તુર્કીના હુમલા બાદ સીરિયામાં એક લાખ લોકો વિસ્થાપિત થયા

કુર્દ બાળકીની તસવીર Image copyright AFP

સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર ઉત્તર સીરિયામાં લગભગ એક લાખ લોકો પોતાનાં ઘર છોડીને ચાલ્યા ગયા છે. આ વિસ્તારમાં ત્રણ દિવસથી કુર્દ લડાકુઓ વિરુદ્ધ કરાઈ રહેલા તુર્કીના હુમલામાં ઓછામાં ઓછા 11 નાગરિકોનાં મૃત્યુ નીપજ્યાં છે. આ હુમલામાં મોટી સંખ્યામાં કુર્દ લડાકુઓ ઘાયલ પણ થયા છે.

મૃતકોમાંથી ત્રણ સરહદી વિસ્તાર એવા અલ-કામિશ્લીમાં થયેલા એક કાર-વિસ્ફોટમાં માર્યા ગયા છે. આ હુમલાની જવાબદારી ઉગ્રવાદી સંગઠન 'ઇસ્લામિક સ્ટેટ'એ લીધી છે.

તુર્કી દ્વારા કરાઈ રહેલા હુમલાને પગલે કેટલાય લોકોએ અલ-હાસકા અને તલ-તામેર શહેરની શાળાઓ અને અન્ય ઇમારતોમાં શરણ લીધી છે.

આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રે સીરિયાની વર્તમાન પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે.

જીનિવામાં સીરિયા માટેના સંયુક્ત રાષ્ટ્રના વિશેષ દૂત ગૅર પૅડર્શનનાં પ્રવક્તા જૅનિફર ફૅન્ટને કહ્યું કે આ લડાઈ કેટલાય નિર્દોષોનો ભોગ લઈ શકે છે.

Image copyright EPA

જૅનિફર ફૅન્ટને કહ્યું, "સીરિયાના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં નાગરિકો, માનવાધિકાર કાર્યકરો અને મૂળભૂત માળખાંનાં રક્ષણ માટેની ચિંતા સતત વધી રહી છે."

"આ વિસ્તારમાં પહેલાંથી જ માનવીય સંકટની સ્થિતિ છે, જે વર્તમાન સૈન્યઅભિયાનને કારણે વધુ ગંભીર બની ગઈ છે."

આ પહેલાં બુધવારે તુર્કીના યુદ્ધવિમાનોએ સીરિયાના ઉત્તર વિસ્તારમાં બૉમ્બ વરસાવ્યા હતા.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઉત્તર સીરિયામાંથી અમેરિકન સૈનિકોને પરત બોલાવવાના વિવાદાસ્પદ નિર્ણયના થોડા દિવસ બાદ જ હુમલો કરાયો હતો.

આ હુમલાને લઈને સંયુક્ત રાષ્ટ્ર અને પશ્ચિમી રાષ્ટ્રોએ વાંધો ઉઠાવ્યો છે, છતાં તુર્કી પોતાના નિર્ણય પર અફર છે.

તુર્કીનું કહેવું છે કે તે કુર્દ લડાકુઓને હઠાવીને એક 'સેફ-ઝોન' તૈયાર કરવા માગે છે, જ્યાં લાખો સીરિયન શરણાર્થીઓ પણ રહી શકશે.

તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ્પ અર્દોઆને સૈન્યઅભિયાન અટકાવવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે.

તેમણે કહ્યું છે, "કુર્દ લડાકુઓ વિરુદ્ધ શરૂ કરાયેલી લડાઈ રોકીશું નહીં. પછી ભલે તે સીરિયન સરકારને પસંદ ન આવે."

"અમને તમામ જગ્યાએથી ધમકીઓ મળી રહી છે, પણ આનાથી કોઈ ફેર નથી પડતો."


આર્થિક પ્રતિબંધ

Image copyright REUTERS

તુર્કીના આ પગલાની આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલાંય રાષ્ટ્રોએ નિંદા કરી છે. તેમણે આર્થિક પ્રતિબંધની પણ ચેતવણી આપી છે.

સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષાપરિષદે ગુરુવારે યુરોપિયન સંઘના પોતાના પાંચ સભ્યો બ્રિટન, ફ્રાન્સ, જર્મની, બેલ્જિયમ અને પોલૅન્ડની વિનંતી પર સંબંધિત પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી.

ફ્રાન્સે કહ્યું છે કે આગામી સપ્તાહે યોજાનારા યુરોપિયન સંઘના સંમેલનમાં તુર્કી વિરુદ્ધ પ્રતિબંધોની ચર્ચા કરવામાં આવશે.

અમેરિકાની રિપબ્લિકન પાર્ટીએ પણ જાહેરાત કરી છે કે તે તુર્કી વિરુદ્ધ પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવ રજૂ કરશે.

જોકે, બ્રિટન આર્થિક પ્રતિબંધો લાદવાના પક્ષમાં નથી.

સંયુક્ત રાષ્ટ્રમાં બ્રિટિશ રાજદૂતે કહ્યું છે કે સૈન્યઅભિયાન અટકવું જોઈએ, પણ હાલમાં બ્રિટન પ્રતિબંધોનું સમર્થન નથી કરતું.

તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ હુમલાથી કુર્દ લડાકુઓના કમજોર થવાની અને ઇસ્લામિક સ્ટેટનું જોખમ વધવાની આશંકા વ્યક્ત કરી છે.

પુતિને કહ્યું છે કે 'આ સૈન્યઅભિયાનથી રશિયા અને અન્ય દેશો સામે પણ જોખમ ઊભું થશે.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ