વિશ્વના નંબર વન ઑલરાઉન્ડર ખેલાડી પર ICCએ પ્રતિબંધ કેમ મૂક્યો?

શાકિબ અલ હસન

ઇમેજ સ્રોત, Getty Images

બાંગ્લાદેશની ક્રિકેટ ટીમના કૅપ્ટન અને વિશ્વના નંબર વન વનડે ઑલરાઉન્ડર શાકિબ અલ હસન પર ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ બે વર્ષનો પ્રતિબંધ લાદી દીધો છે.

'ભ્રષ્ટ આચરણની પેશકશ' અંગેની જાણકારી આઈસીસીને ન આપવાના કારણે તેમની વિરુદ્ધ આ કાર્યવાહી કરાઈ છે.

આ બે વર્ષ દરમિયાન તેઓ કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક ક્રિકેટ મૅચમાં ભાગ નહીં લઈ શકે.

જો કે, તેમણે આઈસીસી દ્વારા લગાવાયેલા ઍન્ટિ-કરપ્શન (ભ્રષ્ટાચારવિરોધી) કોડના ઉલ્લંઘનના ત્રણ આરોપો સ્વીકારી લીધા, અને એ પછી પ્રતિબંધનો સમયગાળો 1 વર્ષ ઘટાડી દેવાયો હતો.

આઈસીસી પ્રમાણે શાકિબ પર 'જાન્યુઆરી, 2018માં બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઝિમ્બાબ્વે ત્રિકોણીય સિરીઝ અને આઈપીએલ 2018 દરમિયાન ભ્રષ્ટાચાર માટે કરાયેલી પેશકશની માહિતી એસીયુને નહીં આપવા તેમજ જાન્યુઆરી 2018માં કરાયેલી બીજી પેશકશની માહિતી નહીં આપવા અને 26 એપ્રિલ, 2108ના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે યોજાયેલી આઈપીએલ મૅચને લઈને કરાયેલી પેશકશની માહિતી એસીયુને નહીં આપવાનો' આરોપ હતો.

આવતા વર્ષે કરી શકે છે વાપસી

ઇમેજ સ્રોત, PRESS ASSOCIATION

આઈસીસી પ્રમાણે, "શાકિબ અલ હસને ઍન્ટિ-કરપ્શન ટ્રિબ્યૂનલની સુનાવણી દરમિયાન તેમની પર લગાવાયેલા આરોપો સ્વીકારી લીધા છે."

"પ્રતિબંધ દરમિયાન જો તેઓ તમામ શરતોનું પાલન કરશે તો 29 ઑક્ટોબર, 2020માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પાછા ફરી શકે છે."

આ પ્રતિબંધને લઈને શાકિબે જણાવ્યું કે, "હું જે રમતને પ્રેમ કરું છું, પ્રતિબંધના કારણે હું તે નહીં રમી શકું. આ વાતથી હું દુખી તો છું, પરંતુ મને કરાયેલી પેશકશની માહિતી ન આપવાના કારણે મારા પર લદાયેલા પ્રતિબંધ મને સંપૂર્ણપણે મંજૂર છે."

આઈસીસીના જનરલ મૅનેજર એલેક્સ માર્શલે કહ્યું, "શાકિબ અલ હસન ખૂબ જ અનુભવી આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. તેઓ જાગરુકતા સત્રમાં સામેલ થયા છે અને તેઓ એ પણ સારી રીતે જાણે છે કે આ કોડ અંતર્ગત તેમની જવાબદારીઓ શું છે."

"તેમણે આવી દરેક પેશકશની માહિતી આપવી જોઈતી હતી."

શાકિબ અલ હસને વર્ષ 2006માં પ્રથમ આંતરરાષ્ટ્રીય મૅચ રમી હતી. તેઓ 206 વનડે, 76 ટી-20 અને 56 ટેસ્ટ મૅચ રમી ચૂક્યા છે. તેમણે ટેસ્ટમાં 210 અને વનડેમાં 260 વિકેટ લીધી છે. તેમજ ટેસ્ટમાં 3862 અને વનડેમાં 6323 રન બનાવ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો