બ્રિટનમાં 12 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે, 100 વર્ષ બાદ ડિસેમ્બરમાં ચૂંટણી

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સન

બ્રિટનમાં બ્રેક્સિટના મૂંઝવણની વચ્ચે હવે 12 ડિસેમ્બરના રોજ ચૂંટણીઓ યોજાશે.

બ્રિટનના સાંસદોએ 12 ડિસેમ્બરના રોજ સામાન્ય ચૂંટણી કરાવવાના પક્ષમાં મતદાન કર્યું છે.

બ્રિટનની સંસદના નીચલા ગૃહ 'હાઉસ ઑફ કૉમન્સ'માં 12 ડિસેમ્બરે ચૂંટણી યોજવા મામલે મતદાન કર્યું હતું.

જેમાં 438 સાંસદોએ ચૂંટણી યોજવાના પક્ષમાં મતદાન કર્યું અને વિરોધમાં 20 સાંસદોએ મતદાન કર્યું હતું.

બ્રિટનમાં હવે 12 ડિસેમ્બરના રોજ ચૂંટણીઓ થશે અને 13 ડિસેમ્બરના રોજ તેનું પરિણામ આવશે.

આવી રીતે 418 મતોના બહુમત સાથે બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સનની 12 ડિસેમ્બરના રોજ ચૂંટણી કરાવવાની યોજના સફળ થઈ ગઈ.

આ સાથે જ છેલ્લાં પાંચ વર્ષોમાં બ્રિટનમાં આ પાંચમી ચૂંટણી હશે.

વર્ષો બાદ ડિસેમ્બરમાં ચૂંટણી

જોન્સનને આશા છે કે આ ચૂંટણીઓ બાદ તેમને બ્રેક્સિટ ડીલ કરવામાં સરળતા રહેશે અને ચૂંટણીનું પરિણામ તેમને સંસદમાં ચાલી રહેલી મડાગાંઠ ઉકેલવામાં મદદ કરશે.

નવી સમયસીમા મુજબ યુકેએ 31 જાન્યુઆરી સુધીમાં યુરોપિયન યુનિયનથી અલગ થવાનું છે.

બ્રિટનમાં 1923 બાદ પ્રથમ વખત ડિસેમ્બર મહિનામાં ચૂંટણીઓ યોજાઈ રહી છે.

લેબર પાર્ટીના નેતા જેરેમી કૉર્બિન કહ્યું કે હું સતત કહેતો આવ્યો છું કે અમે ચૂંટણી માટે તૈયાર જ છીએ.

આ પહેલાં સાંસદોએ ત્રણ વાર પ્રસ્તાવનો વિરોધ કરીને તેને આગળ વધતો અટકાવી દીધો હતો.

ડિસેમ્બરમાં ચૂંટણી મુશ્કેલ કેમ?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

બ્રિટનમાં ડિસેમ્બરમાં ભયંકર ઠંડી પડે છે

બ્રિટનમાં સામાન્ય રીતે ઠંડીની ઋતુમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવતું નથી. તેનું કારણ છે અહીંનું પ્રતિકૂળ વાતાવરણ.

ડિસેમ્બર મહિનામાં અહીં ભયંકર ઠંડી હોય છે અને તાપમાન ખૂબ જ નીચું જતું રહે છે. એવામાં આવનારી ચૂંટણીઓ મુશ્કેલ હશે.

શિયાળાની ઋતુમાં બ્રિટનમાં દિવસો ખૂબ નાના હોય છે અને બપોર બાદથી જ અંધારું થવા લાગે છે.

આવી સ્થિતિમાં ચૂંટણીની પ્રક્રિયા સરળતાથી સંપન્ન કરાવવી એક મોટો પડકાર બની રહેશે.

બીબીસી સંવાદદાતા ગગન સબરવાલના જણાવ્યા પ્રમાણે એક મોટી મુશ્કેલી એ પણ હશે કે 12 ડિસેમ્બરના રોજ થનારી ચૂંટણી માટે મતદાનકેન્દ્રો બનાવવાની જગ્યાઓ પણ ખૂબ ઓછી હશે.

એટલા માટે કારણ કે ક્રિસમસ અને લગ્નોનો સમય હશે. અનેક મોટી જગ્યાઓ પહેલાંથી જ ક્રિસમસ, લગ્નો અને પાર્ટીઓ માટે બુક કરી લેવામાં આવી છે.

એવામાં એવું બની શકે કે મતદાનકેન્દ્રો દૂર હશે અને આ વિસ્તારોમાં લોકોને ત્યાં સુધી પહોંચવું મુશ્કેલ બની જશે.

આવી સ્થિતિને કારણે મતદાનની ટકાવારીમાં ઘટાડો થવાની શક્યતા જોવાઈ રહી છે.

એટલું જ નહીં, આ સાંસદો માટે મુશ્કેલ સમય હશે તેમને ભયંકર ઠંડીની વચ્ચે લોકો પાસે ચૂંટણીપ્રચાર માટે જવાનું હશે.

ચૂંટણીની બ્રેક્સિટ પર શું અસર પડશે?

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી સંવાદદાતા ગગન સબરવાલના કહેવા પ્રમાણે બ્રેક્સિટની દિશામાં આગળ શું થશે તે 12 ડિસેમ્બરની ચૂંટણીઓ અને તેનાં પરિણામ પર આધાર રાખશે.

આગામી ચૂંટણીમાં વડા પ્રધાન બોરિસ જૉન્સન જો બહુમત હાંસલ કરવામાં સફળ થઈ ગયા તો તેઓ પોતાની શરતો પર યુરોપિયન સંઘમાથી અલગ થશે.

જો કોઈ અન્ય પક્ષ ચૂંટણીમાં જીતે અથવા કોઈ અન્ય વડા પ્રધાન બને તો એવું બની શકે કે તે બ્રિટનના લોકો સામે બ્રેક્સિટ મામલે બીજો જનમતસંગ્રહનો પ્રસ્તાવ રાખે.

'નો ડીલ બ્રેક્સિટ' એટલે કોઈ પણ સમજૂતી વિના બ્રિટન યુરોપિયન સંઘમાંથી નીકળી જાય તેવી પણ શક્યતા છે. જોકે, અનેક લોકો, વેપારીઓ અને સાંસદોનું કહેવું છે કે જો બ્રિટન કોઈ પણ સમજૂતી વિના યુરોપીય સંઘમાંથી નીકળી જાય તો તેની બ્રિટનની અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો