TOP NEWS: બગદાદીના મોત બાદ ઇસ્લામિક સ્ટેટના નવા નેતા અબુ ઇબ્રાહીમ હાશમી કોણ છે?

અબુ બક્ર અલ બગદાદી

ઇમેજ સ્રોત, DEPARTMENT OF DEFENSE/REUTERS

ઇમેજ કૅપ્શન,

અબુ બક્ર અલ બગદાદી

ઇસ્લામિક સ્ટેટે પોતાના નેતા અબુ બક્ર અલ બગદાદીના માર્યા ગયાની ખાતરી કરી છે અને તેમના ઉત્તરાધિકારીનાં નામની ઘોષણા કરી દીધી છે.

ઇસ્લામિક સ્ટેટે મૅસેજિંગ સર્વિસ ટેલીગ્રામ દ્વારા જાહેરાત કરી છે કે અબુ ઇબ્રાહિમ અલ-હાશમી તેના નેતા હશે.

એક ઑડિયો સંદેશમાં ઇસ્લામિક સ્ટેટે પોતાના પ્રવક્તા અબુ અલ હસન મુઝાહિરના માર્યા ગયાની પણ ખાતરી કરી છે. તેનું મૃત્યુ 27 ઑક્ટોબરે અમેરીકી-કુર્દ દળોના અન્ય એક ઑપરેશનનાં થયું.

અબુ હમ્ઝા અલ કુરેશી ઇસ્લામિક સ્ટેટના નવા પ્રવક્તા છે જેમણે અબુ ઇબ્રાહિમ અલ હાશમીના હાથ મજબૂત કરવા મુસલમાનોને આહ્વાન કર્યું છે.

અબુ ઇબ્રાહિમ અલ હાશમી અમેરીકાના સુરક્ષા દળો માટે પરિચિત નામ નથી. ઇસ્લામિક સ્ટેટે પોતાના નવા નેતા વિશે વધુ માહિતી આપી નથી. તેમની કોઈ તસવીર પણ જાહેર કરી નથી.

પરંતુ ઇસ્લામિક સ્ટેટનો દાવો છે કે અબુ ઇબ્રાહિમ અલ હાશમી જૂના જેહાદી લડાકુ છે જે પશ્ચિમની વિરુદ્ધ લડાઈ લડી ચૂક્યા છે.

ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં સોનાની માગ ઘટી

ઇમેજ સ્રોત, Getty Images

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ આ નવરાત્રિ અને દિવાળીના તહેવારોની મોસમમાં ગુજરાતમાં સોનાની માગમાં ઘટાડો થયો છે.

અમદાવાદ એક કાર્ગો કૉમ્પલેક્સના ડેટા મુજબ ઑક્ટોબર 1થી 25 દરમિયાન માત્ર 2.06 મેટ્રિક ટન સોનાની આયાત થઈ છે.

જે નવેમ્બર 2018માં 7.3 ટન, ઑક્ટોબર 2017માં 5.2 ટન, ઑક્ટોબર 2016માં 9.2 ટન અને નવેમ્બર 2015માં 6.3 ટન હતી. જે છેલ્લા પાંચ વર્ષની સૌથી ઓછી આયાત છે.

ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સના ડિરેક્ટર હરેશ આચાર્યના જણાવ્યા અનુસાર મંદી તેમજ સોનાના ઊંચા ભાવના કારણે લોકોમાં સોનાની માગ પ્રત્યે ઉદાસીનતા જણાઈ.

WhatsApp જાસૂસી મામલાને રાહુલે રફાલ સાથે જોડ્યો

ઇઝરાયલી સ્પાયવૅર પેગાસસનો ઉપયોગ કરીને ભારતીય પત્રકારો અને માનવ અધિકાર કાર્યકર્તાઓની જાસૂસીની ખબરથી રાજકારણમાં હલચલ મચી ગઈ છે.

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર આ જાસૂસી મે મહિના દરમિયાન કરવામાં આવી હતી.

આ ખબર બાદ સરકાર દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે ભારત સરકાર વૉટ્સઍપ પર ભારતના નાગરિકોની પ્રાઇવસીના ઉલ્લંઘન બાબતે ચિંતિત છે.

જ્યારે રાહુલ ગાંધીએ આ મુદ્દાને રાફાલ સાથે જોડીને સરકાર પર નિશાન સાધ્યું છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, "સરકારે વૉટ્સઍપને પૂછ્યું છે કે ભારતીય નાગરિકોની જાસૂસી કરવા માટે પેગાસસને કોણે ખરીદ્યું છે, બિલકુલ એવી જ રીતે જેમ મોદીએ ડસૉલ્ટને પૂછેલું કે રાફાલ વિમાનની ડીલમાં કોણ પૈસા કમાયું."

રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની તપાસને મંજૂરી

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાની સંસદના નીચલા ગૃહ હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્ઝએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની તપાસ ઔપચારિક રીતે શરૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

તેનો અર્થ એવો નથી કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ ચલાવવાની મંજૂરી મળી ગઈ છે. તેનો હેતુ એવો છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરુદ્ધ તપાસ જાહેર સ્તર પર પહોંચશે.

ડેમૉક્રેટ્સના નિયંત્રણવાળા હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્ઝમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ માટે સમર્થન મેળવવાની આ પહેલી ઔપચારિક કોશિશ છે.

વ્હાઇટ હાઉસે આ પ્રસ્તાવની ટીકા કરી છે. માત્ર બે ડેમૉક્રેટ્સ સાસંદોએ આ પ્રસ્તાવના વિરોધમાં મત આપ્યો છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ આક્ષેપને ફગાવતાં પ્રસ્તાવને અમેરિકાના ઇતિહાસની સૌથી મોટી 'વીચ હંટ' ગણાવી છે.

રિપબ્લિકન પાર્ટીના વ્હીપ સ્કેલિસે કહ્યું કે આપણે ઇતિહાસના મહત્ત્વના દોરમાં છીએ. આવતા વર્ષે દેશ નક્કી કરશે કે હવે રાષ્ટ્રપતિ કોણ હશે, નેન્સી પેલોસી અને મુઠ્ઠીભર લોકો નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો