તુર્કીનો સીરિયા પર હુમલો : કુર્દ લોકો પોતાની જ જમીન પર બરબાદ કેમ થઈ રહ્યા છે?

મહિલા Image copyright Getty Images

તુર્કીએ ઉત્તર સીરિયામાં કુર્દોના વિસ્તારમાં હુમલાઓ શરૂ કર્યા છે. અત્યાર સુધી 11 નાગરિકો અને કુર્દોની આગેવાનીવાળા સંગઠન એસડીએફના ડઝનેક યોદ્ધાઓ માર્યા ગયા છે.

હજારો લોકો બેઘર થયાં છે અને આ મામલે આંતરરાષ્ટ્રીય ચર્ચા શરૂ થઈ છે ત્યારે સવાલ એ છે કે કુર્દ લોકો પોતાની જ ભૂમિ પર કેમ બરબાદ થઈ રહ્યા છે.

કુર્દ લોકોના સાહસનો અંદાજ એ વાત પરથી જ આવી જાય છે કે 1920માં ઇરાકમાં કુર્દીસ્તાનની લડત માટે તેમણે બનાવેલા હથિયારધારી સંગઠનનું નામ 'પેશમેગા' હતું. 'પેશમેગા' એટલે એવા લોકો 'જેઓ મોતનો સામનો કરે છે.'

સંયુક્ત કુર્દીસ્તાનની માગણી સાથે શરૂ થયેલી લડત આજે અનેક સંગઠનોમાં વહેંચાઈ ચૂકી છે. એક સમયે કુર્દીસ્તાન અને ઉત્તરી આફ્રિકાની ઉસ્માની હકૂમત એટલે કે ઑટોમન સામ્રાજ્યનો એક ભાગ હતો.

પહેલા વિશ્વયુદ્ધમાં તુર્કીના પરાજય બાદ જુદા-જુદા દેશો અસ્તિત્વમાં આવ્યા, ત્યાર બાદથી જ કુર્દીસ્તાનનો વિસ્તાર આજના સીરિયા, ઇરાક, તુર્કી, ઈરાન અને અર્મેનિયા જેવા દેશોમાં વહેંચાઈ ચૂક્યો છે. હાલ આ તમામ વિસ્તારોમાં લગભગ સાડા ત્રણ કરોડ કુર્દ લોકો વસે છે.

આટલા બધા વિસ્તારોમાં વહેંચાયેલી કુર્દ પ્રજાનું કોઈ એક કેન્દ્રીય સંગઠન નથી.

જુદા-જુદા દેશોમાં જુદાં-જુદાં સંગઠનો કુર્દીસ્તાન માટે લડત ચલાવી રહ્યાં છે. આખરે આટલો સમય વીતી ગયો હોવા છતાં એવું તો શું છે કે આ તમામ સંગઠનો એક મંચ પર નથી આવી શક્યાં.

આ પ્રશ્ન અંગે મધ્ય-પૂર્વના મામલાના જણાકાર કમર આગા જણાવે છે કે તેનું સૌથી મોટું કારણ, એ આ પ્રજા અલગ-અલગ દેશોમાં પથરાયેલી છે તે છે.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
અમેરિકન સેના સીરિયન સરહદની નિરીક્ષણ ચોકીઓ કેમ ખાલી કરી રહી છે?
Image copyright EPA

તેઓ જણાવે છે કે, "આ સંગઠનો જુદા-જુદા દેશોમાં પથરાયેલાં છે. તેમનું મૂળ લક્ષ્ય એકસાથે આવીને કુર્દીસ્તાન બનાવવાની છે, પરંતુ તેમના અંદરોઅંદર જ ઘણા મતભેદો છે. આ લોકો એકબીજાથી જુદા થયા એ વાતને લગભગ 100 વર્ષ થઈ ચૂક્યા છે. આ કારણે તેમના પોતાના સ્વાર્થ પેદા થઈ ગયા છે."

"તુર્કીની કુર્દીસ્તાન વર્કર્સ પાર્ટી (પીકેકે) આ સંગઠનો પૈકી સૌથી જૂનું સંગઠન છે. નોંધનીય છે કે આ સંગઠન માર્ક્સવાદી વિચારધારા ધરાવે છે. તેઓ સીરિયામાં સ્વાયત રાજ્ય સ્થાપવા માટેની લડત વાઈપીજી સમૂહ ચલાવી રહ્યું છે અને તેમને અમેરિકાનું સમર્થન મળી ચૂક્યું છે. તુર્કીની આસપાસની સીમા પર જ કુર્દોની વધુ વસતી છે."

"તુર્કીનું માનવું છે કે આ વાઈપીજી સમૂહ એક ઉગ્રવાદી સંગઠન છે અને તુર્કી તેને ક્યારેય નહીં સ્વીકારે. તેમને લાગે છે કે વાઈપીજી તેમના દેશમાં અવ્યવસ્થા ફેલાવી શકે છે. વાઈપીજીને અમેરિકા સમર્થન કરતું આવ્યું છે, પરંતુ હવે તેણે હાથ પાછા ખેંચી લીધા છે."


પીકેકેને ઉગ્રવાદી સંગઠન કેમ માને છે તુર્કી?

Image copyright EPA

કુર્દ પ્રજાને ઇરાકની ઉત્તર-પશ્ચિમ સરહદે સ્વાયત્ત રાજ્ય મળ્યું છે, જ્યારે તેઓ હાલ તુર્કીના દક્ષિણ-પૂર્વમાં સ્વાયત્તતાની માગ કરી રહ્યા છે.

તેઓ સીરિયાના ઉત્તર-પૂર્વમાં પોતાનું શાસન ચલાવી રહ્યા છે. ઈરાનના ઉત્તર-પશ્ચિમમાં પણ કુર્દ છે, પરંતુ ત્યાં કુર્દીસ્તાન માટે કોઈ મોટું આંદોલન નથી થઈ રહ્યું.

તુર્કી પોતાના દેશમાં સક્રિય એવી કુર્દીસ્તાન વર્કર્સ પાર્ટી એટલે કે પીકેકને ઉગ્રવાદી સંગઠન જાહેર કરી ચૂક્યું છે.

તુર્કી સિવાય અમેરિકા અને યુરોપિયન યુનિયન પણ પીકેકેને ઉગ્રવાદી સંગઠન માને છે.

આ અંગે અંકારાની યિલ્દિરિમ બેયાજિત યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ઓમેર અનસ જણાવે છે કે, "1974માં અબ્દુલ્લા ઓજલાને જ્યારે પીકેકે નામક સંગઠન બનાવ્યું હતું ત્યારે તેમણે હિંસાને હથિયાર બનાવ્યું."

"એ સમયે અબ્દુલ્લા ઓજલાન અને તેના સંગઠને તુર્કીમાં ઘણા હુમલા કર્યા જેમાં 40 હજાર લોકોનાં મોત થયાં."

"ત્યાર બાદ અબ્દુલ્લા ઓજલાન તુર્કી છોડીને સીરિયા ભાગી ગયા અને તેમને ત્યાં બશર અલ અસદના પિતા હાફિઝ ઉલ અસદે શરણ આપી. ત્યાં રહીને તેમણે ઘણાં બધાં સંગઠનો બનાવ્યાં."

"આજે સીરિયામાં હાજર કુર્દ સંગઠનો એ જ છે જેમને અબ્દુલ્લા ઓજલાને તાલીમ આપી હતી."

હાલ કુર્દીસ્તાનની માગણીને લઈને સૌથી મોટી લડત સીરિયા-તુર્કીની સીમા પર રહેલાં પીવાઈડી અને વાઈપીજી સંગઠનોએ આદરેલી છે, કારણ કે તુર્કીમાં હાલ બે કરોડ કુર્દ લોકો રહે છે. તુર્કીના પીકેકેની જેમ જ પીવાઈડી અને વાઈપીજીને પોતાના દુશ્મન માને છે.

તુર્કીએ વર્ષ 2018માં પશ્ચિમ સીરિયામાં કુર્દ પ્રજાના નિયંત્રણવાળા આફરિન પ્રાંતમાં હુમલો કર્યો હતો જેમાં ઘણા સામાન્ય લોકોનાં મોત થયાં હતાં અને 10 હજાર લોકો વિસ્થાપિત થયા હતા.

આઈએસ વિરુદ્ધ સીરિયન ડેમોક્રેટિક ફૉર્સ (એસડીએફ) અને અમેરિકા સાથે મળીને લડ્યા હતા.

એસડીએફમાં કુર્દ અને આરબ લડાયક સમૂહો છે. તે પૈકી એક જ વાઈપીજી સંગઠન અમેરિકાની સેના સાથે રહ્યું, પરંતુ હવે અમેરિકાએ ઉત્તર-પૂર્વ સીરિયામાંથી જવાની જાહેરાત કરી દીધી છે.

અમેરિકા માને છે કે તે આઈએસ વિરુદ્ધની લડત જીતી ચૂક્યું છે. અમેરિકાના કારણે જ અત્યાર સુધી પીવાઈડી અને અન્ય સંગઠનોને સુરક્ષા મળેલી હતી, પરંતુ અમેરિકાના સૈનિકો પરત ફર્યા બાદ તુર્કી સરળતાથી વાઈપીજીનો નાશ કરે શકે છે.

જોકે, અમેરિકાએ પહેલાંથી જ ચેતવણી આપી દીધી છે કે જો આવું કંઈ પણ બનશે તો તેઓ તુર્કીને આર્થિકપણે તોડી નાખશે.

અમેરિકાના ઉત્તર-પૂર્વ સીરિયાથી ગયા બાદ તુર્કી કુર્દ પ્રજાના ક્ષેત્રમાં શું કરશે? આ અંગે ઓમેર જણાવે છે કે તુર્કી-સીરિયા સીમા પર સેફ ઝોન બનાવવા જઈ રહ્યા છે. જ્યાં તેણે સીરિયન શરણાર્થીઓને વસાવવાની યોજના રજૂ કરી છે.

તેઓ જણાવે છે કે, "હાલ સીરિયાથી ભાગીને તુર્કીમાં આવેલા શરણાર્થીઓની સંખ્યા 10 લાખ કરતાં વધુ છે. તુર્કી આ શરણાર્થીઓને સીમા પર વસાવવા માગે છે."

"આ બાબતે અમેરિકા સાથે થયેલા સમાધાન પ્રમાણે તુર્કીએ 30 કિલોમિટરના અંતર સુધી એક સેફ ઝોનનું નિર્માણ કરવાનું હતું. તેના નિર્માણ માટે તુર્કી વાઈપીજી જેવા સંગઠનો સાથે પણ ટકરાશે."

ઑગસ્ટ મહિનામાં તુર્કી અને અમેરિકા એક 'સેફ ઝોન' બનાવવાની વાતે રાજી થયાં હતાં, પરંતુ બે મહિના બાદ અમેરિકાએ કહ્યું કે તુર્કીના સુરક્ષાબળના જવાનો જાતે આ સેફ ઝોન બનાવશે.

ત્યાર બાદ તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોઆને જણાવ્યું હતું કે તેઓ 30 કિલોમિટર પહોળું અને 480 કિલોમિટર લાંબુ કૉરિડોર બનાવશે.

આ સિવાય એવું કહેવાઈ રહ્યું છે કે આ ક્ષેત્રની જેલોમાં રહેલા આઈએસ સમર્થકોને પણ તુર્કી આ સેફ ઝોનમાં જ રાખશે.


ઇરાકી કુર્દ પ્રજા કેટલી મજબૂત છે?

Image copyright Reuters

ઇરાકમાં ધીરે-ધીરે કુર્દોની સ્થિતિ સુધરી છે. હાલ ઇરાકમાં રહેલી કુર્દ પ્રજા સૌથી વધારે તાકતવર છે, કારણ કે તેમની પાસે ત્યાં એક સ્વાયત્ત રાજ્ય છે.

તો પછી ઇરાકની કુર્દ પ્રજા, સીરિયા, તુર્કી અને ઈરાનની કુર્દ પ્રજાની મદદ કેમ નથી કરતી?

આ પ્રશ્ન અંગે કમર આગા જણાવે છે કે, "ઇરાકી કુર્દીસ્તાનના તુર્કી સાથે સારા સંબંધો છે. ઇરાકની કુર્દ પ્રજા સૌથી તાકતવર છે, કારણ કે તેમની પાસે ખૂબ પૈસા છે અને સાથે જ તેમને ઇરાકી સરકારે સ્વાયત્ત ક્ષેત્રનો દરજ્જો આપેલો છે."

"તેમની પાસે તેલના ભંડારો છે અને આ ક્ષેત્ર વેપારનું કેન્દ્ર બની ચૂક્યું છે"

"પશ્ચિમના દેશોની મદદથી સદ્દામ હુસૈનના સમયગાળા દરમિયાન જ તેમને ઘણી સ્વાયત્તતા મળી ગઈ હતી, પરંતુ કુર્દ નેતા મુલ્લા મુસ્તફા બર્દાનીના સમયથી જ તેમના તુર્કી સાથેના સંબંધો ખૂબ જ સારા છે. તેમના અમેરિકા સાથે પણ સારા સંબંધો છે."

"તેમના સીરિયાના વાઈપીજી અને પીકેકે સાથે સારા સંબંધો નથી રહ્યા, પરંતુ ઇરાકના સામાન્ય તુર્ક લોકો આ સંગઠનોની મદદ કરવા માગતા હતા."

"તેમની વચ્ચે રાજકીય મતભેદો પણ છે, કારણ કે સીરિયા અને તુર્કીનાં કુર્દ સંગઠનો માર્ક્સવાદી નથી. તેથી એ બધા એક સાથે આવી જશે એ વિચારવું હાલ મુશ્કેલ છે."

જોકે, સપ્ટેમ્બર 2017માં ઇરાકી કુર્દીસ્તાનમાં સ્વતંત્રતા માટે જનમત સંગ્રહ કરાયો હતો જેમાં 92 ટકા લોકોએ અલગ દેશની માગણી કરી હતી.

આ જનમત સંગ્રહને ઇરાકની સરકારે ગેરબંધારણીય ઠેરવ્યો હતો. ત્યાર બાદ ઇરાકે કુર્દ પ્રજાના વિસ્તારોમાં સુરક્ષાદળના જવાનો તહેનાત કરી દીધા હતા, હવે આ મુદ્દાનો ઉકેલ વાતચીતથી લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.


અમેરિકા કેમ નથી કરતું કુર્દ પ્રજાની મદદ?

Image copyright Getty Images

અમેરિકાએ જ્યારે ઉત્તર-પૂર્વ સીરિયામાં આઈએસનો નાશ કરવા માટે વાઈપીજીની મદદ લીધી ત્યારે આ કુર્દ સંગઠનોને લાગ્યું કે તેમનું સ્વાયત્ત દેશનું સ્વપ્ન ટૂંક સમયમાં જ પૂરું થઈ જશે.

અમેરિકાએ વાઈપીજીની પૈસા અને હથિયારો આપી મદદ કરી અને આ સંગઠનને આઈએસને હરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.

આ તરફ વાઈપીજી સાથે સુરક્ષા અભિયાન ચલાવવાને કારણે તુર્કી અમેરિકાથી નારાજ થઈ ગયું હતું.

અમેરિકાએ તુર્કીને માત્ર એક વિસ્તારમાં જ સુરક્ષા અભિયાન ચલાવવાની મંજૂરી આપી હતી. હવે અમેરિકા એવા સમયે ઉત્તર-પૂર્વ સીરિયાથી જઈ રહ્યું છે જ્યારે કુર્દ લોકોને પોતાનો એક અલગ દેશ બનતો દેખાઈ રહ્યો હતો.

આખરે અમેરિકાએ એક સ્વતંત્ર કુર્દીસ્તાન બનાવવામાં મદદ કેમ ન કરી?

આ પ્રશ્ન પર ઓમેર અનસ જણાવે છે કે, "એવું તો નથી લાગતું કે અમેરિકા અને યુરોપિયન યુનિયન એક સ્વતંત્ર કુર્દિસ્તાન માટે કોઈ પ્રયત્ન કરશે. સ્વતંત્ર કુર્દીસ્તાન સાથે ઈરાન, ઇરાક, તુર્કી અને સીરિયા જેવા ચાર રાષ્ટ્રો જોડાયેલા છે."

"જો અમેરિકા એવા પ્રયત્નો કરશે તો આ ચારેય રાષ્ટ્રોની સેના સાથે આવી જશે અને યુરોપ-અમેરિકા આવા કોઈ પણ પ્રયત્નને નિષ્ફળ બનાવી દેશે. તેથી તેઓ આવું નહીં જ કરે. જોકે, અમેરિકા અને યુરોપ આ દેશોમાં રહી રહેલા કુર્દ લોકોને વધુ અધિકારો અપાવવાના પ્રયત્નો કરી શકે છે."


ઈરાનની કુર્દ પ્રજાની શું પરિસ્થિતિ છે?

Image copyright REUTERS

તુર્કીએ પીકેકેના નેતાઓ સાથે શાંતિ સ્થાપવા માટે વર્ષ 2013 અને વર્ષ 2015માં ઘણી વાર વાતચીત કરી, પરંતુ તેનું કોઈ પરિણામ ન આવ્યું.

આરબ સ્પ્રિંગ દરમિયાન પીકેકેના સમર્થકોને એવું લાગ્યું કે તેઓ પણ કુર્દ ક્ષેત્ર પર કબજો કરી શકે છે. આ કારણે વાતચીત બંધ થઈ ગઈ.

કુર્દ મોટા ભાગે સુન્ની મુસ્લિમ છે અને ઇરાક-સીરિયામાં શિયા મુસ્લિમ પણ છે. તે ઘણી લડાયક પ્રજા છે. ઇરાકને બાદ કરતાં તેમના મોટા ભાગના સમૂહ ધર્મ-નિરપેક્ષ છે. ઇરાકમાં મુલ્લા મુસ્તફા બર્જાનીનો સમૂહ ધાર્મિક રહ્યો છે.

ઈરાનની કુલ વસતીમાં કુર્દ પ્રજાની વસતી 7થી 10 ટકા છે. અન્ય દેશોની જેમ ઈરાનમાં પણ તેમનું સરકાર સાથે ઘર્ષણ થતું રહે છે, પરંતુ ત્યાં તુર્કી અને સીરિયા જેવી પરિસ્થિતિ નથી તેનું શું કારણ છે?

આ અંગે કમર આગા જણાવે છે કે, "ઈરાનમાં કુર્દ પ્રજા માટે કામ થયું છે. ત્યાંની કુર્દ પ્રજા અત્યંત શિક્ષિત છે. તેમના શિક્ષણ અને વિકાસ માટે કામ થયું છે."

"ઈરાનમાં પણ તેમની અંદર એકતા સ્થપાવાના સમાચારો આવે છે, પરંતુ ત્યાં કોઈ મોટો સમૂહ નથી. આવી જ રીતે ઇરાકમાં પણ તેમના માટે કામ થયું છે."

"સદ્દામના કાર્યકાળમાં તેમને મુખ્યધારાથી અલગ રખાયા હતા. તેમની પરિસ્થિત સુધરવાનું શરૂ થતા જ આઈએસઆઈએસ આવી ગયું. આ દરમિયાન તેમને મુશ્કેલી જરૂર પડી, પરંતુ હવે ઇરાકમાં પરિસ્થિતિ સુધરી છે. તુર્કી અને અન્ય દેશો પાસેથી ઇરાકી કુર્દીસ્તાનમાં રોકાણ કરાઈ રહ્યું છે."


ક્યારેય કુર્દીસ્તાન બની શકશે ખરું?

Image copyright Getty Images

એક કુર્દીસ્તાનની લડત ક્યારેય મૂર્તસ્વરૂપ ધારણ કરી શકશે ખરી?

આ પ્રશ્નના જવાબમાં કમર આગા જણાવે છે કે, "બધાના મગજમાં કુર્દીસ્તાન બને એવી ઇચ્છા છે, પરંતુ આ આશા પૂરી થાય એવું કંઈ દેખાઈ નથી રહ્યું."

"અત્યાર સુધી એવી કોઈ સંસ્થા નથી બની શકી. પીકેકે જેવું સંગઠન બન્યું, પરંતુ તે ડાબેરી વિચારધારાવાળું છે, આ વિચારધારા અંગે બધા સંમત નથી."

"પીકેકે અને વાઈપીજી ઘણા સમયથી લડી રહ્યા છે, પરંતુ તેમને સફળતા નથી મળી રહી."

"આ સિવાય દરેક દેશમાં તેમનાં ઘણાં સંગઠનો છે અને દરેક નેતામાં અંદરોઅંદર મતભેદ દેખાય છે. કુર્દોની સંસ્કૃતિમાં પણ ફરક આવ્યો છે. ભાષા તમામની જરૂરિયાત બની ગઈ છે, પરંતુ અહીં ઘણા જુદા-જુદા ધર્મોનાં સંગઠનો છે."

સીરિયામાં સ્વાયત્ત ક્ષેત્ર બની જાત તો રાષ્ટ્રવાદી આંદોલન શરૂ થાત એવી આશા હતી. હવે તુર્કીની સેના સીરિયામાં જશે અને ત્યાં જઈને કાર્યવાહી કરશે. હાલ તો કુર્દ પ્રજાનું કોઈ મોટું સંગઠન બનશે અને કુર્દીસ્તાનનું સ્વપ્ન સાકાર થઈ શકશે એવું નથી લાગી રહ્યું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ