ચીનના એ મુસ્લિમ પ્રોફેસરને ક્યાં ગુમ કરી દેવામાં આવ્યા?

પ્રોફેસર તાશ્પોલત તિયિત Image copyright EPHE
ફોટો લાઈન પ્રોફેસર તાશ્પોલત તિયિત

પ્રોફેસર તાશ્પોલત તિયિપ શિનઝિયાંગ યુનિવર્સિટીના પ્રમુખ હતા. તેમને પેરિસની એક પ્રતિષ્ઠિત માનદ ડિગ્રી મળી હતી અને આખી દુનિયાના બુદ્ધિજીવી વર્ગ સાથે હંમેશાં જોડાયેલા રહેતા હતા.

વર્ષ 2017માં તેઓ અચાનક ગુમ થઈ ગયા. ન તો કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી, ન તો કોઈ પ્રકારની ઔપચારિક ઘોષણા થઈ.

તેમના મિત્રોનું માનવું છે કે પ્રોફેસર તિયિપ પર ભાગલાવાદનો આરોપ લગાવી તેમને મૃત્યુદંડ આપવામાં આવ્યો છે.

પ્રોફેસર તિયિપ એક વીગર મુસ્લિમ છે. માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે પ્રોફેસર તિયિપને ચીને પોતાના એક અભિયાન અંતર્ગત પકડી લીધા છે.

આ અભિયાનમાં ચીનમાં હાજર બુદ્ધિજીવી વીગર મુસ્લિમોને ભાગલાવાદી અને આતંકવાદી ગણાવી તેમની ધરપકડ કરવામાં આવી રહી છે.

ધ પીપલ્સ રિપબ્લિક ઑફ ડિસઅપિયર્ડ પુસ્તકના લેખક અને સંશોધક માઇકલ કેસ્ટરે બીબીસીને કહ્યું, "સેંકડો વીગર બુદ્ધિજીવીઓ અને પ્રોફેશનલ લોકોને નજરબંધી અભિયાન અંતર્ગત પકડવામાં આવ્યા છે અને તેમને ગુમ કરવામાં આવ્યા છે."

"એક સમુદાય, સંસ્કૃતિ અને બુદ્ધિજીવી નેતાઓ પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. આ સાંસ્કૃતિક નરસંહાર સમાન છે."


કોણ છે તાશ્પોલત તિયિપ?

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
ચીની અધિકારીઓએ ઇન્કાર કરતા કહ્યું કે બાળકોને તેમનાં મા-બાપથી અલગ કરવામાં નથી આવતાં.

ગુમ થયા તે પહેલાં સુધી તાશ્પોલત તિયિત શિનઝિયાંગ યુનિવર્સિટીમાં ભૂગોળના એક જાણીતા પ્રોફેસર હતા.

શિનઝિયાંગ યુનિવર્સિટી અન્ય ચીનની યુનિવર્સિટીની જેમ જ સરકારી સંસ્થા છે.

પ્રોફેસર તાશ્પોલત તિયિપ શિનઝિયાંગમાં સ્થાનિક વીગર સમુદાયના સભ્ય હતા. તેઓ થોડો સમય જાપાનમાં પણ રહ્યા અને પછી ફરી પોતાની સંસ્થામાં ભણાવવાનું શરૂ કરી દીધું હતું.

તેઓ આંતરરાષ્ટ્રીય અકાદમી જેવી સંસ્થાઓમાં પણ સક્રીય હતા. તેમને ફ્રાંસમાં ખિતાબ પણ મળ્યો હતો.

આ સાથે જ પ્રોફેસર તિયિપ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય પણ હતા. વર્ષ 2010માં તેઓ શિનઝિયાંગ યુનિવર્સિટીના અધ્યક્ષ બની ગયા હતા. ગુમ થતાં પહેલાં સુધી તેઓ આ પદ પર યથાવત હતા.


કેવી રીતે ગુમ થયા પ્રોફેસર તિયિપ?

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
ચીનમાં મુસ્લિમો માટેના ડિટેન્શન સેન્ટરમાં ડોકિયું

પ્રોફેસર તિયિપ વિરુદ્ધ જે પણ કાર્યવાહી કરવામાં આવી તે ગુપ્ત રીતે થઈ અને તેનો કોઈ પણ પ્રકારનો ઔપચારિક રેકર્ડ રાખવામાં આવ્યો નથી.

તેમના મિત્રોએ જણાવ્યું કે વર્ષ 2017માં તઓ યૂરોપની એક કૉન્ફરન્સમાં ભાગ લેવા જઈ રહ્યા હતા.

સાથે જ તેઓ જર્મન યુનિવર્સિટીની સાથે એક સહયોગી કાર્યક્રમ પણ લૉન્ચ કરવાની યોજના બનાવી રહ્યા હતા.

પરંતુ તેમને બેઇજિંગ ઍરપૉર્ટ પર જ રોકી લેવામાં આવ્યા અને શિનઝિયાંગની રાજધાની ઉરુમ્ચી જવા કહી દેવામાં આવ્યું.

અમેરિકામાં રહેતા પ્રોફેસર તિયિતના એક પૂર્વ સહયોગીએ બીબીસીને કહ્યું કે જ્યારે પ્રોફેસર તિયિપને બેઇજિંગ ઍરપૉર્ટ પર રોકવામાં આવ્યા, તો તેમનું ટ્રાયલ ત્યાં જ પૂર્ણ થઈ ગયું હતું.

ત્યારબાદ પ્રોફેસર તિયિપ ઘરે પરત ન ફર્યા. તેમના મિત્રો અને સંબંધીઓ સાથે પૂછપરછ થવા લાગી. પ્રોફેસર તિયિપ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા.

તેમનાં એક પૂર્વ સહયોગીએ જણાવ્યું, "એક દિવસ પ્રોફેસર તિયિપના પરિવારને સમાચાર મળ્યા કે તેમની ભાગલાવાદના આરોપસર ધરપકડ કરવામાં આવી છે અને તેમને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે. ચીને આ મામલે કોઈ જાણકારી આપી નથી."

અમેરિકામાં સંશોધક તરીકે કામ કરતા પ્રોફેસર તિયિપનાં એક સહયોગી પણ વીગર મુસ્લિમ છે અને શિનઝિયાંગ પ્રાંત સાથે સંબંધ ધરાવે છે.

તેમણે સુરક્ષાના કારણોસર પોતાની ઓળખ જાહેર કરી નથી.

તેમનું કહેવું છે કે ચીનની સરકાર વીગર મુસ્લિમો વિરુદ્ધ જે રીતે કડક પગલાં ભરી રહી છે તેનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ બન્યો છે.

તેઓ કહે છે, "લોકો ડરેલા છે. લોકોએ મને જણાવ્યું છે કે તેઓ રાત્રે પણ નાઇટ ડ્રેસ ન પહેરી પૂરા કપડાં જ પહેરે છે. કેમ કે તેમને ખબર નથી ક્યારે કોણ તેમને રાત્રે પકડીને લઈ જાય."

"મારા એક મિત્રએ મને જણાવ્યું હતું કે ચીન યુદ્ધની આશંકા વ્યક્ત કરી રહ્યું છે. મારો એ મિત્ર પણ ગુમ થઈ ગયો છે."


ક્યાં છે પ્રોફેસર તાશ્પોલત તિયિપ?

Image copyright HANDOUT

સંયુક્ત રાષ્ટ્ર અને માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે ચીને શિનઝિયાંગમાં બનેલા નજરબંધી કૅમ્પોમાં 10 લાખ કરતાં વધારે વીગર અને અન્ય મુસ્લિમોને કેદ કર્યા છે.

ચીન કહે છે કે તેણે કોઈને કેદ કર્યા નથી. ચીનનું કહેવું છે કે તે એ લોકોને પ્રશિક્ષણ આપી રહ્યું છે કે જેનાથી અલ્પસંખ્યક સમુદાય ચીનની મુખ્યધારાના સમાજ સાથે જોડાઈ શકે. તેનાથી ઉગ્રવાદ પર પણ નિયંત્રણ મેળવી શકાશે.

પ્રોફેસર તિયિપના મિત્રોનું કહેવું છે કે શિનઝિયાંગમાં રહેતા લોકો સાથે સંપર્ક કરવો ખૂબ મુશ્કેલ છે. તેમની સાથે માત્ર કોડની મદદથી જ વાત કરી શકાય છે જેથી વહીવટીતંત્ર અને અન્ય એજન્સીઓને તેમની વાતચીત અંગે કોઈ જાણકારી ન મળી શકે.

એવા પણ ઘણા રિપોર્ટ સામે આવ્યા છે કે જેમાં ઘણા લોકોની માત્ર મોબાઇલમાં વૉટ્સએપ હોવાના કારણે ધરપકડ કરવામાં આવી છે.

પ્રોફેસર તિયિપનાં પૂર્વ સહયોગીએ જણાવ્યું, "જ્યારે અમે તેમની સાથે વાત કરતા હતા ત્યારે અમે અમારાં નામ જ લેતાં ન હતાં. અમે બોલતા કે દર્દીને કેવું છે? શું ડૉક્ટર સારી રીતે તેમની દેખભાળ કરી રહ્યા છે? શું તેઓ હૉસ્પિટલથી પરત આવી ગયા છે?"

"આ જ રીતે પરિવારજનો એકબીજાને પોતાના હાલચાલ અંગે જાણકારી આપી શકે છે."

પ્રોફેસર તિયિપના પરિવારને ભરોસો છે કે તેઓ હજુ પણ જીવીત છે. તેમણે સાંભળ્યું છે કે તેમના જેવા અન્ય બુદ્ધિજીવીઓ પર ભાગલાવાદનો આરોપ લગાવી ધરપકડ કરવામાં આવી છે અને તેમનો વીડિયો બનાવ્યા બાદ તેને નજરબંધી કૅમ્પમાં બતાવવામાં આવે છે.


મુક્તિની માગ

Image copyright EPHE
ફોટો લાઈન વર્ષ 2008માં પ્રોફેસર તિયિપને ફ્રાંસની ઈપીએચઈ યુનિવર્સિટીમાંથી ડિગ્રી આપવામાં આવી હતી

પ્રોફેસર તિયિપના ગુમ થયા બાદથી જ તેમના સમર્થકોએ ઘણી વખત સરકારનું ધ્યાન આ તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો છે.

તેમને લાગે છે કે પ્રોફેસર તિયિપને બે વર્ષ બાદ મૃત્યુદંડ આપવાનો હતો. તેઓ ગુમ થયા તેને આશરે બે વર્ષ થઈ ચૂક્યાં છે. આ કારણોસર તેમના વિશે લોકો વધારે ચિંતિત થઈ રહ્યા છે.

આ મહિનાની શરૂઆતમાં અમેરિકન ઍસોસિયેશન ઑફ જિયોગ્રાફર્સ (એએજી)એ એક પત્ર લખીને તેમની મુક્તિની માગ કરી હતી.

આ પત્રમાં દુનિયાના 1300 કરતાં વધારે શિક્ષાવિદોના હસ્તાક્ષર હતા.

એએજી સાથે જોડાયેલા ડૉક્ટર ગૈરી લેંગહેમ કહે છે, "તિયિપની ધરપકડ અને તેમને મૃત્યુદંડની સજા સંભળાવવી એ કોઈ પણ પ્રકારના બુદ્ધિજીવી વર્ગ માટે ભયાનક છે. તેનાથી ચીન જ નહીં, આખી દુનિયાના બુદ્ધિજીવી વર્ગને ખતરાનો અનુભવ થાય છે."

ફ્રાંસની જે યુનિવર્સિટીએ પ્રોફેસર તિયિપને માનદ ડિગ્રી આપી હતી, ત્યાંથી પણ તેમની મુક્તિની માગ કરવામાં આવી છે.

એમનેસ્ટી ઇન્ટરનેશનલે સપ્ટેમ્બરમાં ચીનના આ પગલાને ગુપ્ત અને ખૂબ જ વધારે અનુચિત ગણાવ્યું હતું.

ગત વર્ષે પેન અમેરિકા થિંક ટેંકે પણ ચીનમાં ચાલી રહેલા નજરબંધી શિબિરોની ટીકા કરી હતી. સાથે જ તેમણે ચીનમાં બુદ્ધિજીવીઓ પર થતા હુમલાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે આ સત્તાનો દુરૂપયોગ છે.


શું પ્રોફેસર તિયિપ પહેલા શિકાર છે?

Image copyright AFP
ફોટો લાઈન ઇલ્હામ તોહતીને યૂરોપમાં વેક્લેવ હેવેલ માનવિધકાર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા

ચીનના શિનઝિયાંગ પ્રાંતમાંથી ઘણા બુદ્ધિજીવીઓને ગુમ કરી દેવામાં આવ્યા છે. તેમાં સૌથી પ્રમુખ નામ એક જાણીતા અર્થશાસ્ત્રી ઇલ્હામ તોહતીનું આવે છે.

તેમના પર પણ ભાગલાવાદના આરોપ લગાવવામાં આવ્યા હતા અને વર્ષ 2014માં તેમને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી.

તોહતી હંમેશાં ચીનમાં વીગર મુસ્લિમો પર અપનાવવામાં આવતી નીતિઓની ટીકા કરતા હતા.

ગત મહિને તેમને યૂરોપમાં વેક્લેવ હેવેલમાં માનવાધિકાર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.

આ જ પ્રકારનું વધુ એક ઉદાહરણ માનવ વૈજ્ઞાનિક રાહિલ દાઉદનું છે. તેઓ પણ શિનઝિયાંગ યુનિવર્સિટીનાં હતાં.

તેમને પણ પ્રોફસર તિયિપની જેમ પહેલાં તો ચીનના વહીવટીતંત્ર તરફથી ખૂબ પ્રોત્સાહન મળ્યું પરંતુ 2017માં તેઓ અચાનક ગુમ થઈ ગયા.

તેમની સાથે શું થયું અને તેમનાં પર શું આરોપ લગાવવામાં આવ્યા તેના અંગે આજ સુધી કોઈને જાણકારી મળી નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ