કથા એ ઇમામની જે જાતિવાદ સામે લડતાંલડતાં મૃત્યુ પામ્યા

ઇમામ

ઇમેજ સ્રોત, THE IMAM HARON FOUNDATION

દક્ષિણ આફ્રિકામાં જાતિવાદનો વિરોધ કરતાં મરણ પામેલા ઇમામ અબ્દુલ્લા હારુનના સંબંધી અને મિત્રોને તેમના મૃત્યુનું બહુ દુઃખ છે.

ઇમામ અબ્દુલ્લા હારુનનું મૃત્યુ આજથી 50 વર્ષ પહેલાં થયું હતું. એ વિશે બીબીસીનાં સંવાદદાતા પૅની ડેલ માહિતી આપી રહ્યાં છે.

દક્ષિણ આફ્રિકાના કૅપટાઉનમાં વર્ષ 1969ની 29 સપ્ટેમ્બરે મહત્વની બે ઘટના બની હતી.

પહેલી ઘટના હતી વિશાળ અંતિમયાત્રા. તેમાં લગભગ 40,000 લોકો ઇમામ અબ્દુલ્લા હારુનના મૃતદેહ સાથે લગભગ 10 કિલોમિટર ચાલ્યા હતા અને મોબ્રેના કબ્રસ્તાનમાં તેમને દફનાવવામાં આવ્યા હતા.

બીજી ઘટના હતી રાતે આવેલો ભયાનક ધરતીકંપ. એ ભૂકંપે ધરતીને ખળભળાવી મૂકી હતી.

ઇમામ અબ્દુલ્લાના અંતિમ સંસ્કારમાં ગયેલા અનેક લોકો માને છે કે આ બન્ને ઘટનાના તાર એકમેકની સાથે જોડાયેલા છે. તેઓ કહે છે કે દક્ષિણ આફ્રિકાના 45 વર્ષના ઇમામનું મૃત્યુ બહુ ચોંકાવનારું હતું.

123 દિવસ સુધી જેલમાં એકાંતવાસમાં રહ્યા બાદ ઇમામ હારુનનું 27 સપ્ટેમ્બરે જેલમાં જ મૃત્યુ થયું હતું. જેલવાસ દરમિયાન રંગભેદ વિરુદ્ધના સંઘર્ષમાં સામેલગીરી વિશે તેમની રોજ પૂછપરછ કરવામાં આવતી હતી.

દક્ષિણ આફ્રિકામાં નેલ્સન મંડેલા 1994માં સૌપ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા પછી ત્યાં જાતિવાદનો, રંગભેદનો અંત આવ્યો હતો.

ઇમામ અબ્દુલ્લા હારુન રંગભેદી શાસનમાં જેલમાં મૃત્યુ પામેલા પહેલા મૌલવી હતા.

તેમનું મૃત્યુ એ વાતનો સંકેત હતું કે 'ભગવાનના લોકો' કે પછી 'ઘર્મ સાથે જોડાયેલા લોકો' પણ આ દમનકારી અને શ્વેત-વર્ચસ્વવાદી દેશમાં સલામત નથી.

ઇમામ જેવા નામનો કળાકાર

ઇમેજ સ્રોત, THE IMAM HARON FOUNDATION

ઇમામ અબ્દુલ્લા હારુનના મૃત્યુની ચર્ચા દુનિયાભરમાં થઈ હતી અને લંડનના સૅન્ટ પૉલ કૅથેડ્રલમાં જેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હોય તેવા તેઓ સૌ પ્રથમ મુસલમાન હતા.

ઇમામનું મૃત્યુ સીડી ઊતરતી વખતે પડી જવાને કારણે થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

લોકો પર અત્યાચાર અને મારપીટ કરવા માટે કુખ્યાત પોલીસના જણાવ્યા મુજબ, ઇમામની તૂટેલી બે પાંસળીઓ અને તેમના શરીર પરના ઘાનાં 27 નિશાન સાથે પોલીસને કંઈ લેવાદેવા નહોતી.

ઇમામના પરિવારે કહ્યું હતું કે તેમને પોલીસનું આ 'જુઠ્ઠાણું' સ્વીકાર્ય નથી. ઇમામના મૃત્યુનાં 50 વર્ષ પૂરાં થયાં પછી તેઓ ફરી એક વાર ઇમામના મૃત્યુનાં કારણોની તપાસની માગણી કરી રહ્યા છે.

વિઝ્યુઅલ આર્ટિસ્ટ હારુન ગુન સેલી એ અભિયાનને ટેકો આપી રહ્યા છે.

હારુનનું નામ ઇમામ પ્રત્યેના આદરના પ્રતિકરૂપે રાખવામાં આવ્યું હતું. આર્ટિસ્ટ હારુને ઇમામનાં જીવન તથા મૃત્યુ સાથે જોડાયેલી ઘટનાઓ વિશે અનેક કૃતિ સર્જી છે.

હારુન ગુન સેલી તાજેતરમાં રચેલી કૃતિ 'ક્રાઇંગ ફૉર જસ્ટિસ'ને કૅપટાઉનના કૅસલ ઑફ ગુડ હૉપના મેદાનમાં પ્રદર્શનાર્થે મૂકવામાં આવી છે.

તેમાં 118 કબરો છે, જે રંગભેદ દરમ્યાન કસ્ટડીમાં મૃત્યુ પામેલા લોકોનું પ્રતીક છે. તેમાં ઇમામ અબ્દુલ્લા હારુનના સ્મૃતિ સ્વરૂપ એક કબર પણ છે.

આ બધા લોકોને સુનાવણી વિના જેલમાં ગોંધી રાખવામાં આવ્યા હતા.

તેમનાં મૃત્યુના કારણ વિશે પોલીસે એવું કહ્યું હતું કે તેઓ સીડી પરથી પડી ગયા હતા અથવા સ્નાન કરતી વખતે લપસી પડ્યા હતા અથવા તેમણે પોતે જ બારીમાંથી પડતું મૂકીને આપઘાત કર્યો હતો.

ન્યાય માટે પોકાર

ઇમેજ સ્રોત, THE IMAM HARON FOUNDATION

ઇમેજ કૅપ્શન,

ઇમામનાં પત્ની ગાલિમા હારુન

જેલમાં થયેલા આ મૃત્યુ માટે હજુ સુધી કોઈને જવાબદાર ગણવામાં આવ્યા નથી અને આ એક એવો જખમ છે, જેની પીડા તેમના પરિવારજનો આજે પણ ભોગવી રહ્યા છે.

હારુન ગુન સેલી કહે છે કે "આ આર્ટ વર્ક જેટલો ન્યાયનો પોકાર છે એટલો જ સ્વર્ગનો પોકાર પણ છે."

હારુન ગુન સેલ ઉમેરે છે કે "આ એક પ્રકારનું જાહેર નિવેદન છે, જે ભૂતકાળની બાબતોને ફરી બહાર લાવવાની, ફાઈલો ખોળીને પુરાવા શોધવાની માગ કરે છે, જેથી પરિવારને આ કેસમાં કોઈ પ્રકારે ન્યાય મળી શકે."

ઇમામ અબ્દુલ્લા હારુનનાં 93 વર્ષનાં વિધવા ગાલિમા હારુનનું, તેમના પતિના મૃત્યુનાં 50 વર્ષ બાદ તાજેતરમાં મૃત્યુ થયું હતું. ગાલિમા તેમના જીવનકાળમાં આ કેસનો કોઈ નિકાલ જોઈ શક્યાં નહોતાં.

તેમને શ્રદ્ધાંજલિ આપતાં આફ્રિકન નેશનલ કૉંગ્રેસ(એએનસી)ના સંસદસભ્ય ફૈઝ જૅકબ્ઝે કહ્યું હતું કે "તે એક હત્યા હોય એવું લાગે છે. એ પછી વિધવા થયેલાં ગાલિમાએ તેમનાં બાળકોને એકલા હાથે ઉછેર્યાં હતાં. તેઓ હંમેશાં વિચારતાં રહ્યાં હતાં કે તેમના પતિનું મૃત્યુ ખરેખર કયાં કારણથી થયું હતું."

ફૈઝ જૅકબ્ઝે એમ પણ કહ્યું હતું કે "પોતે ગાલિમાના આત્માને ખતમ કરી નાખશે, એવું રંગભેદી શાસકો વિચારતા હોય તો તેઓ ખોટું વિચારે છે. ગાલિમા નિડર અને સિદ્ધાંતવાદી હતાં."

ઇમામ અબ્દુલ્લા હારુન દક્ષિણ આફ્રિકામાં સૌથી નાની વયના ઇમામો પૈકીના એક હતા.

કૅપટાઉનની સ્ટૅગમૅન રોડ મસ્જિદમાં લોકસમૂહના નેતૃત્વ માટે 1995માં નિમણૂક કરવામાં આવી ત્યારે ઇમામ અબ્દુલ્લા હારુન માત્ર 32 વર્ષના હતા.

તેઓ કૅપટાઉનના મિશ્ર વર્ણના રૂઢીચૂસ્ત મુસ્લિમ સમુદાયના અગ્રણી નેતા હતા.

તેમણે વયસ્ક શૈક્ષણિક વર્ગો અને ચર્ચાસમૂહોની શરૂઆત કરી હતી. તેમાં વિષયોની પસંદગી યુવાનો જ કરતા હતા અને મહિલાઓને તેમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતી હતી.

એ સિવાય તેઓ બાળકોને મસ્જિદમાં પાછળ બેસાડવાને બદલે આગળ બેસાડીને પ્રાર્થનાઓનું નેતૃત્વ કરવા આમંત્રિત કરતા હતા.

તેમણે મુસ્લિમ સમુદાયની બહારના લોકોને પણ ચર્ચામાં ભાગ લેવા માટે આમંત્રિત કર્યા હતા.

તેમાં ટ્રૅડ-યુનિયન અને ઉદારમતવાદી નેતાઓ સામેલ હતા. તેઓ ઇચ્છતા હતા કે બધા લોકો સાથે મળીને યુવા વર્ગ સાથે વાત કરે કે દક્ષિણ આફ્રિકામાં શું થઈ રહ્યું છે.

વ્યવસાયે પત્રકાર, એએનસીના સશસ્ત્ર સમૂહના ભૂતપૂર્વ સભ્ય અને કળાકાર ગુન સેલીના પિતા અનીઝ સેલી કહે છે કે "તેઓ મુસ્લિમ મૌલવીઓના ચોકઠામાં ફિટ બેસે તેવા ન હતા."

સેલી 13 વર્ષની વયે ઇમામના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. સેલી બીબીસીને કહે છે કે "ઇમામ ઘણા પ્રગતિશીલ અને તેમના સમયથી ઘણા આગળ હતા."

'જૅમ્સ બૉન્ડના પ્રશંસક'

ઇમેજ સ્રોત, Goodman Gallery

ઇમેજ કૅપ્શન,

હારુન ગુન સેલીની મુસ્લિમ નમાઝી ટોપીની કળાકૃતિ. આ કૃતિ ઇમામના અંતિમસંસ્કારમાં સામેલ લોકોનું પ્રતીક છે.

ઇમામ અબ્દુલ્લા હારુનનાં ત્રણ બાળકોમાં સૌથી નાનાં ફાતિમા હારુન-મસોઈત છે. ઇમામનું મૃત્યુ થયું ત્યારે ફાતિમા લગભગ છ વર્ષનાં હતાં.

ફાતિમા બીબીસીને કહે છે કે "તેઓ અત્યંત સૌમ્ય, દયાળુ, સ્નેહભર્યા અને મિલનસાર માણસ હતા."

ઇમામનું મૃત્યુ થયું ત્યારે તેમના પુત્ર મહમદ હારુન 12 વર્ષના હતા. હવે તેઓ બોત્સવાનામાં ધર્મશાસ્ત્રના પ્રોફેસર છે.

મહમદ હારુને તેમના પિતાને એક મોટી આધ્યાત્મિક વ્યક્તિ તરીકે યાદ રાખ્યા છે. તેઓ કિશોરવસ્થાથી જ સપ્તાહમાં બે વાર ઉપવાસ રાખે છે.

તેઓ કહે છે કે "તેમની ઓળખ એક ધાર્મિક તથા મુસ્લિમ પરંપરામાં માનતી વ્યક્તિ તરીકેની હતી."

"તેઓ એક સમાજસુધારક પણ હતા અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા હતા. તેઓ શાનદાર વસ્ત્રો પહેરતા હતા. તેમના ચહેરા પર હંમેશાં મોહક હાસ્ય રહેતું હતું. તેમને રગ્બી, ક્રિકેટ અને સિનેમાનો શોખ હતો."

ઇમામ પાસે પોતાનું એક પ્રોજેક્ટર હતું. એ સંબંધે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેમના પિતાના દોસ્તો ઘરે એકઠા થતા હતા અને શુક્રવારે તથા શનિવારે રાતે ફિલ્મો નિહાળતા હતા.

ઇમામ જૅમ્સ બૉન્ડના જબરા પ્રશંસક હતા. તેમણે 007ના નિર્માતા ઈયાન ફ્લૅમિંગના જમૈકાસ્થિત ઘરની માફક પોતાના ઘરનું નામ 'ગોલ્ડન આઈ' રાખ્યું હતું.

'ગોલ્ડન આઈ' બે માળની એક ઇમારત હતી, જેમાં એક મોટી બાલ્કની હતી અને તેની રૅલિંગને સંગીતમય ધૂન અનુસાર ડિઝાઈન કરવામાં આવી હતી.

રંગભેદ એટલે શું?

  • 1948માં આફ્રિકન મૂળની નેશનલ પાર્ટીની સરકારના નેતૃત્વમાં તેની શરૂઆત થઈ હતી.
  • તેમાં અશ્વેત લોકોને હલકા માનવામાં હતા.
  • રાષ્ટ્રીય ચૂંટણીમાં અશ્વેત લોકો મતદાન કરી શકતા ન હતા.
  • જીવનના દરેક પાસાંમાં ભેદભાવ રાખવામાં આવ્યો હતો.
  • દક્ષિણ આફ્રિકામાં અશ્વેત લોકોને જમીન ખરીદતા અટકાવવામાં આવ્યા હતા.
  • મોટાભાગની નોકરીઓ શિક્ષિત શ્વેત લોકો માટે અનામત રાખવામાં આવી હતી.
  • 1994માં ચૂંટણી પછી નેલ્સન મંડેલા સૌપ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બન્યા પછી આ રંગભેદ પર પૂર્ણવિરામ લગાવી દેવામાં આવ્યું હતું.
  • ઇમામ અબ્દુલ્લા હારુનની ઇચ્છા ખ્રિસ્તી અને સામ્યવાદીઓ સહિતના અન્ય સમુદાયના લોકો સાથે ગઠબંધન રચવાની હતી.

ઇમામના એક વિદ્યાર્થી અને રગ્બીના ભૂતપૂર્વ ખેલાડી યુસુફ 'જોવા' અબ્રાહમ ઇમામને યાદ કરતાં જણાવે છે કે રંગભેદના ક્રૂર અને જાતિવાદી કાયદાઓની સૌથી માઠી અસર જેમને થઈ હતી તે દક્ષિણ આફ્રિકાના અશ્વેત લોકો માટે ઇમામે અવાજ ઉઠાવ્યો હતો.

આ અન્યાય સામે મુસ્લિમ સમાજમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ તેમણે કર્યો હતો.

અબ્રાહમ બીબીસીને કહે છે, "આપણે જાતિવાદી દીવાલોને તોડવી પડશે અને ભવિષ્ય માટે કામ કરવું પડશે, એવું તેમણે અમને જણાવ્યું હતું."

'બર્બર' કાયદાઓને પડકાર્યા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

રંગભેદી શાસન અસહમતિની સામે અસહિષ્ણુ હતું.

ઇમામ જે ઉપદેશ આપતા હતા તેનો પોતે પણ અમલ કરતા હતા. તેઓ લાંગા, ગુગેલ્થુ અને ન્યાંગા જેવાં સ્થળોએ અશ્વેત લોકોને મળવા નિયમિત રીતે જતા હતા.

ઇમામ હોવાની સાથે-સાથે અબ્દુલા હારુને કન્ફેક્શનરી કંપની 'વિલ્સન રોનટ્રી' માટે એક વિક્રેતા તરીકે કામ પણ કર્યું હતું.

એ નોકરીનો અર્થ એવો હતો કે કાયદેસર રીતે ટાઉનશિપની બહાર જઈ શકતા હતા.

જાતિવાદી સરકારે 'ગ્રૂપ એરિયાઝ ઍક્ટ' જેવા કાયદાઓ મારફત દક્ષિણ આફ્રિકાને અલગ રાખવા અને લોકોની ગતિવિધિઓ પર પ્રતિબંધ લાદ્યા હતા.

કૅપટાઉનના ડ્રિલ હોલમાં 1961ના મે મહિનામાં આયોજિત એક જાહેર સભામાં ઇમામે એ કાયદાને 'અમાનવીય, બર્બર અને ગેરઇસ્લામી' ગણાવીને તેની ટીકા કરી હતી.

ચાર વર્ષ પછી, દક્ષિણ આફ્રિકાના અન્ય લાખો લોકોની માફક ઇમામ તથા તેમના પરિવારને પણ તેમના ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા.

એ સમયે બીજા ઇમામો આ સંબંધે કંઈ બોલતા ડરતા હતા. તેઓ માનતા હતા કે દમનકારી સરકારનો વિરોધ કરવાનું કામ તેમનું નથી.

જોકે, ઇમામ અબ્દુલ્લા હારુનની વિચારધારા એ બધાથી અલગ હતી અને તેમણે રંગભેદ વિરોધી ગુપ્ત અભિયાનમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું હતું.

એક 'શહીદ' તરીકે સ્મૃતિ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

કૅનન જૉન કૉલિન્સ (ડાબે)એ સૅન્ટ પૉલ કૅથેડ્રલમાં ઇમામ હારુનને શ્રદ્ધાંજલિ આપી હતી.

ઇમામ અબ્દુલ્લા હારુન તેમનાં પત્ની અને તેમની સાથેના લોકોને બચાવવા માટે એ વાત જાણીજોઈને છૂપાવી રાખી હતી કે તેઓ રંગભેદવિરોધી ગુપ્ત અભિયાનમાં ભાગ લઈ રહ્યા છે.

અબ્રાહમ માને છે કે ઇમામ 'તેમના રહસ્યો સાથે મૃત્યુ પામ્યા.'

અલબત, એ સમયે પ્રતિબંધિત એએનસી અને પાન આફ્રિકનિસ્ટ કૉંગ્રેસ (પીએસી) બન્ને સાથે તેમને ગાઢ સંબંધ હતો એ અબ્રાહમ જાણે છે. એએનસી અને પીએસી બન્ને પક્ષો સશસ્ત્ર સંઘર્ષ કરતા હતા.

1966માં અને 1968ના અંતે ઇમામ સાઉદી અરેબિયાના પ્રવાસે ગયા હતા. તેમણે રાજકીય આશ્રય અને વિશ્વ ઇસ્લામિક કાઉન્સિલને મળવા માટે ગ્રીસની ગુપ્ત યાત્રા કરી હતી.

તેઓ લંડન ગયા હતા. ત્યાં તેમની સૌથી મોટી દીકરી શમીલા અભ્યાસ કરતી હતી. લંડનમાં તેઓ સૅન્ટ પૉલ કૅથેડ્રલના એંગ્લિકન પાદરી કૅનન જોન કૉલિન્સને પણ મળ્યા હતા.

અલબત, 1969માં દક્ષિણ આફ્રિકા પાછા ફર્યા ત્યાં સુધીમાં તેમને આભાસ થઈ ગયો હતો કે તેમના જીવ પર જોખમ છે. વર્ષ 1969ની 28 મેના રોજ રંગભેદ પોલીસે તેમની ધરપકડ કરી હતી અને ચાર મહિના પછી તેમનું મોત થયું હતું.

ઇમામના અંતિમ સંસ્કારમાં એક શિક્ષક અને માર્ક્સવાદી વિક્ટર વૅસલ્સે કહ્યું હતું કે "ઇમામે માત્ર મુસલમાનો ખાતર નહીં, પણ દમનનો ભોગ બનેલા લોકોના કલ્યાણના હેતુસર પોતાનો જીવ આપ્યો છે."

થોડા દિવસ પછી 1969ની છઠ્ઠી ઑક્ટોબરે સૅન્ટ પૉલ કૅથેડ્રલમાં ઇમામ અબ્દુલ્લા હારુનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમના મિત્ર કૅનન કૉલિન્સે ઇમામને ધાર્મિક અને જાતિવાદી સીમાઓથી પર ગણાવવાની સાથે શહીદ પણ ગણાવ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો