#100WOMEN : ડિઝનીનાં સ્ટાર બેલા થોર્ન પોર્ન ફિલ્મો કેમ બનાવવા લાગ્યાં?

બેલા થૉર્ન Image copyright Getty Images
ફોટો લાઈન બેલા થૉર્ન

એક જમાનાની ડિઝની ટીવીની લોકપ્રિય અભિનેત્રી બેલા થૉર્ને હાલમાં જ એવી જાહેરાત કરી કે તે પોર્ન વેબસાઇટ પોર્નહબની સાથે મળીને કામ કરશે, જેથી 'રિવેન્જ પોર્ન'ને વેબસાઇટથી દૂર રાખી શકાય.

ઓન્ટારિયોના સડબરીમાં બેલાના ઘરે અમે તેમને મળ્યા હતા. શાંતિ વિસ્તારમાં આવેલા તેમના વૈભવી આવાસમાં શરદ ઋતુની શરૂઆતને કારણે પડેલાં મેપલનાં પાન વિખરાયેલાં હતાં.

બેલા ત્રણ મહિનાથી અહીં આવ્યાં છે. મિકી રુરકે સાથે મળીને તેઓ 'ગર્લ' ફિલ્મ પર કામ કરી રહ્યાં છે.

આ ફિલ્મમાં તેમનું પાત્ર એવી યુવતીનું છે, જે વતનમાં જઈને પોતાના પિતાની હત્યા કરવા માગે છે. પિતાએ જ તેનું શોષણ કર્યું હતું તેથી તે હત્યા કરવા માગે છે.

અમારી સાથેની વાતચીત દરમિયાન વચ્ચે બેલા અચાનક રડવા લાગ્યાં હતાં. તેમને રડતાં જોઈને તેનો ઑસ્ટ્રેલિયન શેફર્ડ પગ પાસે આકુળવ્યાકુળ થઈને આળોટવા લાગે છે.

વેશ્યાગીરીના ટોણા, નિરાશા, સોશિયલ મીડિયા પર ટીકાનો મારો સહિતના મુદ્દા પર અમે વાતચીત કરી ચૂક્યાં હતાં.

અમે તે બાબતની પણ ચર્ચા કરી હતી કે કેવી રીતે તેમના ચહેરાનો ઉપયોગ કરીને હજારો નકલી પોર્ન વીડિયો બની ગયા હતા.

તે વિશે વાત કરતાં થૉર્ન કહે છે, "આવી વાતોથી હું બહુ ઉદાસ થઈ જાઉં છું. મને દુનિયા પર નફરત થવા લાગે છે."

જોકે આ બધી વાતોને કારણે તેમની આંખોમાં આંસુ નહોતાં આવ્યાં.


ચાઇલ્ડ મૉડલની સફર

Image copyright Bella Thorne

દુનિયા સામે 22 વર્ષની થૉર્ને પોતાના દિલની વાતો ઠાલવી દીધી તે વાતને એક વર્ષ થઈ ગયું છે.

તેમણે પોતાના જીવનની નિરાશા, એકાકીપણું અને જાતીય શોષણના અનુભવો પરથી બહુ અંગત કવિતાઓ લખી હતી.

આ કવિતાઓ 'ધ લાઈફ ઑફ એ વૉનબી મુગલ-મેન્ટલ ડિસરે' નામના પુસ્તકમાં પ્રકાશિત થઈ હતી.

તેમણે જણાવ્યું કે પોતે નવ વર્ષની હતાં ત્યારે મોટરબાઇકના અકસ્માતમાં તેમના પિતાનું અવસાન થયું હતું.

આ અકસ્માત પછી ચાઇલ્ડ મૉડલ તરીકે તેમની કારકિર્દી ઝડપથી આગળ વધી અને તે ડિઝની ચેનલની કૉમેડી સીરિયલોમાં દેખાવા લાગી હતી.

રોમેન્ટિક ઍન્ટેશન મેળવવાની ઇચ્છા અને પોતાની સેક્સુઅલ લાઇફ વિશે મીડિયામાં બહુ ચર્ચાઓ થતી રહેતી હતી.

તે વિશે વાત કરતાં તેઓ કહે છે, "શું આ એટલા માટે થયું કે આખી જિંદગી મારું શોષણ થતું રહ્યું? બહુ નાની ઉંમરે મારા જાતીય સંસર્ગો થવા લાગ્યા હતા. શું તેના કારણે મને એવું લાગ્યું હશે કે મારી પાસે બસ આ એક જ ચીજ છે?"

ખોટા સ્પેલિંગ એમ જ રાખીને તેમણે પોતાની કવિતાઓનું પુસ્તક બહાર પાડ્યું હતું. તે આજે ઘણાં અઠવાડિયાં પછી પણ એમેઝોનની બેસ્ટસેલરની યાદીમાં છે.

Image copyright FB@BELLA THORNE

આ વર્ષે જૂનમાં પોતાના પુસ્તકના પ્રમોશન માટે તેઓ બહાર ગયા હતા. તે વખતે બેલાને એક ટેક્સ્ટ મૅસેજ મળ્યો હતો. તે કોનો હતો તે ખબર ના પડી, પણ તે ફોન નંબરથી આવતા મેસેજથી તેનું મગજ ચકરાવે ચડ્યું હતું.

બેલા યાદ કરતા કહે છે, ''એક ઇન્ટરવ્યૂમાંથી હું બહાર આવી રહી હતી. હું લગભગ રડી રહી હતી. પુસ્તક વિશે હું વાતચીત કરી રહી હતી. તે વખતે મેં મારો ફોન જોયો તો મારી નગ્ન તસવીર તેમાં હતી.''

આ એ તસવીર હતી જે તેમણે પોતાના ભૂતપૂર્વ પ્રેમીને મોકલી હતી. તે તસવીર જોઈને બેલા ચોંકી ગયાં.

તેમણે પોતાના મૅનેજરને ફોન કર્યો અને બાદમાં એજન્ટને ફોન કરીને સલાહ માગી.

તે પછી એક દિવસ સવારે તેના ફોન પર મૅસેજ એલર્ટ આવ્યો. તેમણે જોયું તો પોતાના ઇનબૉક્સમાં તેની અનેક ટૉપલેસ તસવીરો આવી ગઈ હતી. આ વખતે તેમના કેટલાક જાણીતા દોસ્તોની પણ તસવીરો પણ હતી.


ટૉપલેસ તસવીરો

પોતાના પુસ્તકમાં બેલાએ જાતીય શોષણ વિશે વિસ્તારથી લખ્યું છે. નાનપણમાં તેમનું જાતીય શોષણ થયું હતું.

જોકે તેમણે જાતીય શોષણ કરનારાની ઓળખાણ જાહેર કરી નહોતી.

તેમણે એમ પણ જણાવ્યું કે પોતાની અંદર એક ડર હતો કે પોતાની વાત પર કોઈ વિશ્વાસ નહીં કરે.

તેની પોતાના પર થયેલા અત્યાચારો વિશે તેમણે કોઈને જણાવ્યું નહોતું. ટૉપલેસ તસવીરો જોઈને ફરી એકવાર તેમના મનમાં એ બધી ઘટનાઓ તાજી થવા લાગી.

બેલાને લાગ્યું કે ફરી એકવાર તેના પર અત્યાચાર થઈ રહ્યો છે.

તેઓ કહે છે, "મને લાગ્યું કે મારા જીવનની દોરી બીજા કોઈના હાથમાં છે. મારા જીવનના નિર્ણયો તે લઈ રહ્યો છે. હું જે નહોતી કરવા માગતી તે જ મારી પાસે ફરી કરાવવામાં આવી રહ્યું હતું. ખાસ કરીને સેક્સની બાબતમાં."

ત્યારબાદ આખરે તેમણે એક નિર્ણય લીધો. તેમણે પોતાના સોશિયલ પ્લૅટફૉર્મનો ઉપયોગ કર્યો.

ટ્વિટર પર બેલાના 70 લાખ ફૉલોઅર છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના ફૉલોઅરની સંખ્યા 2.2 કરોડ પહોંચી છે, જ્યારે ફેસબૂકમાં પણ તેના 90 લાખ ફૉલોઅર છે.

આ સોશિયલ મીડિયા પર જ બેલાએ પોતાની ટૉપલેસ તસવીરો જાહેર કરી દીધી.

Image copyright FB@BELLA THORNE

સાથે જ હેકરે ધમકી આપતા મેસેજ કર્યા હતા તેનો સ્ક્રીનશોટ પણ મૂકી દીધો. બેલાએ તેની સાથે લખ્યું, "હું આ તસવીરો એટલા માટે જાહેર કરી રહી છું તમે મારી પાસેથી મારું કશું છીનવી નહીં શકો."

જોકે પોતાની જ તસવીરો જાહેર કરી દેવાના નિર્ણય વિશે જુદા જુદા પ્રકારના અભિપ્રાયો તેમને મળ્યા.

અમેરિકના ચેટ શૉ 'ધ વ્યૂ'ની વૂપી ગોલ્ડબર્ગે બેલાની ટીકા કરી કે તેમણે આવી તસવીરો પાડવા જ શા માટે દીધી હતી.

ગોલ્ડબર્ગનું એવું પણ કહેવું હતું કે, "તમે મશહૂર હો તો મને તેની કોઈ પરવા નથી કે તમે કેટલી ઉંમરના છો. તમારે પોતાની નગ્ન તસવીરો લેવી જોઈએ નહીં."

ગોલ્ડબર્ગ પોતાના કાર્યક્રમમાં કહ્યું કે તમે તમારી તસવીર લો છો ત્યારે તે ક્લાઉડમાં જતી રહે છે અને ત્યાંથી તે હેક થઈ શકે છે. જો તમને 2019માં આ વાતની ખબર ના હોય તો પછી એ જ એક સમસ્યા છે.

બેલા થૉર્ને ઇન્સ્ટાગ્રામ પર ગોલ્ડબર્ગને તેનો જવાબ આપ્યો. તેમણે આ ટીકાઓને હલકી અને અપમાનજનક ગણાવી. થૉર્ન કહે છે કે પોતે જે નારી માટે માન ધરાવતા હતા તેમણે આવી ટીકાઓ કરી છે.


કેવી રીતે બન્યા નકલી પોર્ન વીડિયો

Image copyright Getty Images

બેલા થૉર્ને કહ્યું કે યુવાન પોતાને અપમાનિત અને અસુરક્ષિત અનુભવે ત્યારે તેમની જાહેરમાં ટીકા કરવાથી તેમની માનસિક સ્થિતિ વધારે બગડી શકે છે.

થૉર્ને કહ્યું, "કોઈ કિશોરી કે કિશોરની આવી તસવીરો શાળામાં ફરી વળે તો તે આત્મહત્યા કરવા માટે વિચારવા લાગશે."

બેલાએ ઓનલાઇન પોતાની ટૉપલેસ તસવીર મૂકી દીધી, તે તેમની અસલી ટૉપલેસ તસવીર હતી. પરંતુ બેલાના ઘણા પોર્ન વીડિયો નેટ પર ઉપલબ્ધ છે, તે તેના નથી. આ બધા નકલી વીડિયો છે.

સેક્સ કરી રહેલી અન્ય અભિનેત્રીઓના ચહેરા પર બેલાનો ચહેરો ચીપકાવી દેવાયેલો છે.

આવા નકલી વીડિયો બનાવી શકાય તેવી ઍપ્લિકેશન્સ હોય છે, જેમાં મનફાવે તેવી રીતે તસવીરો બદલી શકાય છે.

એક વિચલિત કરી દેતા વીડિયોમાં હસ્તમૈથુન કરી રહેલી મહિલા છે. તેના પર બેલાનો ચહેરો લગાવી દેવાયો હતો.

તેમાં રડવાનો અવાજ ઉમેરી દેવાયો હતો. આ રડવાનો અવાજ બેલાનો અસલી અવાજ છે.

તે પોતાના પિતાને યાદ કરીને રડી રહી હતી તે ઓડિયો લઈને આમાં ઉમેરી દેવાયો હતો.

બીબીસી સાથે વાત કરતાં બેલાએ કહ્યું, "આ વીડિયો ચારે બાજુ ફેલાઈ ગયો હતો. બધાને એમ હતું કે હું જ તે વીડિયોમાં છું. તે લોકોએ વળી વીડિયોમાં ડેડી, ડેડી... એવા સબટાઇટલ આપી દીધા હતા."


નકલી વીડિયો બનાવવાની ટેક્નિક બની સામાન્ય

Image copyright FB@BELLA THORNE

સૉફ્ટવેર ડેવલપર્સ સાથે બીબીસીએ વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે એક તસવીરના આધારે નકલી વીડિયો તૈયાર કરવાની ટેક્નિક એક વર્ષમાં જ બધા લોકોના હાથમાં આવી જશે. આ વાતને કારણે બેલા વધારે ચિંતામાં છે.

તેઓ કહે છે, "તે પછી માત્ર જાણીતા લોકોની સાથે જ આવું થશે તેવું નથી. તેના કારણે નાની ઉંમરની છોકરીઓના નકલી પોર્ન બનાવવાનો સીલસીલો ચાલુ થઈ જશે."

બેલાના જણાવ્યા અનુસાર આવા વીડિયોનો ઉપયોગ બદલો લેવા માટે, બ્લેકમેઇલ કરવા માટે અને યુવતીઓનો ઉપયોગ કરીને વસૂલી કરવા માટે થઈ શકે છે. આવી મહિલાઓ પાસે પોતાની જેમ સોશિયલ મીડિયાની તાકાત પણ નહીં હોય કે તેને નકલી વીડિયો ગણાવી શકે.

તેમણે કહ્યું કે ફિલ્મનું દિગ્દર્શન કરવાનું તેમણે એટલા માટે નક્કી કર્યું કે ફિલ્મઉદ્યોગમાં સ્ત્રી દિગ્દર્શકોની જરૂર છે.

તેના કારણે મહિલાઓની જાતીયતા દર્શાવતી કહાણીઓમાં એક નવું પરિવર્તન જોવા મળશે.

બીબીસીએ હાલમાં જ એક તપાસ કરી હતી. તેમાં જોવા મળ્યું હતું કે પોર્નહબ વેબસાઇટ રિવેન્જ પોર્ન એટલે કે બદલો લેવા માટે તૈયાર થયેલા પોર્ન વીડિયોમાંથી મોટી કમાણી કરી રહી છે. તે વિશે તેમનો અભિપ્રાય અમે પૂછ્યો હતો.

Image copyright Getty Images
ફોટો લાઈન બેલા થૉર્નને તેમની એક એડલ્ટ ફિલ્મ માટે 2019માં પોર્નહબ ઍવૉર્ડ મળ્યો હતો.

રિવેન્જ પોર્ન એટલે એવો વીડિયો, જેમાં કપલે સહમતીથી સંસર્ગ કર્યો હોય અને તેનો વીડિયો પણ ઉતાર્યો હોય. બાદમાં તેનો ઉપયોગ કરીને બ્લેકમેઇલ કરવાની કોશિશ થતી હોય છે.

અથવા બ્રેકઅપ પછી બદનામ કરીને બદલો લેવાની ભાવના હોય છે, તેથી તેને જાહેર કરી દેવામાં આવે છે, જે પોર્ન વેબસાઇટ પર દેખાતો થઈ જાય છે.

બીબીસીના આ અહેવાલ વિશે થૉર્ને પહેલીવાર જાણ્યું ત્યારે તેમનો વિશ્વાસ હચમચી ગયો હતો. તેમણે કહ્યું કે આ વાત "હું જાણતી નહોતી."

તેમની આંખમાંથી આંસુ પડવા લાગ્યાં અને કહેવા લાગ્યાં કે, "કોઈક બાબત સાથે તમે જોડાવ ત્યારે તમને થાય કે તેનાથી સારું જ થશે. મેં કોશિશ કરી હતી અને મદદ કરી હતી, પણ એક દિવસ ખબર પડે કે..."

તેમનો અવાજ તરડાવા લાગ્યો હતો. મેં કહ્યું કે પોર્નહબ વિશેની વાતચીત આપણે બાદમાં કરીશું. તમે તપાસ કરીને પછી તેનો જવાબ આપી શકો છો.

બેલાએ કહ્યું, "હું નથી ઇચ્છતી કે હું ખોટી સાબિત થાઉં. તેથી હું મેં પ્રથમ વાર અભિપ્રાય આપ્યો હતો તેને જ જાળવી રાખવા માગું છું."

Image copyright FB@BELLA THRONE

અમારો ઇન્ટરવ્યૂ હવે પૂર્ણ થયો હતો.

પોર્નહબ વેબસાઇટની માલિક કંપની માઇન્ડગીકે બીબીસી સાથે વાતચીતમાં કહ્યું કે, "અમે અમારા યૂઝર્સને પોતાનું કન્ટેન્ટ શેર કરવા માટે, સુરક્ષિત સ્પેસ આપવાનું કામ કરીએ છીએ. અમે નથી ઇચ્છતા કે રિવેન્જ પોર્નને સ્થાન આપીને અમે નુકસાન કરીએ."

અમે હોટેલ પર પહોંચ્યા ત્યારે મને થૉર્નની આસિસ્ટન્ટનો મૅસેજ મળ્યો. તેઓ મને એક ઇવેન્ટનું આમંત્રણ આપવા માગતા હતા. ડિપ્રેશન સામે લડત આપવા માટેના એ કાર્યક્રમનું નામ હતું - 'મેક શ્યોર યોર ફ્રેન્ડ્સ આર ઓકે.'

થૉર્ન ઇચ્છે છે કે તેમના માટે આ કાર્ય ઘણું અગત્યનું છે અને પોતાના ચાહકો તેના વિશે જાણે. ત્રણ દિવસ પછી તે કાર્યક્રમ હતો.

તે કાર્યક્રમમાં બેલાએ કહ્યું હતું, "હું મોટી થઈ રહી હતી ત્યારે મારી આસપાસ એકબે ડિપ્રેશનનો ભોગ બનેલા લોકો મળતા હતા. પરંતુ આજકાલ તમે જેને જુઓ તે ડિપ્રેશનમાં છે."

"તેની પાછળ કોઈ ને કોઈ કારણ હશે. મને લાગે છે કે તેનું કારણ એ છે કે આપણે સોશિયલ મીડિયાના જમાનામાં ઊછરી રહ્યા છીએ."

કાર્યક્રમમાંથી બહાર નીકળ્યા પછી મને થૉર્નની એક દોસ્તે જણાવ્યું કે તેમણે તમારા ઇન્ટરવ્યૂ બાદ સીધો જ પોર્નહબને ફોન કર્યો હતો. ફોન કરીને જણાવ્યું હતું કે આપણે એક જાહેરાત કરી દેવી જોઈએ.

તે અઠવાડિયા પછી જ થૉર્ને દિગ્દર્શક તરીકે બનાવેલી પોતાની પ્રથમ એડલ્ડ ફિલ્મ 'હર એન્ડ હિમ' માટે ઍવૉર્ડ મળ્યો હતો. પોર્નહબ ઍવૉર્ડ્સમાં તેમની ફિલ્મને સન્માન મળ્યું હતું.

પોર્નોગ્રાફિક ફિલ્મો માટે વધુ ને વધુ મહિલા દિગ્દર્શકોને સ્વીકારવા માટે તેમણે એડલ્ડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના લોકોનો આભાર માન્યો હતો. સાથે જ તેમણે રિવેન્જ પોર્નની આકરી ટીકા કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો