તુર્કી-સીરિયા સંઘર્ષ : કુર્દો વિરુદ્ધ તુર્કીનો હુમલો અટકાવવા સીરિયા તૈયાર

કુર્દ Image copyright Getty Images

સીરિયામાં રહેતા કુર્દોએ કહ્યું છે કે ઉત્તર સીરિયામાં તુર્કીના હુમલાને અટકાવવા માટે સીરિયા પોતાનું સૈન્ય મોકલવા સહમત થઈ ગયું છે.

આ પહેલાં સીરિયાના સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે ઉત્તરમાં સરકારી સૈન્યને તહેનાત કરાઈ રહ્યું છે.

પોતાના સૈનિકોને હઠાવવાના અમેરિકાના નિર્ણય બાદ અહીં સર્જાયેલી 'અસ્થિર સ્થિતિ' વચ્ચે આ સમાચાર આવ્યા છે.

ગત સપ્તાહે સરહદી વિસ્તારમાંથી કુર્દોને હઠાવવા માટે તુર્કીએ હુમલો કરી દીધો હતો.

ઉત્તર સીરિયા અને તેની આસપાસનો આ વિસ્તાર કુર્દોની આગેવાનીવાળી સીરિયન ડેમૉક્રેટિક ફૉર્સિઝના નિયંત્રણમાં છે. અહીં કુર્દ લડાકુઓ અમેરિકાના મુખ્ય સહયોગી હતા.

અમેરિકાએ પોતાનાં દળો હઠાવી લીધાં બાદ તુર્કી દ્વારા અહીં મોટા પ્રમાણમાં હુમલો કરાયો છે. જેમાં મોટી સંખ્યામાં લડાકુઓ અને સામાન્ય નાગરિકોનાં મૃત્યુ નીપજ્યાં છે.


અમેરિકા સૈનિકો હઠાવી રહ્યું છે

Image copyright Getty Images

કુર્દ લડાકુઓ વિરુદ્ધ વધી રહેલા તુર્કીના સૈન્યઅભિયાનને પગલે અમેરિકા સીરિયામાંથી પોતાના બધા જ સૈનિકોને બહાર કાઢી રહ્યું છે.

અમેરિકાના સંરક્ષણમંત્રી માર્ક ઍસ્પરનું કહેવું છે કે તુર્કી પહેલાંથી કરાયેલી યોજના કરતાં 'વધુ સમય માટે' પોતાનું અભિયાન ચલાવશે.

તુર્કીના સૈન્યઅભિયાનનો ઉદ્દેશ એ કુર્દ લડાકુઓને બહાર ધકેલી દેવાનો છે, જે આ વિસ્તારમાં અમેરિકાના સહયોગી છે. અમેરિકન સંરક્ષણ મંત્રીનું કહેવું છે કે તેઓ સીરિયા અને રશિયા પાસેથી મદદની માગ કરી શકે છે અને અમેરિકા તેમને બચાવશે નહીં.

જોકે, બાદમાં કુર્દ લડાકુઓએ કહ્યું હતું કે સીરિયા સંબંધિત વિસ્તારમાં પોતાનું સૈન્ય તહેનાત કરી શકે છે.

સીરિયન સરકારી ટેલિવિઝને પહેલાંથી જ જાહેરાત કરી હતી કે તુર્કસૈન્યનો સામનો કરવા માટે સીરિયન સૈનિકો ઉત્તર તરફ આગળ વધી રહ્યા છે.

આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યું છે કે આ વિસ્તારમાં તણાવને પગલે એક લાખ ત્રીસ હજાર કરતાં વધુ લોકો પોતાનાં ઘરબાર છોડીને ચાલ્યા ગયા છે અને આ આંકડો હજુ પણ વધી શકે છે.

આ પહેલાં ગત સપ્તાહે ડેમૉક્રેટિક ફૉર્સિઝ અને કુર્દ નેતૃત્વમાં લડી રહેલા લડાકુઓએ કહ્યું હતું કે તુર્કીના હુમલાને કારણે સ્થિતિ ખરાબ થઈ તો તેઓ કૅમ્પોમાં રહી રહેલા કથિત ઉગ્રવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટના શંકાસ્પદ લડાકુઓના પરિવારનું રક્ષણ નહીં કરી શકે.

નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઉત્તર સીરિયામાં અમેરિકન સૈનિકોને હઠાવવાના વિવાદાસ્પદ નિર્ણયના થોડા દિવસ બાદ જ તુર્કીએ અહીં હુમલો કરી દીધો હતો.

તુર્કીએ કુર્દો પર ઉગ્રવાદનો આરોપ લગાવીને કહ્યું છે કે તે સીરિયામાં 30 કિલોમિટરમાં બની રહેલા 'સેફ ઝોન'માંથી કુર્દોને દૂર રાખવા ઇચ્છે છે.

તુર્કીએ આ 'સેફ ઝોન'માં 30 લાખથી વધુ સીરિયન શરણાર્થીઓને ફરીથી વસાવવાની યોજના બનાવી છે. આ શરર્ણાર્થીઓએ હાલમાં તુર્કીમાં આશ્રય લીધો છે.


અમને બચાવવા અમેરિકાની નૈતિક જવાબદારી : કુર્દ લડાકુ

Image copyright AFP

ઉત્તર સીરિયામાં તુર્કીના હુમલાનો સામનો કરી રહેલા કુર્દ લડાકુઓએ કહ્યું છે કે તેમની મદદ કરવી એ અમેરિકાની નૈતિક જવાબદારી છે.

સુરક્ષા પૂરી પાડવાનું વચન આપ્યા બાદ અમેરિકાએ એકલા છોડી દેવાનો કુર્દોએ આરોપ લગાવ્યો છે.

સીરિયન ડેમૉક્રેટિક ફૉર્સિઝના પ્રવક્તા રેદુર ખલીલે કહ્યું છે કે કુર્દ લડાકુઓએ પ્રામાણિકતા દાખવી પણ સહયોગીઓએ તેમને નિરાશ કર્યા.

તેમણે એવું પણ કહ્યું, "આઈએસઆઈએસની વિરુદ્ધની લડાઈ દરમિયાન અમારી સાથે કેટલાય સહયોગી હતા."

"અમે તેમની સાથે મજબૂતી અને પ્રામાણિકતાથી લડતા રહ્યા, જે અમારી સંસ્કૃતિ અને પરંપરામાં વસેલું છે. જોકે, અમારા સહયોગીઓએ વગર કોઈ ચેતવણી, અમને એકલા છોડી દીધા છે. આ પગલું અત્યંત નિરાશાજનક છે અને પીઠમાં છૂરો ભોંકવા જેવું છે."

આ દરમિયાન ફ્રાન્સે હુમલાના વિરોધમાં પોતાના નાટો-સહયોગી તુર્કી સાથે હથિયારોની નિકાસ અટકાવી દીધી છે. આ પહેલાં જર્મનીએ પણ કહ્યું હતું કે તે તુર્કીને હથિયારો વેચવાનું પ્રમાણ ઘટાડશે.

યુરોપિયન સંઘ આગામી સપ્તાહે યોજાનારા સંમેલનમાં તુર્કી વિરુદ્ધ પ્રતિબંધોની ચર્ચા કરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ