અમેરિકન સેનાના ઑપરેશનમાં અલ બગદાદી માર્યો ગયો : ડોનાલ્ડ ટ્રમ્પ

બગદાદી

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

આઈએસ પ્રમુખ બગદાદી

રવિવારે વ્હાઇટ હાઉસમાં આયોજિત પત્રકારો સાથેની પરિષદમાં ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકન સૈન્યે સીરિયામાં એક અભિયાન દરમિયાન બગદાદીને મારી નાખ્યો.

ટ્રમ્પ પાસેથી મળેલી જાણકારી અનુસાર અભિયાનમાં કોઈ અમેરિકન સૈનિકના જાનમાલનું નુકસાન નથી થયુ પણ બગદાદીના કેટલાય અનુયાયીઓ માર્યા ગયા છે.

ટ્રમ્પે એવું પણ કહ્યું કે આ અભિયાનમાં અમેરિકન સૈન્યને 'અત્યંત સંવેદનશીલ જાણકારીઓ અને વસ્તુઓ' મળી છે.

ટ્રમ્પે કહ્યું, "અબુ બકર અલ બગદાદીનું મૃત્યુ થયું છે. એ ઇસ્લામિક સ્ટેટનો સંસ્થાપક હતો. આ દુનિયાનું સૌથી હિંસક અને ક્રૂર સંગઠન હતું. અમેરિકા કેટલાંય વર્ષોથી બગદાદીને શોધી રહ્યું હતું."

ટ્રમ્પે ઉમેર્યું, "બગદાદીને જીવતો પકડવો કે મારવો એ મારી સરકારની રાષ્ટ્રીય સુરક્ષા માટેની સૌથી પહેલી પ્રાથમિકતા હતી. અમેરિકન સૈન્યનાં વિશેષ દળોએ ઉત્તર-પશ્ચિમ સીરિયામાં રાતે એક પરાક્રમી અને જોખમી અભિયાનને અંજામ આપ્યો અને શાનદાર સફળતા હાંસલ કરી."

ટ્રમ્પે એવું પણ જણાવ્યું, "શનિવારે સ્પેશિયલ ફૉર્સના દરોડા બાદ બગદાદીએ પોતાની જાતને આત્મઘાતી જૅકેટથી ઉડાડી દીધી."

'સતત રડી રહ્યો હતો બગદાદી'

અમેરિકન રાષ્ટ્રપતિએ રવિવારે અમેરિકન સમયાનુસાર લગભગ નવ વાગ્યે પત્રકારોને જણાવ્યું, "હું બગદાદીના માર્યા જવાની પુષ્ટિ કરું છું."

ટ્રમ્પે કહ્યું કે બગદાદીનું મૃત્યુ એક ઘાતક સુરંગમાં પડ્યા બાદ થયું.

ટ્રમ્પે કહ્યું, "અમેરિકન શ્વાનોએ બગદાદીને દોડાવ્યો અન તે સતત રડી રહ્યો હતો. બૂમો પાડી રહ્યો હતો."

આ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે 'કંઈક બહુ મોટું થયું છે.'

કોણ છે બગદાદી અને તેની આટલી ચર્ચા કેમ?

ઇમેજ સ્રોત, AFP

આઈએસના લીડર બગદાદીને વિશ્વનો મોસ્ટ વૉન્ટેડ મૅન માનવામાં આવે છે.

ઑક્ટોબર 2011માં અમેરિકાએ તેને સત્તાવાર રીતે 'આતંકવાદી' જાહેર કર્યો હતો અને તેના માથે 10 મિલિયન અમેરિકી ડૉલરનું ઇનામ રાખ્યું હતું. બગદાદી યુદ્ધવ્યૂહરચના માટે જાણીતો છે.

તેનો જન્મ 1971માં ઇરાકની રાજધાની બગદાદ પાસે આવેલા સમારામાં થયો હતો અને તેનું મૂળ નામ ઇબ્રાહિમ અવાદ અલ-બદ્રી છે.

કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે 2003માં જ્યારે અમેરિકાએ ઇરાક પર ચડાઈ કરી તે સમયે બગદાદી શહેરની આસપાસ આવેલી એક મસ્જિદમાં મૌલવી હતો.

કેટલાક લોકો માને છે કે સદામ હુસૈનના શાસન દરમિયાન જ તે એક ઉગ્રવાદી હતો.

કેટલાકનું કહેવું છે કે તે અમેરિકાના કૅમ્પમાં કટ્ટરવાદી બની ગયો હતો. દક્ષિણ ઇરાકમાં આવેલા બુક્કા કૅમ્પમાં અલ કાયદાના ઘણા ઉગ્રવાદીઓને રાખવામાં આવ્યા હતા.

2010માં તે ઇરાકમાં અલ કાયદાના નેતા તરીકે ઊભરી આવ્યો હતો, આ ગ્રૂપ બાદમાં આઈએસ સાથે ભળી ગયું હતું.

જ્યારે સીરિયાના અલ નૂસરા સંગઠન સાથે તે ભળ્યો તે બાદ આઈએસના લીડર તરીકે તેનો ઉદય થયો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો