અફઘાનિસ્તાન : જુમ્માની નમાઝ દરમિયાન મસ્જિદમાં બૉમ્બ વિસ્ફોટ, 62 લોકોનાં મૃત્યુ

અફઘાનિસ્તાન બ્લાસ્ટ Image copyright EPA

અફઘાનિસ્તાનમાં શુક્રવારની નમાઝ સમયે એક મસ્જિદમાં થયેલા બૉમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 60 લોકોનાં મૃત્યુ થયા છે.

અધિકારીઓ મુજબ પૂર્વમાં નાનગહર પ્રાંતની એક મસ્જિદમાં શુક્રવારની નમાઝ સમયે બૉમ્બ વિસ્ફોટ થયો છે.

પ્રાંતના ગર્વનરના પ્રવક્તાએ બીબીસીને કહ્યું કે આ વિસ્ફોટમાં 62 લોકોનાં મૃત્યુ થયા છે અને 36 લોકો ઘાયલ છે.

આ મસ્જિદ હસકા મીના જિલ્લામાં આવેલી છે જે પ્રાંતની રાજધાની જલાલાબાદથી 50 કિલોમિટર દૂર છે.

આ બૉમ્બ વિસ્ફોટને લીધે મસ્જિદની છત તૂટી પડી છે.

ઘટનાને નજરે જોનાર સાક્ષીએ કહ્યું કે છત તૂટી પડી તે પહેલાં મોટો ધમાકો થયો.

આદિવાસી મોહમ્મદી ગુલ શિનવારીએ રૉયટર્સને કહ્યું કે ''એ દિલ તોડી નાખનારું દૃશ્ય હતું જેને મે મારી સગી આંખે જોયું.''

પોલીસ અધિકારી તેઝાબ ખાને કહ્યું કે તેઓ મસ્જિદમાંથી આવતી મુલ્લાની બાંગ સાંભળી રહ્યા હતા અને અચાનક જ મોટાં ધમાકા સાથે એ અવાજ શાંત થઈ ગયો.

એમણે કહ્યું કે ''હું જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે લોકો મૃતદેહો અને ઘાયલોને બહાર કાઢી રહ્યા હતા.''

નાનગહર પ્રાંતના કાઉન્સિલ મેમ્બર શોરાબ કાદરીએ કહ્યું કે ''કાટમાળમાંથી લોકોને બહાર કઢાઈ રહ્યા છે અને મૃતાંક વધી શકે છે.''


સપ્ટેમ્બર સુધીમાં હિંસામાં 1174 નાગરિકોનાં મૃત્યુ

Image copyright Reuters

આ વિસ્તારમાં ઇસ્લામિક સ્ટેટ અને તાલિબાન બેઉ સક્રિય છે પંરતુ હજી સુધી કોઈએ આ બૉમ્બ વિસ્ફોટની જવાબદારી લીધી નથી.

અમેરિકા યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં 18 વર્ષોથી હાજર પોતાના સૈનિકોને હવે પરત બોલાવવા માગે છે અને આ વિશે ચર્ચા થઈ રહી છે. આ ચર્ચા વચ્ચે અફઘાનિસ્તાનના દરેક ખૂણામાં હિંસા વધી રહી છે.

હિંસાથી થનાર માનવીય ક્ષતિનો અંદાજો લગાવવા માટે બીબીસીએ ઑગસ્ટ મહિનામાં થયેલી હિંસાની દરેક ઘટનાનો દસ્તાવેજ તૈયાર કર્યા હતો.

જેમાં બીબીસી એ વાતની પુષ્ટિ કરી કે એ એક મહિનાની અંદર સુરક્ષામાં ચૂકના કુલ 611 બનાવ બન્યા હતા, જેમાં આશરે 2,307 લોકોનાં મૃત્યુ થયા અને 1,948 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

એ સરવે મુજબ હિંસામાં મૃત્યુ પામનાર પ્રત્યેક પાંચમી વ્યક્તિ સામાન્ય નાગરિક હતી.

સંયુક્ત રાષ્ટ્ર મુજબ સપ્ટેમ્બર સુધીમાં હિંસામાં ઓછામાં ઓછા 1174 નાગરિકોનાં મૃત્યુ થયાં છે આમાં પણ જુલાઈ મહિનો દાયકાનો સૌથી હત્યારો મહિનો સાબિત થયો હતો.


દુનિયાનો આ સૌથી હિંસક સંઘર્ષ છે?

અફઘાનિસ્તાનમાં ચાર દાયકાથી યુદ્ધ ચાલી રહ્યું છે અને કેટલાંક વર્ષોથી ત્યાં ઘર્ષણ ચાલી રહ્યું છે.

ગત વર્ષના અંતમાં આર્મ્ડ કૉન્ફ્લિક્ટ લોકેશન ઍન્ડ ઇવેન્ટ ડેટા પ્રૉજેક્ટ (એસીએલઈડી) મુજબ અફઘાનિસ્તાનમાં યુદ્ધના કારણે મૃત્યુના સંદર્ભમાં આ દુનિયાનો સૌથી લોહિયાળ સંઘર્ષ રહ્યો છે.

2019માં મૃતકોના આંકડાના સંદર્ભમાં એસીએલઈડીના રિપોર્ટ પ્રમાણે અફઘાનિસ્તાન હજુ હિંસક સંઘર્ષનો ગઢ છે.

આ આંકડા પ્રમાણે અફઘાનિસ્તાનમાં ઑગસ્ટ મહિનામાં સીરિયા અને યમનની સરખામણીમાં ત્રણ ગણાં મૃત્યુ થયાં છે.

ત્યારે જૂન 2019માં, ગ્લોબલ પીસ ઇન્ડેક્સ રિપોર્ટ પ્રમાણે અફઘાનિસ્તાનને દુનિયાની સૌથી ઓછી શાંતિપૂર્ણ જગ્યા ઠેરવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ