એ સોફ્ટવૅર જેનાથી પતિ-પત્ની એકમેકની જાસૂસી કરે છે

સોશિયલ મીડિયા Image copyright Getty Images

એમીએ જણાવ્યું કે જ્યારે એને લાગ્યું કે એમના પતિ એમના મિત્રોની ઘણી અંગત બાબતો જાણે છે, ત્યારે આ બધાની શરૂઆત થઈ.

એમી જણાવે છે, "વાતચીત દરમિયાન અમુક એવી વાતો કરી દેતા, જેવી કે સારાના બાળક અંગેની જાણકારી, જેની એમને જાણ નહોતી હોવી જોઈતી. હું એમને પૂછું કે એની કઈ રીતે રીતે ખબર પડી તો તેઓ કહેતા કે મેં જ તો એમને જણાવ્યું હતું અને આરોપ લગાવતા કે હું વાતો કરીને ભૂલી જઉં છું."

એમી(નામ બદલ્યું છે)ને કુતૂહલ થતું કે તેમના પતિને કઈ રીતે દર વખતે ખબર પડી જતી કે તેઓ ક્યાં છે.

"ક્યારેક મારા પતિ કહેતા કે તેમણે મને મારા મિત્રો સાથે એક કૅફેમાં ત્યારે જોઈ, જ્યારે તેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. હું દરેક વાત પર પ્રશ્નો કરવા લાગી અને કોઈના પર પણ વિશ્વાસ નહોતી મૂકી શકતી. મારા મિત્રો પર પણ નહીં."

થોડા મહિનામાં આ બહુ વધી ગયું. એમીનું લગ્નજીવન પહેલાંથી જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું હતું. પરંતુ આ ઘટના બાદ તેમનું જીવન એક નઠારા સ્વપ્ન જેવું બની ગયું. એક ફૅમિલી ટ્રિપ બાદ તેમના સંબંધનો અંત આવ્યો.


રોજનો રિપોર્ટ

Image copyright Getty Images

એમી યાદ કરતાં કહે છે, "અમારા એ પ્રવાસની વાત છે. અમારો છ વર્ષનો દીકરો રમતો હતો અને તે બહુ ખુશ હતો."

"મારા પતિએ એક ખેતરની તસવીર લીધી હતી, એ બતાવવા માટે તેમણે મને ફોન આપ્યો. એ જ વખતે તેમના ફોનની સ્ક્રીન પર મેં એક ઍલર્ટ જોયું."

તેના પર લખ્યું હતું, "એમીના મૅકનો દૈનિક અહેવાલ તૈયાર છે."

"હું ચોંકી ગઈ, એક મિનિટ માટે તો જાણે મારા શ્વાસ જ અટકી ગયા. મેં મારી જાતને સંભાળી અને કહ્યું હું બાથરૂમમાં જઈને આવું છું. મારે મારા દીકરાના કારણે ત્યાં રોકાવું પડ્યું. મેં એવું નાટક કર્યું કે જાણે મને કંઈ ખબર જ નથી."

એમી જણાવે છે, "બને એટલી ઝડપથી હું લાઇબ્રેરી ગઈ અને એ સ્પાયવૅર(જાસૂસી માટેનું સોફ્ટવૅર) વિશે કૉમ્પ્યુટર પર જાણકારી મેળવી. એ વખતે મને ખબર પડી કે જેના વિશે વિચારીવિચારીને હું મહિનાઓથી ગાંડી થઈ રહી હતી તે કઈ વાત હતી."

Image copyright Getty Images

સ્ટૉકવૅર, જેને સ્પાયવૅર પણ કહેવાય છે, તે એક શક્તિશાળી સોફ્ટવૅર પ્રોગ્રામ છે. જેની મદદથી કોઈના પર નજર રાખી શકાય છે. તે ઇન્ટરનેટ પર સરળતાથી ખરીદી શકાય છે.

આ સોફ્ટવૅર દ્વારા કોઈ પણ ડિવાઇસના બધા મૅસેજ વાંચી શકાય છે, સ્ક્રીન ઍક્ટિવિટી રેકર્ડ કરી શકાય છે.

જીપીએસ લોકેશન ટ્રૅક કરી શકાય છે અને આ સોફ્ટવૅર જાસૂસી માટે કૅમેરાનો ઉપયોગ કરે છે, જેનાથી ખબર પડે છે કે વ્યક્તિ શું કરી રહી છે.

સાઇબર સિક્યૉરિટી કંપની 'કૅમ્પર્સકી'ના મતે ગયા વર્ષે પોતાના ડિવાઇસમાં આવું સોફ્ટવૅર હોવાની 35 ટકા લોકોને ખબર પડી.

'કૅમ્પર્સકી'ના સંશોધકો કહે છે કે પ્રૉટેક્શન ટેકનૉલૉજીથી ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 37,532 ઉપકરણોમાં સ્ટૉકવૅર ઇન્સ્ટૉલ કરાયું હોવાનું જાણવા મળ્યું છે.

લીડ સિક્યૉરિટી રિસર્ચર ડ‌ૅવિડ એમ કહે છે કે આ બહુ જ ગંભીર સમસ્યા છે અને મુદ્દો ઘણો મોટો છે.

તેઓ કહે છે, "મોટા ભાગના લોકો પોતાના કૉમ્પ્યૂટર અને લેપટૉપને તો બચાવી લે છે પણ પોતાના મોબાઇલ ડિવાઇસને બચાવી શકતા નથી."

'કૅમ્પર્સકી'ના રિસર્ચ મુજબ સ્ટૉકવૅરનો સૌથી વધુ ઉપયોગ રશિયામાં કરવામાં આવે છે. ત્યારબાદ આ યાદીમાં ભારત, બ્રાઝિલ, અમેરીકા અને જર્મની જેવા દેશો આવે છે.


પોતાને કેવી રીતે બચાવશો?

Image copyright Getty Images

એક અન્ય સિક્યૉરિટી કંપનીના જણાવ્યા અનુસાર જો કોઈને લાગે કે તેમની જાસૂસી થઈ રહી છે તો પગલાં લેવાં જ જોઈએ.

'ઈસેટ' કંપની સાથે જોડાયેલા જૅક મૂર કહે છે, "સલાહ આપવામાં આવે છે કે તમે તમારા ફોનમાં રહેલી તમામ ઍપ્લિકેશન વેરિફાઇ કરો અને જરૂર પડે તો વાઇરસની જાણકારી મેળવવા માટે ઍનાલિસિસ કરો."

"તમારા ફોનમાં રહેલી જે ઍપ્લિકેશન વિશે તમને માહિતી ન હોય તેના અંગે જાણી લો અને જરૂર પડે ત્યારે તેને ફોનમાંથી દૂર કરી દો."

તેઓ કહે છે, "નિયમ બનાવી લો કે જે ઍપ્લિકેશનનો ઉપયોગ ન કરતા હોવ તેને કાઢી જ નાંખો."

એક સિક્યૉરિટી ઍપ ડાઉનલોડ કરી લો. ઍન્ટી-વાઇરસથી સ્પાયવૅરની ખબર પડી જશે.

Image copyright Getty Images

એમીએમીને જ્યારે ખબર પડી કે તેમના કૉમ્પ્યૂટરમાં આવું સોફ્ટવૅર ઇન્સ્ટૉલ કરી દેવામાં આવ્યું છે ત્યારે ટેકનૉલૉજી પરનો તેમનો વિશ્વાસ ઘટી ગયો.

સખાવતી સંસ્થાઓના મતે આ પ્રકારના આઘાત બાદ કોઈના મનમાં આવી વાતો આવવી સામાન્ય બાબત છે.

જૅસિકા સ્ટૉકવૅરનાં એવાં જ પીડિતા છે. તેમના પૂર્વ પતિ તેમના ફોનના માઇક્રોફોન મારફતે જાસૂસી કરતા હતા. પછી તેઓ જ્યારે જૅસિકા સાથે વાત કરતા તો એવી વાતો કહેતા જે જૅસિકાએ તેમના મિત્રો સાથે વાત કરતી વખતે કહી હોય.

જૅસિકાને આ સંબંધમાંથી બહાર આવ્યાં એ વાતને ઘણાં વર્ષો થઈ ગયાં છે, પરંતુ આજે પણ જ્યારે તેઓ પોતાના મિત્રોને મળે છે તો પોતાનો ફોન ઘરે મૂકીને જાય છે.


જીવનભરઅસર

Image copyright Getty Images

ડૉમેસ્ટિક વાયોલન્સના વિરુદ્ધ કામ કરતી સંસ્થા સાથે જોડાયેલાં ગૅમા ટૉયટન કહે છે કે ઘણી ઘટનાઓમાં પીડિતો પર જીવનભર અસર રહે છે.

"તેઓ બીજા કોઈ પર ભરસો કરી શકતાં નથી. તેઓ ફોન કે લૅપટૉપને હથિયારની રીતે જુએ છે. કારણ કે તેમના માટે એ ડિવાઇસ કોઈ હથિયારની રીતે જ ઉપયોગમાં લેવાયું હતું."

ગૅમા ટૉયટન કહે છે, "તેમને લાગે છે કે ટેક્નૉલૉજીથી તેઓ ઘેરાઈ ગયાં છે, ઘણા લોકો તો ઇન્ટરનેટનો ઉપયોગ જ બંધ કરી દે છે."

"આ તમારા સમગ્ર જીવન પર અસર કરે છે. ચિંતાની વાત છે કે આ સ્ટૉકવૅરનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરાઈ રહ્યો છે."

હવે એમીએ છૂટાછેડા લઈ લીધા છે અને તેઓ પોતાના પૂર્વ પતિથી અનેક કિલોમિટર દૂર રહે છે.

તેમના પતિ તેમની સાથે સીધો સંપર્ક કરી શકતા નથી અને દીકરાની દેખભાળ અંગેની તેમની વાત પત્રો થકી જ જાણી શકે છે.

એમી કહે છે કે આ પ્રકારની ટેકનિકની વિરુદ્ધ કાયદો બનવો જોઈએ.

એમી કહે છે જ્યારે કોઈ આ સોફ્ટવૅર ડાઉનલૉડ કરે છે તો તેમને એવું લખેલું જોવા છે કે "અમે તમને તમારી પત્નીની જાસૂસી કરવાની પરવાનગી આપતા નથી."

"જોકે તેમને ખબર છે કે ગ્રાહક શા માટે આ સોફ્ટવૅર ખરીદે છે. આ સોફ્ટવૅર ઘણું નુકસાન કરે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો