિકની પારદર્શક બૅગમાં મૂકેલી એ નોટમાં લખ્યું હતું, "તમારી સાથે જોડાયેલી દરેક વસ્તુથી મને પ્રેમ છે એવું કહેવા માટે હું વધારે સમય શ્વાસ રોકી શકતો નથી, પરંતુ હું તમારી સાથે જોડાયેલી દરેક વસ્તુને પ્રેમ કરું છું અને તે પ્રેમ દરરોજ વધતો જ જાય છે."

Image copyright THE MANTA RESORT

આ વીડિયોમાં થોડી વાર પછી દેખાય છે કે તેઓ પોતાના શૉર્ટ્સમાંથી એક વીંટી કાઢે છે અને પછી વીડિયો દેખાતો બંધ થઈ જાય છે.

રિસૉર્ટના સીઈઓ મેથ્યૂ સૉર્સનું કહેવું છે કે પાણીમાં થયેલી ગરબડ સામે સ્ટાફે તરત પ્રતિક્રિયા આપી, પરંતુ તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે કશું જ થઈ શકે તેમ નહોતું.

પોતાની ફેસબુક પોસ્ટમાં વેબરનાં ગર્લફ્રેન્ડ કેનેશાએ લખ્યું કે તેઓ કદી પોતાની પ્રપોઝલનો જવાબ ન સાંભળી શક્યા. લાખો વાર પૂછત તો પણ એનો જવાબ 'હા' જ હોત.

એમણે ફેસબુક પર લખ્યું, "અમે કદી જિંદગીની નવી શરૂઆતનો ઉત્સવ મનાવી ન શક્યાં. જે દિવસ અમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનવાનો હતો તે સૌથી ખરાબ બની ગયો."

અમેરિકાના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે તેમને જાણ છે કે તેમના એક નાગરિકનું ટાન્ઝાનિયામાં મૃત્યુ થયું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો