પાકિસ્તાનમાં બ્રેસ્ટ કૅન્સરને કારણે દર વર્ષે 17,000થી વધુ મહિલાઓનાં મોત

  • શબનમ મહેમૂદ
  • બીબીસી વર્લ્ડ સર્વિસ
કિમો થૅરાપી દરમિયાન સિલ્વટ ઝફર

ઇમેજ સ્રોત, Silvat Zafar

ઇમેજ કૅપ્શન,

કિમો થૅરાપી દરમિયાન સિલ્વટ ઝફર

એશિયામાં બ્રેસ્ટ એટલે કે સ્તન કૅન્સરનું સૌથી વધુ પ્રમાણ પાકિસ્તાનમાં છે. આ રોગની સારવાર માટે તેનું વહેલું નિદાન થાય એ જરૂરી હોય છે, પણ તબીબી નિષ્ણાતોને ભય છે કે શીલ, મર્યાદાની સંસ્કૃતિને કારણે વધુ મહિલાઓ આ રોગની સારવાર માટે આગળ આવતાં નથી.

વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનમાં બ્રેસ્ટ કૅન્સરને કારણે દર વર્ષે 17,000થી વધુ મહિલાઓ મૃત્યુ પામે છે.

જોકે પાકિસ્તાનમાંના સખાવતી સંગઠનો અને ડૉક્ટરોનો દાવો છે કે બ્રેસ્ટ કૅન્સરથી મૃત્યુ પામતાં મહિલાઓનો વાર્ષિક આંકડો 40,000ની નજીક છે.

તેઓ કહે છે કે દેશની પ્રત્યેક નવમાંથી એક મહિલા બ્રેસ્ટ કૅન્સરનો ભોગ બને છે, પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક મર્યાદાઓને કારણે મહિલાઓને જીવતા રહેવા મદદ મેળવવાનું અત્યંત મુશ્કેલ બની રહે છે.

બ્રેસ્ટ કૅન્સર ચેરિટી માટે કામ કરતી સંસ્થા પિંક રિબન ફાઉન્ડેશનના ઓમર આફતાબ કહે છે કે "બ્રેસ્ટ કૅન્સરનો સંબંધ મહિલાની સેક્સ્યુઆલિટી સાથે છે. તેથી એ પાકિસ્તાનમાં છોછની બાબત બની જાય છે. તેને એક રોગ ગણવાને બદલે સેક્સ્યુઆલિટીનો મુદ્દો ગણવામાં આવે છે."

બ્રેસ્ટ કૅન્સરમાંથી ઊગરી ગયેલી મહિલાઓ માટે બાકીનું જીવન 'એકલવાયું' બની રહે છે.

'હું મારા પરિવારને અગ્રતા આપું છું'

ઇમેજ સ્રોત, Silvat Zafar

ઇમેજ કૅપ્શન,

ડિઝનીમાં વૅકેશન દરમિયાન સિલ્વટ ઝફર

પ્રાથમિક શાળાનાં શિક્ષિકા સિલ્વટ ઝફર આયુષ્યના વીસમાં દાયકામાં હતાં ત્યારે તેમને તેમના સ્તનમાં ગાંઠ હોવાની ખબર પડી હતી.

તેમણે એ વાત તેમના પરિવારથી છુપાવવાનું નક્કી કર્યું હતું. એ સમયે તેમનો આખો પરિવાર ડિઝની વર્લ્ડમાં હોલીડે માણવા જવાની તૈયારી કરી રહ્યો હતો.

સિલ્વટ કહે છે કે "અમારા સમાજમાં છોકરીઓ તેમની અંગત બાબતો વિશે ચૂપ રહે છે."

"તેના વિશે વાત જ કરવાની ન હોય. બ્રેસ્ટ કૅન્સર એવું હું કહી શકે નહીં. મારાં માતા મરણ પામ્યા હતાં અને પરિવારમાં હું એકલી જ મહિલા હોવાથી ચૂપ રહી હતી."

વૅકેશન દરમિયાન સિલ્વટે પહોળાં વસ્ત્રો પહેરીને વિકસતી ગાંઠને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. એ સમયે તેમને જે અસહનીય પીડા થતી હતી તેની ચર્ચા પણ તેઓ મોકળાશથી કરી શકતાં નહોતાં.

છ મહિના પછી તેમને મદદ મળી ત્યારે તેમનું બ્રેસ્ટ કૅન્સર ત્રીજા સ્ટેજમાં પહોંચી ચૂક્યું હતું.

તેનો અર્થ એ થયો કે ગાંઠ મોટી થઈ ગઈ હતી અને તેમના શરીરમાં રોગના ફેલાવાનું જોખમ તોળાઈ રહ્યું હતું. એ તબક્કે તેમની સારવાર પણ અસરકારક સાબિત થઈ હતી.

સિલ્વટની હાલતથી પાકિસ્તાનનાં અગ્રણી બ્રેસ્ટ સર્જન પૈકીનાં એક ડૉ. હુમા માજીદ પરિચિત હતાં.

ડૉ. હુમા માજીદ લાહોરની ઇત્તેફાક હૉસ્પિટલમાં એક ક્લિનિક ચલાવે છે અને બ્રેસ્ટ કૅન્સરનાં હજારો દર્દીઓને સારવાર આપે છે.

ડૉ. હુમા માજીદ કહે છે, "મહિલાઓ તેમના પરિવારને અગ્રતા આપતી હોય છે. તેઓ પહેલાં પોતાનો વિચાર કરતી નથી."

પાકિસ્તાનમાં મહિલાઓને સારવાર સંબંધી મદદ મેળવવામાં આડખીલીરૂપ બનતી બાબતોમાં એક છે બ્રેસ્ટ કૅન્સર વિશે વાત કરવાની 'શરમ'.

અનેક મહિલાઓ અને તેમના પતિઓ પુરુષ સર્જન પાસે નિદાન કરાવવામાં ખચકાય છે, કારણ કે બ્રેસ્ટ કૅન્સરનો સંબંધ મહિલાના શરીરના એક ઇન્ટિમેટ હિસ્સા સાથે હોય છે.

ઇમેજ કૅપ્શન,

ડૉક્ટર હુમા માજીદ

ડો. હુમા માજીદ એ સિવાયનાં કારણ પણ જણાવે છે.

તેઓ કહે છે, "પાકિસ્તાનના પિતૃસત્તાક સમાજમાં પરિવારની મહિલાઓના સ્વાસ્થ્યની સંભાળ છેક છેલ્લી બાબત હોય છે."

"ઘણી મહિલાઓએ સારવાર માટે તેમના પરિવારના પુરુષ સભ્યો પર આધાર રાખવો પડે છે. વળી એવી સારવાર મોટાં શહેરોમાં જ ઉપલબ્ધ હોય છે."

અહીં આર્થિક પરિસ્થિતિ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે.

બ્રેસ્ટ કૅન્સર સંબંધી મોટા ભાગની સેવાઓ મોટાં શહેરોમાં થતી હોય છે.

નાનાં ગામમાં રહેતાં કોઈ મહિલાએ સારવાર કરાવવી હોય તો પરિવારે તેમની સાથે મોટા શહેરમાં જવું પડે છે.

મહિલાની સાથે જવા માટે પરિવારના પુરુષે નોકરી-ધંધામાં રજા પાડવી પડે છે. તેનો અર્થ ખર્ચમાં વધારો એવો થાય.

ગ્રામીણ વિસ્તારની ગરીબ મહિલાઓને આ બાબત માઠી અસર કરે છે.

સામાજિક છોછ

ઇમેજ કૅપ્શન,

મમોગ્રામ કરાવતા સોબિયા

થોડા મહિના પહેલાં 20 વર્ષીય સોબિયાને પોતાનાં સ્તનમાં નાની ગાંઠ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

એ ગાંઠ દૂર કરાવ્યા પછી પહેલી વાર તેઓ ડૉ. હુમા માજીદ પાસે તપાસ માટે આવ્યાં હતાં.

ગયા વર્ષે કૅન્સરને કારણે પિતાનું અવસાન થયા બાદ સોબિયાએ ભણવાનું છોડી દેવું પડ્યું હતું અને નાનાં ભાઈબહેનની સંભાળ માટે શિક્ષિકા તરીકે નોકરીમાં જોડાયાં હતાં.

લાહોરમાં ડૉક્ટરની ઍપૉઇન્ટમૅન્ટ મેળવવા તેઓ અઢી કલાક પ્રવાસ કરીને આવ્યાં હતાં.

તેમના પરિવારજનો કે મિત્રો કોઈ નથી જાણતા કે સોબિયાને બ્રેસ્ટ કૅન્સર હતું અને તેની સારવાર ચાલી રહી છે.

તેમણે બધાંને એવું કહ્યું હતું કે તેઓ લગ્નની ખરીદી માટે શહેર જઈ રહ્યાં છે.

સોબિયા કહે છે, "આ બહુ જ સંવેદનશીલ બાબત છે. આ સ્તન દેહનો પ્રાઇવેટ પાર્ટ છે અને એના વિશે લોકોની સામે ચર્ચા કરાય નહીં."

"ખાસ કરીને યુવતીઓ તેમની આ બીમારી છુપાવે તેમાં જ ભલાઈ છે. અન્યથા તેમનાં લગ્નનાં માગાં આવશે નહીં. બ્રેસ્ટ કૅન્સર હોય એવી યુવતી સાથે અહીં કોઈ પરણવા ઇચ્છતું નથી."

"પહેલાં તો બીમારીના સ્ટ્રેસ સામે કામ પાર પાડવું પડે છે અને પછી તમારાં લગ્નનાં માગાં ન આવતાં હોવાથી બીજો ત્રાસ સહન કરવો પડે છે."

સિલ્વટ ઝફર સ્તન કૅન્સરમાંથી ઊગરી ગયાં તેને એક દાયકાથી વધુ સમય થયો અને હવે તેઓ લાહોરની એક સ્કૂલમાં શિક્ષિકા તરીકે કામ કરે છે, પણ એ બીમારી તેમના લગ્નના પ્રસ્તાવમાં આજે પણ સમસ્યા સર્જતી રહે છે.

સિલ્વટ ઝફર કહે છે, "મારાં લગ્નનાં ઘણાં માગાં આવે છે, પણ હું એક સમયે બ્રેસ્ટ કૅન્સરથી પીડાતી હતી એવી સામા પક્ષને ખબર પડે ત્યારે તેઓ મને સ્વીકારવા તૈયાર થતા નથી."

ઑક્ટોબર મહિનો બ્રેસ્ટ કૅન્સર વિશેની જાગૃતિ ફેલાવવાનો મહિનો છે અને પાકિસ્તાનમાં પિંક રિબન જેવાં સખાવતી સંગઠનો જોશભેર ઝુંબેશ ચલાવી રહ્યાં છે.

તેમણે લાહોરમાં મિનાર-એ-પાકિસ્તાન અને ઈસ્લામાબાદમાં ગવર્નમેન્ટ બિલ્ડિંગ જેવી મહત્ત્વની ઇમારતોને રોશનીથી ઝગમગાવી છે.

ઇમેજ કૅપ્શન,

લાહોરમાં આવેલી સુપ્રીમ કોર્ટ

પિંક રિબનની સ્થાપના 15 વર્ષ પહેલાં કરવામાં આવી હતી અને છેક હવે તેઓ બ્રેસ્ટ કૅન્સર વિશે ખુલ્લેઆમ ચર્ચા થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરી શક્યા છે.

પિંક રિબનની લેટેસ્ટ ઝુંબેશના કેન્દ્રમાં તરુણીઓ અને યુવતીઓ છે.

વહેલા નિદાન અને સ્વયં-પરીક્ષણનું મહત્ત્વ સમજાવવા માટે પિંક રિબનના કાર્યકરો સમગ્ર પાકિસ્તાનમાંની 200થી વધુ કૉલેજોની મુલાકાત લઈ રહ્યા છે.

ઓમર આફતાબ કહે છે, "યુવતીઓ મારફત અમે પરિવારની મોટી ઉંમરની મહિલાઓ સુધી પહોંચી શકીએ છીએ. કોઈ તરુણી તેના ઘરે જઈને તેના પરિવારની મહિલાઓને બ્રેસ્ટ કૅન્સરની ચકાસણી કરાવવા જણાવી શકે છે."

હવે યુવતીઓમાં બ્રેસ્ટ કૅન્સર વધારે પ્રમાણમાં ફેલાઈ રહ્યું છે.

પિંક રિબન અને પાકિસ્તાનના અન્ય કૅન્સરનિષ્ણાતોના જણાવ્યા મુજબ, બ્રેસ્ટ કૅન્સરની સારવાર લેતી યુવતીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમાં કેટલી તરુણીઓનો પણ સમાવેશ થાય છે.

એ માટે અપૂરતા પોષણયુક્ત ખોરાક, ઇન્ટરમૅરેજ અને સ્પેશિયલ સારવારના અભાવને જવાબદાર ઠરાવવામાં આવે છે.

લાહોરમાં બ્રેસ્ટ કૅન્સર હૉસ્પિટલના નિર્માણની યોજના બનાવવામાં આવી રહી છે.

પિંક રિબન ફાઉન્ડેશન દ્વારા નિર્મિત આ અત્યાધુનિક હૉસ્પિટલમાં તમામ મહિલા કર્મચારીઓ અને નિદાનથી સારવાર સુધીની તમામ સુવિધા મળશે. આ હૉસ્પિટલ 2020માં ઉનાળાથી કાર્યરત થશે.

ઇમેજ સ્રોત, Pink Ribbon

ડૉક્ટરો, સખાવતી સંસ્થાઓ અને દર્દીઓ એમ તમામનો સંદેશો એક જ છે કે બ્રેસ્ટ કૅન્સર પ્રત્યેનું વલણ બદલવું જ પડશે.

ડૉ. હુમા માજીદ કહે છે, "પાકિસ્તાનમાં પિતૃસત્તાક સમાજ હોવાથી બ્રેસ્ટ કૅન્સર પ્રત્યેનું વલણ બદલવા માટે પુરુષોને પણ સમજાવવા પડશે."

"પુરુષોને એ સમજાવવું પડશે કે આ કોઈ છોછ રાખવા જેવી બાબત નથી. બ્રેસ્ટ કૅન્સર સંબંધી ચકાસણી કરાવવા તેમની પત્નીઓ, પુત્રીઓ, બહેનો અને માતાઓને પ્રોત્સાહિત કરવાં એ તેમની જવાબદારી છે."

પરિવર્તન ધીમેધીમે આવી રહ્યું છે. ઓમર આફતાબ કહે છે કે અમને દૃષ્ટિકોણમાં થોડું પરિવર્તન દેખાય છે, પણ લોકોએ બ્રેસ્ટ કૅન્સર સંબંધી જાગૃતિ માટે અવાજ ઉઠાવવો પડશે.

ઇમેજ સ્રોત, Silvat Zafar

પોતે બ્રેસ્ટ કૅન્સરની સારવાર કરાવી રહ્યાં છે તેવું જાહેર કરવાથી ગભરાતાં સોબિયા જેવા દર્દીઓ માટે પરિવર્તન તત્કાળ થવાનું નથી.

સોબિયા કહે છે, "અભિગમ બદલાવો જોઈએ. બ્રેસ્ટ કૅન્સરથી પીડાતી સ્ત્રીને ટેકો આપો, પ્રેરણા આપો. તેની ટીકા ન કરો."

સિલ્વટ ઝફરને આશા છે કે પોતાની કથા જણાવીને તેઓ અન્ય મહિલાઓને, બહુ મોડું થઈ જાય એ પહેલાં મદદ માગવામાં ઉપયોગી થઈ રહ્યાં છે.

સિલ્વટ ઝફર કહે છે કે તમે બ્રેસ્ટ કૅન્સર માટે કંઈક તો કરી જ શકો. ડરો નહીં. સામનો કરો અને વિજેતા બનો.

(નોંધઃ આ સ્ટોરીમાં કેટલાંક મહિલાઓનાં નામ બદલવામાં આવ્યાં છે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો