આ રીતે થાય છે મહિલાઓના ઑનલાઇન સોદા

સમગ્ર મીડલ ઇસ્ટમાં મોબાઈલ એપ્લિકેશન દ્વારા હજારો મહિલાઓનો વેપાર કરવામાં આવે છે.

તમે કુવૈતના રસ્તાઓ પર ફરતાં હોવ તો તમને આ મહિલાઓ દેખાશે નહીં. તેઓ બંધબારણામાં હશે, જ્યાં જીવન જીવવાના મૂળભૂત અધિકારોથી જોજનો દૂર છે. ત્યાંથી તેઓ નીકળી પણ નથી શકતાં. તેમને ભય છે કે તેઓને કોઈ ઊંચી કિંમત આપીને ખરીદી ન લે.

પરંતુ માત્ર સ્માર્ટફોન ઉઠાવતાં આવી હજારો મહિલાઓની તસવીરો તમારી સામે આવી જશે, જેમની વર્ણ મુજબ યાદી બનાવવામાં આવી છે.હજાર ડૉલરમાં તમે ઇચ્છો તેને ખરીદી શકો છો.

બીબીસી ન્યૂઝ અરેબિકના એક અન્ડરકવર એજન્ટ દ્વારા માહિતી મેળવવામાં આવી કે કેટલીક ઘરેલુ કામદાર મહિલાઓને ગેરકાયદેસર રીતે ખરીદીને ખૂબ મોટાં બ્લૅકમાર્કેટમાં ઑનલાઇન વેચવામાં આવે છે.

તેના માટે ગૂગલ પ્લે અને ઍપલ ઍપ સ્ટોર પર અમુક ઍપ્લિકેશન બનાવવામાં આવી છે. તેમજ ફેસબુકના ઇન્સ્ટાગ્રામ પર અમુક હેશટૅગ દ્વારા તેમને શોધી શકાય છે.

ગુલામ મહિલાઓનું માર્કેટ

ઇમેજ કૅપ્શન,

ઊર્મિલા ભૂલા

યુનાઇટેડ નેશન્સનાં હાલના સમયમાં ગુલામીપ્રથાના વિવિધ પ્રકારો અંગેના રિપૉર્ટર ઊર્મિલા ભૂલા કહે છે, "તેઓ ગુલામોના એક ઑનલાઇન બજારને પ્રોત્સાહન આપી રહ્યા છે."

"જો ગૂગલ, ઍપલ કે ફેસબુક જેવી અન્ય પણ કોઈ કંપની આ પ્રકારની ઍપ્લિકેશનને મંચ પૂરો પાડતી હોય તો તેમની જવાબદારી બનશે."

કુવૈતનાં દસમાંથી નવ ઘરમાં ઘરકામ માટે લોકો રખાતા હોય છે જે ગરીબ દેશોમાંથી આવતા હોય છે, જેથી તેઓ પૈસા કમાઈને પોતાના પરિવારને મોકલી શકે.

કુવૈતમાં એક નવપરિણીત દંપતી તરીકે આવ્યાં હોવાની ઓળખ આપીને બીબીસી અરેબિકની અન્ડરકવર ટીમે આવી ઍપનો ઉપયોગ કરતાં 57 લોકો સાથે વાત કરી.

તેમજ 'ફોરસેલ' ઍપ્લિકેશન દ્વારા પોતાનાં કામવાળાંને તેમને વેચવા માગતા લગભગ 12 લોકોની મુલાકાત પણ લીધી.

આ બધા જ વેપારીઓએ આ મહિલાઓના પાસપૉર્ટ જપ્ત કરી લીધા હતા. તેમને બહુ ઓછો અથવા તો ફોનનો ઉપયોગ બિલકુલ કરવા મળતો નહોતો.

ફોરસેલ ઍપમાં તમે વર્ણ મુજબ પસંદગી કરી શકો છો અને તેમના ફોટોની બાજુમાં કૌંસમાં તેમની શ્રેણી મુજબ કિંમત લખેલી હોય છે.

અન્ડરકવર ટીમને આ મહિલાઓ પાસે ઘણી વખત એવું સાંભળવા મળ્યું કે "ભારતના લોકો સૌથી ગંદા હોય છે."

માનવ અધિકારોનું ઉલ્લંઘન

પોતાને આ મહિલાઓના માલિક ગણાવતા વેપારીઓએ ટીમને એવી વિનંતી કરવામાં આવતી કે જેમાં આ મહિલાઓના મૂળભૂત માનવ અધિકારોનું ઉલ્લંઘન થતું હતું.

જેમ કે તેમને "એક દિવસ તો શું, એક મિનિટ કે સેકન્ડ માટે પણ નવરાશ મળવી જોઈએ નહીં."

એક વ્યક્તિ જે પોલીસકર્મી હતી તે પોતાનાં કામવાળાંને વેચવા માગતી હતી.

તેમણે કહ્યું, "મારો વિશ્વાસ કરો, એ બહુ સારી છે. તે હસે છે અને હંમેશાં હસતો ચહેરો રાખે છે. તમે તેને સવારના પાંચ વાગ્યા સુધી જગાડશો તો પણ તે કશું જ બોલશે નહીં."

તેમણે બીબીસી ટીમને કહ્યું કે કેવી રીતે ઘરકામ કરતાં મહિલાઓને એક મિલકત ગણવામાં આવે છે.

"તમને કોઈ એક કામવાળીને 600 કુવૈત ડૉલર (2 હજાર ડૉલર)માં ખરીદતાં જણાશે, જે તેમને 1,000 કુવૈત ડૉલર (3,300 ડૉલર)માં વેચશે."

તેમણે ગ્રાહકોને સલાહ આપી, "તેને પાસપૉર્ટ ક્યારેય આપશો નહીં. તમે તેમના સ્પૉન્સર છો તો તમારે તેને પાસપૉર્ટ આપવાની શું જરૂર છે?"

એક ચોંકાવનારી ઘટનામાં બીબીસી ટીમને એક 16 વર્ષીય છોકરીની ઑફર કરવામાં આવી, આપણે તેને 'ફાતો' કહીશું.

તેમને પશ્ચિમ આફ્રિકાના ગિનીથી કુવૈત લાવવામાં આવ્યાં હતાં. તેઓ છ મહિનાથી ઘરકામ કરે છે.

જ્યારે કાયદેસર રીતે ઘરકામ કરાવવા માટે 21 વર્ષની ઉંમર ફરજિયાત છે.

તેના વેચનારે તે અંગે માહિતી આપતાં કહ્યું કે તેમણે ફાતોને ક્યારેય વિરામ નથી આપ્યો, તેમનો પાસપૉર્ટ અને ફોન જપ્ત કરી લેવામાં આવ્યાં છે.

તેમજ તેમને ઘરમાંથી એકલાં બહાર જવા દેવામાં આવતાં નથી. જ્યારે કુવૈતમાં આ બધું જ ગેરકાયદેસર છે.

સ્પૉન્સરની મંજૂરી

ઇમેજ કૅપ્શન,

પોતાના માલિક સાથે ફાતો

ઊર્મિલા ભૂલા કહે છે, "આ આધુનિક ગુલામીનું તાદૃશ સ્વરૂપ છે. અહીં આપણે એક બાળકનો મિલકતના કોઈ હિસ્સાની જેમ વેપાર થતો જોઈ શકીએ છીએ."

ખાડીના મોટા ભાગના દેશોમાં એજન્સીઓ દ્વારા ઘરેલુ કામદારો લાવવામાં આવે છે અને પછી તેમની સરકારી નોંધણી કરવામાં આવે છે.

ધનિક લોકો આ એજન્સીઓને પૈસા ચૂકવે છે અને આ કામદારોના કાયદેસરના સ્પૉન્સર બની જાય છે.

આ પદ્ધતિને 'કાફલા' પદ્ધતિ કહેવાય છે. જેમાં કામદાર નોકરી બદલી કે છોડી શકતાં નથી. તેઓ સ્પૉન્સરની મંજૂરી વિના દેશ પણ છોડી શકતાં નથી.

2015માં આ ઘરેલુ કામદારો માટે કુવૈતમાં ખાડીના દેશોનો એક સૌથી કડક કાયદો લાવવામાં આવ્યો, પણ એ કાયદા વિશે ઘણા લોકોને ખબર નથી.

ફોરસેલ જેવી ઍપ્લિકેશનથી વેપારીઓ નફા માટે ઘરેલુ કામદારોની સ્પૉન્સરશિપ અન્ય લોકોને વેચી દે છે.

આ પદ્ધતિમાં એજન્સીને અવગણીને એક ગેરકાયદેસર બજાર ચલાવાય છે, જે મહિલાઓને વધુ શોષણ અને પીડા સહન કરવાની સ્થિતિમાં મૂકી દે છે.

આ ગુલામોનું ઑનલાઇન બજાર માત્ર કુવૈત પૂરતું સીમિત નથી.

સાઉદી અરેબિયામાં થયેલી તપાસમાં જાણવા મળ્યું કે આવી જ અન્ય એક મોબાઇલ ઍપ્લિકેશન 'હારજ' પર સેંકડો મહિલાઓને વેચવામાં આવે છે.

આવી જ સેંકડો મહિલાઓ ફેસબુકની માલિકીના ઇન્સ્ટાગ્રામ પર પણ વેચાય છે.

હકીકતમાં એક નર્ક

ઇમેજ કૅપ્શન,

બીબીસીની ટીમ ફાતોના ઘરે પહોંચી

બીબીસીની ટીમ ફાતોના પરિવારનો સંપર્ક કરવા માટે ગિની પહોંચી. એ 16 વર્ષીય છોકરી જે તેમને કુવૈતમાં ઑફર કરાઈ હતી.

દર વર્ષે અહીંથી ખાડીના દેશોમાં ઘરકામ માટે સેંકડો મહિલાઓનો સોદો થાય છે.

કુવૈતનાં એક પૂર્વ કામદાર મહિલા, જેમને એક સ્ત્રીએ ખરીદ્યા હતાં, તેમને ગાયની ગમાણમાં ઊંઘવું પડતું.

પોતાની યાદ તાજી કરતાં તેમણે કહ્યું, "કુવૈત ખરા અર્થમાં નર્ક છે. અન્ય એક મહિલાએ કહ્યું કે કુવૈતના ઘર બહુ જ ખરાબ છે. તો એક મહિલાએ કહ્યું, "ઊંઘ નહીં, ભોજન નહીં, કશું નહીં."

કુવૈતના વહીવટી કર્મચારીઓએ ફાતોને શોધ્યાં હતાં અને તેમને કામદારો માટેના સરકાર સંચાલિત શેલ્ટરમાં લઈ ગયા હતા.

તેઓ સગીર હોવાથી તેમને બે જ દિવસમાં ગિની પરત મોકલી દેવાયાં હતાં.

તેમણે બીબીસીને જણાવ્યું, "તેઓ મારા પર ખિજાતાં અને મને પશુ કહેતાં. મને બહુ દુઃખ થતું, તેનાથી હું નિરાશ થઈ જતી, પણ હું કંઈ જ કરી શકું તેમ નહોતી."

તેમની મુલાકાત લેનાર બીબીસીની ટીમને તેમણે જણાવ્યું કે હવે તેઓ ફરીથી કોનાક્રીની શાળાએ જવા લાગ્યા છે.

તેઓ કહે છે, "હું બહુ ખુશ છું. હવે મારું જીવન સારું છે. મને જાણે કોઈ ગુલામીમાંથી મુક્તિ મળી હોય તેવું લાગે છે."

હેશટૅગ દૂર કરાયો

ઇમેજ સ્રોત, Getty Images

કુવૈતની સરકાર કહે છે, "તેઓ આ પ્રકારના વર્તનની સખત વિરુદ્ધમાં છે અને આ પ્રકારની ઍપની સઘન તપાસ થવી જોઈએ."

હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયાં નથી અને ફાતોને વેચવા માગતા મહિલા વિરુદ્ધ પણ કોઈ જ કાયદેસરની કાર્યવાહી થઈ નથી.

તેના વેપારીએ બીબીસીને તેમનું મંતવ્ય જણાવવાની માગણીનો ક્યારેય કોઈ જવાબ આપ્યો નથી.

બીબીસીની ટીમે ઍપ્લિકેશન અને ટૅક કંપનીઓનો સંપર્ક કર્યો.

ફોરસેલ દ્વારા ઘરેલુ કામદારની શ્રેણી દૂર કરવામાં આવી અને ફેસબુક દ્વારા "خادمات للتنازل#" એટલે કે "#maidsfortransfer" દૂર કરવામાં આવ્યું છે.

સાઉદીની હારજ ઍપ્લિકેશન દ્વારા કોઈ જ પ્રતિસાદ આપવામાં આવ્યો નથી.

ગૂગલ અને ઍપલ બંનેએ બીબીસીને જણાવ્યું છે કે તેમના ઍપ્લિકશન સ્ટોરમાં આ પ્રકારના વર્તન માટે કોઈ સ્થાન નથી. તેઓ આ ઍપના ડેવલપર્સ સાથે આ પ્રકારના મંચ પર કાયદાની મર્યાદામાં રહીને કામ કરી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો